મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.
વિવેક ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગીત
ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 13, 2019 at 8:57 AM by તીર્થેશ · Filed under ગીત, સુરેશ દલાલ
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
-સુરેશ દલાલ
ક્લાસિક……
Permalink
March 8, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિજય રાજ્યગુરુ
હોલાયા અંગારા, કવ છું વળો હવે ઘર ઢાળા!
જુઓ હવે આ રથ આવ્યો છે, ઘોડા છે પાંખાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!
સાથ આટલો હતો ગયો છૂટી અફસોસ ન કરશો,
ધુમ્રસેર વિખરાઈ જવા દો, મુઠ્ઠીમાં ન પકડશો!
ઝાંખીપાંખી અટકળને પણ મારી દેજો તાળાં,
કવ છું વળો હવે ઘર ઢાળા!
ક્યાંક કોઈ બોલાશ થશે, આંખો સામે ઝળહળશું!
ચીજ જોઈતી નહીં મળે ને અમે સતત સાંભરશું!
પળો પાછલી ભેગી કરી કરી કરજો સરવાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!
અમે દૂધગંગાને કાંઠે રાહ તમારી જોશું,
તમે એકલા હાથે ઘરની પૂરી કરજો હોંશું!
કડકડતી ઠંડીમાં સ્મરણોથી રે’જો હૂંફાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!
– વિજય રાજ્યગુરુ
ગીતનું શીર્ષક ગીત શેના વિશે છે એ બોલવાનું ટાળે છે એટલે ફરજિયાત ભાવકે ગીત પાસેથી જ જવાબ મેળવવાનો રહે છે. પણ ગીત શરૂ થતાં જ અંગારા હોલાવાની અને પાંખાળા ઘોડાવાળા રથના આવવાની વાતથી કોઈકનું મૃત્યુ થયું છે અને મૃતક પાછળ જીવતાં-એકલા રહી જનાર પાત્રને સંબોધે છે એ તરત જ સમજી શકાય છે. આગળ જતાં સમજાય છે કે પત્નીનું અવસાન થયું છે, એને અગ્નિદાહ પણ દેવાઈ ચૂક્યો છે અને ચિતા પણ હવે ઠરી ગઈ છે, પણ સદ્યવિધુર થયેલો પતિ ઘર ભણી ‘એકલા’ જવાની હિંમત કરી શકતો નથી.
પત્ની પરલોક સિધાવી ગઈ છે પણ વૃદ્ધને એના પોતાના માટેના આજીવન પ્રેમની હવે પ્રતીતિ થાય છે. મૃતક કંઈ બોલવા માટે ફરી આવે નહીં પણ વિધુરને પત્ની પોતાની સાથે વાર્તાલાપ કરતી હોવાનું અનુભવાય છે કેમકે માણસના ગયા પછી જ એની ખરી કિંમત સમજાય છે. પત્ની કહે છે, સાથ છૂટી ગયો, અફસોસ ન કરશો. ધુમાડો હાથમાં પકડવાની જિદ્દ ન કરશો. કોઈક સાથે કંઈક બોલચાલ થશે કે જોઈતી વસ્તુ ઝટ જડશે નહીં ત્યારે પાણી માંગો ત્યારે દૂધ હાજર કરે દેતી પત્ની અવશ્ય યાદ આવશે. પત્ની સ્વર્ગમાં પતિની પ્રતીક્ષા કરશે પણ પતિને ખાસ ચીમકી આપે છે કે ઘરના તમામ જણની હોંશ એકલા હાથે પૂરી કરજો, મારા શોકમાં માથે હાથ દઈ બેસી ન રહેતાં. થીજી ગયેલા જીવતરને હવે માત્ર સ્મરણોની જ હૂંફ છે…. ઊઠો, પતિદેવ.. કહું છું, હવે ઘર તરફ પાછા વળો…
Permalink
March 6, 2019 at 2:33 AM by તીર્થેશ · Filed under કેતન ભટ્ટ, ગીત
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય,
પરભુ સીવે જે કપડું
તે જીવણ ને ટૂંકું થાય!
જીવણ ને તો જોઈએ
લાંબી ઈચ્છા કેરી બાંય,
પરભુ કેટલું મથે તો ય
જીવણ ન રાજી થાય,
ટૂંકા પનાના માપમાં
પરભુ તો ય મથતો જાય,
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય!
આશાનું એક સરસ ખિસ્સું
પરભુ માપે મૂકે,
જીવણ ને લાલચ મુકવા ઈ
ખૂબ ટૂંકું લાગે,
નવી ભાતનાં ખિસ્સાં પરભુ
રોજ બતાવતો જાય,
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય!
કોલર ઊંચા રાખવાનો
જીવણને ધખારો,
પરભુ સમજાવે એને કે
‘અહમ માપમાં રાખો’,
પણ એમ જીવણ કાંઈ પરભુનું
બધુંય માની જાય ?
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય !
કંટાળી ને પરભુએ
અંતે બીલ મોટું આપ્યું ,
જોતા જ જીવણની
બે ય ફાટી ગઈ આંખ્યું,
હવે રોજ જીવણ
પરભુનાં માપમાં રહેતો જાય,
એક ડોસાને દરજી સાથે
હવે ન કજિયો થાય !
– કેતન ભટ્ટ
મસ્ત વાત !!!!!
Permalink
March 1, 2019 at 12:49 AM by વિવેક · Filed under ગીત, મયૂર કોલડિયા
ચોમાસુ બેઠું,
ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
ઊભા ઊભા રે હવે વાગે છે ઠેસ,
હું તો ગબડું હયાતીના તળિયે,
ઓસરીથી ઓગળીને રેલાતી જાઉં છું,
આ કોના વિચારોના ફળિયે?
ભીતર લે હિલ્લોળા સપનાનું જોર,
મને, સમજણ! તું બાંધીને રાખ મા…
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
વરસાદી છાંટાના પગરવ પર લાગ્યું
કે વ્હાલમ ખખડાવે છે બારણાં
ભર મેઘાડંબર ને આવો ઉઘાડ?
સાવ ઉંબરમાં તૂટે મારી ધારણા.
દરવાજે ધૂણે પ્રતીક્ષાનું ભૂત,
કહે, આશાના આગળિયા વાખ મા…
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
– મયૂર કોલડિયા
સત્તરમું અને ચોમાસુ એકસાથે બેસે એ ક્ષણ કુમારિકાના તરુણી બનવાની ક્ષણ છે. સત્તરમાનો સળવળાટ સાંખવો જરી કપરો છે. ચાતાં-ફરતાં વાગે તો ઠીક, પણ ઊભા-ઊભાય ઠેસ વાગે એ રીતે દીવાસ્વપ્નમાં ખોવાઈ જવાય છે ને હોવાપણાંનું ઠે…ઠ તળ હાથ લાગી આવે છે. શરીર તો ઓસરીમાં બેઠેલું રહી જાય છે પણ મનડું મર્કટ તો ન જાણે કોના વિચારોના ફળિયામાં રેલાઈ પહોંચે છે! સપનાં જોવાની-પોષવાની આ અવસ્થામાં સમજણ આવીને કાંકરીચાળો કરે એય ગમતું નથી. ચોમાસે વરસાદના છાંટાનો અવાજ પણ વહાલમ બારને ટકોરાં દેતો હોય એવો લાગે છે. મન ઘડીભર વિમાસેય છે કે ઘેરા કાળા વાદળછાયા આભમાં આમ અચાનક ઉજાસ કેમ કરતાં થઈ ગયો? દોડીને ઉંબરે પહોંચે ત્યારે ધારણા તૂતે છે પણ પ્રતીક્ષા કહે છે કે આશા હેઠી ન મૂકીશ… આવશે, વહાલમ, આવશે જ!
કેવું મજાનું ગીત!
Permalink
February 27, 2019 at 9:27 AM by તીર્થેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
કેટલાક મરવાના બાકી છે ?
દેખેંગે, સોચેંગે,લડ લેંગે આરપાર સાંભળીને પબ્લિક પણ થાકી છે.
એક પછી એક બધાં કપડાં ઉતારી લ્યે તોય ક્યે છે વસ્ત્રો હરાય?
ઘરમાં ઘૂસીને રોજ માથાં વાઢી લ્યે છે તોય ક્યે છે હત્યા કરાય?
સાચું કહું એમને તો એવું લાગે છે જાણે આપણે તો બંગડિયું તાકી છે.
કેટલાક મરવાના બાકી છે ?
“આસમાન સાફ હૈ ને બીજલી ગીરેગી” આમાં નો હાલે કવિતાની વાતું
બીજાની પાસેથી એટલું તો શીખો કે બોલવાથી કાંઈ નથી થાતું
થોડુક હલાવશો તો તરતજ ઈ ખરવાની ડાળી પર કેરિયું જે પાકી છે.
કેટલાક મરવાના બાકી છે ?
લાગી છે આગ એને ઠારવાની વાત, એમાં ભાગ્યા ક્યાં? અહિયાં તો અટકો,
પોતાના કૂવામાં પાણી ભરપૂર છતાં પારકાના કૂવે કાં ભટકો?
આખ્ખી દુનિયાને શું ક્હેતા ફરો છો કે કૂતરાની પૂંછડી તો વાંકી છે.
કેટલાક મરવાના બાકી છે ?
– કૃષ્ણ દવે
અંગતપણે હું યુદ્ધમાત્રનો વિરોધી છું….હિંસા એ જવલ્લે જ કાયમી ઉપાય હોય છે, પરંતુ આ લાગણીને કાયરતા ગણી શત્રુ માઝા મૂકે ત્યારે તો ગાંડીવ ઉપાડવું જ રહ્યું…દાયકાઓના સંયમ પછી આજે ભારતમાતાએ ત્રિશૂળ ઉગામ્યું છે……હવે આરપારની લડાઈ એ જ વિકલ્પ દેખાય છે…..
ભીખ્યાં,ભટક્યાં,વિષ્ટિ,વિનવણી- કીધા સુજનના કર્મ,
આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ……
Permalink
February 23, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
મારાં લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો.. નણદલ માગે લે’રિયુ રે બાઈ!
મારા દાદાનું વ્હોરેલ લેરિયું રે બાઈ;
મારી માડીએ પાડી એમાં ભાત હો.. નણદલ માગે લે’રિયું રે બાઈ!
મારા વીરાએ દોર્યો એમાં મોરલો રે બાઈ;
મારી ભાભીએ પૂર્યાં એમાં હીર હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!
તારા વીરે વખાણેલ લેરિયું રે બાઈ;
હું તો પે’રું ને ભરે મુંને બાથ હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!
હું તો આપું નંઇ મારું લે’રિયું રે બાઈ,
એમાં વીંટીને રાખી પે’લ્લી રાત હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!
– નેહા પુરોહિત
ગઈકાલે જ આપને લે’રિયાની લૂંટાલૂંટ લોકગીત માણ્યું. હવે એ તો થઈ જે જમાનામાં શહેરો નહોતાં કે નહોતાં બરાબર હતાં એ જમાનાની વાત. હવે માનો કે આ જ ગીત આજના યુગના કોઈ કવિ લખે તો કઈ રીતે લખે? બેમાં શો ફરક પડે? તો ચાલો, આ સાથે ભાવનગરના કવયિત્રી નેહા પુરોહિતે આ ગીતની જમીન ઉપર જ રચેલું ગીત જોઈએ. સૌથી પહેલો તફાવત તો લંબાણનો નજરે ચડે છે. આજનો જમાનો ઝડપનો અને લાઘવનો છે. એટલે આજનું ગીત પહેલાંના ગીત કરતાં કદમાં ખાસ્સું મર્યાદિત છે. બીજું, આજનો માણસ પહેલાં કરતાં વધુ સાધનસંપન્ન થયો છે પણ સાથોસાથ એનો જીવ પણ ટૂંકો થયો છે. નફો ન થાય એવો વેપાર હવે ભાગ્યે જ કોઈ કરે છે. પરમાર્થની જગ્યા સ્વ-અર્થે ક્યારની પચાવી પાડી છે. કવયિત્રીના પોતાના જ શબ્દોમાં, ‘નણંદ માગે ને આધુનિક નાયિકા પોતાનું મનપસંદ લે’રિયું આપી દે ખરી?’ ન જ આપે… એમ કહી શકાય કે પ્રસ્તુત લોકગીત કવયિત્રીની પેઢી સુધીનું પ્રતિનિધિત્વ કરે છે, તો કવયિત્રીની આ રચના એમના પછીની પેઢીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજું, નાયિકા લેરિયું તો આપવા તૈયાર નથી જ પણ લેરિયાના બદલામાં નણંદને ડાબલો, બેડું, ઘોડો તો ઠીક, એકેય વસ્તુનું પ્રલોભન આપવા સુદ્ધાં તૈયાર નથી. ચોથું, આજે માનવી બુદ્ધિજીવી થયો છે. લે’રિયું ન આપવા માટે આજની વહુ એવા અદભુત કારણ રજૂ કરે છે કે પછી એના વરની બહેન લેરિયું માંગી જ ન શકે. એ કહે છે કે તારા ભાઈને જ આ લેરિયું એવું ગમે છે કે મેં એ પહેર્યું નથી કે એણે મને બાથમાં લીધી નથી. અને આ સિવાય લેરિયું ન દેવા પાછળનું સૌથી અગત્યનું કારણ તો એ છે કે એમાં વરવધૂની પ્રથમ રાતના સંભારણાં સાચવીને વીંટી રાખ્યા છે…
Permalink
February 22, 2019 at 1:17 AM by વિવેક · Filed under ગીત, લોકગીત
મારા લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
મારા દાદાનું દીધેલું લે’રિયું રે બાઈ,
મારી માતાની બાંધેલ લાંક હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
શું રે કરું તારા ડાબલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
શું રે કરું તારાં બેડલાં રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
સામી ઘોડાહારે ચાર ઘોડલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
શું રે કરું તારા ઘોડલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
નણદી લઈને અદીઠડાં થાવ હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
નાયિકા તાજી પરણીને સાસરે આવી છે. વહુ પરણીને આવે ત્યારે ‘આણું’ પાથરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે, જેમાં મા-બાપે કરિયાવરમાં જે કંઈ આપ્યું હોય એ બધી જ વસ્તુઓને સાસરિયાંઓના જોવા કાજે પ્રદર્શિત કરવામાં આવે છે. રિવાજ મુજબ કન્યાની નણંદ એને મનગમતી કોઈપણ એક સાડી ઊઠાવી લે છે, જે એની કાયમી માલિકીની થઈ જાય છે. સાસરિયાં પક્ષની તાકાત અને જોહુકમીનો કન્યા માટે આ પ્રથમ અનુભવ અને સ્વીકાર છે. નવી પરણેલી ભાભી લહેરિયું કેમ આપી શકાય એમ નથી એના કારણો એક-એક કરીને રજૂ કરે છે અને જિદ્દી નણંદ કેમ લહેરિયું જ જોઈએ છે એનો પ્રત્યુત્તર વાળે છે. અંતે, ભોજાઈ નણંદને હાથોહાથ આપવાના બદલે લહેરિયું ક્યાં મૂક્યું છે એ બતાવીને જાતતસ્દી લેવાનું નણંદને કહે છે. આટલું ઓછું હોય એમ એ એને અદીઠડાં થવાનુંય જણાવી દે છે.
Permalink
February 21, 2019 at 12:41 AM by વિવેક · Filed under ગીત, પરબતકુમાર નાયી 'દર્દ'
સપનાનું આવું તો કેમ?
હોંશીલો હાથ જરા અડકે ના અડકે ત્યાં થઈ જાતું પરપોટા જેમ!
સપનાનું આવું તો કેમ?
સપનું ઊગ્યા પછી આંખોના ફળિયામાં ઊગ્યાં છે મનગમતાં ફૂલ!
સપનું ઊગ્યા પછી કો’ક એમ કે’તું કે જીવન કરી દ્યો ને ડૂલ!
ઝાકળના ફોરાંને તડકાના દેશથી લઇ જાશું કેમ હેમખેમ?
સપનાનું આવું તો કેમ?
સપનાની હોડી લઈ પાંપણના દરિયામાં ખેપો આ કરવાની કેટલી?
પાણીનું નામ એને આપી આપીને હવે આંખોને ભરવાની કેટલી?
જોશીને પૂછ્યું તો વેઢા એ ગણતો ને સૈયર કહે સપનું તો વ્હેમ!
સપનાનું આવું તો કેમ?
– પરબતકુમાર નાયી ‘દર્દ’
ક્ષણભંગુર સ્વપ્નની હકીકતનું ગીત. પરપોટા પેઠે ક્ષણિકમાં બટકી જતાં સપનાંને જોઈને કવિ સહજ વિમાસે છે. સપનું આંખોના સૂના ફળિયાને જીવન ન્યોછાવર કરી દેવાનું મન થઈ આવે એવો મજાનો બગીચો બનાવી દે છે, પણ પછી હકીકત સમજાય છે કે સપનું તો તડકાના દેશમાં જન્મેલું ઝાકળનું ફોરું છે. એને સાંગોપાંગ સાચવવું કેવું દોહ્યલું! સૈયરને તો સપનું જ વહેમ લાગે છે ને સપનાંના નામનું કેટલું રડવું એ તો જોશી પણ ગણી શકતો નથી…
Permalink
February 20, 2019 at 7:56 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
હા પાડે તું એટલી જ વાર
મખમલીયા સપનાઓ એવા ડરપોક નથી નીકળતાં પાપણની બહાર
હા પાડે તું એટલી જ વાર
વાયરાના ટ્યુશનમાં લહેરાવું શીખીને જળથી વહેવાની રીત જાણી
સામે તું હોય ત્યારે યાદ નથી આવતી વર્ષોથી ગોખેલી વાણી
જાતને ડૂબવું છે ઉડવું છે સંગાથે જાવું છે આસમાંની પાર ..
હા પાડે તું એટલી જ વાર
સ્મરણોના ગભરુ પારેવાઓ ગીત બની કાગળ પર પગલીઓ પાડતા
કાગળની લીટી પર બેસે છે એમ જાણે ડાળી પર તડકો મમળાવતા
ટહુકાની મેડલી ગાવાને સજ્જ થઇ બેઠા છે એવા તૈયાર
હા પાડે તું એટલી જ વાર
-મુકેશ જોશી
Permalink
February 9, 2019 at 1:20 AM by વિવેક · Filed under કિશોર બારોટ, ગીત
ગોફણ ગોળે આગ વછૂટે, કેર વરસતો કાળો,
તાંડવ ખેલે સૂરજ જાણે, જોગી ઝાળ જટાળો.
કલરવને તો સૂનમૂનતાનો ગયો આભડી એરુ,
તરસ બ્હાવરી હવા શોધતી જળનું ક્યાંય પગેરું ?
ધીંગી ધરતી તપતી જાણે ધગધગતો ઢેખાળો,
તાંડવ ખેલે સૂરજ જાણે જોગી ઝાળ જટાળો.
પંડ ઠેઠે પડછાયો ઘાલી ઊભા નીમાણાં ઝાડ,
મુઠ્ઠી છાંયો વેરે તોયે વહાલો લાગ તાડ.
સઘળું સુક્કું જોઇ લહેરથી મહોર્યો છે ગરમાળો.
તાંડવ ખેલે સૂરજ જાણે, જોગી ઝાળ જટાળો.
ઊભે વગડે હમચી ખૂંદે તડકાના તોખાર,
સ્તબ્ધ અવાચક સચરાચર પર સન્નાટાનો ભાર,
ઘાંઘો થઇને પવન દોડતો થઇને ડમ્મરીયાળો
તાંડવ ખેલે સૂરજ જાણે જોગી ઝાળ જટાળો.
– કિશોર બારોટ
વડોદરા સ્થાયી થયેલ નિવૃત્ત શિક્ષક શ્રી કિશોર બારોટ ‘આઠે પહોર આનંદ’ નામક ગીત-ગઝલ સંગ્રહ લઈ ઉપસ્થિત થયા છે… લયસ્તરોના આંગણે એમનું સહર્ષ સહૃદય સ્વાગત છે…
ઉનાળાની બળબળતી વૈશાખી બપોરને તાદૃશ કરતું મજાનું ગીત આજે માણીએ…
Permalink
February 8, 2019 at 7:23 AM by વિવેક · Filed under ગીત, ભગવતીકુમાર શર્મા
વીજળીના ચમકારે છાતીના છૂંદણામાં રાધાએ જોઈ લીધું માધવનું નામ…
બાથમાં સમાવી લેવા રાધાને રોમરોમ હેઠું ઝૂક્યું આ સ્હેજ આભ ઘનશ્યામ…
મોરલીમાં સાંભળ્યાનાં સ્ત્રોવર લહેરાય
જેમ અમરાઈ કોયલને ટહુકે;
સ્પર્શી સ્પર્શીને પવન પૂછે છે રાધાને,
‘તારી સુગંધ સ્હેજ લઉં કે?’
ઝૂક્યા કદંબની ડાળીએ ડાળીએ વાદળનાં ગીત મળ્યાં ટોળે અભિરામ…
કોરાં હતાં તે ફૂલી ફાળકો થયાં
ને ઝીણી ઝરમરમાં બાર મેઘ છાયા;
કોરી તે કેમ રહે રાધા કે કાળજડે
ગોવર્ધનધારી સમાયા.
ગોરી રાધાને અંગ અંધારી રાતડીએ છૂંદણાંમાં ઝૂમતું ગોકુળિયું ગામ…
– ભગવતીકુમાર શર્મા
(૧૨-૦૬-૧૯૭૦)
આવું અદભુત ગીત આજ સુધી લયસ્તરો કે ઇન્ટરનેટ પર ક્યાંય આવ્યું જ નહીં?!
Permalink
January 30, 2019 at 2:40 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગીત
સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
મને થયું કે લાવ હવાના
કાગળ પર કંઈ ચીતરું
ધોયેલા કપડા નીતરે છે
એ રીતે હું નીતરું
માંડ મૌનના ગુલમ્હોરોમાં થ્યો’તો મ્હોરું મ્હોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
એક પડ્યું ટીપું ત્યાં
આખો દરિયો કાં ડહોળાય?
સમજી સમજી થાક્યો તોયે
કશું જ ના સમજાય
અણસમજણની શગને હું શંકોરું ના શકોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
– અનિલ ચાવડા
Permalink
January 29, 2019 at 2:14 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
તું ભરતી ને હું ઓટ
મને ગમે ભીતર વળવું તું બહાર મુકે છે દોટ
આલિંગનનો લઇ હરખ તું ઠેઠ કિનારે જાય
મારી બુમે લહેરો પાછી ઘરમાં આવી ન્હાય
તું ઉછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો
મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો
જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ .. તું ભરતી ને હું ઓટ
શીત ચાંદની નર્તન કરતી કેવળ તારા રાગે
મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે
તારી પાસે જોશ જવાની જાદુ જલસા મંતર
મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર
મારે મંદી તારા ભાયગમાં પણ કાળી ચોટ ….તું ભરતી ને હું ઓટ
-મુકેશ જોશી
સિદ્ધહસ્ત કવિ…..બહુ ઓછા કવિ ગીતના ક્ષેત્રે આટલું અદભૂત ખેડાણ કરે છે આજે…..
Permalink
January 25, 2019 at 1:27 AM by વિવેક · Filed under ઉષા ઉપાધ્યાય, ગીત
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
વાદળ વરસે ને કહે
ઘરમાં તું કેમ છે?
વાયરો વહે ને કહે
ઉડવું હેમખેમ છે?
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
ભીડેલાં બારણાંની
કેવી આ ભીંસ છે!,
ટહુકામાં ઓગળતી
મૂંગી આ રીસ છે,
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
– ઉષા ઉપાધ્યાય
ગીતનું મુખડું વાંચતાં જ ‘તેરી દો ટકિયા કી નૌકરી મેં મેરા લાખોં કા સાવન જાય રે’ કહી મનોજકુમારને લોભાવતી ઝિન્નત અમાન નજર સામે આવી જાય.આ મુખડું પણ કંઈક એવી જ વાત કરતું હોવા છતાં એટલું બળકટ બન્યું છે કે સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય… પરંપરાગત ગીતોમાં જોવા મળતી ક્રોસલાઇન અહીં હાજર ન હોવા છતાં સાવ ટૂંકુ ને ટચરક આ ગીત આપણને સરાબોળ ભીંજવી જાય એવું છે….
Permalink
January 18, 2019 at 12:51 AM by વિવેક · Filed under ગીત, જગદીશ ધનેશ્વર ભટ્ટ
સાવ સૂની પાદરની કેડી
કોઈ મળે ના સંગી-સાથી, કોઈ લિયે ના તેડી
સાવ સૂની પાદરની કેડી.
આગળ વધવું એ જ આરદા કોઈ શકે ના રોકી,
અટવાતાં અંધારાં ભેદી નજર રહી અવલોકી,
વીજ તણા ચમકારે હળવે ભવની ભાવટ ફેડી,
સાવ સૂની પાદરની કેડી.
આંખ ઊઘડતાં જોયા આગળ અજવાળાંના ડેરા,
સાસ-ઉસાંસે ખરતા દીઠા જનમ જનમના ફેરા,
રોમ રોમ જાગે અરમાને, પગની તૂટી બેડી,
સાવ સૂની પાદરની કેડી
કોઈ મળે ના સંગી-સાથી, કોઈ લિયે ના તેડી
સાવ સૂની પાદરની કેડી.
– જગદીશ ધનેશ્વર ભટ્ટ
રવીન્દ્રનાથની ‘तबे एकला चलो रे’ તરત યાદ આવી જાય એવું ગીત. જિંદગીની આ રાહમાં કોઈ સાથી કે તેડી લે એવો સહારો નથી, આ સફર સૌએ એકલા જ કાપવાની છે. આગળ વધવું એ જ એકમાત્ર પ્રાર્થના હોય તો નજર અંધારાં પણ ભેદી શકે છે ને ગંગાસતીની જેમ વીજળીના ચમકારે ભવની ભાવટના મોતી પણ પરોવી શકાય છે. આંતર્ચક્ષુ ખૂલી જાય એ ઘડી પ્રકાશના સાક્ષાત્કારની અને ચોર્યાસી લાખ ફેરાની માયાજાળની બેડીઓ તૂટવાની ઘડી છે.
(આરદા= પ્રાર્થના; ભાવટ=પંચાત, જંજાળ)
Permalink
January 16, 2019 at 2:16 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
પાછલા જનમની પ્રીત ભલે ફળતી એ… આવતા જનમમાં
પણ આ ભવનું શું?
પાછલા જન્મે હો ચોમાસાં, આવતા જન્મે છો દરિયા
પણ આ દવનું શું?
શ્રદ્ધાના ચોઘડિયે, ફૂલના શુકનમાં
દીવો કરીને જે કીધાં સ્તવન
ખાલીપો રોજ એના મંત્રો ઉચ્ચારે ને
એકલતાનો જ હજુ ચાલતો હવન
આચમની લઈને હું છોડું સંકલ્પ
પણ હાથમાં હોમવાના આ જવનું શું?
અમથુંય તરણું જો નાખો તો પાંગરે
એવું એ પોચી જમીન સમું મન
આ ભવમાં તરણુંયે ઊગતું નથી તો
કેમ માનવું કે ઊગશે આખો પવન
પાછલા ને આવતા ભવમાં તહેવાર પણ
ઝાંખા પડેલા આ ઉત્સવનું શું?
-મુકેશ જોષી
વિરહને શબ્દોના રૂપાળા વાઘા વધારે વસમો બનાવતા હોય છે…..પ્રિયજનનો પ્રતિસાદ નથી તે નથી, બાકી બધી વાતો મન મનાવવાની…..
Permalink
December 21, 2018 at 12:34 AM by વિવેક · Filed under ગીત, પારુલ ખખ્ખર
જમણા તે હાથના લાખેણા અંગૂઠે ચડી ગઈ ભમરાળી ખાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…
ખાલીના પરતાપે નોંધારી આંગળિયું, નોંધારા થઈ ગયા રે દોત
ખાલીની ફૂંકે કંઈ ઓલાતી જાય મારા અખ્ખરની ઝીણકુડી જ્યોત
હું તો ખાલી ઉતરાવવાને હાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…
ખાલીની હારે કંઈ ખાલીપો આવીયો ને બાંધીયુ હથેળીમાં ધામ
રોતાં-રઝળતાં ગીતોના ઢાળ મારી લેખણનું પૂછે રે ગામ
હું તો આમતેમ ભટકું છું ઠાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…
કાંડુ ઝાલીને ઓલા વૈદરાજ બોલીયા હાથ છે કે હાથલીયો થોર
જાણતલ જોશીડા, ભૂવા-જાગરિયાનું હાલ્યું નહીં રે કાઈ જોર
ના હાલી કાઈ માનતાની પાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…
આથમણે દેશથી ઘોડે ચડીને એક આવીયો બાંકો અસવાર
સરસવતી માતનું નામ લઈ અંગૂઠે કીધી રે શોણિતની ધાર
મારા કાગળિયે છલકી ગઈ લાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…
-પારુલ ખખ્ખર
કવિતાને વિષયનો છોછ નથી. સાવ ક્ષુલ્લકથી લઈને અત્યંત મહત્ત્વપૂર્ણ વસ્તુઓ કવિ માટે વિષયવસ્તુ બની શકે છે. ગીતો તો આપણે હજારો વાંચ્યાં હશે પણ અહીં જે ગીત છે એ વિષય પર કદાચ ક્યારેય કોઈ કવિતા લખાઈ નહીં હોય એવું મારું માનવું છે… એક જ સ્થિતિમાં શરીરનું કોઈ અંગ પડી રહે અને જે-તે ભાગના ચેતાતંતુઓ લાંબા સમય સુધી એકધારા દબાણના કારણે હંગામી ધોરણે લકવાગ્રસ્ત થઈ જાય ત્યારે આપણને ‘ખાલી’ ચડી જતી હોય છે. જે ભાગમાં ખાલી ચડી હોય એને થોડીવાર આમતેમ હલાવીએ એટલે પૂર્વવત્ થઈ જવાય… આ ઘટના દરેકના જીવનમાં કેટલીયવાર બનતી હશે પણ ભાગ્યે જ કોઈ કવિતાને આવી અર્થહીન ઘટનામાં કવિતા નજરે ચડતી હોય છે.
જમણા હાથના અંગૂઠેથી થઈને ખાલી એવી ભરાઈ છે કે નાયિકાનું આખુંયે અસ્તિત્વ એની અસરમાં આવી ગયું છે. આંગળીઓ કામ ન કરી શકે એવી નોંધારી થઈ ગઈ છે, શાહીનો ખડિયો વાપરી ન શકાય એવી હાલત થઈ છે, કાગળ પર અક્ષરોની નાની-નાની જ્યોત ઝળહળતી હતી, એ જ્યોત ખાલીની ફૂંકે ઓલવાતી જાય છે. ને નાયિકા ખાલી ઉતરાવવા નીકળે છે. ખાલીના પ્રતાપે ખાલીપો અનુભવાય છે. નાયિકા ઠમ-ઠામ ભટકે છે ને લખવાના બાકી રહી ગયેલાં ગીતો રઝળી પડ્યાં છે. વૈદરાજને ખાલી ચડેલી હથેળીમાં હાથલો થોર નજરે ચડે છે… કેવું અદભુત રુપક! ખાલી ચડે ત્યારે સાચે જ હથેળીમાં એવા કાંટા ભોંકાતા હોય છે જાણે હાથ હાથલો થોર ન હોય! જોશી-ભૂવા બધા જ નિષ્ફળ જાય છે ત્યારે નાયિકાના મનનો માણીગર આવીને રક્તધાર કરે છે ને ખાલી દૂર થાય છે… આ શોણિતની ધાર પ્રેમની ધાર છે, સુહાગની ધાર પણ હોઈ શકે… પણ નાયિકાના જીવતરનો કાગળ રાતા રંગે છલકાઈ ઊઠે છે… શું કહીશું આ ગીતને? ખાલીનું ભરેલું ગીત?
Permalink
October 31, 2018 at 4:13 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
કોઈ કોઈ વાર મારાં ટેરવાંને
રડવાની એવી તો ઇચ્છાઓ જાગે
મૂકી કલમની છાતી પર માથું ને
હીબકાંઓ ભરવાને લાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે
કોઈ મનગમતી વાત, કોઈ અણગમતી રાત
અમે દાટી તો દેતાં પાતાળે
કેમ કરી સમજાવું લાગણીને
ટેરવાંની માંહેથી ડોકિયાંઓ કાઢે
ટેરવાંથી દદડે આ ચોમાસાં ધોધમાર
વેદનાની ઠેસ સ્હેજ વાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે
લયના ઊંડાણમાં હું ડૂબકી મારું ને
આમ શબ્દોનાં છીપ ઘણાં નીકળે
કાગળ પર મૂકીને છીપલાંઓ ખોલું તો
અર્થોનાં મોતી કંઈ વીખરે
મોતી પર ઊર્મિઓ કોતરવા માટેની
જીદ હું ગાતો જે રાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે
– મુકેશ જોષી
Permalink
October 24, 2018 at 4:05 AM by તીર્થેશ · Filed under ગીત, રાજેન્દ્ર શાહ
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.
કોણને એ મ્હોતી,
ને નેણ ભરી જોતી,
શું જાણ એને ન્હોતી ?
કે ચાંદલો બંધાણો પાણીનાં પાશમાં… પોયણી o
તમરાએ ગાન મહીં,
વાયરાને કાન કહી,
વન વન વાત વહી,
ઢૂંઢતી એ કોને આટલા ઉજાસમાં… પોયણી o
અંકમાં મયંક છે,
ન તોય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શિબાવરી બનેલ અભિલાષના હુતાશમાં… પોયણી o
-રાજેન્દ્ર શાહ
ક્લાસિકલ રચના…..
Permalink
October 19, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નંદિતા ઠાકોર
અડખે પડખે ઊગ્યાં જોને
. કદંબ ને ગુલમ્હોર
અહો, શો રંગીલો આ તોર!
એકમેક પર ઢળે ડાળીઓ
જ્યમ રાધા ને શ્યામ
કેસરભીની રૂપછટા પર
મન મોહે અભિરામ
પાનપાનમાં ઊઘડે જાણે લીલપનો કલશોર…
મદભીની મોસમની આ તો
વહે મનહર માયા
છેક આભને ખોળે એની
રંગબિરંગી છાયા
લીલેરા પટકૂળને જાણે સુહે સુનેરી કોર…
– નંદિતા ઠાકોર
અડખે પડખે ઊભેલાં બે અલગ-અલગ રંગના ફૂલોવાળાં વૃક્ષને જોઈને કવિ કેવી મજાની કલ્પનાઓ કરી બેસે છે તે તો જુઓ… ગીતકાર પોતે ઉમદા ગાયક અને સંગીતના જાણતલ હોવાના નાતે ગીતનો લય તો પ્રવાહી જ હોવાનો…
Permalink
October 16, 2018 at 3:42 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
પેલી મોજાંએ ભીંજવેલી રેતી, સજન ! મને કાનમાં એ એટલું કહેતી, સજન…
‘તારા સાજનને એવું સમજાવ ને,
તું જ મોજું થઈ મળવાને આવ ને !’
રોજ ભીંજાતી રેત થાય કોરીધાકોર, રોજ ભીંજવતાં મોજાં પણ નવ્વાનક્કોર,
એક તરસે ને એક વળી વરસાવે હેત, મને સમજાયો હેત કેરો સાચો સંકેત,
હું તરસું, તું વ્હાલપ વરસાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
કોરી રેતીને ભીંજવતા મોજાં સમો પ્રેમ વર્ષો વિતે ને તોયે રહેતો નવો,
કોઈ બાંધે ન કોઈને એ સાચો સંગાથ, કેવો પળ પળનો બેઉ જણા માણે છે સાથ !
તારા હૈયાને તું પણ સમજાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત, જો પૂછ્યું હોત છીપને તો એ પણ કહેત,
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન ! તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!
-તુષાર શુક્લ
” દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’; એમ પૂછીને થાય નહીં પ્રેમ………”- આ કાવ્ય તો ખૂબ પ્રખ્યાત છે જ, પણ મને તો આજે પ્રસ્તુત કરેલું કાવ્ય પણ એટલું જ ગમ્યું…. જાણે કે બંને કાવ્ય એક-બીજાના પૂરક ન હોય !!!!!
Permalink
October 13, 2018 at 12:30 AM by વિવેક · Filed under એનાક્રિઓન્ટી, ગીત, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
પ્યાસી ધરતી ચૂસે છે વરસાદને,
ને પીએ છે ને ફરી પીવા ચહે;
છોડ ધરતીને ચૂસે છે, ને સતત
પીએ રાખીને થયાં તાજાં ને તર;
ખુદ સમંદર (જેના વિશે સૌ કહે
કે તરસ એને તો શી હોવી ઘટે)
ગટગટાવે છે નદીઓ દસ હજાર,
એટલું કે પ્યાલો પણ છલકાઈ જાય,
વ્યસ્ત સૂરજ (નું પિયક્કડ રાતુંચોળ
મુખ નિહાળી ધારી ન લે ઓછું કોઈ)
પી લે દરિયો, ને પીવું જ્યારે પતે,
ચાંદ-તારા પી રહે છે સૂર્યને;
પીને નાચે છે પ્રકાશે પંડના,
પીને પાછા રાતભર રહે એશમાં:
શાંત ના કંઈ પ્રકૃતિમાં, દોર તોય
કાયમી દુરસ્તીનો ચાલુ જ હોય.
વાટકો ભરી લો, ભરી લો ઠેઠ લગ,
છે એ સૌ પ્યાલાં ભરી લો, શાને પણ
જીવ સૌ પીએ અને બસ હું જ નહીં,
કેમ, નૈતિકતાના સૈનિક, કેમ નહીં?
– એનાક્રિઓન્ટી
(અંગ્રેજી પરથી અનુ. વિવેક મનહર ટેલર)
હજારો વર્ષોથી માનવજાત શરાબ બનાવતી અને પીતી આવી છે. હજારો વર્ષોથી કવિઓ શરાબનો મહિમા અને બદબોઈ –બંને કરતાં આવ્યાં છે. ગઝલે તો શરાબ અને સાકીને પરમાત્મા સાથે પણ સાંકળી લીધા છે. પણ પોતે દારૂ શા માટે પીવો જોઈએ અથવા પોતાને દારૂ શા માટે પીવા દેવો જોઈએ એ બાબતમાં છવ્વીસસો વર્ષ જૂની આ કવિતામાં એનાક્રિઓન્ટી દારૂની શી વકાલત કેવી અનૂઠી ભાષામાં કરે છે એ જોવા જેવું છે….
પ્રસ્તુત રચનાના વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરો…
Drinking
The thirsty earth soaks up the rain,
And drinks and gapes for drink again;
The plants suck in the earth, and are
With constant drinking fresh and fair;
The sea itself (which one would think
Should have but little need of drink)
Drinks ten thousand rivers up,
So filled that they o’erflow the cup,
The busy Sun (and one would guess
By’s drunken fiery face no less)
Drinks up the sea, and when he’s done,
The Moon and Stars drink up the Sun;
They drink and dance by their own light,
They drink and revel all the night:
Nothing in Nature’s sober found,
But an eternal health goes round.
Fill up the bowl, then, fill it high,
Fill all the glasses there, for why
Should every creature drink but I,
Why, man of morals, tell me why?
– Anacreontea
(Eng. Tran: Abraham Cowley)
Permalink
October 6, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લિઓનારા સ્પાયર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
ઓચિંતી સળગી એક ઝાળ
ઓચિંતી ફફડી એક પંખ:
શું, ગાઈ શકે એક મૃત વિહંગ?
કો’ક બોલ્યું આપનું નામ.
ઓચિંતી ફફડી એક પંખ,
અવાજ જાણે એ જ હો સાવ,
કો’ક બોલ્યું આપનું નામ:
ઓહ, યાદનો તે શો રંગ!
અવાજ જાણે એ જ હો સાવ,
ગીત – હૃદયની હરિત વસંત,
ઓહ, યાદનો તે શો રંગ!
આપણ બેઉમાં કોનો વાંક?
ગીત – હૃદયની હરિત વસંત,
પાંખ લૂલી હજી કરે ફફડાટ,
આપણ બેઉમાં કોનો વાંક?
પ્રભુ, મુરઝાવું આ મંદ!
– લિઓનારા સ્પાયર
(અનુ. વિવેક મનહર ટેલર)
એક સ્ત્રીની કવિતા. એક સ્ત્રીની જ હોઈ શકે એવી કવિતા. કેમકે એક સ્ત્રી જ આટલા બધા પ્રેમથી ભરીભાદરી ફરિયાદ કરી શકે. સદીઓથી સ્થિર થઈ ગયેલાં પાણીમાં જાણે એક પથ્થર પડે છે અને અચાનક જ વમળો સર્જાય છે. ભૂલી જવાયેલી સારી યાદોની સાથોસાથ છૂટાં પડતી વખતે સહન કરવા પડેલા તમામ ઘા પણ આગની જ્વાળાની જેમ ભભૂકી ઊઠે છે. અમેરિકન કવયિત્રી લિઓનારા સ્પાયર અચાનક તાજા થઈ આવેલા આ સ્મરણનો હાથ ઝાલીને વિરહ પછીની ક્ષણોનો તાગ મેળવવાની કોશિશ કરે છે…
રચનાના વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરીને ફેસબુક પર પધારવા વિનંતી છે…
Suddenly
Suddenly flickered a flame,
Suddenly fluttered a wing:
What, can a dead bird sing?
Somebody spoke your name.
Suddenly fluttered a wing,
Sounded a voice, the same,
Somebody spoke your name:
Oh, the remembering!
Sounded a voice, the same,
Song of the heart’s green spring,
Oh, the remembering:
Which of us was to blame?
Song of the heart’s green spring,
Wings that still flutter, lame,
Which of us was to blame? —
God, the slow withering!
– Leonora Speyer
Permalink
October 5, 2018 at 1:46 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગીત
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ
ઠૂંઠવાતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડી ચાદર કે વહાલ?
ક્યારની કરું છું એવી રે અટકળ કે
મહેક્યા છે પુષ્પો કે શ્વાસ?
સહેજ કરી આંખો જ્યાં બંધ અમે ત્યાં તો
સાવ નાનકડું લાગ્યું આકાશ
ગાલ ઉપર ફરતું’તું પીંછું કે પીંછા પર ફરતા’તા ગાલ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ
ક્યારે આવીને તમે પ્રગટાવી દીધો રે
છાતીના કોડિયામાં દીવો,
શરબતની જેમ મારા હોઠ લગી આવીને
હળવેથી બોલ્યા કે ‘પીઓ!’
શરમે રતુંબડા છે ગાલ થયા મારા કે ઊડ્યો છે સઘળે ગુલાલ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ.
– અનિલ ચાવડા
રમતિયાળ સ્વયંસ્પષ્ટ સ્વયંસિદ્ધ ગીત… પ્રણયની તાજા અનુભૂતિ…
Permalink
September 27, 2018 at 3:16 AM by વિવેક · Filed under ઊજમશી પરમાર, ગીત
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન,
જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.
સાંજ પડે ને વાયરે કોનાં પગલાં ભીનાં વાય?
દોડવું મારે નહીં ને અલી દોડું દોડું થાય;
ભીંતમાં ગરું તોય તે યાંથી આવશે રે સાજન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.
ટોડલાં મૂઆં ટહુકે મારે શરમાવાનું રયું,
નેવાં ઊઠી ડોકિયાં કરે, રોજનું આ તો થ્યું;
હીંચવા માંડે ઘર ભરીને ગાણાનું ગવન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.
કોક જો આવે હાથનું ભરત મેલી ઊભી થઉં;
ફળિયું મારી મોર્ય લળીને જોવે પછી, હઉં;
‘ઇ’ હશે તો દોટ મેલીને પરખી લ્યે પવન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.
– ઊજમશી પરમાર
દુનિયાની કોઈપણ ભાષાનું સાહિત્ય જે તે સમયના સમાજનો આયનો હોય છે. તળપદી ભાષાની આવી કવિતા સાંપ્રત સમયની બોલીને સમયની કિતાબના કોઈ એક પાનામાં ઈતિહાસ બનીને જાળવી રાખે છે. જો કે આજે તો હવે આવી ગામઠી બાનીને સર્વાંગ સાચવી શકે એવા કવિઓ અને કવિતાઓ જ લુપ્ત થવાના આરે છે…
આ વર્ષે જ કવિ દુનિયાને અલવિદા કરી ગયા. પ્રસ્તુત રચના એમની સિગ્નેચર પોએમ બની રહી હતી. મિત્રો એમની પાસે આ કવિતા વારંવાર ગવડાવતા.
Permalink
September 26, 2018 at 4:13 AM by તીર્થેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
છાસ લેવા જાઉં છું ને દોણી નહી સંતાડું,
મારી આ પંક્તિ છે,છાપો,એક તો એવોર્ડ મને આપો!
ચોવીસ કલ્લાક આમ હું ક્યાં ફરું છું કોઈ મોટ્ટા કવિશ્રીના વ્હેમમાં?
“એવોર્ડ મેળવવાની કળા” એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં,
ત્યારથી આ સ્પીડબોટ સામે ઉતાર્યો છે નાનકડો આપણો તરાપો.
એક તો એવોર્ડ મને આપો!
ફંક્શનમાં હંમેશાં જઈએ ને આવીએ તે અમને પણ ભાવ થોડો થાય,
ઊઠતાં ઘોંઘાટમાં ય સુરીલો કંઠ કો’ક નાનું પણ ગીત મારું ગાય;
એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલ્લી કોઈ ડાળ તમે કાપો ,
એક તો એવોર્ડ મને આપો!
ઓરીજીનલ ચંદનનું લાકડું છું; એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર,
વર્ષોથી આમ હું ઘસાઉં છું; છતાંય એક તિલ્લકમાં આટલી કાં વાર?
એવોર્ડ મેળવવાનું લોબિંગ કરાવવાનાં મેં ક્યાં કર્યાં છે કોઈ પાપો?
એક તો એવોર્ડ મને આપો!
– કૃષ્ણ દવે
આજે જરા હળવા મૂડની વાત……
Permalink
September 15, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિલિયમ બ્લેક, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
જ્યારે મારી મમ્મી ગુજરી ગઈ હું તો હતો બહુ નાનો,
અને મને પપ્પાએ વેચી કાઢ્યો, જ્યારે જીભ હજુ તો
માંડ માંડ પોકારી શક્તી હતી: ’વીપ! ’વીપ! ’વીપ! ’વીપ!
સાફ કરું છું એથી ચીમની, ને લઉં છું હું મેંશમાં નીંદ.
નાનો ટોમ ડેક્રી, ખૂબ રડ્યો હતો જ્યારે એનું માથું
ઘેંટાની પીઠ જેવું વાંકડિયું, મૂંડાયું’તું: મેં કહ્યું’તું,
“ચુપ, ટોમ! દિલ પર ન લે તું, ટકોમૂંડો ભલેને થઈ ગ્યો,
મેંશ હવે નહીં બગાડી શકશે, તારા ધોળા વાળનો જથ્થો.
અને પછી એ શાંત થઈ ગ્યો; અને બરાબર એ જ રાત્રે,
ટોમ સૂઈ રહ્યો’તો જ્યારે, એણે એવું દૃશ્ય જોયું કે –
એક નહીં પણ હજારો મહેતર, ડિક, જૉ, નેડ અને જેક,
બધા જ થઈ ગયા’તા કાળી કોફિનોની અંદર કેદ.
એવામાં એક દેવદૂત આવ્યો સાથે લઈ તેજસ્વી ચાવી,
સૌ કોફિન ઊઘાડી એણે, દરેક જણને મુક્તિ આપી;
દોડ્યાં સૌએ, નીચે લીલાં મેદાનોમાં, હસતાં-કૂદતાં,
નાહ્યાં સૌ નદીમાં ભરપૂર, અને થયા તડકામાં ચમકતાં.
પછી તો નાગાંપૂગાં ધોળાં, સૌ થેલીઓ છોડી પાછળ,
પવનમાં મસ્તીએ સૌ ચડ્યાં, ચડીને ઊંચે ઊંચે વાદળ;
પછી કહ્યું દેવદૂતે ટોમને, જો એ સારો બાળક બનશે,
પામશે પિતાના સ્થાને ઈશ્વર, અને કદી આનંદ ન ખૂટશે.
અને આમ જાગી ગ્યો ટોમ ને અમેય ઊઠ્યા અંધારામાં,
અને ઊઠાવી થેલીઓ ને બ્રશ અમે સૌ કામે ઊપડ્યાં.
ટોમ હતો ખુશ ને હૂંફાળો, હતી ભલેને સવાર ઠંડી,
જો સૌ સૌની ફરજ બજાવે, હાનિનો ડર બિનજરૂરી.
– વિલિયમ બ્લેક
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
દુનિયાનું સૌથી ક્રૂર પ્રાણી કયું? વાઘ? સિંહ? મગરમચ્છ?
દુનિયામાં સૌથી મોટો રાક્ષસ કયો? ભૂખ? ભય? ભ્રષ્ટાચાર?
ના.
દુનિયામાં સૌથી ક્રૂર પ્રાણી મનુષ્ય. સૌથી મોટો રાક્ષસ પણ મનુષ્ય. મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે જે કોઈપણ જાતની છંછેડ વિના, બિલકુલ જરૂર ન હોય તો પણ હુમલો અને હત્યા બંને કરી શકે છે, અને નિતાંત કરી શકે છે. વયનો ફાયદો મળે કે પદનો, જૂથનો ફાયદો મળે કે ધર્મનો, સ્થળનો ફાયદો મળે કે સમયનો; માણસ પોતાનાથી નીચેનાનું શોષણ કરવાની તક ભાગ્યે જ જતી કરી શકે છે. શોષણની પરાકાષ્ઠા એટલે ફૂલ જેવા કોમળ બાળકો પર મોટાઓ વડે કરાતો અત્યાચાર. વિલિયમ બ્લેકની આ સુપ્રસિદ્ધ ચિમનીસ્વીપર રચનાના સવિસ્તર આસ્વાદ માટે ફેસબુક પર પધારવાની જહેમત લેવા વિનંતી…
Permalink
September 7, 2018 at 1:30 AM by વિવેક · Filed under ગીત, ભગવતીકુમાર શર્મા
હરિ, સુપણે મત આવો!
મોઢામોઢ મળો તો મળવું,
મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું,
આ બદરાથીતે બદરા તક
ચાતકનો ચકરાવો…
પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?
મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.
મુંને બ્રજ કી બાટ બતાવો…
હરિ, સુપણે મત આવો!…
સુપણામાં સો ભવનું સુખ ને સમ્મુખની એક ક્ષણ,
નવલખ તારા ભલે ગગનમાં, ચન્દ્રનું એક કિરણ.
કાં આવો, કાં તેડાવો!
હરિ, સુપણે મત આવો!…
– ભગવતીકુમાર શર્મા
ભગવતીકુમાર શર્માની કલમ ગદ્યથી લઈને પદ્ય સુધીના સાહિત્યના લગભગ તમામ પ્રકારોમાં એકસમાન ચાલી છે. પ્રસ્તુત હરિગીતમાં હરિને સપનાંમાં આવવાની ના કહીને જે રીતે એ સાક્ષાત્ ઈશ્વરને ભીડાવે છે એની મજા છે…
Permalink
September 6, 2018 at 9:23 AM by તીર્થેશ · Filed under ગીત, ભગવતીકુમાર શર્મા
હરિ તમે પારિજાતનું ઝાડ……
રહું છાંયડે ઊભો ને હું ઝીલું તમારા લાડ….હરિ.
શ્રાવણમાં આકાશ ઝરેને તમેય ટપટપ વરસો;
સુગંધભીની બાથભરી મુંને ચાંપો છાતી સરસો.
તમે ઊજળું હસો, મુંને તો વ્હાલપનો વળગાડ……હરિ.
ઓરસિયા પર બની સુખડ હું ઘસું કેસરી દાંડી;
ચંદન તિલક કરું તમને: મેં હોડ હોંશથી માંડી.
તમે મ્હેક થઈ કર્યો ટકોરો; ઊઘડ્યાં હૃદય-કમાડ.
હરિ તમે પારિજાતનું ઝાડ………..
-ભગવતીકુમાર શર્મા
અત્યારે કવિ કનૈયાને શણગારતા હશે……..સાક્ષાત….
Permalink
September 5, 2018 at 2:30 AM by તીર્થેશ · Filed under ગીત, ભગવતીકુમાર શર્મા
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા
સુરતના ગૌરવ સમાન કવિ હવે અનહદની યાત્રાએ નીકળી ગયા…..અજાણી દુનિયામાં શબ્દ-અજવાસ ફેલાવવા નીકળી ગયા….વરસાદ તો વરસતો જ રહેશે પણ હવે એક ચાતક ઘટી ગયું……
Permalink
September 1, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિલિયમ અર્નેસ્ટ હેન્લી, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
મને આવરે છે જે આ છેડાથી લઈ પેલા છેડા લગ
ફેલાયેલા ખાડા જેવા અંધારેથી કાળી રાતના,
આભારી છું હું તેઓનો જે કોઈ પણ હશે દેવગણ,
બહાર આણવા મને ને દેવા માટે આવો અજેય આત્મા.
ભલે ફસાયો હોઉં સંજોગોની કાતિલ નાગચૂડમાં
નથી કરી મેં પીછેહઠ કે નથી કર્યું મેં જરા આક્રંદ.
દૈવયોગનો ગદામાર વેઠી વેઠી મારું માથું આ
રક્તરંજિત ભલે થયું હો, ઉન્નત એ રહ્યું છે કાયમ.
ક્રોધ અને આંસુઓથી ભર્યા-ભર્યા આ સ્થળથી દૂર
કાંઈ નહીં, લળુંબે છે બસ, કેવળ ઓછાયાનો ભય,
અને છતાંયે આવનારા એ વર્ષોનો કેર તુમુલ,
મને શોધશે અને પામશે હરહંમેશ મને નિર્ભય.
નથી અર્થ કો એનો કે છે સાંકડો કેટલો દરવાજો,
કે છે ખાતાવહીયે ત્યાંની કેવી સજાઓથી ભરેલ,
હા હા, હું છું એકમાત્ર જ સ્વામી મારા ભાગ્ય તણો,
હા હા, આ મારા આત્માનો હું જ સુકાની, હું ટંડેલ.
– વિલિયમ અર્નેસ્ટ હેન્લી
(અનુ. વિવેક મનહર ટેલર)
શું એક કવિતા, એક પ્રવચન, એક પુસ્તક સીધાસાદા માણસની આખેઆખી જિંદગી બદલી નાંખી શકે ખરી? શું એક કવિતા માનવને મહામાનવ અને નાયકને મહાનાયક બનવાનું પ્રેરક્બળ પૂરું પાડી શકે ખરી? શું કલમમાં સાચે જ આવી તાકાત હોઈ શકે? ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકની મહાત્મા ગાંધીના જીવન પર થયેલી અસર વિશે તો આપણે જાણીએ જ છીએ… આજે ઇંગ્લિશ કવિ વિલિયમ અર્નેસ્ટ હેન્લી ની કલમે એક સાવ નાની અમથી કવિતાએ નેલ્સન મન્ડેલાના જીવનમાં શો ભાગ ભજવ્યો એ જોઈએ…
પ્રસ્તુત રચનાની વિશદ છણાવટ આપ મારી ફેસબુક વૉલ ઉપર આવીને માણી શકો છો….
Invictus
Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.
In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.
Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds and shall find me unafraid.
It matters not how strait the gate,
How charged with punishments the scroll,
I am the master of my fate,
I am the captain of my soul.
– William Ernest Henley
Permalink
August 28, 2018 at 4:21 AM by તીર્થેશ · Filed under ગીત, સંજુ વાળા
મારામાંથી છટકીને તું
મને પરાયો ગણે !
ઓળખ નામે ચિહ્ન હતું ત્યાં મૂક્યું મોટું મીંડું
તે દિવસથી પડવા લાગ્યું મારાપણામાં છીંડું
હું અહીંથી ત્યાં આવું પણ
તું પણે નો પણે… મને પરાયો ગણે !
બની બ્હાવરા ચપટી આંખે તાક્યું આખ્ખું આભ
પગપાનીથી પાંપણ પર્યન્ત આભ પછીથી ડાભ
ઝાંય ઝાંય જન્મોની ડાળો
કોરીકટ રણઝણે… મને પરાયો ગણે !
છળ તરંગો છળની ઘટના છળવત માણી મજા
છળમય થઈને છળથી અળગા રહેવાની આ સજા
છળપણાનો જીવ પછીથી
ફૂટતો ક્ષણે… ક્ષણે… મને પરાયો ગણે !
-સંજુ વાળા
એકથી વધુ રીતે કાવ્યાર્થ કરી શકાય – કો’ક પ્રિયજનની પણ વાત હોઈ શકે….. આત્મશોધનના યાત્રીને આમાં અનહદનો સૂર સાંભળી ચૂકેલો અંતરાત્મા દીસે કે જે હવે ચર્મદેહમાં વસવા તૈયાર નથી…..સત્યની શોધમાં નીકળેલા મુસાફરને ગેબી ઈશારો સતાવતો હોય એવું પણ ભાસે….જેવી જેની પ્રજ્ઞા……
Permalink
August 25, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, થોમસ હાર્ડી, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
“ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર
પ્રિયતમ, શું આપ છો? – વાવો છો શું?”
—“ના રે; ગઈકાલે પ્રભુતામાં દીધાં એણે કદમ
એની સાથે જેણે શ્રીમંતાઈમાં લીધો જનમ.
‘વાત એ,’ એણે કહ્યું, ‘નહીં દે હવે એને કો’ ગમ
કે રહ્યો કે ન રહ્યો સંનિષ્ઠ હું’.“
“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
છે નિકટનાં સૌથી વહાલાં એ સ્વજન?”
— “આહ, ના; તેઓ તો બેઠા છે, વિચારે છે, ‘શો અર્થ?
ફૂલછોડો રોપવાથી શું હવે કંઈ પડશે ફર્ક?
કાળજીમાં એના ટીંબાની ભલેને થાવ ગર્ક,
જાળથી રૂહ મુક્ત ના કરશે મરણ’.”
“પણ કોઈ ખોદી રહ્યું છે સાચે મારી કબ્ર પર?
કોણ કરતું ઘોંચપરોણો? —શત્રુ કો’?”
— “ના; જ્યાં જાણ્યું તેણીએ: ઓળંગી ગ્યાં છો આપ દ્વાર,
જે બધા પર વહેલુંમોડું બંધ થાયે છે ધરાર,
તેને લાગ્યું આપ ઘૃણાના રહ્યાં ના હક્કદાર
ને નથી પરવા ક્યાં સૂતાં આપ છો?”
“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
બોલો—અટકળ હું કરી શકતી નથી!”
— “ઓહ એ તો હું જ છું, મારી વહાલી માલકિન,
કૂતરો નાનો તમારો, જે હજી રહે છે નજીક,
ને અહીં મારી આ હલચલ, હા, મને તો છે યકીન
આપના આરામને ના ડહોળતી.”
“આહ, હા! તો તું છે જે ખોદે છે મારી કબ્ર પર…
શાને આ સૂઝ્યું નહીં પહેલાં મને
કે બચ્યું છે કંઈ નહીં તો એક સાચું દિલ હજી!
શું કદી પણ જડશે માનવજાતમાં એ લાગણી
આપણે જેને ગણી શકીએ એના સમકક્ષની
જે વફાદારી છે હાંસિલ શ્વાનને!”
“માલકિન, મેં ખોદ્યું એ ધારી તમારી કબ્ર પર
કે હું ભીતર દાટી રાખું હાડકું,
કામ લાગે એ મને ક્યારેક થાઉં હું ભૂખો,
દુલકી ભરતો રોજની જો પાસમાં હું હોઉં તો.
માફી ચાહું છું પરંતુ સાવ હું ભૂલી ગયો,
કે આ તો વિશ્રામસ્થળ છે આપનું.”
– થોમસ હાર્ડી
(અનુ. વિવેક મનહર ટેલર)
આપણા મોટાભાગના સંબંધ રાજા વિક્રમના ખભા પર લટકતી વેતાળની લાશ જેવા હોય છે… ઘડી-ઘડી ખભેથી છટકી જાય છે ને ઘડી-ઘડી આપણે સમાધાનના હાથથી ખેંચી-તૂસીને એને ફરી ખભે બેસાડીને આગળ ચાલવાની કોશિશમાં જિંદગી વ્યતીત કરીએ છીએ. પછી, આવા સંબંધો પાસે મરણ પછી શું સ્મરણની અપેક્ષા રાખી શકાય? મહાન નવલકથાકાર અને મહાન કવિ થોમસ હાર્ડી પ્રસ્તુત રચનામાં દુન્યવી સંબંધોની વાસ્તવિક્તાના ચહેરા પર રમૂજના મખમલમાં વીંટાળીને કટાક્ષનું જૂતું ફટકારે છે…
કવિતાના સવિસ્તાર આસ્વાદ માટે ફેસબુક પેજ પર સ્વાગત છે…
Ah, are you digging on my grave?
“Ah, are you digging on my grave
My loved one?—planting rue?”
—“No; yesterday he went to wed
One of the brightest wealth has bred.
‘It cannot hurt her now,’ he said,
‘That I should not be true’.”
“Then who is digging on my grave?
My nearest dearest kin?”
—“Ah, no; they sit and think, ‘What use!
What good will planting flowers produce?
No tendance of her mound can loose
Her spirit from Death’s gin’.”
“But someone digs upon my grave?
My enemy?—prodding sly?”
—“Nay; when she heard you had passed the Gate
That shuts on all flesh soon or late,
She thought you no more worth her hate,
And cares not where you lie.”
“Then, who is digging on my grave?
Say—since I have not guessed!”
—“O it is I, my mistress dear,
Your little dog, who still lives near,
And much I hope my movements here
Have not disturbed your rest?”
“Ah, yes! You dig upon my grave …
Why flashed it not on me
That one true heart was left behind!
What feeling do we ever find
To equal among human kind
A dog’s fidelity!”
“Mistress, I dug upon your grave
To bury a bone, in case
I should be hungry near this spot
When passing on my daily trot.
I am sorry, but I quite forgot
It was your resting place.”
– Thomas Hardy
Permalink
August 24, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રિષભ મહેતા
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…
ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે
સ્મરણોના ફોટા
આજે અંતે એ સમજાયું
ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે…!
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…
થાય મને તું પાછો આવી
સઘળાં તાળાંઓ ખોલી દે
બંધ ગુફાને દ્વારે આવી
‘સિમ સિમ ખૂલ જા’-તું બોલી દે…..
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે …!
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…
– રિષભ મહેતા
આમ તો કવિએ ચાર મહિના યુ.કે. રહીને વતન પરત ફરતા પોતાના મિત્રની યાદના ખાલીપાને સભર કરવા માટે આ ગીત લખ્યું હતું પણ સ્વતંત્ર રીતે ગીત કેટલું મજબૂત બન્યું છે એ જુઓ! જે ખાલી છે એ કેવી રીતે ખખડે? પણ ઘરમાં -કાયાનું ઘર? સ્મરણોનું ઘર?- એકલતા સિવાય કંઈ હોય જ નહીં ત્યારે ખાલીપો જ ખખડે ને! ખાલીપાના ખખડવાનું રૂપક જ એટલું વેધક થયું છે કે પહેલી પંક્તિ વાંચતા જ કલેજું ચીરાઈ જાય… આંખો ઉજ્જડ છે કેમકે હવે પ્રિયપાત્ર નજરના સીમાડાઓથી પર છે. આંસુઓ રોકાતા નથી અને આંસુઓના જળાશયમાં સ્મરણોના ફોટોગ્રાફ્સ સતત તર્યા કરે છે. સ્મરણોના ફોટાને પરપોટા સાથે સાંકળીને ક્ષણજીવી સધિયારાને અદભૂતરીતે તાદૃશ કરી આપ્યો છે. આમ તો શ્વાસ હવાથી બને છે અને એ પણ પરપોટાની જેમ ક્ષણિક જ હોય છે પણ અહીં પોતાની વેરાનીને પરાકાષ્ઠાએ લઈ જવા માટે કવિ હવાના શ્વાસને સ્મરણોના ફોટાના પરપોટામાં કેદ આલેખે છે… સલામ કવિ!
Permalink
August 23, 2018 at 2:09 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને;
નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને!
સડી ગયેલાં શ્વાસો વચ્ચે આવે-જાય અભરખા જોને;
લાશ બળે કે લાઈટર સળગે : બંને દૃશ્યો સરખા જોને!
ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને?
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
અમે કાચની પૂતળીને પહેરાવ્યા એવા વાઘા જોને;
સાવ અજાણ્યા થઈને ફરીએ અમે પંડથી આઘા જોને!
અમે નથી ને નામ અમારે આવે રોજ ચબરખી જોને;
હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને!
અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જોને !
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !
હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને!
છબી બનેલી મા ક્યાંથી બોલાવે ઘોઘર બાવા જોને?
જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને!
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!
મળીએ શ્વાસે શ્વાસે નયનભાઈ! છૂટા પડીએ ક્ષણક્ષણ જોને!
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !
– નયન દેસાઈ
નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ગઝલ અને ગીતોમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા છે એટલું કદાચ જ કોઈ કવિ લાવી શક્યા હોય પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નથી… આ ગીત જુઓ અને નક્કી કરો…
Permalink
August 16, 2018 at 2:05 AM by વિવેક · Filed under ગીત, તેજસ દવે
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
પાંપણ પર…
યાદ છે એ સાંજ ? તું બોલ્યા વિના જ મને
તગતગતી આંખથી વઢેલી!
એ ઘટના તો ત્યાંજ હજી બર્ફ જેમ થીજીને
ઊભી છે સાંજને અઢેલી
આથમતા સૂરજના કેસરી એ રંગોમાં
ઓગળતાં આપણે એ યાદ છે?
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ
દિવસોને ચોરી ફરાર થઈ
એમ ઉભાં’તાં રસ્તાની સામસામે આપણે
ને વચ્ચેથી જિંદગી પસાર થઈ
દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યાં ને
છાંયડાઓ શોધ્યાં’તાં યાદ છે ?
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
– તેજસ દવે
બે જણ એક હોય ત્યારે જિંદગીની આંખો સપનાંઓથી છકલાતી હોય છે, એકના સપનાંમાં બીજું ને બીજાના સપનાંમાં પહેલું, એમ જિંદગી ઝૂલતી રહે છે પણ ક્યાંક કોઈક ઘટના એવી બની જાય, એક જણ લડી-ઝઘડીને ચાલતું થઈ જાય ને બીજાની સાંજ સમયના ટેકે ત્યાંને ત્યાં જ થીજી જાય છે. બે જણ સામસામે ઊભા રહી જાય છે ને વચ્ચેથી આખી જિંદગી વહી જાય છે… જીવનમાં પછી એ સોનેરી યાદ સિવાય કશું બચતું નથી.
Permalink
August 14, 2018 at 10:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !
બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.
કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !
તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !
સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !
ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !
‘લ્યો, નજરું વાળી લઉં પાંછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !
– હરીન્દ્ર દવે
truly masterclass………કોઈ ગૂઢાર્થની ઝંઝટમાં પડ્યા વગર મમળાવ્યા કરવું ગમે તેવું ગીત……
Permalink
August 8, 2018 at 9:09 AM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
અષાઢી વાદળોનો ઊડ્યો ઉમંગ
મારી આંખમાં ચણોઠિયું ઊગી રે સૈ
આંગળીની જેમ રાખી ઇચ્છાઓ હાથમાં તે
આજ હવે આકાશે પૂગી રે સૈ
મારા કમખાની કસમાં બંધાઈ ગઈ રાત
થાય તૂટું તૂટું રે મારી સૈ
કાચ જેવી હું તો કિરણ જોઈ ઝબકું ને
ફટ કરતી પળમાં ફૂટું રે મારી સૈ
પરસાળે પગલું હું કેમ કરી માંડું કે
મેંદીની ભાત પગે કરડે રે સૈ
મૂઠીની જેમ હું તો થઈ જાઉં બંધ ને
મનમાં પરોઢ રાતું ઊઘડે રે સૈ
નળિયાંને એવું તો થઈ બેઠું શુંય કે
આખો દિ’ કાગ જેમ બોલે રે સૈ
આભને ઊતરતું રોકી લ્યો કોઈ
મારા સપનામાં ડુંગરા ડોલે રે સૈ
– મનોજ ખંડેરિયા
લાંબા વખતે નખશિખ નમણું રૂપાળું ગીત માણવા મળ્યું…..કદાચ સ્વરબદ્ધ થાય તો મજા પડી જાય……
Permalink
August 3, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રેણુકા દવે
ટેકરીઓના ઢાળે એના ઝળહળ ઝળહળ તડકા ઢોળી સૂરજ નીકળ્યો,
વર્ષાએ ગલીઓમાં રેલ્યા ખળખળ ખળખળ નીર પીવાને સૂરજ નીકળ્યો.
ઝાકળમાં નાહેલાં પેલાં પુષ્પોનું તન કોરું કરવા સૂરજ નીકળ્યો,
ધુમ્મસ હેઠળ દબાઈ બેઠા સમીરનું મન ફોરું કરવા સૂરજ નીકળ્યો.
હારબંધ આ પંખીઓની પાંખો માંહી જોમ જગવવા સૂરજ નીકળ્યો,
નીડ મહીં તાજાં જન્મેલાં બચ્છાંઓના ડરને હરવા સૂરજ નીકળ્યો.
લીલાં ઘેઘૂર વૃક્ષોના પ્રત્યેક માનને જગાડવાને સૂરજ નીકળ્યો,
આંખો ઊંચકી ઊગવા મથતા અંકુરોને ઉગાડવાને સૂરજ નીકળ્યો.
તુલસીક્યારે નમતી ઘરની નારી ઉપર વહાલ વરસતો સૂરજ નીકળ્યો,
ગૃહસ્થની જળ ધારે પુલકિત થઈને આશિષ ધરતો સૂરજ નીકળ્યો.
– રેણુકા દવે
નખશિખ સૌંદર્યની કવિતા. સૂર્યોદયના નાનાવિધ આયામોને કવયિત્રી કલમના લસરકે જોડી આપીને એક નવું જ ચિત્ર ખડું કરે છે. ક્યાંક રચના થોદી ગદ્યાળુ બની હોવાનું પણ અનુભવાય છે તો ક્યાંક લય થોડો ખોરવાતો પણ લાગે છે પણ સરવાળે સર્વાંગ અનુભૂતિથી તર કરી દેતું ગીત મજાનું છે…
Permalink
August 1, 2018 at 3:29 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.
ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.
વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.
મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.
– તુષાર શુક્લ
Permalink
July 27, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિમલ અગ્રાવત
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું!
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું!
કદી નજરુંથી દરિયો વલોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો!
આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો, ‘દરિયો શેં ખારો?’
કદી શ્વાસોમાં દરિયો પરોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
– વિમલ અગ્રાવત
કિનારે ઊભા રહીને કૉમેન્ટરી આપવી અલગ વાત છે અને વચ્ચોવચ ઝંપલાવી દીધા બાદ વાત કરવામાં જમીન-આકાશનો ફરક છે. મહાસુખ તો મહીં પડ્યા એ જ માણી શકે. દરિયો બની જાવ એ પછી જ દરિયાને જોઈ શકાય, બાકી ઠાલી વાતો માત્ર…
Permalink
July 26, 2018 at 1:29 AM by વિવેક · Filed under ગીત, મનોહર ત્રિવેદી
(શિખરિણી)
ચરણ સરતાં જાય મિતવા…
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા…
અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…
વળાંકો, છાયાઓ, નભ, પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…
પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વહાલ વરસે
ભર્યાં એકાંતોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…
– મનોહર ત્રિવેદી
ક્યાંક અખંડ તો ક્યાંક ખંડિત લયના ગીતોની ભરમારની વચ્ચે શુદ્ધ શિખરિણી છંદમાં લખાયેલું આવું મજાનું ગીત માણવા મળી જાય તો આખો દિવસ જ સુધરી જાય… પણ રહો! આ ગીત વાંચવા માટે નથી, એને તમે ગાઈને સાંભળશો તો જ એની ખરી મજા માણી શકશો.
એક તરફ કવિને કૅલેન્ડર જેવો શબ્દ વાપરવામાંય છોછ નથી તો બીજી તરફ લગભગ વિસરાઈ ગયેલો તક્તા જેવો શબ્દ (જેનો કદાચ આજની પેઢીને તો અર્થ પણ સમજાવવો પડે!) વાપરવાનો બાધ પણ નથી… બે અલગ પેઢીના શબ્દોને કવિ જેરીતે એક દોરામાં પરોવી શકે છે જ ખરા કવિકર્મની સાહેદી છે.
સવારથી શરૂ થતો દિવસ સાંજે ફરી ઘરે પાછો વળે એ કાળક્રમને કવિનો કેમેરા બખૂબી ઝીલે છે. સવારે ઘરવાળી તક્તામાં કુમકુમનો ચાંલ્લો કરતાં-કરતાં મીરાંના પદ ગાતી જાય છે… દિવસ સૃષ્ટિના ખોળે વીતે છે અને દિવસના અંતે ઝાંપામાં પ્રવેશતાં જ વહાલના દીપ પ્રગટી ઊઠે છે…
Permalink
July 10, 2018 at 3:29 AM by તીર્થેશ · Filed under ગીત, સંજુ વાળા
સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ
ઉગમણેથી…….આથમણેથી
આલ્લાંલીલ્લાં પાથરણેથી
સીમ ભરીને લાવ્યું કોઈ ઉચાટ
હાથવેંતનાં પગપગથારે લજામણીમન રમતું અડકો-દડકો
થડકારો ચૂકીને ઝીલ્યો પાંચિકાને બદલે કાચો તડકો
અહીંથી ઝાલો…તહીંથી ઝાલો
આરપાર અટકળથી ઝાલો
નવતર જાગ્યો ખરી પડે ફફડાટ
સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ
કૈ વરસે ભાળેલી પળનાં તળિયે ઊમટે મૂંઝારાનું વ્હેણ
નોધારા ચકરાવા લેતાં મનને વાગે ઠેસ, ચડાવે ફેણ
આઘા ડૂબે…ઓરા ડૂબે
ધોધમાર હેલ્લારા ડૂબે
ફીણ ફીણ થઈ ફેલે રે.. ચચરાટ
સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ.
– સંજુ વાળા
કાવ્યના શીર્ષકમાં જ કાવ્યના અર્થની ચાવી છે. જાણે કે પ્રિયજનને મનની વાત કહેવાતી નથી અથવા તો કહી દીધા પછી પ્રત્યુત્તરની પ્રતિક્ષાની ઘડી છે…….
Permalink
June 29, 2018 at 12:30 AM by વિવેક · Filed under એલા વ્હીલર વિલ્કોક્સ, ગીત, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
ઓહ! શબ્દ તો હીરો છે, કે પથ્થર છે કે ગીત,
કે જ્વાળા, યા બેધારી તલવાર છે એ ખચીત;
ગુલાબ છે ખીલેલું, કે છે અત્તર મધુર-મદીલું,
અથવા તો આ શબ્દ છે બસ, પિત્તનું એક ટીપું.
ચયન ભલે ને કરો શબ્દનું મર્મજ્ઞની પેઠે,
ને છો ઘસી-ઘસીને ચમકાવો કળાથી એને,
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
એ શબ્દ તો એ જ છે જે દિલથી સીધો વહે છે.
ભલે મચી રહો તમે એના પર અઠવાડિયા હજારો
પણ શબ્દ તમારો નહીં પામે એ શબ્દ સમો ઝગારો
જે વણશોધ્યો, ઊછળી આવે છે શુભ્ર થઈ તાવીને,
ઊડી રહ્યા હો ફુવારા સૌ ઊર્મિના જે ઘડીએ.
ભલે વિચારોની એરણ પર હથોડી લઈને ટીપો,
અને શબ્દને ખૂબ કાળજી લઈ લઈને ચીપો,
પણ વલોવાયા ના હો જો છેક તળ લગ આપ,
તો શબ્દને છે ઠાલી હવામાં મરી જવાનો શાપ.
કારણ કે જે શબ્દ છે નકરી દિમાગની જ બનાવટ,
એ ખટખટાવી શકે છે માત્ર દિમાગના કમાડ જ;
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
ઓહ! એ જ શબ્દ છે જેની લોક પરવાહ કરે છે.
– એલા વ્હીલર વિલ્કોક્સ
(અનુ. વિવેક મનહર ટેલર)
शब्द ब्रह्म् કહીને શબ્દાદ્વૈતવાદે શબ્દને નખશિખ પરિપૂર્ણ સર્જનહારની સમકક્ષ મૂકી દીધો. શબ્દ એ મનની પીંછી છે. મન જે કંઈ અનુભવે છે એને શબ્દ મૌખિક યા લેખિત સ્વરૂપે તાદૃશ કરવાની કોશિશ કરે છે. મનના ભાવોને શબ્દની પીંછી વ્યવહારના કાગળ પર નાનાવિધ આકારો અને અસીમિત રંગોમાં ઢાળે છે. શબ્દ બે મનુષ્યો વચ્ચે પ્રત્યાયનનું સૌથી વધુ શક્તિશાળી સાધન છે. શબ્દથી જ એક માનવ અભિવ્યક્ત થઈ શકે છે અને શબ્દથી જ બીજો માનવ એને સમજી શકે છે. ટૂંક્માં, શબ્દ મનુષ્યજાતિને એકમેક સાથે સાંકળી રાખતો એકમેવ સેતુ છે. શબ્દની શોધ ન થઈ હોત તો સભ્યતા અને સમાજની રચના જ શક્ય નહોતી.
વિચારોની એરણ પર સમયને હથોડી લઈ લઈને ટીપ્યા કરવાથી કે ખૂબ જ કાળજીપૂર્વક એને ચીપી ચીપીને ગોઠવવાથી કવિતા નહીં બને. જો કવિનો આત્મા ઠેઠ અંદર સુધી વલોવાયો નહીં હોય તો લાખ કોશિશ કરીને લખાયેલી કવિતા પણ માથે બાળમરણનો શાપ લખાવીને જ જન્મશે. જે શબ્દ દિલના ઊંડાણમાંથી નહીં પણ દિમાગની સપાટી પરથી જ જન્મ્યો છે એ શબ્દ વધુમાં વધુ ભાવકના દિમાગ સુધી જ જઈ શકશે, દિલને કદી સ્પર્શી નહીં શકે.
THE WORD
Oh, a word is a gem, or a stone, or a song,
Or a flame, or a two-edged sword;
Or a rose in bloom, or a sweet perfume,
Or a drop of gall, is a word.
You may choose your word like a connoisseur,
And polish it up with art,
But the word that sways, and stirs, and stays,
Is the word that comes from the heart.
You may work on your word a thousand weeks,
But it will not glow like one
That all unsought, leaps forth white hot,
When the fountains of feeling run.
You may hammer away on the anvil of thought,
And fashion your word with care,
But unless you are stirred to the depths, that word
Shall die on the empty air.
For the word that comes from the brain alone,
Alone to the brain will speed;
But the word that sways, and stirs, and stays,
Oh! that is the word men heed.
– Ella Wheeler Wilcox
Permalink
June 22, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મૂકેશ જોષી
મારા ફ્લેટમાં આવે છે ભેજ
કેમે ના સમજાતું અંદર દીવાલમાં
કે મારી આંખમાં આ લીકેજ.
એક પછી એક એના ઊખડે છે પોપડા
હિંમત હારી બેઠી ભીંત
ધ્રાસકા સમેત બધી જોયા કરે છે
પહેલાં કઈ પડવાની ઈંટ
સૂરજ નથી ને મારે ઓચિંતું જોઈએ છે
ક્યાંયથીય એક મૂઠી તેજ.
ફ્લેટમાં દરિયો ઘુસાડ્યો આ કોણે
કોણે માંગ્યું’તું આમ પાણી
સાંજ પડે દિવસો પણ ડૂસકાં થઈ જાય
સુખની આ પાઈપલાઈન કાણી
આવા ને આવા તું બાંધે છે ફ્લેટ
એમાં તારી ખરડાય છે ઇમેજ.
– મુકેશ જોષી
આ ફ્લેટની જ વાત છે કે ખારપાટ-ભેજ લાગી ગયેલા જીવતરની? કહો તો…
Permalink
June 11, 2018 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
સોળમા વરસે પ્રેમ થાય કે ના ય થાય, એ બને
પ્રેમ થાય ત્યાં વરસ સોળમું બેઠું લાગે, મને
શું લાગે એવું, તને?
પ્રેમ એટલે ઘડી એકલાં, ઘડી ભીડમાં ભમવુ
પ્રેમ એટલે રૂમાલ સાથે આંગળીઓનું રમવુ
કોઈ ભલે ને હોય ન સામે, એકલાનું મલકાવું
પ્રેમ એટલે વગર કારણે આંખોનું છલકાવું
છાના પગલે આવી મહેકે, અંતરના ઉપવને-
ખુલ્લી આંખો, ખુલ્લું પુસ્તક, પ્રોફેસર પણ સામે
હાજરી પત્રકને ભુલી મન, વહે કોઈ સરનામે
અઘ્યાપકનો એકે અક્ષર પડતો નહીં જ્યાં કાને
લખી ગયું કોઈ મનનું ગમતું નામ આ પાને પાને
જોઈ તને જ્યાં હોઠ ખુલ્યાં ને શું કહી દીધું તને?
અલી, કાનમાં કહે ને મને !
— તુષાર શુક્લ
Permalink
June 7, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પારુલ ખખ્ખર
નોખી માટીની એક જોગણ વિજોગણને ઓચિંતો આવ્યો અણસાર,
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.
જાતરાળું હોય તો હાથપગ ઝારીને પાણી પીવાડી પુન રળિયે
રેશમી રજાયું ને સિસમના ખાટલા પથરાવી દઈએ રે ફળિયે
વીજળીનાં ચમકારે મોતી પરોવીએ ને ભજીએ લાખેણો કિરતાર
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.
માડીજાયો જો હોય જઈએ ઉતાવળા ને લઈએ ઓવારણાં ઝાઝાં
શિરો-પુરી ને ખીર ખંતે ખવરાવીએ ને ભાતામાં દઈએ રે ખાજા
કાંડે નાનેરી લીર બાંધી દઈએ ને પછી માંગી લઈ કોલ બે ચાર
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.
ભેરૂડો આમ સાદ પાડે નહીં કે એને નડતી રે હોય મરજાદ
માંગણ, પરોણાં કે સાધુના સાદમાં આવી ન હોય ફરિયાદ
આખ્ખાયે જીવતરનું ઝાળું ઉકેલીયું મળતો નથી રે કોઈ તાર
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.
અવઢવમાં અટવાતી જોગણને સાંભરીયું વાળી દીધેલ એક પાનું
કોણજાણે ક્યા જન્મે હૈયાની ચોપડીયે ચિતરેલું નામ એક છાનું
વિષના કટોરે કાઈ છોડેલું આયખું ને છોડી દીધેલો સંસાર
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.
-પારુલ ખખ્ખર
સર્જન ક્યારેક સર્જકના ભાગે પણ અતૃપ્તિનો ઓડકાર લઈને આવતું હોય. ચારેક વર્ષ પહેલાં પોતે લખેલા એક ગીતના આખરી બંધની એક પંક્તિ –નોખી માટીની એક વિરહી વિજોગણને ઓચિંતો આવ્યો અણસાર– ઊપાડી લઈને એને મુખડું બનાવીને કવયિત્રી ચાર વર્ષ પછી આપણને આ ગીત ભેટ આપે છે.
ગીતની ખરી મજા એની તળપદી ભાષામાં છે. હાથપગ ઝારવા જેવા ભૂંસાતા જતા પ્રયોગો ગીતની ખરી જાન છે. કાવ્ય નાયિકા અન્ય વિરહિણીઓથી અલગ છે એમ કાવ્યારંભે જ નોખી માટીની વિશેષણ વાપરીને કવયિત્રી એક અલગ આભા ઊભી કરે છે. વિરહિણીની નજર તો ગામના પાદર ભણી જ હોવાની… ગામતરે ગયેલો ભરથાર ક્યારે પાછો ફરે એની રાહ તાકવામાં જ એની આંખ નેજવાં બની જાય છે. નોખી માટીની વિરહિણી નોખી માટીના અસવારના સાદનો અણસાર થાય છે. અને એ પછી લોકગીતની ચાલમાં ગીત આગળ વધે છે. યાત્રાળુ હશે? ભાઈ હશે? ભેરૂ હશે? માંગણ? પરોણો? સાધુ? -એમ લોકગીતની શૈલીમાં આ અનૂઠું ગીત કોયડો ઉકેલવા તરફ ગતિ કરે છે અને જિંદગીનું વાળી દીધેલું એક પાનું હળવેકથી ખૂલે છે…
Permalink
June 5, 2018 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને?
જે નથી એને પૂછું છું : છો ને? તું છો ને? તું છો ને?
સદીઓની સદીઓથી મેં એને પાડેલા સાદનો ખડકલો આ પર્વત
સામે વહેરાઉં હું, તેનાં સાહેદ : એક હું, બીજી કાળની આ કરવત
વહેરાતાં ઝીણી ઝીણી વહેર પડી એનું નામ રણ છે, ને રેતી છે, હોં ને !
હું છું ત્યાં સુધી તો સાદ છે, પરંતુ હું નહીં હોઉં ત્યારે શું થાશે?
પર્વત વળોટી એ આ બાજુ આવશે, તો આવીને કયું ગીત ગાશે?
હું નહીં હોઉં ત્યારે કોણ એને કહેશે કે, આ મારું ગીત મને દ્યો ને !
– રમેશ પારેખ
Permalink
June 4, 2018 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. – આછી
પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર – આછી
લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર – આછી
ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર – આછી
– પ્રિયકાંત મણિયાર
કેવું અદભૂત ચિત્રકામ !!!!!
Permalink
May 22, 2018 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
– રમેશ પારેખ
Permalink
Page 9 of 25« First«...8910...»Last »