અષ્ટનાયિકા : ૦૩ : ખંડિતા – વિનોદ જોશી
ખાલી રાખી મને, ભર્યા શ્રાવણમાં…
વળી ક્યાંક વ૨સીને અંતે આવ્યો તું આંગણમાં,
ભર્યા શ્રાવણમાં…
તારા મઘમઘ મનસૂબાને વળગી કોઈ ચમેલી,
ટળવળતી રહી ખુલ્લી મારી ડૂસકાં ભરતી ડેલી;
તરસબ્હાવરી હું ક૨માઈ લૂથી લથપથ રણમાં,
ભર્યા શ્રાવણમાં…
તારા અણથક ઉજાગરાએ ભર્યો પારકો પહેરો,
ફૂટેલા પરપોટામાં હું ભ૨વા બેઠી લહેરો;
ગઈ હારને હારી, લઈને મોતી હું પાંપણમાં,
ભર્યા શ્રાવણમાં…
– વિનોદ જોશી
ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની બે –વાસકસજ્જા અને કલહાંતરિતા– સાથે આપણે મુલાકાત કરી. આજે ત્રીજી નાયિકા ખંડિતા સાથે મુલાકાત કરી આ શૃંખલાને વિરામ આપીએ… જે મિત્રોને આઠેય નાયિકા સાથે મુલાકાત કરવાની ઇચ્છા હોય, એમને જાન્યુઆરી ૨૦૨૨નું નવનીત સમર્પણ મેળવી લેવા વિનંતી… અથવા મને વૉટ્સએપ કે મેસેજ કરશો તો હું તમામ રચનાઓ મોકલી આપીશ…
ખંડિતા એટલે પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ન સ્ત્રી. શ્રાવણ જેવી પ્રણયપ્લાવનની ઋતુમાં પ્રિયજન બીજે ક્યાંક વરસીને ખાલી થઈને પોતાના આંગણમાં આવ્યો હોવાની પીડા અહીં સુપેરે વ્યક્ત થઈ છે. પોતાની ડેલી ખુલ્લી પડી હોવા છતાં એના નસીબમાં કેવળ ટળવળાટ અને ડૂસકાં જ આવ્યાં છે, જ્યારે નાયકના મઘમઘ મનસૂબાઓને કોઈ અન્ય જ ચમેલી વળગી છે. શ્રાવણની ઋતુમાં તરસની પરાકાષ્ઠા લઈને લૂથી ભર્યાભાદર્યા રણમાં એકલા પડવાનું થાય તો કોણ કરમાયા વિના રહી શકે? શયનકક્ષમાં ક્યારેક થતા મીઠા ઉજાગરા પર હવે નવું સરનામું લખાઈ ચૂક્યું છે. પતિ એટલે પત્નીના હૈયાનો હાર. હાર હારવાનો યમક અલંકાર ધ્યાનાર્હ છે. સરવાળે, ખંડિતાની પીડામાં આપણને સહભાગી થવા મજબૂર કરે એવું લયાન્વિત કાવ્ય…
નેહા said,
April 2, 2022 @ 1:24 PM
ત્રણેય રચનાઓમાં આ સહુથી વધુ ગમ્યું. ખૂબ સુંદર કૃતિ..
Varij Luhar said,
April 2, 2022 @ 2:13 PM
વાહ.. ત્રીજું સ્વરૂપ ખૂબ સરસ
Poonam said,
April 2, 2022 @ 2:20 PM
… ભર્યા શ્રાવણમાં…
– વિનોદ જોશી – Aahaa !
Parbatkumar Nayi said,
April 3, 2022 @ 5:05 PM
વાહ
ત્રીજું સ્વરૂપ
ઘણું સરસ
praheladbhai prajapati said,
April 3, 2022 @ 5:58 PM
ચરણોનાં ચરણ અંતે ખાલીપાના ઘરમાં ……….પ્રહલાદભાઈ પ્રજાપતિ
જયેન્દ્ર ઠાકર said,
April 3, 2022 @ 10:15 PM
ફૂટેલા પરપોટામાં હું ભ૨વા બેઠી લહેરો;….એક ખંડિતાનો હ્રદય વિલાપ!
હર્ષદ દવે said,
April 4, 2022 @ 5:33 PM
સરસ ગીત અને આસ્વાદ.
pragnajuvyas said,
April 6, 2022 @ 12:57 AM
કવિશ્રી વિનોદ જોશીનુ લયાન્વિત ગીતનો ડૉ વિવેક દ્વારા ખૂબ સ રસ આસ્વાદ
તારા અણથક ઉજાગરાએ ભર્યો પારકો પહેરો,
ફૂટેલા પરપોટામાં હું ભ૨વા બેઠી લહેરો;
ગઈ હારને હારી, લઈને મોતી હું પાંપણમાં,
ભર્યા શ્રાવણમાં…
ખંડિતાની વેદનાએ આંખ નમ કરી
યાદ અપાવે
રમણલાલ દેસાઈનુ ગીત
જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી;
ભૂલી પડી મદભર તમ નૈયા !
ચરણ ચલિત, તંબોલ અધર પર,
લાલ છૂપે નહીં છલબલ ચૈનાં !–જાઓ.
હારચુમ્બિત હૈયું ક્યમ ઢાંકો ?
કંકણવેલી ક્યહાં ચિતરાવી?
અંજન ડાઘથી ઓપે કપોલ !–
બધી રજની ક્યમ ત્યાં ન વિતાવી!—જાઓ.
વિવેક said,
April 6, 2022 @ 10:41 AM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…
@પ્રજ્ઞાજુ:
રમણલાલ દેસાઈની આ રચના આખી રચના છે? મૂળ કાવ્ય આપની પાસે હોય તો ફોટોગ્રાફ લઈને મને મોકલી શકો? વસંતવિલાસ ફાગુ કાવ્યની આ રચનામાં ઊ6ડી ઝાંય વર્તાય છે.