તું મળે તો પાત્રમાં પડશે કશું,
ઘેર લખ ચોરાસી બાકી યાચું છું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુનીલ શાહ

સુનીલ શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(જોયો જ નહિ) - સુનીલ શાહ
આગળ જઈએ - સુનીલ શાહ
ગઝલ - સુનીલ શાહ
ગઝલ - સુનીલ શાહ
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨
ચલાવું છું - સુનીલ શાહ
ચાલશે - સુનીલ શાહ
ઝાકળબુંદ : ૫ : ગઝલ - સુનીલ શાહ
પહેલાં એ ચકાસો - સુનીલ શાહ
ભગવતી-વિશેષ : તરહી મુશાયરો... (ભાગ- ૨)
હાઈકુ -સુનીલ શાહઆગળ જઈએ – સુનીલ શાહ

એવું થોડું છે, દોડીને આગળ જઈએ?
ચાલીને, થોડું અટકીને આગળ જઈએ.

એમ નથી, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.

એમ બને, એ સાથે આવે, ના પણ આવે,
બૂમ જરા એને પાડીને આગળ જઈએ.

એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
સ્હેજ જગા એની છોડીને આગળ જઈએ

કોઈ હતાશા લઈ પાછળ પાછળ આવે છે,
સ્મિત સમા પગલાં પાડીને આગળ જઈએ.

– સુનીલ શાહ

સરળ અને સહજ ભાષામાં મજાની વાત કરતી નખશિખ આસ્વાદ્ય અને સંપૂર્ણ ‘પોઝિટીવ’ ગઝલ… શૈલી એવી કે તરત મરીઝ યાદ આવે…

Comments (12)

(જોયો જ નહિ) – સુનીલ શાહ

કેટલો સુંદર, સરળ મોકો હતો, જોયો જ નહિ,
દોસ્ત! તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહિ !

ટોળું બોલ્યું: ‘ધર્મ ભયમાં છે’…અને દોડ્યા બધા,
કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહિ !

લઈ હથોડો હાથમાં, દોડયા તમે તો તોડવા,
ભીંતને બદલે અહીં પરદો હતો, જોયો જ નહિ ?

રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહિ !

દામ જ્યાં ઊંચા મળ્યા, ઘર એમણે વેચી દીધું,
ઘરના ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહિ !

– સુનીલ શાહ

આપણા, ના, કદાચ બધા જ કાળના બધા જ સમાજના કપાળ પર ચપોચપ ચોંટી જાય એવી ગઝલ. ઈસુથી લઈને ગૌતમ સુધી ને મહંમદથી લઈ ગાંધી સુધી – મસીહાઓ, ભગવાનો આવ્યા અને ગયા પણ સમાજની ‘અંધ’ માનસિકતા એની એ જ રહી. આંખ એના ગોખલામાં યથાસ્થાને જ રહી પણ દૃષ્ટિ કદી કોઈને લાંધી જ નહીં… જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે, એમ પણ બને (મ.ખ.)– એના જેવી આ વાત છે. મીઠામાં બોળેલા ચાબખા ભરબપોરે ઊઘાડી પીઠ પર વિંઝાતા હોય એ રીતે આ ગઝલ આપણા અહેસાસની બુઠ્ઠી થઈ ગયેલી ચામડી ઊતરડી નાંખે છે….

Comments (10)

ચલાવું છું – સુનીલ શાહ

image

એમ પીડાને હું હરાવું છું,
તું વધારે છે, હું વધાવું છું.

એ જ જખ્મો છે, એ જ નક્શો છે,
ભાત નોખી હું ક્યાં બતાવું છું ?

કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.

તું હશે સારથિ જગતનો પણ
મારા ઘરને તો હું ચલાવું છું…!

છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.

– સુનીલ શાહ

કવિની કમાલ સમજવા આખી ગઝલ કે આખા સંગ્રહમાંથી પસાર થવાની જરૂર જ નથી. ફક્ત મત્લાનો શેર જ જુઓ. પીડાની ઉપર વિજય મેળવવાની ચાવી એટલે જીવતાં શીખવાની કળા. સામું પાત્ર કે દુનિયા કે ઈશ્વર સાક્ષાત ભલેને પીડાને વધારતા હોય, પણ જે ઘડીએ આપણે એને વધાવી લેતાં શીખી જઈએ એ ઘડી પીડાને પરાસ્ત કરવાની ઘડી છે. પણ કવિની ખરી કમાલ તો અહીંથી જ આગળ વધે છે. ‘વધારે’ અને ‘વધાવું’ – બે શબ્દોમાં ફક્ત છેલ્લા એક જ અક્ષરને બદલી નાંખીને કવિ જે રીતે બે અલગ જ અર્થ સાવ સાંકડી જગ્યામાં ઊભા કરી શક્યા છે એમાં જ ખરી કવિતા અને કવિની કમાલ નજરે ચડે છે.

સુરતના કવિમિત્ર શ્રી સુનીલ શાહ પોતાના પ્રથમ ગઝલસંગ્રહ “પાંખોની દોસ્તી” લઈને લયસ્તરોના આંગણે આવ્યા છે ત્યારે એમનું સહૃદય સ્વાગત અને કોટિ કોટિ શુભકામનાઓ…

Comments (16)

ગઝલ – સુનીલ શાહ

ક્યાં હું ખુદને હજી કળાયો છું ?
ભીતરે ક્યાંક ભેરવાયો છું.

લોક માને છે કે હું ઊગ્યો છું,
કોને કહું કે હજી દટાયો છું !

રીત છે જીવવાની અહીં એવી,
રોજ જીવીને… હું મરાયો છું.

અવદશાનું મળ્યું છે કારણ એ જ,
હું દિશા બાબતે મૂંઝાયો છું.

મૂળ અકબંધ છે હજી મારાં,
હું ઉપરથી ભલે કપાયો છું.

લાગણીની કરી લખાવટ મેં,
દાદથી ક્યાં વધુ કમાયો છું

– સુનીલ શાહ

નખશિખ સુંદર ગઝલ… બધા જ શેર ધ્યાનાર્હ…

Comments (16)

ગઝલ – સુનીલ શાહ

એટલે ત્યાં કશું ઉધાર નથી,
લાગણીનું કોઈ બજાર નથી.

મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી.

એ જરૂરી છે, હોય અર્થસભર,
શબ્દ કેવળ કશો વિચાર નથી.

શોધ એવું અતીત તો તું ખરો,
કોઈ પાને કશા પ્રહાર નથી.

ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

– સુનીલ શાહ

બધા જ શેર સરસ પણ પહેલાં ત્રણ શેર તો ઉત્તમ…

Comments (15)

ચાલશે – સુનીલ શાહ

અટપટો રસ્તો હશે તો ચાલશે,
ભોમિયો સાચો હશે તો ચાલશે.

જે બતાવે, હોય કેવળ સત્ય તો,
આયનો નાનો હશે તો ચાલશે.

પર્ણ લીલું હોય કે પીળું, ફકત,
ડાળથી નાતો હશે તો ચાલશે.

સહેજપણ હો છાંયડાની શક્યતા,
માર્ગમાં તડકો હશે તો ચાલશે.

મેળવું જો જાત રાખીને અખંડ,
રોટલો અડધો હશે તો ચાલશે.

ખુદને મળવા શું વધારે જોઈએ..?
ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.

આખું સરનામું ન આપો, કાંઈ નહિ,
વહાલનો નકશો હશે તો ચાલશે.

– સુનીલ શાહ

સ્વાભિમાનના ભોગે સોનાની લંકા મળે તોય નકામી… રોટલો ભલે અડધો જ હોય પણ જાત તોડ્યા વિનાનો હોવો જોઈએ એ મતલબનો હાંસિલે-ગઝલ ગણી શકાય એવો આ શેર ગૂંઠે બાંધી શકીએ તો ઘણું.

 

Comments (16)

હાઈકુ -સુનીલ શાહ

કાલચક્રનું
શોધું છું રહસ્ય હું,
ક્ષણો તોડીને…

-સુનીલ શાહ

Comments (13)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૨)

ગઈકાલે આપણે શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી  સુરત ખાતે યોજેલ તરહી મુશાયરાની એક ઝલક માણી… આજે ભાગ બીજો..

*

IMG_4689

ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.

તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.

-ગૌરાંગ ઠાકર

*

IMG_4693

ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.

– દિવ્યા મોદી

*

IMG_4711

સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.

આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.

– ડેનિશ જરીવાલા

*

IMG_4716

આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.

હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

– કવિતા મૌર્ય

*

IMG_4696

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

-સુનીલ શાહ

*

IMG_4726

હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.

આવે નહીં અવાજ ને આંસુ ઢળી પડે,
જ્યારે કોઈ હૃદયનો ભરોસો ચિરાય છે.

– પ્રમોદ અહિરે

*

IMG_5167

હજી ક્યાં પ્રણયની સમજ આવી છે,
હૃદય છે, અહર્નિશ બળે પણ ખરું.

અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.

– જનક નાયક

*

IMG_4676[1]

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (22)

પહેલાં એ ચકાસો – સુનીલ શાહ

વૃક્ષની આજે નીયત શાને તપાસો,
કે, તમે તડકે ધરી જોયો છે વાંસો ?

મેઘની આવી રહી છે લ્યો સવારી,
વીજરૂપે મોકલે છે આભ જાસો.

આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
રોજ એની બાજુ ફેંકું એક પાસો.

એકથી બીજા સુધી પહોંચી શક્યા નહિ,
દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?

છત જવાની રોજ બનતી હોય ઘટના,
પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?

-સુનીલ શાહ

કવિતા ક્યાંથી આવે છે? દૈવલોકમાંથી? કે પછી કોઈ ગેબી અગોચર મનોભૂમિમાંથી? કવિતા તો દોસ્તો, આપણી આસપાસથી જ આવતી હોય છે. આપણી પોતાની જિંદગીમાંથી જ. જે સૂર્ય, તડકા અને વૃક્ષને આપણે રોજ જોઈએ છીએ, ક્યારેક જેની નીચે છાંયડામાં બેસીને આરામ પણ કર્યો છે એ જ વૃક્ષ,તડકાને જોઈને કવિ ક્યારેક એવી વાત કરી બેસે કે આપણને કવિતા કેવી રીતે જન્મે છે એ વાતનું ગહન આશ્ચર્ય ઉપજે. સુનીલ શાહની આ ગઝલના બધા જ શેર સંતર્પક અને ધ્યાનાર્હ થયા છે પણ મારું મન તો મત્લાના શેર પર જ સમરકંદો-બુખારા ઓવારી બેઠા છે.  ‘ જેણે કદી પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર મારે’ની ઈશુ-પંક્તિ ગઝલના પહેલાં શેરમાં કેવી પ્રવાહિતાથી ઉતરી આવી છે !

Comments (11)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

Page 1 of 212