આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.
– રમેશ પારેખ

ખાલીપો… – રિષભ મહેતા

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે
સ્મરણોના ફોટા
આજે અંતે એ સમજાયું
ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે…!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

થાય મને તું પાછો આવી
સઘળાં તાળાંઓ ખોલી દે
બંધ ગુફાને દ્વારે આવી
‘સિમ સિમ ખૂલ જા’-તું બોલી દે…..
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે …!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

– રિષભ મહેતા

આમ તો કવિએ ચાર મહિના યુ.કે. રહીને વતન પરત ફરતા પોતાના મિત્રની યાદના ખાલીપાને સભર કરવા માટે આ ગીત લખ્યું હતું પણ સ્વતંત્ર રીતે ગીત કેટલું મજબૂત બન્યું છે એ જુઓ! જે ખાલી છે એ કેવી રીતે ખખડે? પણ ઘરમાં -કાયાનું ઘર? સ્મરણોનું ઘર?- એકલતા સિવાય કંઈ હોય જ નહીં ત્યારે ખાલીપો જ ખખડે ને! ખાલીપાના ખખડવાનું રૂપક જ એટલું વેધક થયું છે કે પહેલી પંક્તિ વાંચતા જ કલેજું ચીરાઈ જાય… આંખો ઉજ્જડ છે કેમકે હવે પ્રિયપાત્ર નજરના સીમાડાઓથી પર છે. આંસુઓ રોકાતા નથી અને આંસુઓના જળાશયમાં સ્મરણોના ફોટોગ્રાફ્સ સતત તર્યા કરે છે. સ્મરણોના ફોટાને પરપોટા સાથે સાંકળીને ક્ષણજીવી સધિયારાને અદભૂતરીતે તાદૃશ કરી આપ્યો છે. આમ તો શ્વાસ હવાથી બને છે અને એ પણ પરપોટાની જેમ ક્ષણિક જ હોય છે પણ અહીં પોતાની વેરાનીને પરાકાષ્ઠાએ લઈ જવા માટે કવિ હવાના શ્વાસને સ્મરણોના ફોટાના પરપોટામાં કેદ આલેખે છે… સલામ કવિ!

Leave a Comment