બધી આપદા એને શોધી જ લેશે
જે માણસ સતત આપદાથી ડરે છે
ડૉ. હરીશ ઠક્કર

આસપાસ ઊડે છે… – વિનોદ જોશી

આસપાસ ઊડે છે ઊત૨ડી હોય એ જ
.                              ઇચ્છાની ફરી ફરી ફોતરી…

પાંચ-સાત સપનાઓ ઊંચકીને હાંફે છે
.                              જૂનવાણી ઢોલિયાના પાયા,
ખ૨ડાતી ધોધમાર અંધારે એકલી જ
.                              ઓશિયાળી ઊંધમૂંધ કાયા;

પગલાં તો પાછળ ને પાછળ રહી જાય
.                              છતાં પડછાયે જાત હોય જોતરી…

મહેકે ક્યારેક હજી ઓચિંતી
.                              એકવા૨ ફૂટેલી અત્તરની શીશી,
એક બે ટકોરાનો લઈને આધા૨
.                              પછી લખવાની બા૨ણાંપચીશી;

ઢાંકેલી વારતાને વળગેલી ધૂળ
.                              રોજ પાંપણથી લેવાની ખોતરી…

– વિનોદ જોશી

*

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…

સાચે જ, અધૂરી ઇચ્છાઓથી અળગાં ન થઈ શકવું જ મનુષ્યનો સ્વ-ભાવ છે. જે ઇચ્છાઓ ત્યાગી દેવાની કોશિશ કરી હોય એ જ ફરી ફરીને આપણી આસપાસ મંડરાયે રાખે છે. સપનાં પૂરાં કરવા આપણે દોટ મૂકીએ ત્યાં સુધી તો ઠીક, કદાચ સપનાં સાકાર પણ થઈ જાય. પણ સમસ્યા તો ત્યારે ઊભી થાય છે જ્યારે સપનાં સાકાર કરવાના પ્રયત્નો પડતાં મૂકી આપણે જૂનવાણી ઢોલિયાના પાયાની જેમ એક જ જગ્યાએ ખોડાઈ જઈએ છીએ. આવું થાય ત્યારે અધૂરાં રહી ગયેલાં સપનાંઓનો ભાર વેઠી શકાતો નથી. ઓશિયાળું જીવન આવામાં ધોધમાર અંધારે ખરડાતું હોવાનું જ અનુભવાય છે… પ્રયત્નોના પગલાં પાછળ રહી જાય છે અને જાત પડછાયા સાથે જોતરી દેવાય છે. પણ સ્વપ્નપૂર્તિની સંભાવના તો જાતને જાત સાથે જોડવામાં આવે તો જ હોય ને!

જીવનમાં ક્યારેક કોઈક મઘમઘાટ અનુભવવાનું થયું હોય એ ક્ષણોનો નૉસ્ટાલ્જિયા જ પછી આવા જીવતરનો આધાર બની રહે છે. આખા જીવનની વાર્તા આવા એક-બે પ્રસંગથી જ લખાયેલ હોય છે. સમય જતાં આ વારતા પર પણ ધૂળ બાઝતી જાય છે અને આપણે રોજ-રોજ સપનાંના પાવડાથી એને ખોતરતા રહીએ છીએ… સપનાં ભલે અધૂરાં કેમ ન રહી ગયાં હોય, એને જોવાનું કામ કદી પૂરું થતું નથી.

અધૂરી રહી જતી ઇચ્છાઓના સામર્થ્યનું કેવું મજાનું ગીત!

2 Comments »

  1. pragnajuvyas said,

    October 8, 2022 @ 7:02 PM

    કવિશ્રી – વિનોદ જોશીનું સુંદર ગીતનો
    ડૉ વિવેક દ્વારા ‘ઇચ્છાની ફોતરી’ અંગે વિગતે સ રસ આસ્વાદ છતા અધૂરો લાગે છે .
    માનવ જીવનમાં ક્ષમા, દયા, પ્રેમ , સ્વભાવની સરળતા, વિનમ્રતા , વિવેક, શુધ્ધ હ્રદયથી સેવા ભાવના, નિર્મોહી નિશ્ચય ,નિષ્કપટ , સ્વસ્થ, શુધ્ધ ભાવના વાળો, અને સંયમી શુધ્ધ વર્તન વ્યવહાર અને આચરણ કરીને વાણી વર્તન કે વ્યવહાર પોતાના દુરાચારથી દૂષિત ન થાય એ માટેનું સતત આત્મ નિરીક્ષણ , આત્મ જાગૃતિ, રાખી પોતાની પ્રજ્ઞામાં જાગૃતિ પૂર્વક સ્થિર થઈ તથા પોતાની પરમ ચેતનામાં જાગૃતતા પૂર્વક સ્થિર થઈને જીવન જીવતા અને આ રીતે નિયમિત આત્મ મંથન કરી આત્મ ચિંતન કરી , સત્ય સ્વરૂ વિવેકમાં સ્થિર થઈને પોતાની જાતે જ પોતાની પ્રજ્ઞામાં પરમ ચેતનામાં સ્થિર થઈને મમત્વ બુધ્ધિ થી નિવૃત થાય ત્યારે ઇચ્છાની પૂર્તિ થાય નહીં તો અધૂરાં રહી ગયેલાં સપનાંઓનો ભાર વેઠવાનો રહ્યો.

  2. યોગેશ પંડ્યા said,

    October 13, 2022 @ 12:58 PM

    સરસ ગીત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment