ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

કારેલું…… કારેલું – વિનોદ જોશી

કારેલું…… કારેલું
મોતીડે વઘારેલું,
સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબ જાંબુ ધારેલું.

આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;
વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,
કારેલું…… કારેલું…….

સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું… સારેલું …આંસું મેં શણગારેલું,
કારેલું…… કારેલું…….

આંધણ ઓરું અવળાં સવળાં બળતણમાં ઝળઝળીયાં,
અડખે પડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું…ભારેલું … ભીતરમાં ભંડારેલું,
કારેલું…… કારેલું…….

ડો. વિનોદ જોશીનું બાળપણ સૌરાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં વિતેલું છે. તેમની રચનાઓમાં નારીની સંવેદનાનું બહુ જ સૂક્ષ્મ દર્શન તો છે જ, પણ તળપદી ભાષાનો લહેકો અને લય પણ છે. અને છતાં આ મોટા ગજાના કવિ આ કાવ્ય રૂપના માધ્યમ દ્વારા બહુ મોટો સંદેશ આપણને આપી જાય છે.

“માનવ જીવનની ઘટમાળ એવી
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.”

કોઇ કવિએ લખેલી આ પંક્તિઓમાં સ્પષ્ટ રીતે પ્રગટ થતું જીવનનું આ નકારાત્મક દર્શન કેવાં વિશિષ્ટ રૂપકો દ્વારા વિનોદભાઇ આપણને આપી જાય છે?

1 Comment »

  1. સુરેશ જાની said,

    July 14, 2006 @ 11:45 PM

    કારેલાં જેવું જીવન દેખાવમાં કેટલું સુંદર લાગે છે? આપણે પાછું તેને સંપત્તિ અને વૈભવના મોતીથી વઘારીને વધુ અભક્ષ્ય કરીએ છીએ! એ ગુલાબ જાંબુ જેવું સ્વાદિષ્ટ છે એમ વળી આપણે કલ્પી પણ લઇએ છીએ.નખમાં ઝાકળ એટલે આંસું ? માનવ સંવેદનાથી ભરેલાં ઝળઝળીયાંના બળતણ છે તો જ જીવનમાં આતશ છે. ભીના ભડકાની વચ્ચે કોરાં તળિયાંથી કવિ શુ એમ તો કહેવા નથી માંગતા કે, આંસુંઓની સંવેદનાની પાછળ રહેલો ભારેલો અગ્નિ હોવા છતાં તળિયે- પાયામાં આપણે સાવ કોરા કટ જ રહી જતા હોઇએ છીએ? અને અવળાં સવળાં આંધણથી શું એમ તો અભિપ્રેત નથી કે, મૂળમાં જ આપણાં આંધણ – મૂળનાં તત્વો – અવ્યવસ્થિત અને અણઘડ છે?

    અને જ્યારે આ ગીત તેના લોકગીતના લયમાં સાંભળવા મળે ત્યારે એક અનોખી અસર આપણા માનસ પર કરી જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment