તને મેં ઝંખી છે -
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
સુંદરમ

એક કુહાડી – વિનોદ જોશી

એક કુહાડી બની ગઈ ડાળી,
એક કઠિયારો થઈ ગયો માળી.

સૌ મને તાકી તાકી જોઈ રહ્યાં,
પાંપણો માત્ર એમણે ઢાળી;

એ જ વાતે રહસ્ય ઘુંટાયું :
વાત બીજાંની શી રીતે ટાળી;

રંગ તો સાંજ લગી જોયાં હતા,
તે છતાં રાત નીકળી કાળી;

વ્હેણ વચ્ચે જ એક વહાણ હતું,
તોય વહેવાની વાતને ખાળી;

એ તરફ જે વળી જતી અટકળ,
આ તરફ માંડ સાચમાં વાળી;

જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ,
એ જ પાડી શક્યાં નહીં તાળી.

– વિનોદ જોશી

ગીતકવિના ઝોલામાંથી આવી મજાની ગઝલ જડી આવે ત્યારે સુખદ આશ્ચર્ય થાય. કવિશ્રી વિનોદ જોશીની સક્રિયતાને ઉદયન ઠક્કર વિનોદ જોશી ૨.૦ કહીને વધાવે છે. લગભગ બધા જ શેર અદભુત થયા છે પણ સાંપ્રત ગઝલની ગતિ આજે સભારંજની બનવા તરફની હોય એવા સમયે આ ગઝલનો આખરી શેર વધુ માર્મિક બની રહે છે.

13 Comments »

  1. Anjana bhavsar said,

    November 19, 2020 @ 7:10 AM

    વાહ..સરસ ગઝલ..અંતિમ શેર તો આહા…

  2. Pratapsinh Dabhi'Hakal' said,

    November 19, 2020 @ 7:14 AM

    કવિનું ૨.૦ માં સ્વાગત . આનંદદાયક.સરસ ગઝલ

  3. Dilip Chavda said,

    November 19, 2020 @ 8:09 AM

    વાહ મઝાની ગઝલ,
    અંતિમ શેર તો મોઝ પડી ગઈ બાકી…

  4. હર્ષદ દવે said,

    November 19, 2020 @ 9:17 AM

    Good

  5. Poonam said,

    November 19, 2020 @ 11:03 AM

    જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ,
    એ જ પાડી શક્યાં નહીં તાળી.

    – વિનોદ જોશી – વાહ !

  6. pragnajuvyas said,

    November 19, 2020 @ 12:12 PM

    મા કવિશ્રી વિનોદ જોશીની સુંદર ગઝલ, અફલાતુન મક્તા અને ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    મસ્ત મત્લા
    એક કુહાડી બની ગઈ ડાળી,
    એક કઠિયારો થઈ ગયો માળી.
    ના વિચાર વમળે યાદ આવી ડૉ વિવેકની રચના
    હાથો કુહાડીનો કાયામાં રાખી તું મોટું થાય, સાચી એ વાત છે;
    ફળો ભેટ દેવાને માટે તું મૌન રહી પથરા ખાય, સાચી એ વાત છે,
    પણ જાતની જ આરી બનાવીને જાતને પોતાના હાથે જ કાપવાનું?
    બોલ, કદી આવું આવ્યું છે તારે જીવવાનું?
    તો સાંભર્યું મુકેશનુ ગીત
    તેમ છતાંયે મારી કોઈ એક ડાળના હાથાથી હું કુહાડે કપાયો છું,
    મને કાપો રે, હજુ કાપો રે, હું કટકેકટકે કપાયો છું.
    અને સુ શ્રી નીતા રામૈયાની વેદના
    કુહાડી સાથે માણસે બગીચામાં પ્રવેશ કર્યો
    અને
    લીમડાની ડાળી પવનની બાથમાં
    લપાઈ ગઈ
    ચીસ પાડતાં પંખી સામું જોયું
    અને
    મોગરાની કળીઓ ઠીંગરાઈ ગઈ.
    વેદાંતની વાતોમા દેખાયા પરશુરામજી તેઓ કહે છે કે ‘મારી પાસે કુહાડો હતો પણ તેનાથી મારા ઝાડવાં ન કાપી શક્યો પણ હે રાઘવ, તારી વાણીરૂપી શસ્ત્રથી, શાસ્ત્રથી મારા જંગલને કાપી નાખ્યું’.
    ત્યાં જે ડાળી પર બેઠા હોય એને જ કુહાડી વતી કાપતા કાલીદાસ દેખાયા !
    ચિતમા ગુંજન થયુ
    કુહાડે કપાણા, અમે આગ્યુંમાં ઓરાણા,
    કાયા સળગાવી ખાક કીધી રે
    ચોળનારા કોઈ નો મળ્યા હો…જી

  7. Maheshchandra Naik said,

    November 19, 2020 @ 2:05 PM

    સરસ ગઝલ અને એટલો જ સરસ આસ્વાદ……
    બધા જ શેર મનભાવન અને છેલ્લો શેર અફ્લાતુન્…….
    કવિશ્રીને અભિનદન,આપનો આભાર….

  8. કિશોર બારોટ said,

    November 19, 2020 @ 11:18 PM

    દરેક શેર કાબિલેદાદ.
    કવિને વંદન.

  9. Harihar Shukla said,

    November 20, 2020 @ 1:38 AM

    કેટલાં ભાવ વિભોર કે તાળી પણ ના પાડી શક્યાં 👌💐

  10. Dr.Vrajesh Mistri said,

    November 21, 2020 @ 3:30 AM

    વાહ…અંતિમ શે’ર તો ક્યાં કહેને…

  11. બિનિતા said,

    November 21, 2020 @ 6:35 AM

    વાહ કવિ વાહ

  12. સુનીલ શાહ said,

    November 23, 2020 @ 12:17 AM

    વાહ…વાહ..

  13. Yogesh Shukla said,

    December 24, 2020 @ 2:47 PM

    વાહ કવિ વાહ
    એક એક શેર દમદાર
    જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ,
    એ જ પાડી શક્યાં નહીં તાળી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment