ઓ મારા દિલની આરઝૂ – ‘ગની’ દહીંવાળા
જવાબ દેને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝૂ !
સતાવ ના બહુ થયું, ઓ મારા દિલની આરઝૂ !
હૃદયમાં તારી આશને જ જોઈ જા, મને ન જો,
નજરમાં તવ તલાશને જ જોઈ જા, મને ન જો;
કહો તો ‘હું’ ન ‘હું’ રહું, તું આવ મારી રૂબરૂ,
ઓ મારા દિલની આરઝૂ….. જવાબ દેને…..
વહન સમયનું બંધ છે, ન આજ છે ન કાલ છે,
તને ખબર શું ! કોઈના જીવનનો આ સવાલ છે ;
જગતમાં તું ન હોય તો જગતથી હું જતો રહું;
ઓ મારા દિલની આરઝૂ…. જવાબ દેને….
બધું ય હું ગુમાવીને કહીશ કે બધું જ છે,
હૃદયમાં તારી યાદ છે તો માની લઈશ તું જ છે;
તું સાંભળે ન સાંભળે,હું સાદ પડતો રહું,
ઓ મારા દિલની આરઝૂ…. જવાબ દેને….
વિરહની કોઈ પળ મિલનના પંથ પર વળી જશે,
યકીન છે મને હૃદયની આરઝૂ મળી જશે;
કહે છે; શોધનારને મળે છે આ જગે પ્રભુ,
ઓ મારા દિલની આરઝૂ… જવાબ દેને….
ડૂબતો માણસ શ્વાસને તલસે તેવો તલસાટ…. એ પ્રિયતમા ધન્ય હશે જેનો આવો પ્રેમી હશે. એ પ્રેમી ધન્ય હશે જેનું દિલ વીંધાઈને આવા અદભૂત સૂર છેડતું હશે……સાહિરની અમર પંક્તિઓ યાદ આવે છે – ‘જો તાર સે નીકળી હૈ વોહ ધૂન સબને સુની હૈ, જો સાઝ પે ગુઝરી હૈ વોહ સિર્ફ ઇસ દિલકો પતા હૈ….’
Ashvin Mavani said,
June 26, 2011 @ 2:34 AM
http://www.aapnugujarat.co.cc
આ વેબસાઈટ પર તમારી પોતાની કોઈપણ સાહિત્ય કૃતિ જેમકે કવિતા, ગઝલ, શાયરી, વાર્તા, મુક્તક, કહેવતો વિગેરે…પબ્લીશ કરવા ઈચ્છતા હોવ તો નીચેના ઈ-મેઈલ પર કૃતિ અને લેખકની સંપૂર્ણ માહિતી, અરજી સાથે મેઈલ કરો.
(નોંધ: બીજા દ્વારા રચિત કૃતિ માટે ની અરજી સ્વીકારવામાં આવશે નહી. કૃતિ મેઈલ કરનારની જ હોવી જોઈએ.)
info@aapnugujarat.co.cc
DHRUTI MODI said,
June 26, 2011 @ 3:08 PM
ચતુષ્પદીમાં લખાયેલી સુંદર નઝમ.નઝમ ગેયતાની દૃષ્ટિઍ પણ ઉત્તમ છે.
વિવેક said,
June 27, 2011 @ 9:48 AM
ગુજરાતીમાં નઝમ જવલ્લે જ ખેડાતો કાવ્ય પ્રકાર છે. લગાલગાના ધ્વન્યાત્મક આવર્તનોથી અહીં ગનીચાચાએ નઝમના પ્રાણ સમું સંગીત પણ એમાં રેડ્યું છે…
ધવલ said,
June 27, 2011 @ 2:53 PM
વહન સમયનું બંધ છે, ન આજ છે ન કાલ છે,
તને ખબર શું ! કોઈના જીવનનો આ સવાલ છે ;
જગતમાં તું ન હોય તો જગતથી હું જતો રહું;
ઓ મારા દિલની આરઝૂ…. જવાબ દેને….
– સરસ !
હેમંત પુણેકર said,
June 30, 2011 @ 8:20 AM
અતિ સુંદર ગીત! ઉત્તમ! બહુ મજા આવી!