પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ
છતાં યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ
-રાજેન્દ્ર શુક્લ

(જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ!) – પારુલ ખખ્ખર

ફરી દીવા, ફરી સરઘસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ,
તું જોયા કર બધા ફારસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

લઈ અંધારનું ખંજર કરી ગઈ રાત કારી ઘા,
ફફડતું ધ્રુજતું ફાનસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

ભલે ઝંડા ઉપાડે ને ભલે ડંડા ઉપાડે, પણ
નથી જીવતો અસલ માણસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

નથી લોહી ઉકળતું કે હવે આંસુ નથી વહેતાં,
ઉપરથી જીભની આળસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

રગેરગ લ્હાય બળશે ને પછી જાતે ઠરી જાશે,
કકળશે વાંઝિયા ખૂન્નસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

કલમને લાખ સમજાવી પરંતુ ચૂપ નથી મરતી,
કરી બેઠી ફરી સાહસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

લખી શકતા, કહી શકતા, મરી શકતા -એ પેઢીના
છે ‘પારુલ’ આખરી વારસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

– પારુલ ખખ્ખર

સારી કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચે જે પાતળો તફાવત છે એ યોગ્ય શબ્દની યથોચિત પસંદગીનો કહી શકાય. અહીં ‘જમૂરા’ને આવો જ શબ્દ ગણી શકાય. ગઝલમાં ભાગ્યે જ પ્રયોજાતો આ શબ્દ આખી ગઝલને જાણે પોતાના ખભે ઊંચકી લઈ રચનાને નવી જ ઊંચાઈ આપવામાં સફળ થયો છે.

જે ઘટનાના પ્રતિઘાતે આ રચનાને જન્મ આપ્યો એ કોઈથી અછતી નથી. સુરતમાં એક લબરમૂછિયા પ્રેમીએ છોકરીએ લગ્ન કરવાની ના કહેતાં સરેઆમ સહુની સામે છોકરીના ગળા પર છરી ફેરવીને નિર્મમ હત્યા કરી અને તમાશબીન લોકો હિંમત કરી આગળ આવવાના બદલે વિડિયો ઊતારીને ફોરવર્ડ કરવામાં રત રહ્યા. જો કે રચનાની ઇબારત કંઈક એવી ઘડવામાં આવી છે કે એ આવા કોઈ પણ સંદર્ભોથી પર અને કાલાતીત થઈ છે.

ન ઘટવાનું ઘટી ગયું. સમય પર ફારસ જોતાં રહેલ લોકો હવે દીવા-મીણબત્તી લઈને વિરોધ સરઘસ કાઢશે. આવી ઘટનાઓ સતત બનતી જ રહે છે કારણ કે અસલી માણસ તો હવે જીવતો જ નથી. ‘શબવાહિની ગંગા’ વખતે પ્રચંડ લોક આક્રોશનો ભોગ બની હોવા છતાં કવયિત્રીની કલમ સામાજિક દાયિત્વ ચૂકી શકવા અસમર્થ છે. લાખ સમજાવવા છતાં કલમ ચૂપ મરવાના બદલે ફરી સાહસ કરી બેઠી છે. મક્તા તો અદભુત થયો છે. જે લોકો સંવેદનશીલ છે, વ્યક્ત થઈ શકે છે એવા લોકોની આખેઆખી પ્રજાતિ હવે નેષ્ટનાબૂદ થવા પર આવી હોવાની વાત મીઠામાં બોળેલા ચાબખાની જેમ આપણી ઊઘાડી સંવેદનાઓની પીઠ પર વીંઝાય છે…

જમૂરા! ઓમ શાંતિ બોલ… કેમ કે આપણે બીજું તો કશું કરી શકવાને સમર્થ નથી…

16 Comments »

  1. Varij Luhar said,

    February 17, 2022 @ 10:58 AM

    સાંપ્રત સામાજિક રાજકીય અને ધાર્મિક બધી
    જ બાબતોમાં અરાજકતા નું વાતાવરણ જોવા મળે છે જેને
    કવિતાના માધ્યમથી સરસ રીતે વ્યક્ત કરેલ છે..

  2. Biren said,

    February 17, 2022 @ 11:34 AM

    ઓહહ..વાહ પણ નથી કહી શકાતું… જમૂરા ઓમ શાંતિ જ બોલશે અને થોડા દિવસમાં ઠંડા કલેજે થયેલી હત્યા ની જેમ બધાના ક્લેજા ઠંડા થઈ જશે..ફરી કોઈ ઘટનાના વિડિઓ બનાવવા કે ફોરવર્ડ કરવા મળે ત્યાં સુધી

  3. Vineschandra Chhotai said,

    February 17, 2022 @ 11:49 AM

    ન રહે એ પણ એક ખબર
    જય જય ઑમ પર લગાવ
    દાવ….. …

  4. Kajal kanjiya said,

    February 17, 2022 @ 2:23 PM

    આપણે તો આપણું દર્દ શબ્દોમાં લખીને અને ॐ શાંતિ બોલીને બધું ભૂલી જઈશું અને
    આજનું કાલમાં પરિવર્તન થતું રહેશે પણ…..
    ખરી માનવતાનાં દીવા તો ત્યારે પ્રજવલિત થશે જ્યારે આવી કારમી ઘટનાઓ બનતી બંધ થાય.

    યુગો યુગોથી આ જ ચાલ્યું આવ્યું છે.( અને ખબર નહીં ક્યાં સુધી ચાલશે!)
    ઔરત તેરી યહી કહાની 🙏

    આ ઘટનાનાં પ્રતિઘાત રૂપે જેની કલમે આ રચનાનો જન્મ થયો
    એવા પારૂલબેનને વંદન🙏😊

  5. Kajal kanjiya said,

    February 17, 2022 @ 2:29 PM

    એ જ કહેવા તને હું લખું ખત, સખા!
    હાલ મારા હજી છે યથાવત્ , સખા!

    કાજલ કાંજિયા

  6. હરીશ દાસાણી.મુંબઈ said,

    February 17, 2022 @ 3:42 PM

    પારૂલબેનની આ કવિતા આપણા સહુની અસહાયતા,નિરાશા અને વાંઝિયા ક્રોધનો પડઘો બનીને આવી છે. આવી આતંકવાદી ઘટનાઓ અને તેની ચર્ચાઓ ઠંડા કલેજે થતી રહે છે. કયાં ગયા માનવ અધિકારનો ભંગની બૂમો મારતા જમુરા? ઘણા વર્ષો પહેલાં પ્રિયકાન્ત મણિયારે લખેલું-મારે કવિ થવું જ નથી. આવા ક્રૂર,પરપીડક જંતુઓને મારનારી જંતુનાશક દવા થાઉં ! દંભની પરાકાષ્ઠા તો જુઓ…. …જો કોઈ ટોળું આવા આતયાયીને પકડીને મારી નાખે તો તેના પર મોબ લીન્ચીંગ નો આરોપ લગાડી આખા સમૂહને ફાંસીએ લટકાવે એવી તો આપણી ન્યાય વ્યવસ્થા !

  7. Rohit Kapadia said,

    February 17, 2022 @ 5:11 PM

    અત્યંત વેધક રચના. ધન્યવાદ
    બહેરા કાન સાંભળે
    લોહી ઠંડુ ઉકળે
    એવા ઉચા સાદે બોલ
    જમૂરા ઓમ શાંતિ બોલ.

  8. saryu parikh said,

    February 17, 2022 @ 7:58 PM

    હોમ હવનના ધતિંગ જોવા અસહ્યછે.
    ફરી દીવા, ફરી સરઘસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ,
    તું જોયા કર બધા ફારસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.
    પારૂલબહેનની કલમ ચૂપ ન થાય તેવી શુભેચ્છા.
    સરયૂ પરીખ

  9. આરતી સોની said,

    February 17, 2022 @ 11:15 PM

    દુઃખદ ઘટના સામેખૂબ સરસ મજાની રચના…
    જલદ ફારસ, હવન જોવા મળે છે વર્ષો વર્ષથી
    નથી કોઈ ઉપાય સરઘસ નીકળે છે વર્ષો વર્ષથી.
    ખરેખરો ફાયદો ઉઠાવે જમૂરા ઓમ શાંતિ બોલ
    પછી બે દિવસમાં તો શાંત થાય છે વર્ષો વર્ષથી…©

  10. જયેન્દ્ર ઠાકર said,

    February 18, 2022 @ 12:57 AM

    ત્રાડ પડી સાવજની કે ઝાડ પડ્યું ઝંગલમાં
    કોણે સાંભળ્યું, કોણ કહેશે જમૂરા, ઓમ શાંતિ બોલ.

  11. Poonam said,

    February 18, 2022 @ 2:37 PM

    લઈ અંધારનું ખંજર કરી ગઈ રાત કારી ઘા,
    ફફડતું ધ્રુજતું ફાનસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.
    – પારુલ ખખ્ખર – Bahot ache !

  12. હર્ષદ દવે said,

    February 18, 2022 @ 5:08 PM

    ‘ૐ શાંતિ’ બોલવાથી શાંતિ સ્થાપિત થતી નથી કે અશાંતિ ઓલવાતી નથી એ વરવી વાસ્તવિકતા છે. ફરીથી એ જ દીવા અને સરઘસ પરંતુ અંધારુ ઉલેચાતું નથી. કવિએ સાંપ્રત ઘટના કે સમસ્યા ને ઉત્કૃષ્ટ રીતે કવિતા દ્વારા અભિવ્યક્ત કરી છે. ધન્યવાદ.
    આસ્વાદ માટે આભાર.

  13. munibhai said,

    February 19, 2022 @ 11:38 AM

    ગજબ !!!જગાદિ દેતિ વાત્….

  14. Harihar Shukla said,

    February 20, 2022 @ 11:13 AM

    ૐ શાંતિ!
    બીજું તો શું બોલે જમુરો?

  15. Lata HIrani said,

    February 20, 2022 @ 1:24 PM

    પારૂલકા જવાબ નહીં.

  16. Jaman D.Patel said,

    March 31, 2022 @ 10:06 AM

    શબ્દો હૃદય સોંસરવા ઉતરીને નિ: શબ્દ કરી ગયાં…
    તમારી કલમ મુંગી ન મરે એવી અભ્યર્થના….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment