બુઝાયા જેમ એમ વધુ ઝળહળી ઉઠ્યા;
એક અસ્તની સાથે જ ઉદયમાં હતા/છીએ!
– વિસ્મય લુહાર

(અણસાર) – પારુલ ખખ્ખર

નોખી માટીની એક જોગણ વિજોગણને ઓચિંતો આવ્યો અણસાર,
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.

જાતરાળું હોય તો હાથપગ ઝારીને પાણી પીવાડી પુન રળિયે
રેશમી રજાયું ને સિસમના ખાટલા પથરાવી દઈએ રે ફળિયે
વીજળીનાં ચમકારે મોતી પરોવીએ ને ભજીએ લાખેણો કિરતાર
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.

માડીજાયો જો હોય જઈએ ઉતાવળા ને લઈએ ઓવારણાં ઝાઝાં
શિરો-પુરી ને ખીર ખંતે ખવરાવીએ ને ભાતામાં દઈએ રે ખાજા
કાંડે નાનેરી લીર બાંધી દઈએ ને પછી માંગી લઈ કોલ બે ચાર
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.

ભેરૂડો આમ સાદ પાડે નહીં કે એને નડતી રે હોય મરજાદ
માંગણ, પરોણાં કે સાધુના સાદમાં આવી ન હોય ફરિયાદ
આખ્ખાયે જીવતરનું ઝાળું ઉકેલીયું મળતો નથી રે કોઈ તાર
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.

અવઢવમાં અટવાતી જોગણને સાંભરીયું વાળી દીધેલ એક પાનું
કોણજાણે ક્યા જન્મે હૈયાની ચોપડીયે ચિતરેલું નામ એક છાનું
વિષના કટોરે કાઈ છોડેલું આયખું ને છોડી દીધેલો સંસાર
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.

-પારુલ ખખ્ખર

સર્જન ક્યારેક સર્જકના ભાગે પણ અતૃપ્તિનો ઓડકાર લઈને આવતું હોય. ચારેક વર્ષ પહેલાં પોતે લખેલા એક ગીતના આખરી બંધની એક પંક્તિ –નોખી માટીની એક વિરહી વિજોગણને ઓચિંતો આવ્યો અણસાર– ઊપાડી લઈને એને મુખડું બનાવીને કવયિત્રી ચાર વર્ષ પછી આપણને આ ગીત ભેટ આપે છે.

ગીતની ખરી મજા એની તળપદી ભાષામાં છે. હાથપગ ઝારવા જેવા ભૂંસાતા જતા પ્રયોગો ગીતની ખરી જાન છે. કાવ્ય નાયિકા અન્ય વિરહિણીઓથી અલગ છે એમ કાવ્યારંભે જ નોખી માટીની વિશેષણ વાપરીને કવયિત્રી એક અલગ આભા ઊભી કરે છે. વિરહિણીની નજર તો ગામના પાદર ભણી જ હોવાની… ગામતરે ગયેલો ભરથાર ક્યારે પાછો ફરે એની રાહ તાકવામાં જ એની આંખ નેજવાં બની જાય છે. નોખી માટીની વિરહિણી નોખી માટીના અસવારના સાદનો અણસાર થાય છે. અને એ પછી લોકગીતની ચાલમાં ગીત આગળ વધે છે. યાત્રાળુ હશે? ભાઈ હશે? ભેરૂ હશે? માંગણ? પરોણો? સાધુ? -એમ લોકગીતની શૈલીમાં આ અનૂઠું ગીત કોયડો ઉકેલવા તરફ ગતિ કરે છે અને જિંદગીનું વાળી દીધેલું એક પાનું હળવેકથી ખૂલે છે…

5 Comments »

  1. NARENDRASINH said,

    June 7, 2018 @ 4:26 AM

    ખુબ સુન્દર રચના

  2. Hitesh Parmar said,

    June 7, 2018 @ 4:51 AM

    Waah… Kathiyawad Ni Kaviyitri

  3. CHENAM SHUKLA said,

    June 7, 2018 @ 5:37 AM

    કવયિત્રી એક અલગ આભા ઊભી કરે છે

  4. jugalkishor said,

    June 7, 2018 @ 6:45 AM

    “એમ લોકગીતની શૈલીમાં આ અનૂઠું ગીત કોયડો ઉકેલવા તરફ ગતિ કરે છે અને જિંદગીનું વાળી દીધેલું એક પાનું હળવેકથી ખૂલે છે…”

    કાવ્યનો મર્મ બરોબર પકડાયો છે.
    દરેક શક્યતાને નાયિકાએ ઝીણવટથી તપાસી છે….પણ અવઢવની સ્થિતિ પછી તરત જ (પણ હળવેક લઈને) ઉકેલ – “વાળી દીધેલું એક પાનું” મળી આવે છે !

    બહુ મજાની રચના.

  5. Poonam said,

    June 7, 2018 @ 6:57 AM

    Waah !
    Nokhi Mati No aasvar…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment