વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.
– અનિલ ચાવડા

ચશ્મા તડાક્ દઈ તૂટયા – પારુલ ખખ્ખર

અથડાતી-પછડાતી પ્હોંચી પચાસમે ત્યારે ચક્ષુદેવ ત્રુઠ્યાં,
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

ઘરડીખખ ફ્રેમને વળગીને બેઠેલા કાચ હતા પેલ્લેથી ઝાંખા
આઘા-ઓરામાં કરે ભેળસેળ, ઉપ્પરથી ચોખ્ખું દેખાડિયાના ફાંકા
દૃશ્યોએ-સત્યોએ ટોળે વળીને એનાં નામનાં છાજિયાં કૂટયાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

વરસોથી દરવાજા ખખડાવી ખખડાવી દેતાં’તાં સાદ અજવાળાં
અક્કલની ઓથમીર આંખ્યુંએ જાતને વાસીને માર્યાં’તાં તાળાં
ઘટનાની કૂંચીએ ખોલ્યા બે આંટા ત્યાં તાળાનાં તાળવાં ફૂટ્યાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

લાભ-શુભ ચોઘડિયાં ભેગાં થતાં’તાં એ ક્ષણવંતી વહેલી સવારે
તેજના ત્રાંસા ને સમજણની શરણાયું રમઝટ બોલાવે બજારે
મોંઘા રતનને ઢાંકીને બેઠેલા ઝાળાના લેણદેણ ખૂટયાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

– પારુલ ખખ્ખર

જીવન જીવવા માટે આપણને કંઈ કેટલાંય ઉપકરણોની આદત પડી જતી હોય છે. ગૂગલ મેપ્સ નહોતા ત્યારે કોઈક નવી જગ્યાએ જવા માટે આપણે પાંચ-દસ જગ્યાએ થોભીને અજાણ્યા લોકો પાસે માર્ગદર્શન લેવું પડતું હતું અને નવી જગ્યાએ પહોંચીએ ત્યારે અવનવા અનુભવજડિત આ યાત્રા જાતને એક જાતની સંતુષ્ટિ આપતી સંપન્ન થતી હતી. મિત્રો કે સ્વજનો સાથે બેઠાં હોય ત્યારે પહેલાં જે ટોળટપ્પાં થતાં હતાં એ મોબાઇલની મહેરબાનીથી લગભગ મરણાસન્ન છે. ઉપકરણો આપણી ધારણા બહાર બહુ ઝડપથી આપણા લોહીમાં વણાઈ જતાં હોય છે. ચશ્મા આવી જ એક વસ્તુ છે. સવારે ઊઠીએ એટલે પહેલું કામ આંખ પર ચશ્મા ચડાવવાનું જ હોય. ચશ્માના કાચમાંથી દુનિયા જોવાની એવી આદત પડી જાય છે કે એના વિનાની દૃષ્ટિની આપણે કલ્પના પણ કરી શકતા નથી. ચશ્મા અચાનક તૂટી જાય અને બીજી જોડી બનાવડાવી ન હોય તો નવા ચશ્મા આવવા સુધીનો સમય આપણો ઘાંઘોવાંઘો વીતે છે…

પણ કવિ પાસે દરેક વસ્તુને જોવા માટે વળી અલગ જ ચશ્મા હોય છે. બિલકુલ અલગ જ પ્રકારના વિષય પર મજાનું હળવું ગીત લઈને પારૂલદે આજે ઉપસ્થિત છે. પચાસની વયે પહોંચ્યાની વેળાએ અચાનક ચશ્મા તૂટી જાય છે ત્યારે કવયિત્રી અકળાઈ જવાના બદલે ચક્ષુદેવ પ્રસન્ન થયા હોવાનું અનુભવે છે.  ચશ્મા સાથે સંકળાયેલી તમામ વિભાવનાઓ કવયિત્રી આલેખે છે પણ એક સવાલ થાય છે. સાચે જ શું આ ચશ્માનું ગીત છે? કે અકુદરતી ઉપકરણોની ગુલામીમાંથી પળભરની આઝાદીના ઓચ્છવનો ગુલાલ છે?!

જો કે એક તબીબ હોવાના નાતે આ ગીતને હું એ રીતે પણ જોઈ શકું કે પારૂલદેને પચાસની નાની વયે મોતિયો આવ્યો હોવો જોઈએ અને મોતિયા ઉતરાવી નાંખ્યા પછીની સાફ દૃષ્ટિ અને ચશ્માની આઝાદીનું આ ગીત છે… 😉

5 Comments »

  1. રાહુલ તુરી said,

    August 9, 2019 @ 2:33 AM

    અભિનંદન..આનંદ

  2. આરતી સોની said,

    August 9, 2019 @ 10:01 AM

    ખૂબ સરસ ગીત અને આસ્વાદ..

  3. Raksha Shukla said,

    August 10, 2019 @ 3:47 AM

    ખૂબ સુંદર કાવ્ય અને આસ્વાદ…વાહહહજી

  4. Dhaval Shah said,

    August 11, 2019 @ 11:01 AM

    ‘ત્રૂઠવું’ નો અર્થ છે ‘પ્રસન્ન થવું’. એ મુજબ પહેલી લીટી થાયઃ પચાસમા વર્ષે આખરે ચક્ષુદેવ પ્રસન્ન થયા. (અને એથી) ચશ્મા તૂટ્યા (એટલે કે બિનજરુરી બન્યા). કેટરેક્ટ કે પછી લેસિક કે પછી એવું કશું (‘મોંઘા રતનને ઢાંકીને બેઠેલા ઝાળા’ ને લિટરલી લેવુ હોય તો capsular fibrosis માટે laser પુરુ બંધબેસતું બેસે છે) કર્યાની વાત જ બરાબર છે.

  5. કિરણભાટી said,

    August 11, 2019 @ 12:29 PM

    વાહ…
    વાહ…વાહ… મજા જ આવી ગઈ…
    પારુલદે…એટલે પારુલ દે…. ને એમનાં ચશ્માં…🙂

    ને વિવેક સર નો આસ્વાદ….
    તરબતર થઈ ગયા….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment