ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ
– રઈશ મનીઆર

કંટકની સુવાસ – ગની દહીંવાલા

હૃદયને ભૂખ હતી, આંખડીને પ્યાસ હતી,
ખુદાનો પાડ એ સોગાદ તારી પાસ હતી !

સદા એ તેજ-તિમિરની જ આસપાસ હતી,
પૂનમ કદી, તો કદી જિંદગી અમાસ હતી.

ફનાગીરી જ અમરતાનો અંશ ખાસ હતી,
કે આપ લક્ષ્ય હતાં જિંદગી પ્રવાસ હતી.

સુણી એ વાત, વળ્યો છે ફૂલોને પરસેવો,
ચમનમાં પ્રસરી તે કંટક તણી સુવાસ હતી.

એ વર્ષગાંઠ હતી પાનખરની ઉપવનમાં,
વસંત ચાર દિવસ, રેશમી લિબાસ હતી.

રૂપેરી ચાંદનીમાં શ્યામ કેશ લહેરાયા,
પૂનમની રાતમાં ખીલી ઊઠી અમાસ હતી.

દુઃખી જીવનને હતી ઝંખનાઓ કોઈની,
કે જન્નાતો ય જહન્નમની આસપાસ હતી.

અજબ સ્વભાવ હતો નિત્યની નિરાશાનો,
મુસીબતોની પળેપળ, સ્વયં વિલાસ હતી.

ગમીની વાત કરું છું ઘણી ખુશીથી ‘ગની’
ખુશીની વાત અધાર પર બહુ ઉદાસ હતી.

– ગની દહીંવાલા

“સુણી એ વાત, વળ્યો છે ફૂલોને પરસેવો, ચમનમાં પ્રસરી તે કંટક તણી સુવાસ હતી.”……..-જીવનની નકરી વાસ્તવિકતા….

બધા જ શેર સરસ….

2 Comments »

  1. हरेश निमावत said,

    September 22, 2020 @ 5:52 AM

    जिवतरनी नघरोल वास्तविकता.
    खुबज सरस.

  2. pragnajuvyas said,

    September 22, 2020 @ 10:51 AM

    ગોપીપુરાના રસ્તા પર નાની દુકાને ટેભા દેતા ગનીચાચાનો ગઝલનો મનમા ગુંજારવ થાય.
    એ વર્ષગાંઠ હતી પાનખરની ઉપવનમાં,
    વસંત ચાર દિવસ, રેશમી લિબાસ હતી.
    વાહ
    આજે પાનખરની વર્ષગાંઠે પ્રકૃતીનુ વાસ્તવિક દર્શન !
    અમે પણ પાનખરે અનુભવીએ જીવનની વાસ્તવિકતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment