કબરની માટીથી – ગની દહીંવાળા
ઉતારી મેલે જગત ધૂળની સપાટીથી,
એ પહેલાં પ્રેમ કરી લ્યો કબરની માટીથી.
લખાણ રૂપે જો પ્રત્યક્ષ થૈ શક્યા ન અમે,
ઉપાડી લેવા હતા કો’ પરોક્ષ પાટીથી.
તરસના શ્વાસ જો ધીમા પડ્યા તો પડવા દો !
કે હોઠ ત્રાસી ગયા છે આ ઘરઘરાટીથી.
ખુદા ! ક્ષુધા હતી આદમની ઘઉંના દાણા શી,
અમે શિયાળ શું મન વાળ્યું દ્રાક્ષ ખાટીથી.
ન ભય બતાવ કયામતનો, મારા ઉપદેશક !
તને નવાજું હું જીવતરની હળબળાટીથી.
પરાણે જીવવું એ પણ છે એક બીમારી,
ઉપાય દમનો ન કરશો તબીબ ! દાટીથી.
નિરાંતે હાથ હયાતીની છાતીએ મેલ્યો,
ત્વચાનું પૂછ મા, દાઝી ગયા રુંવાટીથી.
‘ગની’, આ ગૂંચને જીવતરની પ્રક્રિયા જ ગણો,
દિવસ કપાય, તો રાત ઊભરાય આંટીથી.
– ગની દહીંવાળા
ક્લાસિક રચના…પ્રત્યેક શેર ઉમદા…
Prahladbhai Prajapati said,
November 10, 2020 @ 6:22 AM
સુન્દર્
pragnajuvyas said,
November 10, 2020 @ 10:17 AM
સંઘેડા ઉતાર ગઝલ
ઉતારી મેલે જગત ધૂળની સપાટીથી,
એ પહેલાં પ્રેમ કરી લ્યો કબરની માટીથી.
વાહ
સ રસ મત્લા
ધન્યવાદ ડો તીર્થેશજી