આભમાં આઘા ભમો તો,
ગીધડાં ! બે પળ ખમો તો..
તાજું સગપણનું મરણ છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2012

– ભૂલ -જગદીશ જોષી

પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ :
પ્રેમથી કઠ્ઠણ થઈ ગયું છે જીવન જાણે ભૂલ !

અરસપરસની વાત : રાત તો દીવાલ પરનો રંગ,
દીવાલ પાછળ ઝૂરી રહે છે જીવ બનીને તંગ
કુરુક્ષેત્ર પર વાવી દીધું આખુંયે ગોકુળ :
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

હોઠે ભમતાં ગીતની પાછળ અવળાસવળા સૂર,
આગળ પાછળ પાગલ પગલાં : પ્રાણ વહે છે દૂર;
સરવર, તારા તળિયે જોને ધૂળ,ધૂળ ને ધૂળ !
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

-જગદીશ જોષી

પહેલી પંક્તિ જ સોંસરવી ઉતરી ગઈ….. એક અકથ્ય વેદનાનું કાવ્ય છે……વ્યક્તિ સ્વ-ભાવ ગુમાવી બેઠી છે કે પ્રકૃતિ ? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..

Comments (7)

હિન્દી કાવ્ય – [ ઓશો ]

जब तक यह शीशे का घर है
तब तक ही पत्थर का डर है

हर आँगन जलता जंगल है
दरवाजे सांपो का पहरा
ज़रती रोशनियों में अब भी
लगता कहीं अँधेरा ठहरा

जब तक यह बालू घर है
तब तक ही लहरों का डर है

हर खूँटी पर टंगा हुआ है
जख्म भरे मौसम का चेहरा
शोर सडक पर थम हुआ है
गलियों में सन्नाटा गहरा

जब तक यह काजल का घर है
तब तक ही दर्पण का डर है

हर क्षण धरती टूट रही है
जर्रा-जर्रा पिघल रहा है
चाँद-सूर्य को कोई अजगर
धीरे-धीरे निगल रहा है

जब तक यह बारूदी घर है
तब तक चिनगारी का डर है

[ આ કાવ્યના કવિ વિષે કોઈ માહિતી નથી . જો કોઈ ભાવકને હોય તો પ્રકાશ પાડવા વિનંતી . કાવ્ય ઓશો રજનીશના પુસ્તક “અથાતો ભક્તિ જીજ્ઞાસા” માંથી લીધું છે .]

સમગ્ર તકલીફ identification [ મોહ ] ની છે . કાવ્યનો મૂળ સૂર identification થી આપણને સાવચેત કરવાનો છે….

Comments (9)

ક્યારે સવાર થાશે? – કુલદીપ કારિયા

અટકાવ તું ભલેને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે

અહિયાં તો દિવસે પણ અંધારપટ છવાયું
કોઇ કહો, ખરેખર ક્યારે સવાર થાશે?

સમજાવ એમને તું, છેટા રહે નહીતર
તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે અડીખમ
વરસાદ, ટાઢ, તડકો સઘળું પસાર થાશે

કેવી જમીન છે આ? વાવો તો કંઈ ઊગે નૈ
વાવો નહિ તો ઊગશે, ઊગી અપાર થાશે

– કુલદીપ કારિયા

મજાની અર્થગંભીર ગઝલ…

Comments (9)

નથી – કિરીટ ગોસ્વામી

કોઈ વાતે માનવાનું તો નથી,
મન બીજાને ચાહવાનું તો નથી !

તોય લઉં છું રાહ જોવાની મજા :
કોઈ ઘરમાં આવવાનું તો નથી !

હું જ મારી આગમાં આખર બળીશ;
કોઈ તારું દાઝવાનું તો નથી !

સાવ કાચું લાગણીનું ફળ ખરે;
એ સમજથી પાકવાનું તો નથી !

ભાગ્ય મારું, બંધ પરબીડિયું ‘કિરીટ’,
કોઈ આવી વાંચવાનું તો નથી !

– કિરીટ ગોસ્વામી

સાંગોપાંગ આસ્વાદ્ય ગઝલ…

Comments (9)

સાગરતટે… – વાડીલાલ ડગલી

નીચે હલેસાંનો ખળભળાટ,
ઊંચે બે પાંખોનો ફફડાટ.
બેય તરે,
બેય કરે,
નીલ મૌનનો મલપતો ઝંકાર
પવનના ઢાળ પરે
બેય સરે
ક્ષિતિજના ક્ષુધાતુર અંતરપટે.

– વાડીલાલ ડગલી

શ્રી સુરેશ દલાલના શબ્દોમાં આ કાવ્ય:

આ કાવ્ય કવિની પ્રતિભાનો પરિચય એટલી હદે આપે છે કે આ કાવ્યના સંદર્ભમાં જ કવિ વાડીભાઈને પૂરેપૂરા પામી શકીએ.

હલેસાં અને પંખીને અડખેપડખે મૂકીને કવિએ પોતાની દૃષ્ટિના વ્યાપમાં ધરતી અને આકાશને સમાવી દીધાં છે. પંખી આકાશ-સમુદ્રની હોડી છે તો હોડી એ સમુદ્રનું પંખી છે. હલેસાં અને પાંખોના ખળખળાટ અને ફફડાટની વચ્ચે કવિને તો સંભળાય છે કેવળ મૌનનો ઝંકાર. પણ આ મૌનને પણ એનો રંગ છે. અને એટલે જ કવિ કહે છે: “નીલ મૌનનો મલપતો ઝંકાર”. અમૂર્ત પવનને કવિએ મૂર્ત કર્યો છે “પવનના ઢાળ પરે” કહીને.

Comments (4)

ગઝલ – ફૈઝ અહમદ ફૈઝ અનુ.- હરીન્દ્ર દવે

બંને જગતને તારી મહોબતમાં હારીને,
ક્યાં જઈ રહ્યો કોઈ વિરહ રાત્રિ ગુજારીને.

વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.

તક આ ગુનાહની અને ચાર જ દિવસ મળી,
જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.

દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
તુજથી યે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.

એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ,
નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ.

– ફૈઝ અહમદ ફૈઝ અનુ.- હરીન્દ્ર દવે

दोनों जहान तेरी मोहब्बत मे हार के
वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के

वीराँ है मयकदः[1] ख़ुमो-सागर[2] उदास हैं
तुम क्या गये कि रूठ गए दिन बहार के

इक फ़ुर्सते-गुनाह मिली, वो भी चार दिन
देखें हैं हमने हौसले परवरदिगार[3] के

दुनिया ने तेरी याद से बेगानः कर दिया
तुम से भी दिलफ़रेब[4] हैं ग़म रोज़गार के

भूले से मुस्कुरा तो दिये थे वो आज ’फ़ैज़’
मत पूछ वलवले दिले-नाकर्दःकार[5] के

शब्दार्थ:

↑ शराबघर
↑ सुराही और जाम
↑ ईश्वर, ख़ुदा
↑ दिल को धोखा देने वाले
↑ अनुभवहीन हृदय

Comments (7)

ગઝલ – હેમંત ધોરડા

એકધારો ધીમે ધીમે રૂમમાં પંખો ફરે,
બલ્બનો અજવાસ મૂંગો ભીંતથી ખરતો રહે.

ધૂંધળાતા ધૂમ્રસેરોમાં વિખેરાતા શબદ,
એક કાગળ કોરો કાળા મેજ પર કોરો રહે.

લાકડાની બારી,બારીનો જરા તૂટેલો કાચ,
એક ટુકડો ઝાંખા તડકાનો સ્મરણ જેવો પડે.

પરદા છેડા પરથી ફાટેલા જરા હલતા નથી,
એક અટકેલો સમય પણ ના હલે કે ના ચાલે.

છતથી ગળતાં પાણીનાં ધાબા પડે દીવાલોમાં,
અણકથી એક વાત પણ ગૂંગળાય ગૂંગળાય કરે.

-હેમંત ધોરડા

એક ઓરડામાં આખું ભાવવિશ્વ ખડું કરતી અનોખા અંદાઝની એક સશક્ત ગઝલ….

Comments (12)

‘શબ્દો છે શ્વાસ મારા’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2011નું ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું પારિતોષિક

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું વર્ષ 2011 માટેનું પારિતોષિક વિવેકના પ્રથમ ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ને મળ્યું છે. આજે સુરત ખાતે યોજાયેલા પરિષદના 27મા જ્ઞાનસત્રમાં પ્રમુખશ્રી વર્ષા અડાલજાના હસ્તે આ પારિતોષિક એનાયન થયું. લયસ્તરો માટે તો આ અનેરા આનંદ અને ગૌરવનો પ્રસંગ છે. લયસ્તરો પરિવાર તરફથી વિવેકને અભિનંદન અને એ હજુ આગળ વધુ ઉંચાઈ પર પહોંચે એવી શુભેચ્છા.

Comments (37)

ખસેડીને – હરીશ ધોબી

નડ્યાં’તા કંટકો જ્યાં ખૂબ એડીને
ફરી પાછી મેં પકડી એ જ કેડીને

બધીયે શાંત ઇચ્છાઓ કરી દીધી
સદા માટે મેં પાણી ઠંડુ રેડીને

નથી સંભાવના વરસાદની કોઈ
અને ખેતર મેં મૂકી દીધું ખેડીને

મથે છે કોણ જાણે સિદ્ધ શું કરવા
સતત એ રાગ એનો એ જ છેડીને

અચાનક આમ એ પ્હોંચી ગયા આગળ
મને આખ્ખોય બાજુ પર ખસેડીને

– હરીશ ધોબી

કાલોલ, પંચમહાલના કવિની એક શાનદાર ગઝલ આજે અમારા હસ્તક્ષેપ વિના માણીએ….

Comments (4)

ગીત – અશરફ ડબાવાલા

કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની

– અશરફ ડબાવાલા

એના નામની કંઠી બાંધી લઈએ પછી નથી જરૂર રહેતી મોજડીની કે નથી જરૂર રહેતી મોજની… ચરણ કે ચાલ બધું અર્થહીન બની રહે છે. જીવન આખું એના જ જોરે ચાલે છે…

Comments (5)

Page 1 of 4123...Last »