કુમાર જૈમિની શાસ્ત્રી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 21, 2017 at 1:59 AM by વિવેક · Filed under કુમાર જૈમિની શાસ્ત્રી, ગઝલ
એક એકલતા મને તારા સુધી લઈ જાય છે
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી
તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.
કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે –
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.
તું જશે તો આ જગત જાણી જશે તારા વગર
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.
સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.
– કુમાર જૈમિની શાસ્ત્રી
મત્લાનો અભાવ અને એકાદ જગ્યાએ નજીવા છંદદોષને બાદ કરીએ તો નખશિખ આસ્વાદ્ય રચના. પહેલા શેરમાં એકલતાની જે વિભાવના કવિ રજૂ કરે છે એ કદાચ પ્રણયમાં વિરહની સર્વોત્કૃષ્ટ અભિવ્યક્તિ છે.
Permalink
November 8, 2013 at 12:30 AM by વિવેક · Filed under કુમાર જૈમિની શાસ્ત્રી, ગઝલ
એક પડછાયો ત્વચાના આવરણથી નીકળે
કેટલા રસ્તા નદી થાવા ચરણથી નીકળે
મન-લુભાવન સ્કીમ સોનેરી હરણથી નીકળે
રોજ રામાયણ નવી, સીતાહરણથી નીકળે
પંથ ભૂલ્યાનો ભરોસો ઈશ્વરો પણ ના કરે
જન્મ લઈ પ્રત્યેક જીવ એના શરણથી નીકળે
ડૂબનારા તો વજન ખુદનુંય છોડીને જતા
જે તરે, એને ખબર શું શું તરણથી નીકળે
વૃક્ષ પણ એની અસરથી ગાઢ મૂર્છામાં ઢળે
આખરી નિઃશ્વાસ જ્યાં ખરતા પરણથી નીકળે
– કુમાર જૈમિની શાસ્ત્રી
મનનીય ગઝલ…
Permalink
June 30, 2012 at 1:45 AM by વિવેક · Filed under કુમાર જૈમિની શાસ્ત્રી, ગઝલ
અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.
કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.
છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.
જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.
ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
સૌ પછી નીચે ઉતરતાં હોય છે.
–કુમાર જૈમિની શાસ્ત્રી
બધા જ શેર સરસ થયા છે પણ પુષ્પ અને હસ્તરેખાવાળા બે શેર ઊંડું મનન માંગી લે એવા મજાના થયા છે….
Permalink