આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા,
મરણ આવશે તે અટલ આવશે.
– અશરફ ડબાવાલા

અષ્ટનાયિકા : ૦૨ : કલહાંતરિતા – વિનોદ જોશી

મુજથી સહ્યું ન જાય….
આમ નજ૨થી દૂર ન રાખે, આમ અડે નહીં ક્યાંય.

મુખ મરડી લીધું તે લીધું, ખબર ન ક્યારે મલકે,
મને વીંધતાં અંગ અંગ અણિયાળાં આંસુ છલકે;

થાઉં આજ તો હુંય અજાણી એવું મનમાં થાય,
મુજથી સહ્યું ન જાય….

લખ્યા વગરની લેખણ જેવી પડી રહું કાગળમાં,
હું ના પાછી વળું જેમ ના વળે નદી વાદળમાં;

પંડ સાવ પોચું ને પાછું પથ્થરમાં પછડાય,
મુજથી સહ્યું ન જાય…

– વિનોદ જોશી

ગઈ કાલે આપણે ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની એક -વાસકસજ્જા- સાથે મુલાકાત કરી. આજે મળીએ કલહાંતરિતાને…

કલહાંતરિતા એટલે નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી સ્ત્રી. જુઓ, આ વાત આ રચનામાં કેવી બખૂબી ચાક્ષુષ થઈ છે તે! નાયક પોતાને છોડીને બીજી સ્ત્રીમાં મોહ્યો હોવાની વેદના શબ્દે-શબ્દે નીંગળે છે. મનનો માણીગર દૂર પણ ન જવા દે અને સંસર્ગ પણ ન રાખે એ કેમ સહ્યું જાય? નાયક અપરા સાથે મલકતો હશે એ પોતે જોઈ નથી શકતી એ વાતનો ઈશારો મુખ મરડી લીધું કહીને આબાદ કરાયો છે. આંસું અંગાંગને વીંધી રહ્યાં છે. પોતેય અજાણી થઈ જાય તો ‘ઉસ મોડ સે શુરુ કરેં ફિર યે જિંદગી’ જેવો ઘાટ કદાચ થઈ શકે એવીય આશા મનમાં જન્મે છે. લેખણનું કામ લખવાનું. એ વિના ભલે કાગળનો કાયમી સંગ હોય તોય અવતાળ એળે ગયો ગણાય. નાયિકાની હાલત વપરાશમાંથી નીકળી ગયેલી કલમ જેવી થઈ ગઈ છે અને જે રીતે વાદળ વરસીને નદીમાં ભળી ગયા બાદ નદી ફરી વાદળ તરફ ગતિ કરી શકતી નથી એમ જ નાયિકા પણ બેવફા પતિને લાખ ચાહના છતાં અપનાવી પણ શકતી નથી. નાજુક જિંદગીને કપરા સંજોગો માથે પડવાનું થયું હોય ત્યારે આવી જ વેદના સૂર બનીને રેલાય…

6 Comments »

  1. અરવિંદ ગડા said,

    April 1, 2022 @ 11:42 AM

    લખ્યા વગરની લેખણ અને તેય પાછી પડી રહે કાગળમાં! વાહ કવિ

  2. Varij Luhar said,

    April 1, 2022 @ 11:55 AM

    વાહ..આ બીજા સ્વરૂપ કલહાંતરિતા
    વિશે સુંદર કાવ્ય અને આસ્વાદ

  3. Harihar Shukla said,

    April 1, 2022 @ 12:15 PM

    ઓહો, નકરી મોજ 👌
    અરે, આનાથી આગળ શું હોય ગીતમાં?👌

  4. Prabhakar Dholakia said,

    April 1, 2022 @ 6:15 PM

    ખુબ સરસ 👌

  5. નેહા પુરોહિત said,

    April 1, 2022 @ 8:56 PM

    એકદમ સરળ બાની, સહજ બોલીનાં શબ્દો અને
    ઓછી માત્રામાં કેળવાયેલી કલમ કેવું ઉત્તમ ભાવદર્શન
    કરાવી શકે એનું ઉત્તમ ઉદાહરણ એટલે આ ગીત. આસ્વાદ
    પણ મજાનો..

  6. pragnajuvyas said,

    April 7, 2022 @ 8:31 PM

    કવિશ્રી વિનોદ જોશીનુ કલહાંતરિતા ( કલહાંતરિતા એટલે ‘પતિ સાથે કલહ કરી રીસાઈને પછી શોક કરતી સ્ત્રી’) ( કલહ + અંતરિતા ) સુંદર ગીત
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment