એ પળ હજી… – વિનોદ જોશી
એ પળ હજી ન ભાળી,
હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!
વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,
ઊભી ધાર ન ફાવે એને હોય વરસવું ત્રાંસું;
ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!
ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,
પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;
ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!
– વિનોદ જોશી
રવીન્દ્રનાથ ટાગોરને કોઈએ પ્રશ્ન કર્યો કે તમારી શ્રેષ્ઠ કવિતા કઈ? કવિવરે જવાબ આપ્યો કે મારી શ્રેષ્ઠ કવિતા હજી લખવાની બાકી છે, તેથી જ હું લખતો રહું છું. જીવનમાં દરેક વ્યક્તિને કોઈકને કોઈક વસ્તુની પ્રતીક્ષા હોય છે. પ્રસ્તુત ગીતરચનામાં પણ કાવ્યનાયક આવી જ કોઈક અનાગત પળની સમતોલ પ્રતીક્ષામાં છે. સમતોલ એ રીતે કે કથક એ વાતથી સુપેરે અવગત છે કે અનાગત પળ મેઘધનુષી પણ હોઈ શકે છે અને કાળી પણ. જીવનના ઉભય અંતિમના સમ્યક સ્વીકાર સાથેની આ પ્રતીક્ષા હોવાથી ગીત ચીલાચાલુ પ્રાસાવલિ ન રહેતાં સુમધુર કવિતામાં પરિણમે છે.
જે પળ હજી આવવી બાકી છે એ જો ચોમાસું હોય તો એ ત્રાંસી ધારે જ વરસવુંની ગાંઠ મારી પગ વાળી વાદળમાં બેસી ગયેલ છે. રાત આખી હવાના હડદોલા ખાઈ ખાઈને ઘાસના ડિલે ઝાકળના ફરફોલા ઉપસી આવે છે… ખરબચડી જિંદગીને ખોટેખોટી પંપાળ્યે રાખવાના રંજરંજિત ભૂતનો બોજ ખભે ઊઠાવી વર્તમાન ભાવિ તરફ આંખ માંડી બેઠો છે. ગત-અનાગત વચ્ચે ભીંસાતી આજનો એક શેર યાદ આવે છે-
ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે? (વિમટે)
પેલી પળ તો જ્યારે એને ભાવિ લઈને આવશે ત્યારે આવશે… આજનું કામ છે ઘાસ વચ્ચે વેરાયેલ ટહુકા ચુપચાપ વીણતા રહેવું… ખરબચડા જીવનને ટહુકાના સૂરની સુંવાળપથી જ સંવારી શકાય…


Ramesh Maru said,
January 21, 2026 @ 2:27 PM
વાહ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Aarti Antrolia said,
January 21, 2026 @ 4:38 PM
ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી… વાહ!
Barin Dixit said,
January 21, 2026 @ 7:37 PM
ખૂબ સરસ કાવ્ય. વિનોદ સાહેબ હંમેશા જબરજસ્ત શબ્દો અને ભાવ લઈ આવે છે. ઘાસ હડદોળા ખાય અને એમાં ટહુકા વેરાય અને પાછો માળી એને વીણે! જાણે તમે કોઈ ચલચિત્ર જોતા હો સુંદર બાગનું એમ લાગે છે. આભાર સાહેબ વાહ 🙏😇
Kishor Ahya said,
January 21, 2026 @ 8:07 PM
પાંડવોના વનવાસ પૈકી એકાંતના એક વર્ષ દરમ્યાન દ્રોપદીના મનના વેગો અને વ્યથાને વાચા આપતું કવિ શ્રી વિનોદ જોશી દ્વારા લખાયેલ 1784 પંક્તિનું એક મહાન કાવ્ય ‘સૈરન્ધ્રી’ છે.
‘સૈરન્ધ્રી’ શૃંગાર રસ થી ભરપૂર કાવ્ય છે, પરંતુ કળા ને કાવ્યની દ્રષ્ટિએ ભર્તૃહરીના શૃંગાર શતક જેવું મજાનું કાવ્ય છે.
કવિની સૈરન્ધ્રી એ મહાભારતની દ્રૌપદી નથી, એક સ્ત્રી છે, જેના એકવિધ મનોભાવો પર કવિનો કેમેરા ઇતિહાસ કરતાં વધુ ફૉકસ થયો છે. જુઓ બે ચાર પંક્તિઓ..
“વિવશ સાંજ, નભ નિરાલંબ,
નિસ્પંદ સમીર નિગૂઢ,
એક યૌવના નતમુખ ઊભી,
વ્યગ્રચિત્ત સંમૂઢ.”
“રક્તચાપ આસ્ફાલન ભરતો,
મુદિત મદન વિદ્યુતગતિ ફરતો;
શ્વસન ઉષ્ણ અફળાયાં ઉચ્છલ,
હાંફી રાત રસીલી કજ્જલ”
“ચુંબિત મર્દિત સુરભિત કાયા
શ્વસન ઉષ્ણ, મસૃણની માયા;
મન્મથ ફુલ્લપ્રફુલ્લ વિલાસી,
હું પણ સહજ સંગ અભિલાષી”
“ચારુ વદન તન મુદિત નિરંતર,
મુકુરિત યૌવન મત્ત મનોહર;
પૃથુલ જઘન કુચ અધિક વિશાલા,
નાભિ ગભીર ક્ષીણ કટિમાલા”
સંપૂર્ણ વિવેચન અને ભાવાનુવાદ માટે ‘ટહુકો કોમ’ વેબ સાઇટનો છેલ્લે સંદર્ભ આપેલ છે..
કવિ શ્રી વિનોદ જોષીના આ ગીત ‘એ પળ હજી’ આખું કાવ્ય ઉપમાંઓ થી સભર છે અને આ ઉપમાઓ ના વિષયો ઊંડા ઊંડા છુપાયેલા ‘રતિ’ ને લગતા ગૂઢાર્થ હોય તેવુ લાગે છે , આથીજ આ વિષય પર કવિની કેટલી બધી સામર્થ્ય છે તે દર્શાવવા માટેજ સૈરન્ધ્રી નો ઉલ્લેખ કર્યો છે.
“એ પળ હજી ન ભાળી,
હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!”
કવિ અહીં રતિ પરાકાષ્ટની વાત કરે છે.
“વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,
ઊભી ધાર ન ફાવે એને હોય વરસવું ત્રાંસું;
ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!”
કવિ અહીં પ્રેમ ન હોવા છતાં આખી ઝીંદગી વ્યર્થ બનાવતી પ્રેમ કર્યાં ની કબુલાત કરે છે.
“ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,
પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;
ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!”
ઘાસ એટલે સ્ત્રી, ઝાકળ પાણીના સંદર્ભે ને રતિ દરમ્યાન સ્ત્રીના ઉદગારો એ ટહુકા ને માળી એટલે નાયક પોતે.
એ પળ હજી કાવ્યમાં કવિએ ઉપમાઓ દ્વારા ‘રતિ’ની વાતો બહુ સહેલાઈ થી કહી દીધી છે!
ખૂબ સરસ કાવ્ય અને શ્રી વિવેકભાઈની સરસ કાવ્ય પસંદગી અને સરસ મજાનો આસ્વાદ…
https://tahuko.com/?p=17810
🌹🌹🌹🌹
Varij Luhar said,
January 21, 2026 @ 8:28 PM
વાહ.. સરસ ગીત અને આસ્વાદ
Dhaval Shah said,
January 21, 2026 @ 9:30 PM
ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,
પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;
ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!
Vah !
Mona said,
January 22, 2026 @ 9:36 AM
વાહ… સવાર સુધરી ગઈ 👏
જબરદસ્ત ગીત 👌❤️
લતા હિરાણી said,
January 23, 2026 @ 11:42 AM
વિષય અદભૂત
તળથી આભ અને પળથી પ્રાણ આમાં પરોવાઈ જાય.
ઝીણકી ઝાકળ બહુ ગમ્યું. ફરફોલા નહીં !
ગીત કવિની હથોટી છે ! લાજવાબ.
લતા હિરાણી
જયેશ ભટ્ટ said,
January 24, 2026 @ 4:44 PM
વાહ સરસ ગીત
Kishor Ahya said,
January 24, 2026 @ 5:26 PM
“એ પળ હજી ન ભાળી,
હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!”
નાયક અહીં કોઈક ઇચ્છાઓ પૂર્ણ થયા પછી મળતા સુખ ની પળો ની વાત કરે છે, જે હજુ તેમને ઉબલબ્ધ થઈ નથી જેથી આ પળો કેવી હશે તેની કલ્પના કરતા કહે છે એ મેઘધનુષી હશે કે કાળી ?
“ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!”
પછીની પંક્તિમાં નાયક પ્રેમ ન હોવા છતાં ઝીંદગીને વ્યર્થ પંપાળી એમ કહી ઝિંદગીની વ્યર્થતા દર્શાવે છે.
ઝાકળના બિંદુઓ લીલા ઘાસ પર સવારે દેખાય આવે છે જાણે ટહુકાઓ ફેલાય ગયા છે ને માળી એ વીણી રહ્યો છે. ઘાસ પર ફેલાયેલ ઝાકળ બિંદુનું કવિએ સરસ વર્ણન કર્યું છે.
ખૂબ સરસ ગઝલ છે.આસ્વાદ પણ સરસ છે.
🌹🌹🌹🌹