આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.
– રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિનોદ જોશી

વિનોદ જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વાતે વાતે મને લાગતું… – વિનોદ જોશી

વાતે વાતે મને લાગતું : તને લાગશે કેવું?
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!

પરાપૂર્વથી પાણી તો પાણી છે એણે ખળભળવાનું હોય : એટલું કહેવું છે,
જાણી લે કે મોજાંની ઢગલીએ જઈને ઊંડાં તળિયે સાવ એકલું રહેવું છે!

પણ,
તારે મારો પડછાયો થઈ હોય કાયમી રે’વું!
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!

પાણીનું બખ્તર પહેરીને કોઈ માછલી નથી આવતી કાંઠે એ તું જાણે છે,
દરિયો કરવા એક ફાલતુ ટીપાને તું ફોગટ એના ગજાબ્હારનું તાણે છે;

પણ,
મને ખોઈને હું મારામાં તને જીવતો, એવું!
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!

– વિનોદ જોશી

માનવસંબંધની સંકુલતાનું ગાન. કવિ એમ નથી કહેતા કે વાતે વાતે તને વાંકુ પડે છે, એ તો વાતે વાતે પોતાના વર્તાવથી સામી વ્યક્તિને શું લાગશે એની ચિંતામાં ગરકાવ છે. માનવસંબંધની આ સૌથી કરુણ બાજુ છે. પોતાની ઇચ્છાને અવગણીને સામાને અનુકૂળ થવાની રઢમાં ઘણીવાર બાવાનાં બેય બગડતાં હોય છે. ‘વાતે વાતે’ – આ દ્વિરુક્તિ પણ ગીતને કેવી ઉપકારક નીવડી છે! આ કોઈ એક વખતની સમસ્યા નથી,આ સમસ્યા તો ડગલેને પગલે કથકને કનડી રહી છે. નાયક પ્રિયાને દરિયો અને સ્વયંને પરપોટો કહે છે એના પરથી એને પ્રિયા માટે કેટલો પ્રેમ છે એનો અણસાર મળે છે. દરિયો – અસીમ, અતાગ, શાશ્વત! પરપોટો- નાનકડો, અસ્થિર, અલ્પજીવી! સુખી થવાની ખરી કળ તો એ કે જે જેવા હોય એવા થઈને રહે. પાણી હોય તો એણે પાણી જ રહેવાનું હોય, ખળખળવું એ જ એનો ખરો ગુણધર્મ. માછલી કાંઠે આવે તો જાનથી જાય, પણ એથી કંઈ એ પાણીનું બખ્તર પહેરીને કાંઠે ન આવે. નાયકને એકલતાનું ઊંડાણ પસંદ છે, પણ સામી વ્યક્તિને તો પડછાયો થઈ ચોવીસે કલાક સાથે પણ રહેવું છે અને નાયકને પોતાના રંગે રંગી પોતાના જેવોય બનાવવો છે. પણ એમ કંઈ ટીપાંને તાણીને દરિયો કરાય? ગીતસ્વરૂપે નાયક જે આપણને કહી રહ્યો છે, એ નાયિકાને કહી શકે છે ખરો? સાચો સંબંધ જ એ જે સામી વ્યક્તિને યથાતથ સ્વીકારી શકે…

Comments (6)

એ પળ હજી… – વિનોદ જોશી

એ પળ હજી ન ભાળી,
હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!

વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,
ઊભી ધાર ન ફાવે એને હોય વરસવું ત્રાંસું;
ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!

ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,
પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;
ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!

– વિનોદ જોશી

રવીન્દ્રનાથ ટાગોરને કોઈએ પ્રશ્ન કર્યો કે તમારી શ્રેષ્ઠ કવિતા કઈ? કવિવરે જવાબ આપ્યો કે મારી શ્રેષ્ઠ કવિતા હજી લખવાની બાકી છે, તેથી જ હું લખતો રહું છું. જીવનમાં દરેક વ્યક્તિને કોઈકને કોઈક વસ્તુની પ્રતીક્ષા હોય છે. પ્રસ્તુત ગીતરચનામાં પણ કાવ્યનાયક આવી જ કોઈક અનાગત પળની સમતોલ પ્રતીક્ષામાં છે. સમતોલ એ રીતે કે કથક એ વાતથી સુપેરે અવગત છે કે અનાગત પળ મેઘધનુષી પણ હોઈ શકે છે અને કાળી પણ. જીવનના ઉભય અંતિમના સમ્યક સ્વીકાર સાથેની આ પ્રતીક્ષા હોવાથી ગીત ચીલાચાલુ પ્રાસાવલિ ન રહેતાં સુમધુર કવિતામાં પરિણમે છે.

જે પળ હજી આવવી બાકી છે એ જો ચોમાસું હોય તો એ ત્રાંસી ધારે જ વરસવુંની ગાંઠ મારી પગ વાળી વાદળમાં બેસી ગયેલ છે. રાત આખી હવાના હડદોલા ખાઈ ખાઈને ઘાસના ડિલે ઝાકળના ફરફોલા ઉપસી આવે છે… ખરબચડી જિંદગીને ખોટેખોટી પંપાળ્યે રાખવાના રંજરંજિત ભૂતનો બોજ ખભે ઊઠાવી વર્તમાન ભાવિ તરફ આંખ માંડી બેઠો છે. ગત-અનાગત વચ્ચે ભીંસાતી આજનો એક શેર યાદ આવે છે-

ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે? (વિમટે)

પેલી પળ તો જ્યારે એને ભાવિ લઈને આવશે ત્યારે આવશે… આજનું કામ છે ઘાસ વચ્ચે વેરાયેલ ટહુકા ચુપચાપ વીણતા રહેવું… ખરબચડા જીવનને ટહુકાના સૂરની સુંવાળપથી જ સંવારી શકાય…

Comments (11)

બહુ એકલવાયું લાગે… – વિનોદ જોશી

ઝાડ એકલું અમથું અમથું જાગે,
.                             બહુ એકલવાયું લાગે…

પવન પાંદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,
બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;
બંધ પોપચાં મીઠ્ઠાં શમણાં માગે,
.                             બહુ એકલવાયું લાગે…

દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,
હડી કાઢતી હવા ડાળ પર બેસી ટહુકા આંજે;
એક લ્હેરખી ઊંડા તળને તાગે,
.                             બહુ એકલવાયું લાગે…

અભણ આગિયા અંધારાને પાડે પછી ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;
રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
.                             બહુ એકલવાયું લાગે…

– વિનોદ જોશી

૨૦૨૬ની શરૂઆત થઈ ચૂકી છે… લયસ્તરોના તમામ ભાવક અને સર્જકોને નવા વર્ષના અભિનંદન! નવ્યવર્ષનો પ્રારંભ સરસ મજાની ગીતરચનાથી કરીએ…

સમર્થ કવિ કેવળ માનવમનના અતળ ઊંડાણો તાગવા સુધી સીમિત ન રહે, એ તો પ્રકૃતિના તમામ ઘટકતત્ત્વોની અનુભૂતિને આત્મસાત કરે અને પછી સહુ સાથે સહિયારે. પ્રસ્તુત રચનામાં કવિ ઝાડની સંવેદનાના મૂળ સુધી પહોંચે છે. ઝાડની એકલતા અને ચોવીસે કલાક કાર્યરત રહેવાની પ્રકૃતિનો કોઈ જોડ નથી. આ અજોડ વિલક્ષણતાને કેન્દ્રમાં રાખી કવિ એની ફરતે નિસર્ગના નાનાવિધ ઘટકોને કલ્પનસૂત્રોના તાણાવાણાથી બાંધે છે. દિ’ આખો અજવાળું દળીને ખીણમાં દડી જતો સૂરજ, હવા વડે ટહુકાનું આંજન કરવાની ક્રિયા, અભણ આગિયા વડે અંધારાના ડિલે પડતા ઉઝરડા તથા આભમાં ઝબૂક ઝબૂક કરતા તારામાં ભમરડા ફરતા દેખાય વગેરે કલ્પનોની નજાકત અને બારીકી રચનાને વધુ હૃદ્ય બનાવે છે. કવિએ આગિયાને અભણ કહ્યા એ જોયું? ભણેલા હોય એ સીધી લીટીમાં લખે,પણ આગિયા તો સ્વૈરવિહારી… આગિયાના ઉડ્ડયનથી હવામાં અજવાળાના કે લિસોટા પડે એમાં આકાર કે અક્ષર હોતા નથી… કદાચિત આ કારણે કવિએ આગિયાને અભણ કીધા છે… પણ આવા અનૂઠા કલ્પનોને જે રીતે કવિએ વર્ણસગાઈના તાલ સાથે આલેખ્યા છે, એના કારણે સર્જાતું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.

Comments (12)

બંધ હોય ખડકી ને બંધ હોય બારી… – વિનોદ જોશી

બંધ હોય ખડકી ને બંધ હોય બારી,
પણ ધારી લે, છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, ઝાડ હજી ખિસકોલી જેવડું જ હોય ત્યારે અઘરું છે હીંચકાને બાંધવો,
જો કે, અઘરું છે ધોધમાર વાદળના ભારથી જ બટકેલા ટહુકાને સાંધવો;

પણ ધારી લે, ધારદાર શમણાં વાઢીને કોઈ ફળિયામાં ઠાલવી દે ભારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, અંધારું એકલું જ પૂરતું છે આમતેમ આથડતો પડછાયો ઢાંકવા,
જો કે, ઢોલિયામાં સૂતેલાં અજવાળાં કોઈવાર અણધાર્યાં માંડે છે પાકવા;

પણ ધારી લે, કોઈ પછી ફાનસમાં ઓલવાતી વાત જરા વાંચી લે તારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

– વિનોદ જોશી

કોઈ જ પહોંચી ન શકે એ રીતે ભીતરને સજ્જડ તાળું મારીને આપણે બેઠા હોઈએ, એવામાં કોઈક હાઉકલી કરતુંકને સામે આવી ચડે તો? સ્વયંને પુરુષ કે પ્રેમને તાબે ન થવા દેવાની ગાંઠ મનમાં મારીને બેઠેલ નવયૌવનાને ડારો દેતી સહેલીનું રમતિયાળ ગીત આજે માણીએ. જો કે સવાલ કરનાર કથક સહેલી પણ હોઈ શકે અને સ્વયં કાવ્યનાયિકા જાતની ઉલટતપાસ કરતી હોય એય બનવાજોગ છે. સવાલ એ છે કે ભલે ખડકી બંધ કરી, બારીય વાખી દીધી, પણ ધાર કે કોઈ છાપરું ઠેકીને આવી ચડે અને તું આજથી મારી એમ દાવો કરે તો તું શું કરવું?

કવિ નિજની ઊર્મિઓ ભાવક સુધી પહોંચાડવા એકમાત્ર ઉપલબ્ધ ઉપાદાન શબ્દોનો સહારો લે એ બરાબર પણ અન્ય કાવ્યપ્રકારોથી વિપરીત ગીતનું પ્રમુખ ધ્યેય ભાવકને કે શબ્દાર્થ નહીં, ભાવાર્થ સુધી લઈ જવાનું છે. કવિએ જે પ્રતીકો અને પદ પ્રયોજ્યા છે, એનો સ્થૂળાર્થ કરવા કરતાં ભાવ પકડવા મથીશું તો રચના દિલની વધુ નજીક અનુભવાશે. ઝાડનું કદ ખિસકોલી જેવડું જ હોય ત્યારે આપણે એને છોડ તરીકે ઓળખીએ છીએ, પણ કવિ ઝાડ કહે છે. કારણ, જે પ્રેમી છાપરું કૂદીને નાયિકા ઉપર માલિકીભાવ જમાવી શકવાની આશંકા છે, એના માટે નાયિકાના મનમાં તો પ્રણયનો છોડ વૃક્ષની જેમ ફૂલીફાલી ચૂક્યો છે. પણ વાત હજી સાવ પ્રારંભિક તબક્કે હોય ત્યારે સંબંધનો હીંચકો તો બાંધી ન બેસાય ને? અને એવા ટાણે ધોધમાર વરસવા આતુર હૈયાના ભારથી પ્રેમગાનનું સંધાન સાધવાની ઉતાવળ પણ ન થાય. નાયિકા તો આ સમજે છે, પણ નાયક ધારદાર શમણાંની ભારી ફળિયામાં ઠાલવી સામો આવી જાય તો? ગીતમાં આખી મજા જ ડગલે ને પગલે ધારવાની અને તોના ધારદાર સવાલની છે…

Comments (9)

ખુલ્લી પાંખે પિંજરમાં -વિનોદ જોશી

ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બ્હાર,
અમે જીવતાં લઈને એવાં પંખીનો અવતાર!

હિલ્લોળાતી હવા હોય કે હવડ શ્વાસની ઢગલી
નિરખીને આકાશ માંડતાં, માંડ માંડ બે પગલી
વાદળ સાથે નથી અમારે વાતોનો વહેવાર!

અડખેપડખે જોઈ જોઈ અદ્દલ સોનાના સળિયા
ચણતાં રહીએ અમે અમારાં વેરાતાં ઝળઝળિયાં
પડછાયાનો એક જ અમને અધકચરો આધાર!

જીવતર લાગે ઊડવાની ઇચ્છાનો પડતર માળો
પાંખો ને પગનો સમજણમાં નથી થતો સરવાળો
રોજ વેઠતાં અવાવરુ ઉજ્જડ ટહુકાના ભાર!

– વિનોદ જોશી

આજના મનુષ્યોના જીવનની વિડંબનાનું ગાન. કેદમાં હોય ત્યારે ખુલ્લી હોય અને પિંજરની બહાર હોય ત્યારે બંધાયેલી હોય એવી પાંખોનો કોઈ અર્થ ખરો? પંખી તો પ્રતિક છે, પણ આપણામાંથી કેટલા બધા લોકો આ પ્રકારની દોગલી આઝાદી કે ચાતુર્યપૂર્ણ કેદના શિકાર હશે એ આપણે જાણીએ જ છીએ. ખાસ કરીને સ્ત્રીઓ… આજે પણ આપણા સમાજમાં મોટાભાગના પતિ’દેવ’ પત્નીને નામની આઝાદી આપીને પોતે નિયત કરેલ લક્ષ્મણરેખાની અંદર બાંધી રાખે છે… પાંખને પાંખપણું જ હાંસિલ ન હોય એવી કહેવાપૂરતી સ્વતંત્રતાનોનો શો અર્થ! પિંજરબહાર સરસ મજાની હવા હિલ્લોળે ચડી હોય અને પિંજરમાં બહાર નીકળી ન શકતા શ્વાસોની હવડ ઢગલી મોટી થયે રાખતી હોય –બારીમાંથી દેખાતા આકાશને કામવાની ઇચ્છા તો હોય પણ પિંજરામાં બે ડગલા ભરવા જેટલો અવકાશ પણ માંડ નસીબ થયો હોય એ બંદી પંખી વાદળ સાથે કઈ રીતે ગોઠડી માંડી શકે? સોનાની કેમ ન હોય, જેલ તો જેલ જ ને! પોતાનાં જ આંસુ પી-પીને જીવતા પંખીને એકમાત્ર આધાર એના પડછાયાનો છે પણ એય અધકચરો છે. અધકચરો કેમ? તો કે બે રીતે. એક, જીવતરના જેલખાનામાં પંખીનો એકમેવ સાથીદાર કેવળ પડછાયો છે, જે પોતે પ્રકાશનો મહોતાજ છે. અને બીજું, પંખીના અસ્તિત્ત્વનો આ એકમાત્ર હિસ્સો છે, જે પિંજરાની બહાર રેલાવા-ફેલાવા માટે સ્વતંત્ર છે… સળિયાવાળી પંક્તિને સાદું વિધાન ગણી લઈએ તો ઝળઝળિયાં એના પર ચડાવેલ વળ બરાબર છે, અને પડછાયાવાળી પંક્તિ આખી વાતનું કાવ્યશૃંગ છે. સરવાળે, આખું ગીત આસ્વાદ્ય છે..

Comments (10)

મળી માતૃભાષા મને ગુજરાતી…

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. બાંગલાદેશ જ્યારે પૂર્વ-પાકિસ્તાન હતું ત્યારે ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માથા પર મારી બેસાડવાની આજના પાકિસ્તાનની ચેષ્ટા સામે 1952ની સાલમાં આજના દિવસે હજારો વિદ્યાર્થીઓ અને ભાષાશાસ્ત્રીઓ-પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલિસે કરેલ અંધાધૂંધ લાઠીમાર અને ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા પણ આ ઘટનાનો પડઘો આખી દુનિયામાં પડ્યો. બંગાળી બાંગ્લાદેશની માતૃભાષા બની અને બાંગ્લાપ્રજાએ પોતાની ભાષા માટે દાખવેલ અપ્રતિમ પ્રેમના માનમાં 2000ની સાલથી યુનેસ્કોએ આજના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આજે લયસ્તરો પર માતૃભાષાનો મહિમા અને ચિંતા કરતી કેટલીક કાવ્યકડીઓ વડે આપણે પણ આપણી ભાષાના સંવર્ધન માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈએ… પણ પહેલાં કેટલીક પ્રતિજ્ઞા લઈએ-

• ઘરમાં અને રોજમરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાના પ્રયોગને પ્રાધાન્ય આપીશું. ખાસ કરીને બાળકો સાથે ફક્ત માતૃભાષામાં જ વાત કરીશું અને એમને પણ આપણી સાથે માતૃભાષામાં જ વાત કરવાની ટેવ પાડીશું.

• રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્વશીલ ગુજરાતી સાહિત્યનું વાંચન કરીશું. વૉટ્સએપિયા અને ફેસબુકિયા સાહિત્યનો પ્રયોગ વિવેકબુદ્ધિથી કરીશું

• મોબાઇલમાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશો અને જોડણીકોશોની એપ ડાઉનલોડ કરી એનો નિયમિત વપરાશ કરવાની આદત કેળવીશું. (ભગ્વદગોમંડલ, ગુજરાતી લેક્સિકોન અને સાર્થ ગુજરાતી જોડણીકોશ)

• મોબાઇલ પર ગુજરાતી ભાષામાં લખતી વખતે ભાષાશુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપીશું

હવે થોડી કાવ્યકણિકાઓ:

દલપતરામે મહારાજા ખંડેરાવ પાસે ગુજરાતી ભાષાના પુસ્તકાલય માટે હિંમતભેર ધા નાંખી ધાર્યું કરાવ્યું હતું… બે’ક કડી જોઈએ:

આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

વાત ગુજરાતી ભાષાની હોય અને ઉમાશંકર જોશીને યાદ ન કરીએ એ કેમ ચાલે?:

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

ઉમાશંકરે જ બહુ તાર્કિક સવાલ પણ કર્યો છે-

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી?

વિનોદ જોશીએ બહુ માર્મિક જવાબ આપ્યો-

હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….

અરદેશર ખબરદારની ઉક્તિ તો કહેવત બની એક-એક ગુજરાતીનો હૃદયધબકાર બની રહી છે-

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

ઉશનસ્ શું કહી ગયા એય સાંભળીએ:

સહજ, સરલ મુજ માતૃભાષા, મા સમ મીઠી-વ્હાલી,
જેનાં ધાવણ ધાવી ધાવી અંગ અંગ મુજ લાલી,
જેના ઉદગારે ઉદગારે ઊછળતી મુજ છાતી,
ધન્ય ગિરા ગુજરાતી, મારી ધન્ય ગિરા ગુજરાતી.

તો ખલીલ ધનતેજવીનો હુંકાર પણ કંઈ જેવો તેવો નથી-

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!

તુષાર શુક્લ પણ આ જ વાત કહે છે, પણ મિજાજ પોતાના સ્વભાવ મુજબ જ ઋજુ રાખીને:

શબ્દ એક પણ લખી બોલી ના બિરદાવું ગુજરાતીને
ગુજરાતીનો મહિમા, શાને સમજાવું ગુજરાતીને!

વિશ્વપ્રવાસી રઈશ મનીઆરે પણ વિશ્વસાહિત્યના આચમન બાદ પણ પોતાના ધબકારાની ભાષા બદલાઈ ન જાય એની તકેદારી રાખી છે:

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ,
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

તો રઈશ મનીઆરે જ ભાષા માટે અદકેરી ચિંતા અને આવનારી પેઢી સામેના પડકારને ગાગરમાં સાગર પેઠે શબ્દસ્થ કર્યો છે:

પુત્રમાં શોધું છું ગુજરાતીપણું, શું મેં વાવ્યું ને હવે હું શું લણું?
આ વસિયત લે લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોયે ઘણું.

રઈશ મનીઆરની ચિંતામાં વિકી ત્રિવેદી પણ સૂર પૂરાવે છે-

એથી આશા ઘાયલ થઈ છે,
મારી ભાષા ઘાયલ થઈ છે.

પણ રમેશ આચાર્યને આવી પરિસ્થિતિમાં કાળા વાદળની કોરે સોનેરી આભા વર્તાય છે:

હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે!

આવી જ કંઈક આશા પીયૂષ ભટ્ટ પણ સેવી રહ્યા છે-

કેવળ એ અભિલાષા,
સકળ જગતને ખૂણે ખૂણે પહોંચે મારી ભાષા.

કેશુભાઈ દેસાઈની અભિલાષા પણ મનોરમ્ય છે:

ત્રિલોકમાં ને નવે ખંડ તુજ ફોરમ રહો છવાતી,
તું ઘણું જીવો ગુજરાતી

હરીશ જસદણવાળા લિપિની વિશિષ્ટતાને ખપમાં લઈ મજાનું ભાષાકર્મ કરી બતાવે છે:

વાંચે કાનો, બોલે રાધા,
છે એવી ગુજરાતી ભાષા!

પણ આજે હાલત એવી છે કે આજની પેઢીને ઉમાશંકર-સુંદરમ-મુનશી-પન્નાલાલ વગેરે મૂર્ધન્ય સાહિત્યકારોની ગુજરાતી પરદેશની ભાષા જેવી અજાણી લાગવા માંડી છે. હરદ્વાર ગોસ્વામી આપણને આ બાબતે અજરામર શેર આપે છે:

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

અદમ ટંકારવી આંગ્લભાષા સામે વિલાઈ જતી ગુજરાતીનો ખરખરો કેવો હૃદયંગમ રીતે કરે છે-

આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું
ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું
સોળ શણગારો સરર સરકી ગયા
સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું

પન્ના નાયક એમના એક લઘુકાવ્યની પ્રારંભે માતૃભાષાની સર્ળ પણ મજાની વ્યાખ્યા આપે છે:

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.

રવીન્દ્ર પારેખે પણ એ જ રીતે ગુજરાતી ભાષાની દુર્દશા પર લખેલ કવિતાના પ્રારંભે માતૃભાષાની સ-રસ વ્યાખ્યા કરી છે:

જન્મનું નિમિત્ત પિતા છે
પણ જન્મ આપે છે માતા
એ દૂધ નથી પાતી
ત્યારે ભાષા પાય છે
એ પાય છે તે
તળની ભાષા છે.

તો વિપિન પરીખ એક કાવ્યના અંતે પોતાને માતૃભાષા ગમવાનું પ્રમુખ કારણ છતું કરે છે:

બા નવી નવી ‘ડીશ’ શીખવા ‘Cooking Class’માં ગઈ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે.
કારણ મને મારી બા ગમે છે.

ડૉ. મનોજ જોશી ‘મન’ પણ મજાનું મુક્તક આપે છે:

પ્રેમ, ખુશી ને પીડમાં કાયમ વ્હારે ધાતી;
ક્રોધ, વિવશતા, ચીડમાં સ્હેજે ના શરમાતી;
દુનિયાનાં આ નીડમાં ટહુકા કરતી! ગાતી;
ભાષાઓની ભીડમાં નોખી છે ગુજરાતી!

શબનમ ખોજા પણ શબનમ જેવો તાજો-મુલાયમ શેર કહે છે:

મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!

ભાવિન ગોપાણી અમદાવાદના અને અમદાવાદીથી સારો વ્યવહારુ ગુજરાતી બીજો કોણ હોય? જુઓ તો-

ઈશારાથી કીધું બચાવો તો સમજ્યું ન કોઈ,
જો ભાષાના શરણે ગયો તો બચાવ્યો છે સૌએ.

જગદીપ નાણાવટી પણ દેશદેશાવરમાં આપણી ભાષાનો સિક્કો પાડવા કૃતનિશ્ચયી જણાય છે:

ચટ ને પટ, કે ક્રોસ-કિંગ હો, દુનિયાને હર ખૂણે
જ્યાં પણ પડશે, પડશે મારી ગુજરાતીનો સિક્કો

અંતે માતૃભાષાની સમસ્યા અને ઉકેલ બંનેને રજૂ કરતા વિવેક મનહર ટેલરના થોડા શેર માણીએ વિરમીએ-

આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.

માતૃભાષાની દશા પર દિલ દ્રવે,
કેટલું ને ક્યાં સુધી રડવું હવે?
આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે,
જોઉં, દીકરો કોને કેટલું સાચવે?

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (11)

કુંજડી સૂતી – વિનોદ જોશી

કુંજડી સૂતી સોનાની ડોક પાથરી
રેશમી ટહુકાની ઓઢી રજાઈ.

માથે ઝળૂંબે એક ઝાડવું
ઝાડ એક વડલાનું ઝાડ,
અડધો ઓછાયો એના ઓરતા
અડધામાં આંસુની વાડ;

પાંદડું પડખું ફરે ને હલે ડાળખી
ડાળખીના અણસારે ઝૂલે વડવાઈ.

કાચી સોડમ કૂણો વાયરો
વાયરામાં તરતી મધરાત,
ઓચિંતાં ફૂલ એકસામટાં
ફાટફાટ મહેકયાં રળિયાત;

આભનો તાકો તૂટયો ને ખર્યું માવઠું
માવઠામાં ધોધમાર વરસી શરણાઈ.

– વિનોદ જોશી

વસંતપંચમી અને વેલેન્ટાઇન પર્વના પ્રેમભર્યાં વધામણાં…

રેશમી ટહુકાની સોનેરી રજાઈ જેવું જ સુંવાળું ગીત. ગીતના કેન્દ્રસ્થાને કુંજડી છે, પણ એને નાયિકાનું પ્રતીક પણ લેખી શકાય. જાત પાથરી દઈશ… હૈયું પાથરી દીધું વિ. રુઢિપ્રયોગો તો આપણે વ્યવહારમાં સાંભળતા આવ્યા છીએ પણ અહીં ડોક પાથરવાની વાત છે. સોનાની ડોક પાથરવાની વાત છે. વાત તો પ્રાણ પાથરવાની જ છે પણ એક તો પક્ષીના પ્રતીકના નિમિત્તે ડોક વધુ સુસંગત લાગે છે અને બીજું, વાત પ્રતીક્ષાની હોવાથી પણ એ વધુ તર્કસંગત લાગે છે. વડના ઝાડની નીચે કુંજડી કુંજના વિરહમાં સૂતી હોય એ દૃશ્ય કવિએ અદભુત ઉપસાવ્યું છે. તડકો હોય ત્યારે છાંયો પડે અને છાંયડો એટલે ઠંડક. પણ અહીં ઝાડનો ઓછાયો અડધો કુંજડીના અરમાનોથી તો અડધો એના આંસુઓથી રચાયો હોવાથી આ છાંયો તડકાથી પણ વધારે દાહક લાગે છે. ગીતકાવ્ય ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર છે અને અહીં સ્ત્રૈણભાવ કેન્દ્રમાં હોવાથી પ્રતીક પણ જેટલા નજાકતભર્યા હોય એટલું ગીત વધુ હૃદ્ય બને. પાંદડું પડખું ફરે એ કલ્પન જ કેટલું ઋજુ છે! પવનથી પાંદડું હલે એમાં કવિને એનું પડખું ફરતું દેખાય છે અને એટલા સળવળાટ માત્રથી ડાળખી હલે છે ને એના અણસારે વડવાઈ ઝૂલે છે… આખી પ્રક્રિયાના એકડા કવિએ ઊંધેથી ઘૂંટ્યા હોવાથી અનુભૂતિ વધુ હૃદયંગમ બને છે. કાચા-કૂણા સંયોગશૃંગારથી છલકાતી પ્રકૃતિથી પુરુષ ક્યાં સુધી અળગો રહી શકે આખરે? વણમોસમે પણ છાતી ફાડીને વરસવા મજબૂર કરી દે એ જ પ્રેમની સાચી તાકાત.

Comments (2)

ઝાલર વાગે જૂઠડી – વિનોદ જોશી

ઊભાં ગોરાંદે અધવચ ઉંબરે
જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી,
ઝાંખી બળે રે શગદીવડી
ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી.

આવી આવીને ઊડ્યા કાગડા
પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી.
હીરે જડેલી હૈયે ડાબલી
એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી.

નાવ્યો સંદેશો નાવ્યો નાવલો
વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી.
આંસુની ધારે સોણાં ઊતર્યાં
ઊંચાં લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી.

ધીમે ધીમે રે નખ ઓગળ્યા
પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી.
ડૂબ્યાં ઝાંઝર ડૂબી દામણી
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.

– વિનોદ જોશી

વિનોદ જોશીના ગીતો એકીસાથે બે અલગ સ્તરે વિચરણ કરે છે. એક તો, લયાવર્તનોના વૈવિધ્ય અને ભાષા પરની પકડના કારણે એમનાં ગીત સમજાય એ પહેલાં તો ભાવકના હૈયે વસી જાય છે. લયનો કાન પકડીને ધારી ઊઠબેસ કરાવવાની કળા હસ્ત અને હૈયાગત હોવાથી એમના ગીતોનો લયનાદ અલગ તરી આવે છે. ગીતસ્વરૂપ વૈવિધ્યને એક સ્તર ગણીએ તો એમનાં ગીત અર્થગર્ભના અલગ સ્તરે પણ સમાંતર ગતિ કરતાં જણાય છે. યોગ્ય ભાવકસજ્જતા વિના આ અર્થસંકુલ ગીતો તરત હાથ આવતાં નથી. તાત્ક્ષણિક ભાવાનુભૂતિ અને પછીથી અર્થાનુભૂતિ એ કવિનો વિશેષ છે. પ્રસ્તુત રચના પણ કવિની લયસિદ્ધિની દ્યોતક છે. દોઢ પંક્તિની દરેક કડીમાં લયના ત્રણ અલગ આવર્તન અનુભવાય છે, જે ગીતને સતત આરોહ-અવરોહમાં રમતું રાખે છે.

સ્વરૂપવાન નાયિકા ઉંબરે ઊભાં છે. ઉંબરો તો આમેય ઘર અને બહાર વચ્ચેની ક્ષિતિજરેખા જ છે, છતાં કવિ અધવચ ક્રિયાવિશેષણ ઉમેરીને નાયિકાની ‘ન ઘરના-ન ઘાટના’વાળી સ્થિતિને અધોરેખિત કરે છે. ઝાલરનું વાગવું આ ‘અધવચ’ને વધુ અસરદાર બનાવે છે. દિવસ અને રાતની અધવચનો સંધ્યાકાળ એટલે ઝાલરટાણું. ઝાલર વાગે છે, નાયિકા રાહ જોઈ રહી છે પણ મનનો માણીગર દેખાતો નથી. બનવાજોગ છે કે જનારો ઝાલરટાણે આવી જવાના કૉલ દઈ ગયો હોય એટલે, જૂઠો દિલાસો દેતી ઝાલરને કવિ જૂઠડી વિશેષણથી નવાજે છે. દિવસની જેમ જ દીવડાની જ્યોત પણ ઝાંખી પડી રહી છે અને નિરાશાનાં ઘનઘોર અંધારાં ઘેરી વળ્યાં છે. અંધારા માટે કવિએ ‘ઊભાં’ ક્રિયાપદ પ્રયોજ્યું છે, જે અંધારાની અચલતા પણ નિર્દેશે છે. આ અંધારાં હવે દૂર થવાનાં નથી. હતાશ સ્ત્રીના અનવરત વહેતા આંસુઓના ઘોડાપૂરમાં આખરે સુહાગનું સિંદૂર પણ ધોવાઈ જવાની પીડાનું કરુણગાન કવિએ ગજબ કમનીયતાથી રજૂ કર્યું છે.

Comments (2)

એક ઇચ્છા – વિનોદ જોશી

એક ઇચ્છા વળી વળીને ફોસલાવે છે,
એ બહાને આ દિવસરાત હજી આવે છે.

આ દશા એ દિશા ન આ ન તે કશું ગોચર,
આંખ સામે જ કોઈ મીણબત્તી લાવે છે.

રોજ ફૂટે ને ફરી થાય એક પરપોટો,
અંત હ૨એક શરૂઆતને બચાવે છે.

બંધ મુઠ્ઠીથી ખરી જાય રોજ ખાલીપો,
શ્વાસ એને ફરી ઉચ્છ્વાસમાં સજાવે છે.

જે નથી ઊતરી શકી હજીય કાગળ ૫૨,
એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે.

– વિનોદ જોશી

Comments (1)

સૈંયા… – વિનોદ જોશી

સૈંયા, મેલી દે તારી નવાબી,
.          કે રોજ મારી ફરકે છે આંખ હવે ડાબી….

મુંને વીજળિયું તૂટે છે પંડમાં,
નથી આરોઓવારો નવ ખંડમાં;

સૈંયા, દાનત ખોરી બેહિસાબી,
.          કે આજ કરી દેને તું ખાનાખરાબી…

મુંને હોઠેથી ડામ દીધા આકરા,
મારાં રૂંવે રગદોળ્યા ઉજાગરા;

સૈંયા, અંધારું આછું ગુલાબી,
.          કે રંગ ચડ્યો હળવેથી હાજરજવાબી…

મુંને સોંસ૨વાં સણકે સંભારણાં,
લોહી કૂદીને લેતું ઓવારણાં;

સૈંયા, ખરબચડી રાત છે રુઆબી
.          કે પોત મારું પોચું પોચું ને કિનખાબી…

– વિનોદ જોશી

લયસ્તરો પર કવિશ્રીના નવ્ય કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’નું સહૃદય સ્વાગત…

ધણીપણું બતાવતા ધણીને સામ-દામ-દંડ-ભેદના ન્યાયે પોતાની તરફ પાછો ખેંચી આણવાની નાયિકાની મથામણ ગીતમાં સુપેરે વ્યક્ત થઈ છે. નાયિકાની ડાબી આંખ રોજ ફરકે છે. કોઈના આવવાના શુકન તો રોજ થાય છે, પણ સૈંયાજી નવાબી તોર મેલતા નથી અને પરત પાસે આવતા નથી. આ તરફ વિરહસિક્ત નાયિકાના અંગાંગમાં વીજળીઓ તૂટી રહી છે, પણ આ તડપ-તોફાનનો ક્યાંય કોઈ આરોઓવારો નથી. ખાનાખરાબી થઈ હોવાનું પ્રતીત થાય એ હદે નાયિકા સમર્પિત થવા તલપાપડ છે, પણ નાયકની તો દાનત જ સાવ ખોરી અને બેહિસાબી છે. એ વાણીના જે ડામ દઈ ગયો છે એ જીરવવા નાયિકાને એટલું આકરું થઈ પડ્યું છે કે ઊંઘ સુદ્ધાં નાતો છોડી-તોડી ગઈ છે. પોતાની બદહાલતના વર્ણન સાથે એ નાયકને પ્રલોભન આપતાં રહેવાનુંય ચૂકતી નથી. કાળાડિબાંગ અંધારું પ્રેમના ગુલાબી રંગે રંગાયું હોવાનું કહી એ સૈંયાને લલચાવે છે. એકતરફ સ્મરણ જાત સોંસરવા સણકા જન્માવે છે તો બીજી તરફ ઓરતા લોહીમાં તોફાને ચડ્યા છે. નાયિકાનું પોત રાણી પદ્મિણી જેવું પોચું અને કિનખાબી છે પણ એકલતામાં પોતાનો રુક્કો જમાવી બેસતી રૂઆબદાર રાત એવી તો ખરબચડી છે કે નાયિકાનું હોવું ઉઝરડાઈ જાય છે…

Comments (8)

આસપાસ ઊડે છે… – વિનોદ જોશી

આસપાસ ઊડે છે ઊત૨ડી હોય એ જ
.                              ઇચ્છાની ફરી ફરી ફોતરી…

પાંચ-સાત સપનાઓ ઊંચકીને હાંફે છે
.                              જૂનવાણી ઢોલિયાના પાયા,
ખ૨ડાતી ધોધમાર અંધારે એકલી જ
.                              ઓશિયાળી ઊંધમૂંધ કાયા;

પગલાં તો પાછળ ને પાછળ રહી જાય
.                              છતાં પડછાયે જાત હોય જોતરી…

મહેકે ક્યારેક હજી ઓચિંતી
.                              એકવા૨ ફૂટેલી અત્તરની શીશી,
એક બે ટકોરાનો લઈને આધા૨
.                              પછી લખવાની બા૨ણાંપચીશી;

ઢાંકેલી વારતાને વળગેલી ધૂળ
.                              રોજ પાંપણથી લેવાની ખોતરી…

– વિનોદ જોશી

*

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…

સાચે જ, અધૂરી ઇચ્છાઓથી અળગાં ન થઈ શકવું જ મનુષ્યનો સ્વ-ભાવ છે. જે ઇચ્છાઓ ત્યાગી દેવાની કોશિશ કરી હોય એ જ ફરી ફરીને આપણી આસપાસ મંડરાયે રાખે છે. સપનાં પૂરાં કરવા આપણે દોટ મૂકીએ ત્યાં સુધી તો ઠીક, કદાચ સપનાં સાકાર પણ થઈ જાય. પણ સમસ્યા તો ત્યારે ઊભી થાય છે જ્યારે સપનાં સાકાર કરવાના પ્રયત્નો પડતાં મૂકી આપણે જૂનવાણી ઢોલિયાના પાયાની જેમ એક જ જગ્યાએ ખોડાઈ જઈએ છીએ. આવું થાય ત્યારે અધૂરાં રહી ગયેલાં સપનાંઓનો ભાર વેઠી શકાતો નથી. ઓશિયાળું જીવન આવામાં ધોધમાર અંધારે ખરડાતું હોવાનું જ અનુભવાય છે… પ્રયત્નોના પગલાં પાછળ રહી જાય છે અને જાત પડછાયા સાથે જોતરી દેવાય છે. પણ સ્વપ્નપૂર્તિની સંભાવના તો જાતને જાત સાથે જોડવામાં આવે તો જ હોય ને!

જીવનમાં ક્યારેક કોઈક મઘમઘાટ અનુભવવાનું થયું હોય એ ક્ષણોનો નૉસ્ટાલ્જિયા જ પછી આવા જીવતરનો આધાર બની રહે છે. આખા જીવનની વાર્તા આવા એક-બે પ્રસંગથી જ લખાયેલ હોય છે. સમય જતાં આ વારતા પર પણ ધૂળ બાઝતી જાય છે અને આપણે રોજ-રોજ સપનાંના પાવડાથી એને ખોતરતા રહીએ છીએ… સપનાં ભલે અધૂરાં કેમ ન રહી ગયાં હોય, એને જોવાનું કામ કદી પૂરું થતું નથી.

અધૂરી રહી જતી ઇચ્છાઓના સામર્થ્યનું કેવું મજાનું ગીત!

Comments (2)

ખડકી ઉઘાડી હું તો…- વિનોદ જોષી

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…

પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;

આમ તેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવા૨,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સુરજ પાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;

રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી’તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એેંકારમાં….
મુને ઉંબર લઈ ચાલ્યો……

– વિનોદ જોષી

એક બીજું રળિયામણું ગીત…. કારીગીરીની બારીકાઈ અદ્દભૂત !!!!!

Comments (2)

અષ્ટનાયિકા : ૦૩ : ખંડિતા – વિનોદ જોશી

ખાલી રાખી મને, ભર્યા શ્રાવણમાં…
વળી ક્યાંક વ૨સીને અંતે આવ્યો તું આંગણમાં,
ભર્યા શ્રાવણમાં…

તારા મઘમઘ મનસૂબાને વળગી કોઈ ચમેલી,
ટળવળતી રહી ખુલ્લી મારી ડૂસકાં ભરતી ડેલી;

તરસબ્હાવરી હું ક૨માઈ લૂથી લથપથ રણમાં,
ભર્યા શ્રાવણમાં…

તારા અણથક ઉજાગરાએ ભર્યો પારકો પહેરો,
ફૂટેલા પરપોટામાં હું ભ૨વા બેઠી લહેરો;

ગઈ હારને હારી, લઈને મોતી હું પાંપણમાં,
ભર્યા શ્રાવણમાં…

– વિનોદ જોશી

ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની બે –વાસકસજ્જા અને કલહાંતરિતા– સાથે આપણે મુલાકાત કરી. આજે ત્રીજી નાયિકા ખંડિતા સાથે મુલાકાત કરી આ શૃંખલાને વિરામ આપીએ… જે મિત્રોને આઠેય નાયિકા સાથે મુલાકાત કરવાની ઇચ્છા હોય, એમને જાન્યુઆરી ૨૦૨૨નું નવનીત સમર્પણ મેળવી લેવા વિનંતી… અથવા મને વૉટ્સએપ કે મેસેજ કરશો તો હું તમામ રચનાઓ મોકલી આપીશ…

ખંડિતા એટલે પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ન સ્ત્રી. શ્રાવણ જેવી પ્રણયપ્લાવનની ઋતુમાં પ્રિયજન બીજે ક્યાંક વરસીને ખાલી થઈને પોતાના આંગણમાં આવ્યો હોવાની પીડા અહીં સુપેરે વ્યક્ત થઈ છે. પોતાની ડેલી ખુલ્લી પડી હોવા છતાં એના નસીબમાં કેવળ ટળવળાટ અને ડૂસકાં જ આવ્યાં છે, જ્યારે નાયકના મઘમઘ મનસૂબાઓને કોઈ અન્ય જ ચમેલી વળગી છે. શ્રાવણની ઋતુમાં તરસની પરાકાષ્ઠા લઈને લૂથી ભર્યાભાદર્યા રણમાં એકલા પડવાનું થાય તો કોણ કરમાયા વિના રહી શકે? શયનકક્ષમાં ક્યારેક થતા મીઠા ઉજાગરા પર હવે નવું સરનામું લખાઈ ચૂક્યું છે. પતિ એટલે પત્નીના હૈયાનો હાર. હાર હારવાનો યમક અલંકાર ધ્યાનાર્હ છે. સરવાળે, ખંડિતાની પીડામાં આપણને સહભાગી થવા મજબૂર કરે એવું લયાન્વિત કાવ્ય…

Comments (9)

અષ્ટનાયિકા : ૦૨ : કલહાંતરિતા – વિનોદ જોશી

મુજથી સહ્યું ન જાય….
આમ નજ૨થી દૂર ન રાખે, આમ અડે નહીં ક્યાંય.

મુખ મરડી લીધું તે લીધું, ખબર ન ક્યારે મલકે,
મને વીંધતાં અંગ અંગ અણિયાળાં આંસુ છલકે;

થાઉં આજ તો હુંય અજાણી એવું મનમાં થાય,
મુજથી સહ્યું ન જાય….

લખ્યા વગરની લેખણ જેવી પડી રહું કાગળમાં,
હું ના પાછી વળું જેમ ના વળે નદી વાદળમાં;

પંડ સાવ પોચું ને પાછું પથ્થરમાં પછડાય,
મુજથી સહ્યું ન જાય…

– વિનોદ જોશી

ગઈ કાલે આપણે ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની એક -વાસકસજ્જા- સાથે મુલાકાત કરી. આજે મળીએ કલહાંતરિતાને…

કલહાંતરિતા એટલે નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી સ્ત્રી. જુઓ, આ વાત આ રચનામાં કેવી બખૂબી ચાક્ષુષ થઈ છે તે! નાયક પોતાને છોડીને બીજી સ્ત્રીમાં મોહ્યો હોવાની વેદના શબ્દે-શબ્દે નીંગળે છે. મનનો માણીગર દૂર પણ ન જવા દે અને સંસર્ગ પણ ન રાખે એ કેમ સહ્યું જાય? નાયક અપરા સાથે મલકતો હશે એ પોતે જોઈ નથી શકતી એ વાતનો ઈશારો મુખ મરડી લીધું કહીને આબાદ કરાયો છે. આંસું અંગાંગને વીંધી રહ્યાં છે. પોતેય અજાણી થઈ જાય તો ‘ઉસ મોડ સે શુરુ કરેં ફિર યે જિંદગી’ જેવો ઘાટ કદાચ થઈ શકે એવીય આશા મનમાં જન્મે છે. લેખણનું કામ લખવાનું. એ વિના ભલે કાગળનો કાયમી સંગ હોય તોય અવતાળ એળે ગયો ગણાય. નાયિકાની હાલત વપરાશમાંથી નીકળી ગયેલી કલમ જેવી થઈ ગઈ છે અને જે રીતે વાદળ વરસીને નદીમાં ભળી ગયા બાદ નદી ફરી વાદળ તરફ ગતિ કરી શકતી નથી એમ જ નાયિકા પણ બેવફા પતિને લાખ ચાહના છતાં અપનાવી પણ શકતી નથી. નાજુક જિંદગીને કપરા સંજોગો માથે પડવાનું થયું હોય ત્યારે આવી જ વેદના સૂર બનીને રેલાય…

Comments (6)

અષ્ટનાયિકા : ૦૧ : વાસકસજ્જા – વિનોદ જોશી

પ્રિયતમ, સેજ સજાવું…
સંગ સલૂણો ધરી ચિત્તમાં સહજ સ્પંદ સહેલાવું…

રંગભવન રતિરાગ રસીલું,
અંગ ઉમંગ સુગંધિત ઝીલું;

કમળપત્રથી કોમળ મંજુલ હૃદયકુંજ છલકાવું…
પ્રિયતમ, સેજ સજાવું…

મન વિહ્વળ, તન તૃષિત સુહાગી,
પુષ્પિત નિબિડ નિશા વરણાગી;

તંગ અંગથી સરી જતો ઉન્માદ અનંત બિછાવું…
પ્રિયતમ, સેજ સજાવું…

– વિનોદ જોશી

ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં અવસ્થાભેદે નાયિકાના નીચેના આઠ પ્રકાર પાડ્યા છે:
• વાસકસજ્જા : પ્રિયતમનું આગમન થવાનું છે એવી આશાથી હર્ષોલ્લાસ પામી સાજશણગાર કરેલી નાયિકા.
• વિરહોત્કણ્ઠિતા : નાયકના આગમનમાં વિલંબ થતાં ઉત્સુકતાથી તેની પ્રતીક્ષા કરનારી.
• સ્વાધીનભર્તૃકા : પતિ પોતાના વશમાં છે તેવી પ્રતીતિ સાથે સદા તેની પાસે જ રહેતી નાયિકા.
• કલહાન્તરિતા : નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી.
• ખંડિતા : પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ના.
• વિપ્રલબ્ધા : સમયપાલન કે વચનપાલન ન કરનાર પતિ કે પ્રિયતમના એવા વ્યવહારથી છેતરાઈ હોવાનો ભાવ અનુભવતી નાયિકા.
• પ્રોષિતપ્રિયા (અથવા પ્રોષિતભર્તૃકા) – જેનો પતિ વિદેશ ગયો છે તેવી વિરહિણી.
• અભિસારિકા : મધુર મિલન કાજે સ્વયં પ્રિયતમને મળવા જતી નાયિકા. શુક્લ અને કૃષ્ણપક્ષના ભેદે આ નાયિકાના પુન: બે પ્રકાર થાય છે.

કવિશ્રી વિનોદ જોશીએ આ આઠેય પ્રકારો વિશે આઠ ગીતોનું મજાનું શૃંગારગુચ્છ રચ્યું છે. લયસ્તરોના ભાવકમિત્રો માટે એમાંથી વારાફરતી ત્રણેકનું આચમન કરીએ… આજે વાસકસજ્જાનો વારો..

પિયુના આગમનની આશામાં ખુશીની મારી સજીધજીને તૈયાર થયેલી નાયિકા –વાસકસજ્જા-ની ઉક્તિ કેવી રોચક થઈ છે! પ્રણયોર્મિની પરાકાષ્ઠા એટલે બે તૃષાતુર શરીરનું સાયુજ્ય. એકેય શબ્દ ચોર્યા વિના, એકેય અંતરંગ ભાવ છૂપાવવાનો ડોળ કર્યા વિના નાયિકા પ્રિયતમ માટે પોતે સેજ સજાવી રાખી હોવાની વાતથી જ પ્રારંભ કરે છે. હૈયામાં પણ ધબકારે ધબકારે સલૂણા રંગના ઉછાળા અનુભવાય છે. રંગભવન તો રસીલા રતિરાગથી છલકાઈ રહ્યું જ છે, નાયિકાના અંગાંગ પણ સુગંધિત ઉમંગોને ઝીલી રહ્યાં છે. કમળપત્રથીય અધિક કોમળ હૈયું છલકાઈ રહ્યું છે. મન વિહ્વળ છે અને તન તરસ્યું. ઉપવનમાં ખીલેલાં પુષ્પોથી મઘમઘ થતી ગાઢ રાત્રિ પિયુ પધારશે નહીં ત્યાં લગી વરણાગી જ લાગવાની. અનંગાવેશમાં અંગ તંગ બન્યાં અનુભવાય છે. જેનો કદી અંત જ આવનાર નથી એવા તીવ્ર પ્રેમોન્માદને બિછાવીને નાયિકા નાયકના આગમનની પ્રતીક્ષાની પળોને ઉજવે છે..

Comments (13)

કૂંચી આપો, બાઈજી! – વિનોદ જોશી

કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી

કોઈ કંકુથાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઇ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદિયું પાછી ઠેલી;

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી

– વિનોદ જોશી

આમ તો આ રચના લયસ્તરો પર છે… પણ આજે સવિસ્તૃત ટિપ્પણી સાથે…

સાસરામાં મોટાભાગની વહુઓ સુખ કરતાં દુઃખ વધુ અનુભવતી હોય છે. આવી જ એક પરણેતર અહીં બાઈજી, એટલે કે સાસુ સામે મોઢું ખોલવાની હિંમત કરી રહી છે. વહુ સાસુ પાસે પિયરની શરણાઈ મતલબ પોતાનો મીઠો ભૂતકાળ, પિયરના સુખ અને આનંદ જેમાં કેદ થઈ ગયાં છે, એ ક્યાંક મૂકી દેવાયેલ પટારો ખોલવા માટેની ચાવી માંગે છે.

વહુએ સાસરાની દીવાલે કરેલ કંકુથાપામાં જ કદાચ એનું અસ્તિત્ત્વ કેદ થઈ ગયું છે. એટલે એ એને ભૂંસી નાંખીને પોતાને ભીંતેથી ઉતારી આપવા કહે છે. મીંઢળ-લગ્નની મર્યાદા જાળવવાના ભાર તળે ક્યાંક પાંચીકાં રમતું એનું બાળપણ, એની મુગ્ધતા પણ ખોવાઈ ગઈ છે. પરણીને આવેલી વહુને સાસુએ રિવાજ મુજબ પોંખી તો હતી, પણ એ ટાણું વહુને હવે કટાણું હોવાનું પ્રતીત થાય છે, જેમાં એનો નિર્દોષ કલરવ નંદવાઈ ગયો. સાસુ જિંદગીની બારી ઊઘાડે તો કદાચ વીતી કાલ સાથે પુનર્મિલન થાય.

પિયર, મામાના ઘરેથી પાનેતર આવે, સાસરિયેથી ઘરચોળું. ઘરચોળાના લાલ-લીલા રંગ, સોનેરી કોર, હાથી-મોર-પોપટ-ફૂલવેલની ભાત –આ તમામના અર્થ છે: ઘરની લાલિમા જાળવી રાખવી, વાડી લીલીછમ રાખવી, હાથીની જેમ મન મોટું રાખવું, પોપટ-મોરની માફક કૌટુંમ્બિક જવાબદારીઓ નિભાવવી અને આમ, સરવાળે આન-બાન-શાન જાળવીને સાસરીને સુવર્ણ પ્રતિષ્ઠા અપાવવી. વહુના મતે આ ઘરચોળાંની જવાબદારીઓમાં પોતાનાં ઘુઘરિયાળાં મસ્તી-તોફાન, અને આખું જીવતર સાસુએ એ બાંધી દીધું છે. ખળખળ વહેતી ઊર્મિઓ અને લાગણીઓની નદીઓને સાસુએ ઉંબરેથી જ પાછી ઠેલી દીધી છે. પિયર સાથેનો સંબંધ, દાદાજીની હૂંફ અને રક્ષણ –આ બધું સાસુએ કોઈક અગમ્ય અધિકારની કુહાડીથી વડવાઈની જેમ કાપી નાંખ્યું છે. અને વહુને આ તમામની ઝંખા હોવાથી એ મારગ મેલવાની ચીમકી આપે છે.

પણ, સરવાળે વહુ અને આપણે સહુ જાણીએ છીએ કે પરણેતરના નસીબમાં વીતી ગયેલા સુખનો એ સૂરજ કદાચ હવે કદી ફરી ઊગનાર જ નથી. એટલે એની વ્યથા શબ્દે-શબ્દે અને પંક્તિએ-પંક્તિએ વધુને વધુ ઘેરી બનતી અનુભવાય છે. ઘર-ઘરની લાગણીઓનું સીધું અને સોંસરવું પ્રતિબિંબ હોવાના કારણે આ કાલાતીત ગીત ગુજરાતી ભાષાના ટોપ-ટેનમાં અધિકારપૂર્વક વિરાજમાન થયું છે.

Comments (13)

ચિતરેલું ફૂલ એક… – વિનોદ જોશી

ચિતરેલું ફૂલ એક ચૂંટવામાં જીવતર આ ઝાડવે ભરાઈ જાય જેમ…
.               સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…

પોથી કાતરવામાં પાવરધો એક હતો અણદીઠો ઉંદરડો ધ્યાનમાં,
વાયકા તો એવી કે રહેતો ચુપચાપ એના જમણેથી છેલ્લા મકાનમાં;

પંક્તિનો પ્રાસ થાય ઊભો એ પહેલાં તો લયમાં લપટાઈ જાય જેમ…
.               સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…

ચપટીભર ચાવળાઈ મુઠ્ઠીભર માન અને અંચઈનો આસપાસ અંચળો,
આટલાથી ચાલવાની પાક્કી દુકાન તોય ઉટકતો એંઠાં કમંડળો!

ચોરસની વ્યાખ્યાને ગોળ ગોળ સમજાવી ભીની સંકેલવાની જેમ…
.               સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…

– વિનોદ જોશી

ગુલાબ તો ગુલાબ જ હોય છે. પણ તોય કોઈ બે ગુલાબ એકસરખાં હોય ખરાં? દરેક ગુલાબનું પોતાનું મૌલિક સૌંદર્ય અને દરેકની પોતીકી ખુશબૂ. કમનસીબે સાહિત્યના બાગમાં ખીલતાં ફૂલોમાં અનુકરણ, અનુરણન અને સૂંઠના ગાંગડે ગાંધી થવાની ભાવના વધુ જોવા મળે છે. બીજાએ ચિતરેલું ફૂલ ચૂંટવાની કોશિશ કરીએ તો ફૂલ તો હાથ નહીં જ આવે, જીવતર ઝાડવામાં ભરાઈ જશે. સીધી લીટીમાં ચાલવા સિવાય અવર આવડત ન હોય એવો માણસ વર્તુળમાં ફસાઈ ન જાય તો શું થાય? પોથી કાતરવામાં પાવરધા બની ગયેલ ઉંદરડા લોકોની નજર ન પડે એમ છૂપાઈ છૂપાઈને લીલા કરતા રહે છે. આજે તો સૉશ્યલ મીડિયાના અતિરેકના જમાનામાં માણસ ચપટીક દોઢડાહ્યો હોય, મુઠ્ઠીભર માન પામ્યો હોય અને લુચ્ચાઈનો અંચળો પહેરીને બેઠો હોય એટલામાં સાહિત્યની દુકાન ધમધોકાર ચાલવાની ગેરંટી હોવા છતાં લોભને થોભ ન હોયના ન્યાયે એંઠાં કમંડળો ઉટકવાંનું- અન્યોએ લખેલામાંથી ઊઠાંતરી કરવાનું ચૂકતો નથી. અને પછી પોતાની કવિતા વિશે મભમ વાતો કરીને પાંડિત્ય પ્રદર્શન વડે સૌને ચૂપ કરી દેવાના… કેવો ચમચમતો ચાબખો! ગોળ ગોળનો શ્લેષ પણ ગીતના અંતને મજાનો વળ ચડાવી આપે છે…

 

Comments (4)

હું એવો ગુજરાતી…. – વિનોદ જોશી

હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….

અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગ૨,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર;
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…

નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજ૨તો હું ધવલ તેજનો ભૃંગ;
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….

દુહા-છંદની હું ૨મઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાંની ક૨તાલ હું જ, હું નિત્ય એક આખ્યાન;
વિજાણંદનું હું જંતર, હું ન૨સૈંની ૫૨ભાતી….

હું ગાંધીનું મૌન, હું જ સ૨દા૨ તણી છું હાક,
હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધાક;
હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવા૨ શૂ૨ની તાતી…

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર,
મારે શિ૨ ભા૨તમાતાની આશિષનો વિસ્તા૨;
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ…

– વિનોદ જોશી

આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતનું મહિમાગાન બુલંદસ્વરે કરીએ…

Comments (3)

એક કુહાડી – વિનોદ જોશી

એક કુહાડી બની ગઈ ડાળી,
એક કઠિયારો થઈ ગયો માળી.

સૌ મને તાકી તાકી જોઈ રહ્યાં,
પાંપણો માત્ર એમણે ઢાળી;

એ જ વાતે રહસ્ય ઘુંટાયું :
વાત બીજાંની શી રીતે ટાળી;

રંગ તો સાંજ લગી જોયાં હતા,
તે છતાં રાત નીકળી કાળી;

વ્હેણ વચ્ચે જ એક વહાણ હતું,
તોય વહેવાની વાતને ખાળી;

એ તરફ જે વળી જતી અટકળ,
આ તરફ માંડ સાચમાં વાળી;

જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ,
એ જ પાડી શક્યાં નહીં તાળી.

– વિનોદ જોશી

ગીતકવિના ઝોલામાંથી આવી મજાની ગઝલ જડી આવે ત્યારે સુખદ આશ્ચર્ય થાય. કવિશ્રી વિનોદ જોશીની સક્રિયતાને ઉદયન ઠક્કર વિનોદ જોશી ૨.૦ કહીને વધાવે છે. લગભગ બધા જ શેર અદભુત થયા છે પણ સાંપ્રત ગઝલની ગતિ આજે સભારંજની બનવા તરફની હોય એવા સમયે આ ગઝલનો આખરી શેર વધુ માર્મિક બની રહે છે.

Comments (13)

પ્રોષિતભર્તૃકા – વિનોદ જોશી

આછાં આછાં રે તળાવ,
એની ઘાટી રે કાંઈ પાળ
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ…

હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
વાટું અરડૂસી બે વાર ,
ચાટું ઓસડ બીજાં બાર;
બાઈજીનો બેટો (ઘણી ખમ્મા !) મુંને થઈ બેઠો વળગાડ…

મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ
કમખો ટાંગુ રવેશમાં કે ખળભળતો વંટોળ;
પોચાં પારેવડાં કાંઈ રાંક,
હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયે બાવળઝાડ…

ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું, બારોબાર,
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કાંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ…

– વિનોદ જોશી

 

મસ્તમજાનું રળિયામણું ગીત….

Comments

ગીત – વિનોદ જોશી

તું મીંઢળ જેવો કઠ્ઠણ
.                  ને હું નમણી નાડાછડી !
તું શિલાલેખનો અક્ષર
.                  ને હું જળની બારાખડી !

એક આસોપાલવ રોપ્યો,
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઇ આવ્યો પોયણમાં હું ખૂલી;

તું આળસ મરડી ઊભો
.                  ને હું પડછાયામાં પડી !

એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્યા તેં સરવાળા;

તું સેંથીમાં જઈ બેઠો ને હું પાંપણ પરથી દડી !

– વિનોદ જોશી

“તું આમ ને હું આમ”ની લોકગીતની ચાલમાં ચાલતું ગીત પણ એક-એક કલ્પન પાસાદાર. મને જળની બારાખડી સ-વિશેષ ગમી ગઈ… સાહ્યબો સાદા પથ્થર પરનો અક્ષર નહીં, શિલાલેખ પરનો અક્ષર છે. કેવું કલ્પન! શિલાલેખ પરનો અક્ષર એટલે સદીઓ વીતી જાય તોય ન બદલાય એવો. અને જળની બારાખડી ! કોઈ એક પળેય એ સ્થિર રહી શકે? વાહ ! વાહ ! વાહ !!

Comments (6)

એણે કાંટો કાઢીને – વિનોદ જોશી

એણે કાંટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઇ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

-વિનોદ જોશી

એક રળિયામણું ગીત…..

Comments (5)

મને ભૂલી તો જો…! – વિનોદ જોષી

મને ભૂલી તો જો,
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !

લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તું ય હજી આંજે અણસાર, અને મારામાં હું ય ભરું ડાયરો ;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !

છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય હજી કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !

-વિનોદ જોષી

મીઠ્ઠું-મધુરું ગીત ……

Comments (10)

ઠેસ વાગી ને – વિનોદ જોષી

ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ !

પડ્યા આડા ઊંબર આડી ઓસરી,
છેક છાતીમાં તૈડ પડી સોંસરી;
જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ !

મેં તો ધબકારો લીંપીને આળખી,
મારાં ભોળાં પારેવડાંની પાલખી;
એક સોનેરી સૂર સંભળાયો રે, સૈ !

હતી સાકરની સાવ હું તો પૂતળી,
દોટ કાઢીને દરિયામાં ઊતરી;
મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ !

-વિનોદ જોષી

સાસરે પગ મૂકતી પરણેતરની હૈયાવિમાસણનું ચિત્ર કવિ આબાદ તાદૃશ કરે છે. પિયરમાં આંખ મીંચીને ઊડાઊડ કરતી છોકરી માટે ઓસરી-ઊંબરા, સાસુ-સસરા બધા જ જાણે રસ્તામાં આડા ન પડ્યા હોય એમ ચાલવું પણ દોહ્યલું બની જાય છે. એક ઠેસ વાગે અને જાણે ખાલી નખ જ નથી તૂટતો, છે…ક હૈયા સુધી તિરાડ પડી જાય છે. પોતીકો પડછાયો પણ ખોવાઈ જાય છે અને જડે તો એ પારકો લાગવા માંડે છે. એક-એક ધબકારા ચીપી-ચીપીને લીપવા પડે એવામાં પ્રિયતમનો સૂર જાણે સોનાનો સૂરજ બનીને ઊગે છે અને સંસારના ખારા સાગરમાં આખરે ડૂબી-ઓગળીને જ પોતાની મંઝિલ મળે છે એની નાયિકાને જાણ થાય છે…

Comments (8)

પાંદડાંએ લે! મને ઊભી રાખી -વિનોદ જોશી

vinod-joshi-hand-written-poem sml

(કવિશ્રીનાં હસ્તાક્ષરમાં આ ગીત ખાસ લયસ્તરો માટે…)

પાંદડાએ લે! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…

વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,
સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢ
પડછાયા જૂઠ્ઠા થઈ જાય;

ઝાડવાએ લે! મને ઊભી રાખી,
પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…

કોઈવાર માળામાં ઊતરતું ચાંદરડું
ડાળખીમાં ત્રાંસું થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
ગળચટ્ટાં આંસુ થઈ જાય;

વાયરાએ લે! મને ઊભી રાખી,
પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી…

-વિનોદ જોશી

લગભગ બે વર્ષ પહેલા વિનોદભાઈ પાસે લયસ્તરો માટે આ ગીત એમનાં હસ્તાક્ષરમાં લખાવ્યું હતું, જે આ ભૂલકણીથી ક્યાંક મૂકાઈ ગયેલું.  આજે અચાનક મળી આવ્યું તો આ તમારા માટે એકદમ ફટાફટ… 🙂   આ ગીતને વિનોદભાઈનાં મુખે તરન્નુમમાં સાંભળવું, એ ખરેખર એક લ્હાવો છે.  એમના પઠનની ઓડિયો ક્યારેક મેળ પડે તો જરૂરથી મૂકીશ.

Comments (15)

યાદગાર ગીતો :૨૮: તો અમે આવીએ – વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા

આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.(જન્મ: ૧૩-૮-૧૯૫૫)

[audio:http://urmisaagar.com/saagar/audio/aapi-aapi-ne-tame-pichhu-aapo-sajan-Vinod-Joshi.mp3]
વિનોદ જોશી.  જન્મ બોરિંગડા-અમરેલી. મૂળ વતન બોટાદ.  ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ.  તળપદાં ગીતો માટે ખાસ જાણીતા કવિ.  ગીતોમાં ગ્રામ્યજીવનનો અદભૂત લહેકો અને લયનો અનુભવ કરાવનાર ઉત્તમ ગીતકાર.  બાળપણ સૌરાષ્ટ્રનાં ગ્રામપ્રદેશમાં વિતેલું હોવાથી તેઓ ગુજરાતી કવિતામાં તળપદાં લોકજીવનની મીઠાશને ખૂબ જ સુંદર રીતે ઘોળી શક્યા છે.  એમની ઘણી રચનાઓને એમણે નારીની સૂક્ષ્મ સંવેદનાઓથી  ખૂબ જ સુંદર રીતે સજાવી છે અને સ્ત્રીની સંવેદનાને વાચા આપી છે.  એમને ઉમાશંકર જોશી એવોર્ડ અને જયન્ત પાઠક પારિતોષિક પણ મળ્યાં છે.  

આ ગીતમાં પ્રિતમનાં બોલાવવાની રાહ જોતી પ્રિયતમા ખૂબ જ મજાની વાત કરે છે.  જો કે પ્રિયતમ સાક્ષાત ત્યાં નથી એટલે અટકળો કરીને કાગળમાં લખવાની ચેષ્ટા કરતી હોય એવું લાગે છે.   પ્રિયતમાએ એક પીંછાં જેવા આછકલા ને અલ્પજીવી સુખથી બિલકુલ ભોળવાઈ નથી જવું.  એને તો લાગણીની પાંખો જોઈએ છે, સ્નેહનાં અનંત આકાશમાં ઉડવા માટે.  માત્ર પ્રિયતમ માટે બધું છોડીને અને શમણાંઓ ઓઢીને આવેલી પ્રિયતમાને કોઈ એક-બે વાર મળેલો ક્ષણભંગુર ટેકો પણ નથી જોઈતો, એને તો શાશ્વત સંબંધ જોઈએ છે.  અને એ સંબંધમાં કળવાશરૂપી આંસુ નથી જોઈતા, એને તો સથવારાનું સ્વપ્ન સાકાર કરવા સ્વપ્નશીલ આંખો જોઈએ છે.  અને જો સ્નેહ-સંબંધો જાળવવા હોય તો પ્રિયતમે આટલું તો એને આપવું જ પડે ને !  આ જ વાત કવિ આ ગીતમાં ખૂબ જ નાજુકાઈથી કહી છે.  (તમને કદાચ આ ગીતનો આનાથી બીજો અર્થ પણ અભિપ્રેત હોઈ શકે!)

આ સાથે જ વિનોદભાઈનાં બીજા યાદગાર ગીતો યાદ આવ્યા વગર રહે જ નહીં; જેમ કે- કુંચી આપો બાઈજી, ડાબે હાથે ઓરુ સાજન લાપસી, એક કાચી સોપારીનો કટકો રે, ટચલી આંગલડીનો નખ, તું મીંઢણ જેવો કઠ્ઠણ, થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી, તને ગમે તે મને ગમે, વિગેરે વિગેરે…… (ક્યાંક તો મારે અટકવું પડે ને! 🙂 ) 

Comments (8)

કારેલું…… કારેલું – વિનોદ જોશી

કારેલું…… કારેલું
મોતીડે વઘારેલું,
સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબ જાંબુ ધારેલું.

આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;
વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,
કારેલું…… કારેલું…….

સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું… સારેલું …આંસું મેં શણગારેલું,
કારેલું…… કારેલું…….

આંધણ ઓરું અવળાં સવળાં બળતણમાં ઝળઝળીયાં,
અડખે પડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું…ભારેલું … ભીતરમાં ભંડારેલું,
કારેલું…… કારેલું…….

ડો. વિનોદ જોશીનું બાળપણ સૌરાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં વિતેલું છે. તેમની રચનાઓમાં નારીની સંવેદનાનું બહુ જ સૂક્ષ્મ દર્શન તો છે જ, પણ તળપદી ભાષાનો લહેકો અને લય પણ છે. અને છતાં આ મોટા ગજાના કવિ આ કાવ્ય રૂપના માધ્યમ દ્વારા બહુ મોટો સંદેશ આપણને આપી જાય છે.

“માનવ જીવનની ઘટમાળ એવી
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.”

કોઇ કવિએ લખેલી આ પંક્તિઓમાં સ્પષ્ટ રીતે પ્રગટ થતું જીવનનું આ નકારાત્મક દર્શન કેવાં વિશિષ્ટ રૂપકો દ્વારા વિનોદભાઇ આપણને આપી જાય છે?

Comments (1)

ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.

– વિનોદ જોશી

વિરહના ગીતો તો ઘણા છે. પણ વિનોદ જોશીનું આ ગીત તરત જ ગમી જાય એવું છે. ટચલી આંગળીનો નખ – નામ જ તમને ગીતમાં ખેંચી લાવે એવું છે. લખ – દખ – વખ એકદમ સહજતાથી જ ગીતમાં આવે છે. ચૂમી ચૂમીને કરી એંઠી એવી ફરીયાદ અલગ ભાવ ઉપજાવે છે. પહેલા, બીજા અને ત્રીજા ચરણમાં વિષાદ ક્રમશ: ધેરો થતો જાય છે. અને છેલ્લે તો – મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ – પર ગીતનો અંત થાય છે. આ ગીત સળંગ પાંચ સાત વાર વાંચી ગયો અને હવે એ મનમાંથી નીકળવાનું નામ જ નથી લેતું !
( અંજળ=સંબંધ, દખ=દુ:ખ, વખ=ઝેર, પાતળિયા=સજન )

Comments (4)

તો અમે આવીએ… – વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો, સજન !
        પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
        ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
        અમે ઉંબરની કોર લગી લાવ્યાં

આપી આપીને તમે ટેકો આપો, સજન !
        નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
        અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
        અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપીને તમે આંસુ આપો, સજન !
        આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.

Comments (4)