ગઝલ – અરુણ દેશાણી
કોઈ તો એકાદ એવું સ્થળ હશે,
દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી ઝળહળ હશે.
શું ખબર એ પંથ ક્યારે આવશે !
જળથી લથબથ જે સ્થળે મૃગજળ હશે.
જળ હશે, પથ્થર હશે, વાદળ હશે,
હોવું પણ હોવાનું કેવળ છળ હશે.
સૂર્યની છાયા ભલેને ના મળે !
લોહીમાં અજવાસની સાંકળ હશે.
સંચરો ભાથાં લઈને કર્મનાં,
એ જ તો બસ આપણાં અંજળ હશે.
-અરુણ દેશાણી
હોવાની વિધાયક શક્યતાઓને ઉજાગર કરતી ગઝલ…
pragnaju said,
June 14, 2012 @ 8:00 AM
શક્ય છે / નથી વિસ્તરેલી સંવેદનાને સરસ અભિવ્યક્તિ
અને મઝાનો મક્તા
સંચરો ભાથાં લઈને કર્મનાં,
એ જ તો બસ આપણાં અંજળ હશે.
જીવન આશાઓ અને નિરંતર શક્યતાઓથી ભરેલુ છે તેમજ
નિરાશાવાદી માનસીકતા છોડી દેવાથી અનેક આશાઓમાં
જીવન વધુ પુલકીત અને મુલાયમ બને છે
Maheshchandra Naik said,
June 14, 2012 @ 6:47 PM
આશાવાદી અભિવ્યક્તિ સાથે કર્મની કરવાની સ્વિકાર્ય વાત લઈ આવતી સરસ ગઝલ્…….
Pravin Shah said,
June 16, 2012 @ 2:27 AM
હોવું પણ હોવાનું કેવળ છળ હશે.
વાહ !
kalpana said,
June 16, 2012 @ 5:52 PM
ૅકેટલી સફળતાથી આશા નામના છળની કલ્પના કરી છે! સુન્દર. ફરી ફરી વાંચવાની ગમે એવી ગઝલ.