બહુ એકલવાયું લાગે… – વિનોદ જોશી
ઝાડ એકલું અમથું અમથું જાગે,
. બહુ એકલવાયું લાગે…
પવન પાંદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,
બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;
બંધ પોપચાં મીઠ્ઠાં શમણાં માગે,
. બહુ એકલવાયું લાગે…
દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,
હડી કાઢતી હવા ડાળ પર બેસી ટહુકા આંજે;
એક લ્હેરખી ઊંડા તળને તાગે,
. બહુ એકલવાયું લાગે…
અભણ આગિયા અંધારાને પાડે પછી ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;
રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
. બહુ એકલવાયું લાગે…
– વિનોદ જોશી
૨૦૨૬ની શરૂઆત થઈ ચૂકી છે… લયસ્તરોના તમામ ભાવક અને સર્જકોને નવા વર્ષના અભિનંદન! નવ્યવર્ષનો પ્રારંભ સરસ મજાની ગીતરચનાથી કરીએ…
સમર્થ કવિ કેવળ માનવમનના અતળ ઊંડાણો તાગવા સુધી સીમિત ન રહે, એ તો પ્રકૃતિના તમામ ઘટકતત્ત્વોની અનુભૂતિને આત્મસાત કરે અને પછી સહુ સાથે સહિયારે. પ્રસ્તુત રચનામાં કવિ ઝાડની સંવેદનાના મૂળ સુધી પહોંચે છે. ઝાડની એકલતા અને ચોવીસે કલાક કાર્યરત રહેવાની પ્રકૃતિનો કોઈ જોડ નથી. આ અજોડ વિલક્ષણતાને કેન્દ્રમાં રાખી કવિ એની ફરતે નિસર્ગના નાનાવિધ ઘટકોને કલ્પનસૂત્રોના તાણાવાણાથી બાંધે છે. દિ’ આખો અજવાળું દળીને ખીણમાં દડી જતો સૂરજ, હવા વડે ટહુકાનું આંજન કરવાની ક્રિયા, અભણ આગિયા વડે અંધારાના ડિલે પડતા ઉઝરડા તથા આભમાં ઝબૂક ઝબૂક કરતા તારામાં ભમરડા ફરતા દેખાય વગેરે કલ્પનોની નજાકત અને બારીકી રચનાને વધુ હૃદ્ય બનાવે છે. કવિએ આગિયાને અભણ કહ્યા એ જોયું? ભણેલા હોય એ સીધી લીટીમાં લખે,પણ આગિયા તો સ્વૈરવિહારી… આગિયાના ઉડ્ડયનથી હવામાં અજવાળાના કે લિસોટા પડે એમાં આકાર કે અક્ષર હોતા નથી… કદાચિત આ કારણે કવિએ આગિયાને અભણ કીધા છે… પણ આવા અનૂઠા કલ્પનોને જે રીતે કવિએ વર્ણસગાઈના તાલ સાથે આલેખ્યા છે, એના કારણે સર્જાતું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.


કિશોર બારોટ said,
January 2, 2026 @ 1:19 PM
અદ્ભૂત ગીત 👌
Vipul Mangaroliya said,
January 2, 2026 @ 1:30 PM
અદ્ભુત ગીત, અભણ આગિયા…..ક્યા બાત
Vinorai said,
January 2, 2026 @ 2:01 PM
💐
Aasifkhan Pathan said,
January 2, 2026 @ 2:20 PM
વાહ વાહ કયાબાત
મધુસૂદન પટેલ 'મધુ' said,
January 2, 2026 @ 2:32 PM
વાહ! અભણ આગિયા અંધારાને…. 👌
આરતી આંત્રોલિયા said,
January 2, 2026 @ 3:16 PM
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા…..વાહ, બહુ સુંદર કલ્પન..
વ્રજેશ said,
January 2, 2026 @ 4:30 PM
વાહ… ભમરડા… આગિયા… હડી કાઢવી…
Prahalad Jani said,
January 2, 2026 @ 9:51 PM
અદભૂત ❤️❤️❤️
Prahalad Jani said,
January 2, 2026 @ 9:52 PM
આહા ❤️❤️❤️
Ramesh Maru said,
January 2, 2026 @ 10:03 PM
વાહ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Barin Dixit said,
January 3, 2026 @ 2:24 AM
ગીત એક એવો પ્રકાર છે કે જ્યારે વ્યક્ત થાય ત્યારે સમગ્ર ચિત્ર ખડું કરે છે. મેં બે ત્રણ વાર વાંચ્યુને મને લાગ્યું કે જાણે હું કોક પર્વતની ટોચ પર એકલા ઊભેલા ઝાડની સાથે આ ગીત જોઈ રહ્યો છું. સૂરજ નું ડૂબવું , ટહુકા , આગિયા અને સૌથી સરસ તો સાંજ પડે ટહુકા કરી ને ડાળી પર સૂતેલા પક્ષીઓ પાસે થી અવાજ લઈ ને એ ટહુકો ઊંડે કોક ખીણ માં ઝરણામાં ઓગળી ગયો ! વાહ આગિયા અને તારાના ભમરડા તો બસ જોતા જ રહો ! ખૂબ સરસ કાવ્ય. નવ વર્ષની શુભકામનાઓ અને પ્રણામ સાહેબ 🙏🙏🌸🌸
Kishor Ahya said,
January 3, 2026 @ 10:33 AM
રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
. બહુ એકલવાયું લાગે…
– વિનોદ જોશી.
કેવા સુંદર કલ્પનો! ક્યારેય કોઈને ભાગ્યેજ આવો વિચાર આવ્યો હશે, જેવો કવિ શ્રી વિનોદ જોશીને આવ્યો.વર્ષોથી ઊભેલું આ ઝાડ, એને પણ એકલાપણું નહી લાગતું હોય? કવિ કહે છે “બહુ એકલવાયું લાગે..”. કવિએ ઝાડ સાથે આત્મીયતા સાધી છે ને કવિને ઝાડની અંદર “માંહ્યલું જંતર ઝીણું વાગે” એ સંભળાય છે.
કાવ્યની દ્રષ્ટિએ તો ઉત્તમ છે જ પરંતુ આ ગીતમાં સમજવા જેવા અર્થ છે.
પ્રથમ તો કવિએ મનુષ્યની જેમ ઝાડને પણ લાગણીઓ હોય છે તેવુ કાવ્ય મારફત સરસ મંતવ્ય રજૂ કર્યું .એકલું ઝાડ ઊભું હોય અને ઝાડની લાઈનો અથવા પાસે પાસે ઝાડ ઊભેલા હોય ત્યાં ઝાડનો કલરવ કવિ હદય ધરાવતી વ્યક્તિ સાંભળી શકે છે.(માંહ્યલું જંતર ઝીણું વાગે)
બીજી વાત, વનસ્પતિમાં જીવ છે એ વિજ્ઞાન દ્વારા સાબિત થયેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પ્રકૃતિની વાત કરતા જડ અને ચેતન વિશે કહ્યું છે. જેમાં કોઇપણ પ્રકારનું યોનિ ને અનુરૂપ ખાદ્ય અન્ન હોય એવા જડ ના ચેતન સાથે મળવાથી નવ્ય યોનિ બને છે. ચેતન એટલે સારા બ્રહ્માંડમાં વ્યાપ્ત ઊર્જાનો પ્રવાહ. કોઈ મનુષ્ય વધુ ઉર્જા ગ્રહણ કરી શકે તો કોઈ ઓછી. આમ ચેતના ડાર્વિંગના સિદ્ધાંત પ્રમાણે વિકાસમાન છે. મનુષ્ય અથવા કોઈ દ્રશ્ય-અદૃશ્ય યોનિનું શરીર, ઉર્જા ગ્રહણ કરવાનું બંધ કરે તો ચેતન સમાપ્ત થતા ફરી એ જડ બને, એને મૃત્યુ કહેવાય. આમ ઝાડમાં કદાચ મનુષ્ય કરતા ઓછું ચેતન હોય તેમ બની શકે, વડલાના ઝાડમાં બીજા ઝાડ કરતા વધુ ચેતન હોવાનું કહેવાય છે. કવિએ ઝાડ સાથે આત્મીય ચેતનાના એકરાગનો અનુભવ કર્યો ને અનુભૂતિ કરી કે ઝાડને પણ બહુ એકલતા લાગે છે. સવાર, બપોર , રાત્રીની તેની એકલતા કેવી હોય છે તેની પણ સરસ વાત કાવ્યમાં કવિએ કરી છે. “અભણ આગિયા અંધારાને પાડે પછી ઉઝરડા” આગિયા માટે કવિએ મનુષ્ય ને માટે વપરાતો અભણ શબ્દ પ્રયોગ કરી તેને પણ જાણે મનુષ્યની કક્ષા જેવો ગણી દીધો છે! જોકે એનાથીય વધુ પ્રાસ બેસાડવા આ વિશેષણ વપરાયું હોય તેમ લાગે છે.
કવિ શ્રી વિનોદ જોશીનું સરસ મજાનું ગીત અને શ્રી વિવેકભાઈનો હમેશ મુજબ સરસ આસ્વાદ ખૂબ ગમ્યો .layastaronne
નવા વર્ષની શુભ કામનાઓ.
🌹🌹🌹🌹