તમે એ ડાળ છો….- ગની દહીંવાળા
તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે.
કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,
ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે.
દિવસ ને આવવું હો તો વસંતોમાં વસી આવે,
સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે !
ઊભો છું લઈને હૈયા-પાત્ર, યાચું કંઈક એવું કે,
જગત નિજની કથા સમજે, મને મારું કવન લાગે.
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
મનોમન વ્યગ્ર થઈ મનને મનાવી તો જુએ કોઈ,
હૃદય આ લાડકું, રિસાયેલું કોઈ સ્વજન લાગે.
‘ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે આપણા દિલની જલન લાગે.
– ગની દહીંવાળા
આ ગઝલ સાંભળવા માટે ક્લિક કરો: ટહુકો.કોમ
narendrasinh chauhan said,
February 18, 2013 @ 3:21 AM
ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે આપણા દિલની જલન લાગે.
સરસ
Suresh Shah said,
February 18, 2013 @ 5:14 AM
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
કેવી વાત કહી – મનની મનમાં ન રહે અને મન ખાલી કરો તો ….
ગનીભાઈ ના મનમા પણ આવી જ મથામણ હશે ને!
યાદ આવે છે ….
કોઈ શ્વાસ બંધ કરી ગયુ, પવન ન જાય અગન સુધી ….
સુંદર આસ્વાદ માટે આભાર.
– સુરેશ શાહ, સિંગાપોર
Rekha Sindhal said,
February 18, 2013 @ 6:19 AM
ખુબ સુઁદર ગઝલ. દરેક શેર કાબિલે તારિફ છે. પસંદગી માટે લયસ્તરોનો અને ટહૂકોનો આભાર
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
February 18, 2013 @ 9:51 AM
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
‘ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે આપણા દિલની જલન લાગે.
છેવટે વાત તો મિત્ર કે અંગત કે ર્હદ્યયસ્થ ને મળવા જ નહીં હળવા પણ મન તરસે- કંઈક કહેવા કંઈક સાંભળવા !સંબંધ ને કેટલું મહત્વ મળ્યું !! કે…
તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે.
અન્યોન્યની ઇચ્છા,આકાંક્ષા ભૌતિક સુખની નથી ! મારૂં કોઈક છે , જે મને સાંભળે છે ! એટલીજ હોય ! એવું આપણે સૌ દિલ થી ઈચ્છતા હોઈએ,આપણા દિલ ની ઇચ્છાને ‘ગની’સાહેબે વાચા આપી !
શ્રી સુરેશ શાહે કહ્યું તેમ , જો ર્હદ્યની આગ વધી ‘ગની’..
ખૂદ ઇશ્વરે જ કૃપા કરી..
કોઈ શ્વાસ બંધ કરી ગયું…. કે પવન ન જાયે અગન સુધી..
અમુક નામ સ્મરણજ એવા હોય છે – જે , આપણે ઇચ્છીયે કે ,ક્યારે આપણો સાથ ન છોડે-જીવન પર્યંત તો ખરુંજ! મૃત્યુ બાદ પણ !
rajesh mahant said,
February 18, 2013 @ 11:46 AM
ઊભો છું લઈને હૈયા-પાત્ર, યાચું કંઈક એવું કે,
જગત નિજની કથા સમજે, મને મારું કવન લાગે.
એક ઉત્તમ કવિનુ ચિહ્ન્.
kartika desai said,
February 18, 2013 @ 4:19 PM
જય શ્રેી ક્રિશ્ન.
આજનો આપનો દિવસ ઉઘડતા સુર્ય જેવો હોય્.
સુન્દર્…મનભાવન ગઝલ….
pragnaju said,
February 18, 2013 @ 7:15 PM
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
મનોમન વ્યગ્ર થઈ મનને મનાવી તો જુએ કોઈ,
હૃદય આ લાડકું, રિસાયેલું કોઈ સ્વજન લાગે
ખૂબ સુંદર
Maheshchandra Naik said,
February 19, 2013 @ 4:31 PM
બધા જ શેર લાજવાબ અને કાબીલે દાદ માગી લે છે, ગઝલકાર શ્રી ગની દહીંવાલાને સલામ…………..અપનો આભાર………………..
વિવેક said,
February 20, 2013 @ 1:08 AM
હજારો પ્રસંગો પર ટાંકેલો અભૂતપૂર્વ શેર:
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !