ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

કૂંચી આપો, બાઈજી! – વિનોદ જોશી

કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી

કોઈ કંકુથાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઇ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદિયું પાછી ઠેલી;

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી

– વિનોદ જોશી

આમ તો આ રચના લયસ્તરો પર છે… પણ આજે સવિસ્તૃત ટિપ્પણી સાથે…

સાસરામાં મોટાભાગની વહુઓ સુખ કરતાં દુઃખ વધુ અનુભવતી હોય છે. આવી જ એક પરણેતર અહીં બાઈજી, એટલે કે સાસુ સામે મોઢું ખોલવાની હિંમત કરી રહી છે. વહુ સાસુ પાસે પિયરની શરણાઈ મતલબ પોતાનો મીઠો ભૂતકાળ, પિયરના સુખ અને આનંદ જેમાં કેદ થઈ ગયાં છે, એ ક્યાંક મૂકી દેવાયેલ પટારો ખોલવા માટેની ચાવી માંગે છે.

વહુએ સાસરાની દીવાલે કરેલ કંકુથાપામાં જ કદાચ એનું અસ્તિત્ત્વ કેદ થઈ ગયું છે. એટલે એ એને ભૂંસી નાંખીને પોતાને ભીંતેથી ઉતારી આપવા કહે છે. મીંઢળ-લગ્નની મર્યાદા જાળવવાના ભાર તળે ક્યાંક પાંચીકાં રમતું એનું બાળપણ, એની મુગ્ધતા પણ ખોવાઈ ગઈ છે. પરણીને આવેલી વહુને સાસુએ રિવાજ મુજબ પોંખી તો હતી, પણ એ ટાણું વહુને હવે કટાણું હોવાનું પ્રતીત થાય છે, જેમાં એનો નિર્દોષ કલરવ નંદવાઈ ગયો. સાસુ જિંદગીની બારી ઊઘાડે તો કદાચ વીતી કાલ સાથે પુનર્મિલન થાય.

પિયર, મામાના ઘરેથી પાનેતર આવે, સાસરિયેથી ઘરચોળું. ઘરચોળાના લાલ-લીલા રંગ, સોનેરી કોર, હાથી-મોર-પોપટ-ફૂલવેલની ભાત –આ તમામના અર્થ છે: ઘરની લાલિમા જાળવી રાખવી, વાડી લીલીછમ રાખવી, હાથીની જેમ મન મોટું રાખવું, પોપટ-મોરની માફક કૌટુંમ્બિક જવાબદારીઓ નિભાવવી અને આમ, સરવાળે આન-બાન-શાન જાળવીને સાસરીને સુવર્ણ પ્રતિષ્ઠા અપાવવી. વહુના મતે આ ઘરચોળાંની જવાબદારીઓમાં પોતાનાં ઘુઘરિયાળાં મસ્તી-તોફાન, અને આખું જીવતર સાસુએ એ બાંધી દીધું છે. ખળખળ વહેતી ઊર્મિઓ અને લાગણીઓની નદીઓને સાસુએ ઉંબરેથી જ પાછી ઠેલી દીધી છે. પિયર સાથેનો સંબંધ, દાદાજીની હૂંફ અને રક્ષણ –આ બધું સાસુએ કોઈક અગમ્ય અધિકારની કુહાડીથી વડવાઈની જેમ કાપી નાંખ્યું છે. અને વહુને આ તમામની ઝંખા હોવાથી એ મારગ મેલવાની ચીમકી આપે છે.

પણ, સરવાળે વહુ અને આપણે સહુ જાણીએ છીએ કે પરણેતરના નસીબમાં વીતી ગયેલા સુખનો એ સૂરજ કદાચ હવે કદી ફરી ઊગનાર જ નથી. એટલે એની વ્યથા શબ્દે-શબ્દે અને પંક્તિએ-પંક્તિએ વધુને વધુ ઘેરી બનતી અનુભવાય છે. ઘર-ઘરની લાગણીઓનું સીધું અને સોંસરવું પ્રતિબિંબ હોવાના કારણે આ કાલાતીત ગીત ગુજરાતી ભાષાના ટોપ-ટેનમાં અધિકારપૂર્વક વિરાજમાન થયું છે.

13 Comments »

  1. preetam lakhlani said,

    January 13, 2022 @ 11:29 AM

    કવિ વિનોદ જોશીએ કદાચ આ એક જ ગીત લખયુ હોત ને તો પણ આજે જેટ્લા પ્રખ્યાત છે એટલા જ ગમતા ગીત કવિ હોત, મેં વિનોદ જોશીનું આ ગીત ઘણા ગાયક પાસેથી સાંભળ્યું છે પણ બગસરામાં મેઘાણી સ્કુલમા એક દીકરી એ આ ગીત ગાયું હતુ તેવું અદભૂત તો લતાજી પણ ના ગાય શકે!

  2. Kajal kanjiya said,

    January 13, 2022 @ 12:23 PM

    ખૂબ સરસ ગીત 💐

    ઘણી જગ્યાએ પહેલાં સાસુ પછી પતિદેવનું આધિપત્ય પણ જોર કરે જ છે.
    વ્યક્તિનો એનાં વ્યક્તિત્વ સાથે સ્વીકાર એ જ સાચો સંબંધ.

    અનુભવમાં તો એ ક્યાં કંઈ ખામી રાખે છે,
    જે ભાવે નહીં એ ગમ પણ ખાવા આપે છે.

    કાજલ કાંજિયા

  3. રિયાઝ લાંગડા (મહુવા). said,

    January 13, 2022 @ 12:30 PM

    વાહ….ખૂબ સરસ👌👌

  4. Chetan Framewala said,

    January 13, 2022 @ 3:25 PM

    સ-રસ આસ્વાદ…
    કયા ખૂબ….

  5. મૌલિક ચોકસી said,

    January 13, 2022 @ 3:27 PM

    સાચ્ચે જ આ ગીત કાલાતીત છે. સાંભળો એટલી વાર એનું ઊંડાણ આપણને અંદરથી હલાવી જાય છે.

  6. Dhimmar Diven said,

    January 13, 2022 @ 4:15 PM

    આહા… અદ્ભુત ગીત…
    અનિલ જોષી સાહેબનું દિકરી વિદાય ગીત યાદ આવી ગયું…
    વિદાય થતી વેળ થતી સંવેદનાનું આલેખન જેમ એ ગીતમાં છે , તેમ અહીં ગીતમાં પરણેલી વહુના મનમાં ઘેરાતી સંવેદનાઓ આહ્લાદક છે…👌

  7. Harihar Shukla said,

    January 13, 2022 @ 4:33 PM

    અદભુત ગીત નો સરસ આસ્વાદ પણ👌

  8. DILIPKUMAR CHAVDA said,

    January 13, 2022 @ 6:20 PM

    ખૂબ સરસ ગીત ને સાથે સુંદર આસ્વાદ

  9. pragnajuvyas said,

    January 13, 2022 @ 7:58 PM

    આ અદ્ભુત ગીત…વિનોદ જોશીના સ્વમુખે માણ્યું છે.

    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

    “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના અવાજમાં ગવાયેલ ગીત :


    લયસ્તરો પર આ પહેલા આ ગીત રજુ કર્યું હતુ ત્યારે કવિશ્રી એ પોતે આપેલી Comment
    વિનોદ જોશી said,
    August 16, 2013 @ 4:27 AM

    ‘ પાંચીકા’ નહીં, ‘પાંચીકડાં’. સુધારી લેશો.
    – વિનોદ જોશી

    વિનોદ જોશી said,
    August 16, 2013 @ 4:42 AM

    આવું કાં થાય ?
    એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય,
    એના જેવું પણ થાય…

    છાપામાં ઊઘડતું ઝાંખું પરોઢ રોજ સાંજ પડ્યે પસ્તી થઇ જાય,
    આખ્ખો’દિ ત્રાજવામાં તોળાતી લાગણીઓ સરવાળે સસ્તી થઇ જાય;

    કોરી આંખોમાં હોય બેઠેલા ખારવા, ને માછલીઓ ચશ્મામાં ન્હાય !
    આવું કાં થાય?
    એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય, એના જેવું પણ થાય…

    રોજ રોજ પંખી ઝુલાવનાર ડાળખી એક દિવસ ખીંટી થઇ જાય,
    લેખણમાં ઊડાઊડ કરતું પતંગિયું કાગળ પર લીટી થઇ જાય;

    ક્યાંક ફૂલદાની પર ચોમાસું ત્રાટકે ને ક્યાંક ઊભાં જંગલ સૂકાય !
    આવું કાં થાય?
    એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય, એના જેવું પણ થાય..

    – વિનોદ જોશી

  10. Poonam said,

    January 13, 2022 @ 8:10 PM

    મારગ મેલો, બાઈજી!
    તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી

    – વિનોદ જોશી – Viveki – Vidroh ?

    Aasawad laziz 👌🏻

  11. જયેન્દ્ર ઠાકર said,

    January 14, 2022 @ 11:40 PM

    સાસુના કેર અને વહુના વલોપત ! સાસરું ગોઝારું લાગે અને માવતરના સુખી દિવસો યાદ આવે. આ રાત-દિવસના વિરોધાભાસની યાદી આપે છે.

  12. Jayendra Thakar said,

    January 15, 2022 @ 12:49 AM

    Shri pragnajuvyas posted a Youtube video on this poem, but the audio is absent. So I post another video, which is excellent:
    kunchi aapo baiji gargi vora

  13. આરતીસોની said,

    January 16, 2022 @ 12:45 AM

    ખૂબ સરસ આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment