ન પૂછ : કેમ સુગંધિત હૃદયની માટી છે ?
ભીની-ભીની ઘણી ઇચ્છાઓને ત્યાં દાટી છે.
ડેનિશ જરીવાલા

પહેલાં એ ચકાસો – સુનીલ શાહ

વૃક્ષની આજે નીયત શાને તપાસો,
કે, તમે તડકે ધરી જોયો છે વાંસો ?

મેઘની આવી રહી છે લ્યો સવારી,
વીજરૂપે મોકલે છે આભ જાસો.

આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
રોજ એની બાજુ ફેંકું એક પાસો.

એકથી બીજા સુધી પહોંચી શક્યા નહિ,
દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?

છત જવાની રોજ બનતી હોય ઘટના,
પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?

-સુનીલ શાહ

કવિતા ક્યાંથી આવે છે? દૈવલોકમાંથી? કે પછી કોઈ ગેબી અગોચર મનોભૂમિમાંથી? કવિતા તો દોસ્તો, આપણી આસપાસથી જ આવતી હોય છે. આપણી પોતાની જિંદગીમાંથી જ. જે સૂર્ય, તડકા અને વૃક્ષને આપણે રોજ જોઈએ છીએ, ક્યારેક જેની નીચે છાંયડામાં બેસીને આરામ પણ કર્યો છે એ જ વૃક્ષ,તડકાને જોઈને કવિ ક્યારેક એવી વાત કરી બેસે કે આપણને કવિતા કેવી રીતે જન્મે છે એ વાતનું ગહન આશ્ચર્ય ઉપજે. સુનીલ શાહની આ ગઝલના બધા જ શેર સંતર્પક અને ધ્યાનાર્હ થયા છે પણ મારું મન તો મત્લાના શેર પર જ સમરકંદો-બુખારા ઓવારી બેઠા છે.  ‘ જેણે કદી પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર મારે’ની ઈશુ-પંક્તિ ગઝલના પહેલાં શેરમાં કેવી પ્રવાહિતાથી ઉતરી આવી છે !

11 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    November 12, 2009 @ 1:42 AM

    આપણી આસપાસની જ વાત લઈને આવેલી આ કવિતા,ખરેખર તો આપણા બધાના ‘કાન પકડાવવાની ‘ વાત લઈને આવી છે!
    જે રીતે આખી વાતની ગુંથણી થઈ છે સરાહનીય કામ થયું છે.
    -અભિનંદન.

  2. pragnaju said,

    November 12, 2009 @ 4:22 AM

    આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
    પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.
    સહેજે ગમી જાય તેવી પંક્તીઓ તેમના હૈયાની આત્મલક્ષી ભાષાને પોતીકા અવાજમાં અંશત રૂપાંતરિત કરી શક્યા છે કે ક્યારેક એમના પાત્રોનાં ચૈતસિક આયામો સાથે, આંતર-બાહ્ય ગતિ, આવેગ સાથે સમરસ થવા એ વાંચકના ભાવક ચિત્તમાં સંવેદન કંપીત કરી શક્યા છે

  3. Mukund Joshi said,

    November 12, 2009 @ 4:43 AM

    બહુ સરસ ગઝલ!
    આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
    પોપડા ખરતાં પહેલાં એ ચકાસો….. બહુ
    ગમી.

  4. કવિતા મૌર્ય said,

    November 12, 2009 @ 5:07 AM

    સુંદર ગઝલ !

  5. Pinki said,

    November 12, 2009 @ 7:47 AM

    બહુ જ સરસ !

    તેમની સર્વશ્રેષ્ઠ ગઝલ !!

  6. Pancham Shukla said,

    November 12, 2009 @ 10:24 AM

    સુંદર ગઝલ. વારંવાર માણવી ગમે એવી.

    મત્લાની વાત-
    વૃક્ષ અવિરત ટાઢ તડકો ઝીલી પશુ પંખીને છાયા અને આશરો આપે છે. આપણે છાયાઆશ્રિતો વૃક્ષની છાયા વિષે કંઈ પણ કહેતા/વિચારતા પહેલા આપણો બરડો ખુલ્લો કરી તડકાનો થોડો ચરચરાટ તો વેઠીએ!

  7. kirankumar chauhan said,

    November 12, 2009 @ 11:35 AM

    બહુ જ સરસ ગઝલ.

  8. BB said,

    November 12, 2009 @ 12:25 PM

    સુન્દર રચના .

  9. sudhir patel said,

    November 12, 2009 @ 7:38 PM

    ખૂબ જ સુંદર ગઝલ! મત્લા અને છેલ્લો શે’ર બન્ને વિશેષ ગમ્યાં.
    સુનીલભાઈને અભિનંદન!
    એમના બ્લોગ પર આ ગઝલ માણી હતી.
    સુધીર પટેલ.

  10. kanchankumari parmar said,

    November 13, 2009 @ 6:43 AM

    રુંવે રુંવે પડેલા ઘાવ ને ચકાશુ છુ કે દિધા હશે કોણે આટ્લા પ્રેમ થિ તે તપાશુ છુ………

  11. સુનીલ શાહ said,

    November 13, 2009 @ 9:15 AM

    મારી ગઝલ વિશે અહીં પ્રતિભાવો આપનારા સી વડીલો–મિત્રોનો હૃદયથી આભાર.
    કવિમિત્ર ડૉ. વિવેકભાઈનો વિશેષ આભાર..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment