અષ્ટનાયિકા : ૦૧ : વાસકસજ્જા – વિનોદ જોશી
પ્રિયતમ, સેજ સજાવું…
સંગ સલૂણો ધરી ચિત્તમાં સહજ સ્પંદ સહેલાવું…
રંગભવન રતિરાગ રસીલું,
અંગ ઉમંગ સુગંધિત ઝીલું;
કમળપત્રથી કોમળ મંજુલ હૃદયકુંજ છલકાવું…
પ્રિયતમ, સેજ સજાવું…
મન વિહ્વળ, તન તૃષિત સુહાગી,
પુષ્પિત નિબિડ નિશા વરણાગી;
તંગ અંગથી સરી જતો ઉન્માદ અનંત બિછાવું…
પ્રિયતમ, સેજ સજાવું…
– વિનોદ જોશી
ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં અવસ્થાભેદે નાયિકાના નીચેના આઠ પ્રકાર પાડ્યા છે:
• વાસકસજ્જા : પ્રિયતમનું આગમન થવાનું છે એવી આશાથી હર્ષોલ્લાસ પામી સાજશણગાર કરેલી નાયિકા.
• વિરહોત્કણ્ઠિતા : નાયકના આગમનમાં વિલંબ થતાં ઉત્સુકતાથી તેની પ્રતીક્ષા કરનારી.
• સ્વાધીનભર્તૃકા : પતિ પોતાના વશમાં છે તેવી પ્રતીતિ સાથે સદા તેની પાસે જ રહેતી નાયિકા.
• કલહાન્તરિતા : નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી.
• ખંડિતા : પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ના.
• વિપ્રલબ્ધા : સમયપાલન કે વચનપાલન ન કરનાર પતિ કે પ્રિયતમના એવા વ્યવહારથી છેતરાઈ હોવાનો ભાવ અનુભવતી નાયિકા.
• પ્રોષિતપ્રિયા (અથવા પ્રોષિતભર્તૃકા) – જેનો પતિ વિદેશ ગયો છે તેવી વિરહિણી.
• અભિસારિકા : મધુર મિલન કાજે સ્વયં પ્રિયતમને મળવા જતી નાયિકા. શુક્લ અને કૃષ્ણપક્ષના ભેદે આ નાયિકાના પુન: બે પ્રકાર થાય છે.
કવિશ્રી વિનોદ જોશીએ આ આઠેય પ્રકારો વિશે આઠ ગીતોનું મજાનું શૃંગારગુચ્છ રચ્યું છે. લયસ્તરોના ભાવકમિત્રો માટે એમાંથી વારાફરતી ત્રણેકનું આચમન કરીએ… આજે વાસકસજ્જાનો વારો..
પિયુના આગમનની આશામાં ખુશીની મારી સજીધજીને તૈયાર થયેલી નાયિકા –વાસકસજ્જા-ની ઉક્તિ કેવી રોચક થઈ છે! પ્રણયોર્મિની પરાકાષ્ઠા એટલે બે તૃષાતુર શરીરનું સાયુજ્ય. એકેય શબ્દ ચોર્યા વિના, એકેય અંતરંગ ભાવ છૂપાવવાનો ડોળ કર્યા વિના નાયિકા પ્રિયતમ માટે પોતે સેજ સજાવી રાખી હોવાની વાતથી જ પ્રારંભ કરે છે. હૈયામાં પણ ધબકારે ધબકારે સલૂણા રંગના ઉછાળા અનુભવાય છે. રંગભવન તો રસીલા રતિરાગથી છલકાઈ રહ્યું જ છે, નાયિકાના અંગાંગ પણ સુગંધિત ઉમંગોને ઝીલી રહ્યાં છે. કમળપત્રથીય અધિક કોમળ હૈયું છલકાઈ રહ્યું છે. મન વિહ્વળ છે અને તન તરસ્યું. ઉપવનમાં ખીલેલાં પુષ્પોથી મઘમઘ થતી ગાઢ રાત્રિ પિયુ પધારશે નહીં ત્યાં લગી વરણાગી જ લાગવાની. અનંગાવેશમાં અંગ તંગ બન્યાં અનુભવાય છે. જેનો કદી અંત જ આવનાર નથી એવા તીવ્ર પ્રેમોન્માદને બિછાવીને નાયિકા નાયકના આગમનની પ્રતીક્ષાની પળોને ઉજવે છે..
Varij Luhar said,
March 31, 2022 @ 12:22 PM
વાહ વાહ.. ખૂબ સરસ રચના અને આસ્વાદ
Deval Vora said,
March 31, 2022 @ 12:35 PM
વાહ ખુબ સરસ રચનાઓ શોધી લાવ્યા …વિનંતી કે આઠે આઠ પ્રકાર ની નાયિકાઓ ના ગીતો અહીં શૅર કરવામાં આવે જો શક્ય હોય તો સર .
સુષમ પોળ said,
March 31, 2022 @ 1:02 PM
વાહ ખૂબ સરસ રચના અને આસ્વાદ પણ..
Makarand Mysale said,
March 31, 2022 @ 1:09 PM
વાહ… વાહ…
હર્ષદ દવે said,
March 31, 2022 @ 1:16 PM
સરસ કવિતા.
નાયિકાના આઠ રૂપો વિષે એક સાથે આપની પાસેથી જાણવા મળ્યું અને એ દરેક નાયિકા વિષે ગીત કવિતા શૃંગારને પોંખનારા કવિશ્રી વિનોદ જોષી પાસેથી મળે એનાથી વધુ આનંદ ક્યો હોય શકે ?
પ્રથમ ગીત “વાસકસજ્જા” નો રસાસ્વાદ પણ મજાનો બની રહ્યો. ધન્યવાદ.
નેહા said,
March 31, 2022 @ 2:56 PM
શક્ય હોય તો આઠેય રચનાઓ શેર કરો..
જેથી દરેકનો અભ્યાસ કરી ગીત લખવા
ઈચ્છુક નવોદિતો શબ્દલાલિત્ય અને વિવિધ
ભાવાભિવ્યક્તિ જાણી માણી અને પ્રમાણી શકે..
Harshad Bhatt said,
April 1, 2022 @ 5:29 AM
આનન્દ આનન્દ થૈ ગયો.
Vineschandra Chhotai 🕉 said,
April 1, 2022 @ 9:02 AM
અભિનંદન
સરસ રજૂઆત
ગુજરાતીમાં આવી વાતો કરી છે
બહુજ સરસ વાતો lll
Harihar Shukla said,
April 1, 2022 @ 11:30 AM
અદભૂત ગીત કવિનાં અષ્ટક ઉદ્દભૂત જ હોવાનાં એની ખાતરી કરાવતું પહેલું ગીત, એવા જ અદભૂત આસ્વાદ સહિત.👌
Harihar Shukla said,
April 1, 2022 @ 11:33 AM
નેહબહેનના સૂચન સાથે સહમત. ત્રણનું વચન તો મળ્યું જ છે. વધુની અપેક્ષા છે 👍💐
Shah Raxa said,
April 1, 2022 @ 12:00 PM
વાહ..વાહ..ખૂબ સરસ..આઠની અપેક્ષા વધી ગઈ…..
Poonam said,
April 2, 2022 @ 2:15 PM
કમળપત્રથી કોમળ મંજુલ હૃદયકુંજ છલકાવું…
પ્રિયતમ, સેજ સજાવું…વાહ ! શૃંગારગુચ્છ ના આઠ પ્રકાર 👌🏻
આસ્વાદ લઝીઝ !
pragnajuvyas said,
April 7, 2022 @ 8:02 PM
કવિશ્રી વિનોદ જોશીનુ વાસકસજ્જા ખૂબ સુંદર મધુરા ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
મન વિહ્વળ, તન તૃષિત સુહાગી,
પુષ્પિત નિબિડ નિશા વરણાગી;
તંગ અંગથી સરી જતો ઉન્માદ અનંત બિછાવું…
પ્રિયતમ, સેજ સજાવું…
વાહ
આ મધુરા કાવ્યને સંગીતમા ઢળાય સાથે ચિત્રથી સજાવવામા આવે તો માણવાની વધુ મજા આવે.
કવિતા ,સંગીત અને ચિત્રનો એ સંગમ અદ્ભુત છે. મધ્યકાલીન ‘રાગમાલા’-ચિત્રોનું ભારતીય સંગીત સાથેનું સાયુજ્ય તો વળી, અભૂતપૂર્વ છે. ચિત્રોમાં રાગને આકારિત કરાયો હોય. નાયક-નાયિકા વચ્ચે સંભવેલા કોઈ પ્રસંગને આલેખ્યો હોય. રાગના ગાનની ઋતુનો કે તેના સમયનો સંકેત અપાયો હોય. કોઈ કોઈ રાગોનું દેવદેવીઓ સાથેનું સન્ધાન સૂચવાયું હોય -જેમકે રાગ ભૈરવ અને ભૈરવીનું શિવજી સાથેનું. શિલ્પ સાથેના સન્ધાનનું દૃષ્ટાન્ત ખજૂરાહોમાં છે. એના લક્ષ્મણ-મન્દિરમાં વાસકસજ્જા નાયિકાનું શિલ્પ છે
યાદ આવે
કવિશ્રી જવાહર બક્ષીની મધુરી ગઝલ…
વાસકસજ્જા
વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે ?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે