દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગની દહીંવાળા

ગની દહીંવાળા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

.....પડ્યો - ગની દહીંવાલા
......હો - 'ગની' દહીંવાળા
અંગત અંગત : ૦૩ : .....એક-મેકના મન સુધી.....
અમને ગમે - 'ગની' દહીંવાળા
આપણી યાદગાર ગઝલો : ૦૪ : દિવસો જુદાઈના જાય છે - ગની દહીંવાલા
આવકાર દોસ્ત - 'ગની' દહીંવાળા
એટલે નિરાંત - ગની દહીંવાળા
ઓ મારા દિલની આરઝૂ - 'ગની' દહીંવાળા
ઓશિયાળા થૈ ગયા - 'ગની' દહીંવાળા
કિનારા પર - ગની દહીંવાળા
ખોટ વર્તાયા કરે -‘ગની’ દહીંવાલા
ગઝલ - ગની દહીંવાલા
ગઝલ - ગની દહીંવાલા
ગઝલ - ગની દહીંવાલા
ગઝલ - ગની દહીંવાલા
ગઝલ - ગની દહીંવાલા
ગઝલ - ગની દહીંવાલા
ગનીચાચા જન્મ શતાબ્દિ વર્ષ વિશેષ: ૫ : ખલાસીને
ગનીચાચા જન્મ શતાબ્દિ વર્ષ વિશેષ: ૬ : લાગણીવશ હૃદય
ગનીચાચા જન્મ શતાબ્દિ વર્ષ વિશેષ: ૭ : વાંક મારો નથી
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૧
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૧ : ફૂલદાની
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૨ : ઉપવને આગમન
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૩ : ખોવાણું રે સપનું
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૪ : મુક્તક
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૮ : અજંપાનું ફૂલ
ગાતો રહ્યો - ગની દહીંવાલા
ગુજરાતી ગઝલમાં 'મૃત્યુ' :કડી ૦૫
જીવન-ગીત - ગની દહીંવાળા
તને ઓછું ન પડે - 'ગની' દહીંવાળા
તમે એ ડાળ છો....- ગની દહીંવાળા
દીવાનગી પણ દોડશે -ગની દહીંવાળા
ધરતીની રૂંવાટી હો -ગની દહીંવાળા
નકામાં નયનો - ગની દહીંવાળા
નર્યું પાણી જ... - 'ગની' દહીંવાળા
પડછાયો - ગની દહીંવાળા
પાંખી પરિસ્થિતિ - ગની દહીંવાલા
પ્રવાસમાં ! - ગની દહીંવાળા
પ્રવાસમાં ! – ગની દહીંવાળા
બહારો ન આવે - 'ગની' દહીંવાળા
ભગ્ન હૈયે - ગની દહીંવાલા
યાદગાર મુક્તકો : ૧૨ : ગની દહીંવાળા, મનહર મોદી, સૌમ્ય જોશી, હિતેન આનંદપરા
રંગીન પરપોટા થયા - ગની દહીંવાળા
રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ ! – 'ગની' દહીંવાળા
લઇને આવ્યો છું – ગની દહીંવાલા
વાંસળી વાગી હશે ! - 'ગની' દહીંવાળા
શબ્દોત્સવ - ૧: ગઝલ: ચાલ મજાની આંબાવાડી! - 'ગની' દહીંવાળા
શા માટે ? - 'ગની' દહીંવાળા
શું થશે - ગની દહીંવાળા
સ્વભાવ હશે - ગની દહીંવાળારસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ ! – ‘ગની’ દહીંવાળા

તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,
સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ.

મારા દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,
મુજ પર કદી ઠરી, કદી મુજથી ફરી ગઈ.

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ !

હો કોટિ ધન્યવાદ વહાલી ઓ જિંદગી !
આવી વિકટ સફરને તું પૂરી કરી ગઈ.

મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.

જીવી ગયો તમારી મહોબ્બતને આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ.

છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ.

– ‘ગની’ દહીંવાળા

અમર ગઝલ……..

Comments

યાદગાર મુક્તકો : ૧૨ : ગની દહીંવાળા, મનહર મોદી, સૌમ્ય જોશી, હિતેન આનંદપરા

‘લયસ્તરો’ના બારમી વર્ષગાંઠ નિમિત્તે આદરેલી યાદગાર મુક્તકોની સફરનો આજે આ આખરી પડાવ… આપણી ભાષાના ઘણા બધા માતબર કવિઓના સર્વકાલીન શ્રેષ્ઠ મુક્તકો અમે સમયના અભાવે, વાચનની સીમિતતાના કારણે ચૂકી ગયા જ હોઈશું… પણ ઉજવણી અટકે છે, મુક્તકોનો આસ્વાદ નહીં… સમય-સમય પર એક-એકથી ચડિયાતાં મોતીનો ઝળહળાટ આપણે માણતા રહીશું…

સફરમાં કેટલા દિવસો વીતાવ્યા, કેટલી રાતો !
વિપદને કેવડી વણઝાર કે છેડો ન દેખાતો;
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી,
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો !

– ગની દહીંવાળા

છેડો પણ નજરે ન ચડે એવી વિપત્તિઓની વણઝારમાં જીવતરની મંજરી કાળના તાલમાં વાગે કે ન વાગે, વણઝારાનું કામ તો સર્વ સંજોગોમાં ગાવા ને ચાલતા-વધતા રહેવાનું જ છે. ‘ટાઇટનિક’ ફિલ્મના અંતે ડૂબતા જહાજની વચ્ચે પણ સંગીત વગાડવાની પોતાની ફરજને વળગી રહેતા સંગીતકારો યાદ આવી જાય…

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું;
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

– મનહર મોદી

મનહર મોદીનું આ મુક્તક આમ તો હઝલના કુળનું છે પણ એ લોકોની જીભે એ રીતે ચડી ગયું છે કે યાદગાર મુક્તકોની મહેફિલ એના વિના અધૂરી જ ગણાય… પાક્કી અમદાવાદી કવિતાનો આ આદર્શ દાખલો છે.

કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

-સૌમ્ય જોશી

કેટલીક રચનામાં કી-વર્ડ નજરબહાર રહી જાય તો કવિતા એનો સાર ગુમાવી બેસે. ‘તારા રૂપની પૂનમની પાગલ એકલો’માં ‘એકલો’ શબ્દ પર ધ્યાન ન આપીએ તો કવિતા સાથેની મુલાકાત ચૂકી જવાય. એ જ રીતે આ મુક્તકમાં ‘સર્વ’ અને ‘સખત’ શબ્દ કી-વર્ડ્સ છે. આ બે શબ્દનો હાથ ઝાલતાં જ મુક્તકની તાકાત અલગ જ અનુભવાશે…

નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.

– હિતેન આનંદપરા

ઉપર ગનીચાચાના મુક્તકમાં જે વાત હતી, એ જ વાત હિતેનભાઈ લઈ આવ્યા છે. જિંદગીને પ્રેમથી સત્કારવા-સ્વીકારવાની પોઝિટિવિટિથી ભર્યું ભર્યું આ મુક્તક જીવનમાં ઉતારી લઈએ તો ફરિયાદ જ નહીં રહે…

Comments (2)

બહારો ન આવે – ‘ગની’ દહીંવાળા

રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે,
વિખૂટી પડે રાત-દિવસની જોડી, કદી સાંજ પાછળ સવારો ન આવે.

ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ગગનમાં ફરી એ સિતારો ન આવે,
બને તો તમે પણ મને જાવ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે.

મળ્યું છે જીવન આજ તોફાન ખોળે, ચહું છું દુઃખદ અંત મારો ન આવે,
ઓ મોજાંઓ, દોડો, જરા જઈને રોકો, ધસી કંઈ વમળમાં કિનારો ન આવે.

મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.

કોઈને હું પામી ગુમાવી ચૂક્યો છું, જગતથી ભરોસો ઉઠાવી ચૂક્યો છું,
ખુશીથી જજે જિંદગી તું ય ચાલી, તને જયારે વિશ્વાસ મારો ન આવે.

હતું કોણ સાથે અને ક્યાં હતો હું, ન કહેજે કોઈને ભલી ચાંદની તું,
સિતારા કરે વાત ગઈ રાતની તો, કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.

‘ગની’ , મારી રાતોના દિવસ ફરે તો, ફરી જાય આ પ્રકૃતિની પ્રથા પણ,
ચમનમાં જણાયે ન અશ્રુનાં ચિહ્નો, પછી રક્તવર્ણી સવારો ન આવે.

-‘ગની’ દહીંવાળા

અલગ અલગ ભાવના શેર છે સઘળા. ક્યાંક મહોબ્બતનો મહિમા છે તો ક્યાંક જીવનથી નિરાશા છે…..

Comments (2)

કિનારા પર – ગની દહીંવાળા

સદા ચાલ્યા કરેછે શ્વાસ કોઈના ઇશારા પર,
જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર !

મળ્યું વ્યાકુળ હ્રદય તેમાંય ચિનગારી મહોબ્બતની,
જીવનદાતા ! મૂકી દીધી ખરેખર આગ પારા પર.

કવિ છું, વિશ્વની સાથે રહ્યો સબંધ એ મારો,
હસે છે એ સદા મુજ પર,રડું છું, એ બિચારા પર.

હ્રદય સમ રાહબર આગળ ને પાછળ કૂચ જીવનની,
તમન્નાઓ મને ઠરવા નથી દેતી ઉતારા પર.

અષાઢી વાદળો ! મુજ આંગણે વરસો ન આ વરસે,
વરસવું હોય તો વરસો મને તરસાવનારા પર.

જીવન-સાગરમાં તોફાનોની મોજ માણો ભરદરિયે,
‘ગની’, ડૂબી જશે, અગર નૌકા આવી કિનારા પર.

******

બહુ સહેલાઈથી કષ્ટો મને આપ્યાં છે દુનિયાએ,
બહુ મુશ્કેલીએ તારી નિકટ આવી શક્યો છું હું.

– ‘ગની’ દહીંવાળા

એક સરળ હ્રદયની વાણી છે આ…..એક સંવેદનશીલ દિલની કથની છે. ગનીચાચાની ખૂબી જ એ હતી કે તેઓના કવનમાં દર્શન સહજ હતું.

Comments (5)

તને ઓછું ન પડે – ‘ગની’ દહીંવાળા

આયખા-તાપણું કેમે કરી ટાઢું ન પડે,
મારી સાથે તો હવે મારું યે પાનું ન પડે.

કોઈ ઇન્સાફ કરો, મારી અધરબંદીનો,
ઊમટે ઉદગારનો દરિયો,અને ટીપું ન પડે ?!

ઘર ભરી દીધું છે એકાંતથી તારે કારણ,
દિલની બેચેની ! કશું યે તને ઓછું ન પડે.

પાંપણે રંગ છે માણેલ ભીની મોસમનો,
મોર નાચીને ઊડી જાય, ને પીંછું ન પડે ?!

જ્યાં બન્યું શક્ય ક્ષિતિજોને ખભે લઈ ચાલ્યા,
નામ સંબંધના આકાશનું નીચું ન પડે.

એક આ પાન ! જે ફરક્યા કરે લીલું લીલું,
ને જો ઊખડે, તો પવનથી કદી પાછું ન પડે.

દિલના ખંડેરમાં પડઘાય ‘ગની’ , ભાંગેલા,
કોઈનું નામ લઇ બૂમ જો પાડું, ન પડે.

– ‘ગની’ દહીંવાળા

Comments (5)

ભગ્ન હૈયે – ગની દહીંવાલા

સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો,
તૂટેલા સાજ પર સંગીત સંભળાવી નથી શકતો.

હે પરવશ પ્રેમ ! શું એવો પ્રસંગ એક વાર ના આવે?
એ બોલાવે મને, ને હું કહું : ‘આવી નથી શકતો.’

ક્ષમા કર હે જગત ! છે કર મહીં બેડી મહોબ્બતની,
હું તેથી મિત્રતાનો હાથ લંબાવી નથી શકતો.

ધરીને હાથ હૈયા પર તમન્ના દિલથી કાઢું છું,
એ જ્યાં જન્મી છે એને ત્યાં જ દફનાવી નથી શકતો.

હે, દીપક ! બોધ લે કંઈ સ્વાર્પણનો મારા જીવનથી,
હું સળગું છું, કદી બીજાને સળગાવી નથી શકતો.

સમજ હે વેદના ! એને તો ઠરવા દે વિરહ – રાતે,
કઝાનાં દ્વાર હું જઈ જઈને ખખડાવી નથી શકતો.

પરાધીનતાની અંતિમ હદ હવે આવી ગઈ હે દિલ !
હું તારા હાલ પર પણ શોક દર્શાવી નથી શકતો.

દુખી દિલની દશા ઉપર પડી છે જ્યારની દ્રષ્ટિ,
‘ગની’, પાનાં જીવન-પુસ્તકના ઉથલાવી નથી શકતો.

– ગની દહીંવાલા

 

ક્લાસિક……….

Comments (3)

પ્રવાસમાં ! – ગની દહીંવાળા

મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

હસી રહી’તી મંજિલો, તજી ગયો’તો કાફલો
થઇ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો
ઊઠી ઊઠીને આંધીઓ તિમિ૨ હતી પ્રસારતી
રહી રહીને જિંદગી કોઇને હાક મારતી

મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમાં?
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

ખરી જતાં ગુલાબને હવે ઝીલીશું ખોબલે
ઊડી જતી સુવાસને સમાવી લેશું અંતરે
ખડા થઇ જશું, વહી જતાં સમયની વાટમાં
ભરીશું હર્ષનો ગુલાલ, શોકના લલાટમાં

મને થતું કે ફેર કંઇ પડે હ્ર્દયની પ્યાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

વિકીર્ણ સોણલાંઓને વિવિધ રીતે સજાવશું
ઠરી ગયેલ ઊર્મિને હ્રદય-ઝૂલે ઝુલાવશું
હવે કદી પવિત્ર જળ ધરા ઉપર નહિ ઢળે
નયન-સમુદ્રથી જગતને મોતીઓ નહિ મળે

મને થતું : વસાવું આ સુવર્ણને સુવાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

તમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા ?
તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા ?
ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના
અદીઠને અનેકવાર મેં કરી છે વંદના

મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

– ગની દહીંવાળા

Comments (3)

અમને ગમે – ‘ગની’ દહીંવાળા

શ્વાસ થઇ આવો અને રહી જાય અંતરમાં તમે,
બારમાસીને હ્રદય-ક્યારીમાં રોપીશું અમે.

આંખથી વાસંતી એવાં વહાલ વેર્યાં વહાલમે,
જાણે ટહુકો જઈ વસ્યો હો આમ્રવનની સોડમે !

શબ્દ છું બારાખડીનો, હોઠ પર મેલો મને,
પ્રેમભાષામાં રણકતો રહીશ કોઈ પણ ક્રમે.

બાગમાં આ જીવતાં સ્મારક રચ્યાં છે માળીએ,
રાત-દી જેઓ પવન આરોગે ને ફોરમ વમે.

ત્યાં જઈ ખોડાશે આ મધ્યાહ્ન-માતેલાં ચરણ,
સૂર્ય ટાઢોબોળ થૈ જે જે ક્ષિતિજે જઈ નમે.

પ્રેમનો મારગ ! કે પગ થાકે, છતાં પ્રસ્થાન થાય,
કેડીની તો વાત શું ! પદચિહ્નમાં રસ્તા રમે.

આ સ્ફટિક સરખો છલોછલ નીરનો પ્યાલો, ‘ગની’,
રંગ એમાં કોઇપણ આવી પડે, અમને ગમે.

– ‘ગની’ દહીંવાળા

સામાન્ય રીતે ગઝલ દર્દનું ગીત હોય છે…..આ ગઝલ વાંચીને બાગબાગ થઇ જવાયું….

Comments (4)

……હો – ‘ગની’ દહીંવાળા

ઋતુ હો કોઇ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો.

કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો.

સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો.

પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.

પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.

પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’ , એકાદ તો સંબંધની એવી સપાટી હો.

-‘ગની’ દહીંવાળા

ઉસ્તાદની કલમ પરખાઈ જ જાય……

Comments (3)

આવકાર દોસ્ત – ‘ગની’ દહીંવાળા

વૈભવની રાત હોઉં, કે દુઃખની સવાર દોસ્ત,
તું તો સમય બનીને મને આવકાર દોસ્ત.

તું અર્થ શોધશે તંઈ હું સ્પષ્ટ થૈ જઈશ,
બદલામાં એક શબ્દ દઈ દે હકાર દોસ્ત.

આ પાનખર તો ગેરસમજ ઋતુની હશે,
હું આંખમાં લઈને ફરું છું બહાર દોસ્ત.

જેઓ ગયા છે દૂર કિનારે મૂકી મને,
ભરતી બનીને આવશે એ પારાવાર દોસ્ત.

દુનિયા મને જુએ છે ને દુનિયાને જોઉં હું,
નીકળી ગયો છું આયનાની આરપાર દોસ્ત.

પાંપણને સ્થિર રાખી કશું પાઠવી તો જો,
વિસ્મયમાં ઓતપ્રોત તું છે એ જ પ્યાર દોસ્ત.

ભારણની ભીંત તોડીને ભાગી ન જા ‘ગની’,
મારા ખભેથી હેઠો મને પણ ઉતાર દોસ્ત.

– ‘ગની’ દહીંવાળા

 

મત્લાનો ઉપાડ તો જુઓ !! ત્યાર પછીના પણ એક એક શેર પાણીદાર મોતી છે ! નખશિખ અદભૂત ગઝલ……

Comments (4)

Page 1 of 6123...Last »