ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

બંધ હોય ખડકી ને બંધ હોય બારી… – વિનોદ જોશી

બંધ હોય ખડકી ને બંધ હોય બારી,
પણ ધારી લે, છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, ઝાડ હજી ખિસકોલી જેવડું જ હોય ત્યારે અઘરું છે હીંચકાને બાંધવો,
જો કે, અઘરું છે ધોધમાર વાદળના ભારથી જ બટકેલા ટહુકાને સાંધવો;

પણ ધારી લે, ધારદાર શમણાં વાઢીને કોઈ ફળિયામાં ઠાલવી દે ભારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, અંધારું એકલું જ પૂરતું છે આમતેમ આથડતો પડછાયો ઢાંકવા,
જો કે, ઢોલિયામાં સૂતેલાં અજવાળાં કોઈવાર અણધાર્યાં માંડે છે પાકવા;

પણ ધારી લે, કોઈ પછી ફાનસમાં ઓલવાતી વાત જરા વાંચી લે તારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

– વિનોદ જોશી

કોઈ જ પહોંચી ન શકે એ રીતે ભીતરને સજ્જડ તાળું મારીને આપણે બેઠા હોઈએ, એવામાં કોઈક હાઉકલી કરતુંકને સામે આવી ચડે તો? સ્વયંને પુરુષ કે પ્રેમને તાબે ન થવા દેવાની ગાંઠ મનમાં મારીને બેઠેલ નવયૌવનાને ડારો દેતી સહેલીનું રમતિયાળ ગીત આજે માણીએ. જો કે સવાલ કરનાર કથક સહેલી પણ હોઈ શકે અને સ્વયં કાવ્યનાયિકા જાતની ઉલટતપાસ કરતી હોય એય બનવાજોગ છે. સવાલ એ છે કે ભલે ખડકી બંધ કરી, બારીય વાખી દીધી, પણ ધાર કે કોઈ છાપરું ઠેકીને આવી ચડે અને તું આજથી મારી એમ દાવો કરે તો તું શું કરવું?

કવિ નિજની ઊર્મિઓ ભાવક સુધી પહોંચાડવા એકમાત્ર ઉપલબ્ધ ઉપાદાન શબ્દોનો સહારો લે એ બરાબર પણ અન્ય કાવ્યપ્રકારોથી વિપરીત ગીતનું પ્રમુખ ધ્યેય ભાવકને કે શબ્દાર્થ નહીં, ભાવાર્થ સુધી લઈ જવાનું છે. કવિએ જે પ્રતીકો અને પદ પ્રયોજ્યા છે, એનો સ્થૂળાર્થ કરવા કરતાં ભાવ પકડવા મથીશું તો રચના દિલની વધુ નજીક અનુભવાશે. ઝાડનું કદ ખિસકોલી જેવડું જ હોય ત્યારે આપણે એને છોડ તરીકે ઓળખીએ છીએ, પણ કવિ ઝાડ કહે છે. કારણ, જે પ્રેમી છાપરું કૂદીને નાયિકા ઉપર માલિકીભાવ જમાવી શકવાની આશંકા છે, એના માટે નાયિકાના મનમાં તો પ્રણયનો છોડ વૃક્ષની જેમ ફૂલીફાલી ચૂક્યો છે. પણ વાત હજી સાવ પ્રારંભિક તબક્કે હોય ત્યારે સંબંધનો હીંચકો તો બાંધી ન બેસાય ને? અને એવા ટાણે ધોધમાર વરસવા આતુર હૈયાના ભારથી પ્રેમગાનનું સંધાન સાધવાની ઉતાવળ પણ ન થાય. નાયિકા તો આ સમજે છે, પણ નાયક ધારદાર શમણાંની ભારી ફળિયામાં ઠાલવી સામો આવી જાય તો? ગીતમાં આખી મજા જ ડગલે ને પગલે ધારવાની અને તોના ધારદાર સવાલની છે…

9 Comments »

  1. યોગેશ પંડ્યા said,

    October 4, 2025 @ 12:19 PM

    અદ્ભૂત ગીત !💐

  2. સુનીલ શાહ said,

    October 4, 2025 @ 12:21 PM

    વાહ.. મજાની ધારણાઓ..

  3. મધુસૂદન પટેલ 'મધુ' said,

    October 4, 2025 @ 12:26 PM

    વાહ!!! 👌

  4. પૂજ્ય બાપુ said,

    October 4, 2025 @ 12:28 PM

    વાહ અદ્ભુત ગીત… નવનીત સમર્પણના દીવાળી અંકમાં માણ્યું… સાવ તરોતાજા…

  5. Jayesh Rathod said,

    October 4, 2025 @ 12:37 PM

    ધારદાર શમણા વાઢવાની કલ્પના જ કેટલી સરસ.. પાછી એનીય ભારી

  6. Poonam said,

    October 4, 2025 @ 1:38 PM

    Saras Geet !

    Aasawad mast 👌🏻

  7. ramesh maru said,

    October 4, 2025 @ 1:46 PM

    વાહ… અદ્દભૂત.

  8. અસ્મિતા શાહ said,

    October 4, 2025 @ 2:55 PM

    જલસો પડી ગયો

  9. Dina Chhelavda said,

    October 4, 2025 @ 3:36 PM

    ખૂબ સરસ ગીત માણવાની મજા આવી.. 👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment