જયશ્રી ભક્ત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 4, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જયશ્રી ભક્ત
હવે થાકી ગઈ છું
તારી સાથે લડીને..
જાત સાથે લડીને..
નથી જીતવું
હથિયાર હેઠાં મૂકી દેવા છે
કંઈ જ સાબિત નથી કરવું
કંઈ જ નથી જોઈતું…
કંઈ જ નહીં… હા… હા, કંઈ જ નહીં
બસ, આ મેદાન છોડી દેવું છે!
પણ,
અભિમન્યુ
અને
મારી સમસ્યા
એક જ છે…
– જયશ્રી ભક્ત
સાચી અને સારી કવિતા હંમેશા બહુ ઓછા અને બહુ સરળ શબ્દો પહેરીને આવે છે. “સમસ્યા” નામના ઉંબરા પર પગ મૂકીને આપણે આ કવિતાના ઘરમાં પ્રવેશીએ છીએ એટલે આપણે તૈયાર છીએ કે કોઈક ઘેરા રંગ સાથે આપણો ભેટો થનાર છે પણ એ રંગ કેટલો ઘેરો ને ઘાટો હોઈ શકે એ તો કવિતામાં પ્રવેશ્યા પછી જ ખબર પડે.
કવિતાનો ઉપાડ ‘હવે’થી થાય છે. આ એક જ શબ્દમાં અત્યારપર્યંતની તમામ નિષ્ફળ કોશિશોનો નિચોડ આવી જાય છે. પ્રથમ પંક્તિથી સાબિત થઈ જાય છે કે આ એક ‘હવે’ થાકેલી સ્ત્રીની એકોક્તિ છે. તારી સાથે લડીને… જાત સાથે લડીને… અહીં કવયિત્રી ક્યાંય “હું’ આવવા દેતા નથી એ વાતની સમજણની ક્ષિતિજ પર “તારી” અને “જાત” એકાકાર થઈ જતા અનુભવાય છે. પછીની પંક્તિઓમાં જિંદગીનો થાક, હાર અને નિરાશા સતત દ્વિગુણિત થતા રહે છે. નાની અમથી કવિતાની પાંચ પંક્તિમાં ચાર-ચાર વાર પુનરુક્તિ પામતા ‘કંઈ જ’ની ધાર આપણા અહેસાસને આરપાર ચીરી નાંખે છે… હજી સુધી કવયિત્રીનો હું કવિતાથી દૂરનો દૂર જ રહ્યો છે જેનો પ્રવેશ આખી કવિતામાં છેલ્લેથી બીજી પંક્તિમાં માત્ર એકવાર થાય છે.
કવિતાના ભાગ પાડી નાંખતી ખાલી જગ્યાઓ પણ ખૂબ બોલકી લાગે છે. જે વાત કવયિત્રી શબ્દોમાં નથી કરતાં એ “બિટ્વિન ધ લાઇન્સ” વંચાતું રહે છે. કવયિત્રીનો આ વિશેષ એમની અગાઉની રચનામાં પણ નજરે ચડે છે.
સમસ્યા કઈ છે એ તો આપણે સહુ જાણીએ જ છીએ… મારે તો કવિતાની technical achievement વિશે જ વાત કરવી હતી… હું તો આને ચૌદ પંક્તિનું મુક્ત-સૉનેટ કહેવા લલચાઈ રહ્યો છું.
અને હા, ટહુકો.કોમની સફળ સંચાલિકા જયશ્રીને આજે જન્મદિવસની વધાઈ આપવાનું તે કેમ ભૂલાય? જન્મદિન મુબારક હો, જયશ્રી !
Permalink
September 4, 2012 at 9:18 AM by વિવેક · Filed under અછાંદસ, જયશ્રી ભક્ત
(આ સ્મિત રહે સનાતન…. …હેપ્પી બર્થ ડે, જયશ્રી)
*
તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?
જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?
– જયશ્રી ભક્ત
આમ જોઈએ તો બે જ પંક્તિની કવિતા. પણ વિચારીએ તો બે છીપની વચ્ચે એક અણમોલ મોતી. સાચો પ્રેમ એટલે એ અવસ્થા જ્યાં બે જણ એકમેકમાં ઓગળી જાય… ઓગળી ગયા પછી પરત શી રીતે કરી શકાય? હા, મારી જિંદગી માંગે તો આપી દઉં… પણ પ્રેમની એક ‘પળ’ જે આખા ‘જીવતર’થી પણ વિશેષ છે એ શી રીતે આપી શકાય?
હા, આજે ટહુકો.કોમની જયશ્રીની વર્ષગાંઠ પણ છે… એને લયસ્તરો પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…
ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.
Permalink
July 14, 2012 at 1:21 AM by વિવેક · Filed under અછાંદસ, જયશ્રી ભક્ત
તારી સાથે વાત કરવી
નથી ગમતી
આજ-કાલ.
‘કેમ છે?’
એવું તું પૂછી લઈશ તો ?
હું શું જવાબ આપું?
હું ગમે એ કહું,
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતી નથી..
પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
કશું પૂછતો જ નથી
બસ, મારો હાથ પકડી લે છે,
અને કહે છે –
મારી આંખો માં જો..!
– જયશ્રી ભક્ત
સારી કવિતા ક્યારે કઈ જગ્યાએથી મળી આવે એ કહેવું અશક્ય હોય છે. શબ્દ અને સંગીતની દિવસ-રાત આરાધના કરતાં કરતાં ટહુકો.કોમની સંચાલિકા જયશ્રી અચાનક જ આ કવિતા મને મેલમાં મોકલે છે અને હું તાત્ક્ષણિક જવાબ આપું છું કે આ હું લયસ્તરો માટે રાખી શકું? બરાબર બે અઠવાડિયા પછી એ સંમતિ આપે છે…
સાવ સરળ કવિતા પણ કેવી મર્મવેધક ! દરિયાના મોજાંની જેમ પ્રેમમાં લાગણીઓ અને મન-મેળ પણ આવ-જા અને ભરતી-ઓટને અનુસરતા હોય છે. ભીતરની અવઢવ વ્યક્ત કરી પ્રિયજનને તકલીફ ના પહોંચાડે એ સાચો પ્રેમ અને એ શબ્દાતીત અવઢવને સામે ચાલીને સમજી-વાંચી લે એ વળી સાચા પ્રેમની જ ઉત્કટતા…
મને તો કવિતામાં વચ્ચે વચ્ચે આવતી ખાલી જગ્યા પણ સતત બોલતી હોય એમ લાગી…
Permalink