ઇચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવી’તી તાળી.
-રાજેન્દ્ર શુક્લ

(ચરણ સરતાં જાય મિતવા) – મનોહર ત્રિવેદી

(શિખરિણી)

ચરણ સરતાં જાય મિતવા…
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા…

અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

વળાંકો, છાયાઓ, નભ, પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વહાલ વરસે
ભર્યાં એકાંતોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

– મનોહર ત્રિવેદી

ક્યાંક અખંડ તો ક્યાંક ખંડિત લયના ગીતોની ભરમારની વચ્ચે શુદ્ધ શિખરિણી છંદમાં લખાયેલું આવું મજાનું ગીત માણવા મળી જાય તો આખો દિવસ જ સુધરી જાય… પણ રહો! આ ગીત વાંચવા માટે નથી, એને તમે ગાઈને સાંભળશો તો જ એની ખરી મજા માણી શકશો.

એક તરફ કવિને કૅલેન્ડર જેવો શબ્દ વાપરવામાંય છોછ નથી તો બીજી તરફ લગભગ વિસરાઈ ગયેલો તક્તા જેવો શબ્દ (જેનો કદાચ આજની પેઢીને તો અર્થ પણ સમજાવવો પડે!) વાપરવાનો બાધ પણ નથી… બે અલગ પેઢીના શબ્દોને કવિ જેરીતે એક દોરામાં પરોવી શકે છે જ ખરા કવિકર્મની સાહેદી છે.

સવારથી શરૂ થતો દિવસ સાંજે ફરી ઘરે પાછો વળે એ કાળક્રમને કવિનો કેમેરા બખૂબી ઝીલે છે. સવારે ઘરવાળી તક્તામાં કુમકુમનો ચાંલ્લો કરતાં-કરતાં મીરાંના પદ ગાતી જાય છે… દિવસ સૃષ્ટિના ખોળે વીતે છે અને દિવસના અંતે ઝાંપામાં પ્રવેશતાં જ વહાલના દીપ પ્રગટી ઊઠે છે…

4 Comments »

  1. suresh shah said,

    July 26, 2018 @ 8:29 AM

    છઁદમાઁ રહી કાવ્ય રચવા બદલ મનહર ભાઈને અભિનંદન

  2. Naresh Shah said,

    July 26, 2018 @ 11:34 AM

    How about કેલેન્દર ને બદલે પન્ચાન્ગ. It would

    make singing this fine Kavita little easier.

    Excellent Kavita.

  3. વિવેક said,

    July 27, 2018 @ 2:36 AM

    @ નરેશભાઈ:

    કેલેન્ડર = ગાગાલલ
    પંચાંગ = ગાગાલ

    છંદદોષ થશે એ એક વાત અને કવિની પોતાની પસંદગી એ બીજી વાત…

  4. SARYU PARIKH said,

    July 27, 2018 @ 10:23 PM

    મધુર, મીઠી રચના.
    સરયૂ પરીખ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment