મને સઘળી પીડા પડી ગઈ છે કોઠે,
ભરો પ્યાલી, લાવો, હું માંડું છું હોઠે.

આ સ્મિતની પછીતે મેં દાટ્યું છે શું શું ?
બતાવું પણ એ તમને ગોઠે ન ગોઠે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પારુલ ખખ્ખર

પારુલ ખખ્ખર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(ઠાઠ વધતો જાય છે) - પારુલ ખખ્ખર
અંગૂરી સાંજ — પારુલ ખખ્ખર
ગઝલ - પારુલ ખખ્ખર
ગઝલ - પારુલ ખખ્ખર
ગઝલ - પારૂલ ખખ્ખર
જાદુ - પારુલ ખખ્ખર
મુઠ્ઠી ગુલાલ - પારૂલ ખખ્ખર(ઠાઠ વધતો જાય છે) – પારુલ ખખ્ખર

આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે,
‘જીવવું છે’, ‘જીવવું છે’, જાપ વધતો જાય છે.

જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો,
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે.

હણહણે છે પણ નથી છોડી શક્યો ઘોડારને,
એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે.

ઘાસ, પીછાં, ફોતરાં જેવો બધો સામાન છે,
તે છતાં યે પોટલાનો ભાર વધતો જાય છે.

કામળી કાં ઓઢ ‘પારુલ’, કાં સ્વીકારી લે હવે,
જે હતો ટપકું કદી એ ડાઘ વધતો જાય છે.

—પારુલ ખખ્ખર

વાહ! શું ગઝલ છે! મત્લા પર જ કુરબાન થઈ જવાય. બુઝાવાની ક્ષણે દીવો વધુ ભભૂકે એ આપણે સહુ જાણીએ છીએ પણ આ ઘટનાને જિજિવિષા સાથે સાંકળી લઈને કવયિત્રીએ કમાલ કરી છે. બધા જ શેર એટલા સહજ અને એટલા મર્મસભર છે કે વાંચતાવેંત જ આફરીન પોકારી જવાય…

Comments (9)

જાદુ – પારુલ ખખ્ખર

શિખરનો, ધજાનો, ગભારાનો જાદુ,
છવાયો છે ગેબી ઈશારાનો જાદુ.

ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ.

‘અઠે દ્વારિકા!’ કહીને બેસી જવાયું,
હતો કંઈક એવો ઉતારાનો જાદુ.

હથેળીની રેખા વળોટી ગયા ને,
નકારી દીધો છે સિતારાનો જાદુ.

તમે ઊંઘમાં શેર બોલો છો ‘પારુલ’,
ચડ્યો તો નથી ને દુબારાનો જાદુ !

– પારુલ ખખ્ખર

જાદુ કરી દે એવી દાદુ ગઝલ ! હીરો હોય કે મનુષ્ય – જેમ વધુ ઘસાય એમ વધુ ઝળહળે. ઘસારાનો જાદુ સ્વીકાર્ય ન હોય તો પ્રગતિને ભૂલી જવી પડે.

Comments (12)

ગઝલ – પારૂલ ખખ્ખર

ઉન્માદથી, અવસાદથી વાકેફ છું,
હું પ્રેમના સૌ સ્વાદથી વાકેફ છું.

ગમવા છતાં તું ‘વાહ’ ના બોલી શકે,
એવી અધૂરી દાદથી વાકેફ છું.

સાચુ કહું ? આ હાથ છૂટ્યો છે છતાં,
બન્ને તરફના સાદથી વાકેફ છું.

એવું નથી કે તું જ સોરાયા કરે,
હું પણ બધી ફરિયાદથી વાકેફ છું.

બહેરી નથી કંઈ એમ તો આ ચામડી,
છું, સ્પર્શના સંવાદથી વાકેફ છું.

ખાંગા થઈને અક્ષરો તૂટી પડે,
એવા ઘણા વરસાદથી વાકેફ છું.

– પારુલ ખખ્ખર

કોઈ એક શેર પર આંગળી મૂકવી દોહ્યલું થઈ પડે એવી ગઝલ. હાથમાંથી હાથ છૂટે, સંબંધ તૂટે એવા દોરાહા પર આવી ઊભીએ ત્યારે એકતરફ તૂટેલા કે તોડવા પડેલા સંબંધમાંની પોઝિટિવિટિ અને બીજી બાજુ ગળામાંના ઘંટીના પડમાંથી આઝાદીની હવા આહ્વાન આપી રહી હોય એ કશ્મકશને તાદૃશ કરતો શેર “સાચું કહું?”ના લહેકાસભર ઉઠાવથી તરત જ દિલને સ્પર્શી જાય છે.

Comments (10)

મુઠ્ઠી ગુલાલ – પારૂલ ખખ્ખર

એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.

મેં મને સાચવી ઘણાં વર્ષો,
પણ તને અબ્બીહાલ આપું છું.

આપજે એક રંગમાં ઉત્તર,
સપ્તરંગી સવાલ આપું છું.

તું મને લયની પાર લઇ જાજે,
હું તને સૂર તાલ આપું છું.

હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.

– પારૂલ ખખ્ખર

એક મજાની રંગબિરંગી ગઝલ સાથે સહુ વાચકમિત્રોને ધૂળેટીની ગુલાબી ગુલાલી શુભકામનાઓ…

Comments (7)

ગઝલ – પારુલ ખખ્ખર

બટકવું, ભટકવું લખાયું કપાળે,
જુઓ, થોર જેવું વવાયું કપાળે.

હજું નાળ તોડી લીધો શ્વાસ ત્યાંતો,
નવું એક તાળું વસાયું કપાળે.

હથેળીની રેખાઓ તોડી પરંતુ,
પછી સાવ અટકી જવાયું કપાળે.

ઉલેચી ઉલેચી હજુ માંડ બેઠાં,
ફરી ત્યાં સરોવર ભરાયું કપાળે.

અરીસો અભણ ને અભણ આંગળી છે,
અને કંઈક અઘરું છપાયું કપાળે.

—પારુલ ખખ્ખર

ગુજરાતી ગઝલના સદભાગ્યે એકવીસમી સદી જે નોંધપાત્ર ગઝલ-કવયિત્રીઓ લઈને આવી છે એમાંનું એક નામ એટલે પારૂલ ખખ્ખર. કપાળ જેવી અઘરી રદીફ લઈને કવયિત્રી પાંચ અલગ-અલગ અને સફળ ચિત્ર આપે છે. બીજો શેર શિરમોર. બંધનની જંજાળમાંથી છૂતી શકાતું નથી… એક જન્મ પૂરો થયો નથી કે તરત બીજા જન્મનું બંધન. ગર્ભનું બંધન તૂટે ત્યાં જિંદગીનું તાળું કપાળે દેવાઈ જાય છે.

Comments (11)

અંગૂરી સાંજ — પારુલ ખખ્ખર

વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..
ઘાંઘી થઈ ધબકારા ઝાલું ન ઝાલું ત્યાં છૂટ્યા ધબ્બાક દઈ અરર..

કેસૂડો ડંખ્યાની વેળાને પોંખુ કે પોંખુ આ અધકચરું ભાન !
ઓગળતા ઓગળતા એક થયા એવા કે રંગાયો કેસરિયો વાન.

દોમદોમ રસભીના એકાંતે ચીર્યો છે જર્જર સન્નાટાને ચરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..

રાંધણિયે આવીને બેઠું પતંગિયુ ને ચૂલો તો મઘમઘતો બાગ !
કોણે પેટાવી ને કોણે ચગાવી આ રોમરોમ રણઝણતી આગ ?

એવી કોમળતાથી નસનસને ઠારી કે જાણે હો પીંછાનુ સરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..

જેને અઢેલીને ખીલ્યા એ ભીંતોને ફૂટી છે મ્હેંક મ્હેંક વેલ,
બિંબોમાં ઝિલાયો ગહેકંતો મોરલો ને ઝિલાણી થનગનતી ઢેલ

અંગૂરી એક સાંજ આવી છે જીવતરમાં એને લે ઝોળીમાં ભરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..

— પારુલ ખખ્ખર

કેવું મજાનું ગીત ! સદભાગ્ય છે કે હજી આપણા અહેસાસોને આવા વાસંતી વાયરા અડતા રહે છે ને આપણા શ્વાસોનાં ટોળાં ઊડતાં રહે છે… શ્વાસોને ઊડી જતાં જોઈ ઘાંઘાં થઈ જવાય છે ને ધબકારાઓને ઝાલીએ, ન ઝાલીએ તેવામાં તો ફુર્ર કરતાંકને છટકી જાય છે…

પતંગિયું રાંધણિયે આવી બેસે ને ચૂલો આખો મઘમઘતો બાગ થઈ જાય એવું મજાનું કલ્પન તો કોઈ સ્ત્રી જ કરી શકે… વાહ કવયિત્રી…

Comments (10)

ગઝલ – પારુલ ખખ્ખર

એવો ઘા, ના સાંધો રેણ,
છૂટ્યા રે ગોફણ થી વેણ.

ના તૂટે આ વિષ ના દંત,
છો ને પટકે માથું ફેણ.

કોણે કીધું છે દુષ્કાળ,
બન્ને કાંઠે વરસે નેણ.

જળ થળ કીધા એકાકાર,
કેવા થ્યા ભૂરાયા વ્હેણ.

લેવા આવ્યા’તા કિરતાર,
મૂર્ખે પાછા ઠેલ્યા કહેણ.

-પારુલ ખખ્ખર

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ જેના જીવનને અડતી ન હોય એવા લોકો હવે મળવા અઘરા થઈ પડ્યા છે. ફેસબુક જેવી આ સાઇટ્સના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ… પણ મારે તો ફાયદાની જ વાત કરવી છે.

નાની ઊંમરે કવિતા લખવાનું શરૂ કરનાર પારુલ ખખ્ખરની જિંદગીમાં ફેસબુકે જબરદસ્ત વળાંક આણ્યો. એની અંદર જે કાચો માલ હતો એ ફેસબુક અને ફેસ-ટુ-ફેસ કવિઓની મદદથી સંવર્ધિત થયો અને પરિણામસ્વરૂપ આ અને આના જેવી અનેક ગઝલ…

અઘરો કાફિયો અને ટૂંકી બહેર જેવી સાંકડી ગલીમાં પણ આ ગઝલ અદભુત કામ કરી શકી છે…

Comments (17)