માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે
રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જો બીત ગયી સો બાત ગયી – હરિવંશરાય બચ્ચન

જીવનમેં એક સિતારા થા
માના વો બેહદ પ્યારા થા
વહ ડૂબ ગયા તો ડૂબ ગયા
અંબરકે આનંદકો દેખો
કિતને ઇસકે તારે ટૂટે
કિતને ઇસકે પ્યારે લૂટે
જો છૂટ ગયે ફિર કહાં મિલે
પર બોલો ટૂટે તારોં પર
કબ અંબર શોક મનાતા હૈ?
જો બીત ગયી સો બાત ગયી

જીવનમેં વહ થા એક કુસુમ
થે ઉસ પર નિત્ય નિછાવર તુમ
વહ સૂખ ગયા તો સૂખ ગયા
મધુવનકી છાતીકો દેખો
સૂખી કિતની ઇસકી કલિયાં
મુરઝાયી કિતની વલ્લરીયાં
જો મુરઝાયી વો ફિર કહાં ખીલી?
પર બોલો સૂખે ફૂલોં પર
કબ મધુવન શોર મચાતા હૈ?
જો બીત ગયી સો બાત ગયી

જીવન મેં મધુકા પ્યાલા થા
તુમને તન મન દે ડાલા થા
વહ ટૂટ ગયા તો ટૂટ ગયા
મદીરાલયકે આંગનકો દેખો
કિતને પ્યાલે હીલ જાતે હૈં
ગિર મિટ્ટીમેં મિલ જાતે હૈં
જો ગિરતે હૈં કબ ઊઠતે હૈં
પર બોલો ટૂટે પ્યાલોં પર
કબ મદીરાલય પછછાતા હૈ
જો બીત ગયી સો બાત ગયી

મૃદુ મિટ્ટીકે હૈં બને હૂએ
મધુ ઘૂટ ફૂટા હી કરતે હૈં
લઘુ જીવન લેકર આયે હૈં
પ્યાલે ટૂટ હી કરતે હૈં
ફિર ભી મદીરાલયકે અંદર
મધુકે ઘટ હૈં, મધુ પ્યાલે હૈં
જો માદકતા કે મારે હૈં
વે મધુ લૂટા હી કરતે હૈં
વો કચ્ચા પીને વાલા હૈ
જિસકી મમતા ઘટ પ્યાલોં પર
જો સચ્ચે મધુ સે જલા હુઆ
કબ રોતા હૈ, કબ ચિલ્લાતા હૈ
જો બીત ગયી સો બાત ગયી

 

– હરિવંશરાય બચ્ચન

બીગ-બી ના સ્વ. પિતાશ્રી હરિવંશરાય બચ્ચનની આ બહુ જ પ્રસિદ્ધ રચના છે.  પ્રથમ પત્ની શ્યામાના અવસાન બાદ તેઓ બહુ નીરાશાના ગર્તામાં સરી પડ્યા હતા. એક વર્ષ સુધી આ હતાશા તેમને ઘેરી વળી હતી. કો’ક પળે તેમને એ સત્યનું ભાન થયું કે તેમણે જીવન પસાર તો કરવું જ રહ્યું. તે વખતની તેમની આ નવાગંતુક જાગૃતિમાં આ રચના રચાઇ હતી.

જીવનનો નશો કાયમી રહે તે જરૂરી છે. કદાચ નશા(Passion) વગરનું જીવન તે જીવન  જ નથી. તે કયા પાત્રમાંથી આવે છે કે, પીનારનો પ્યાલો કેવો છે તે અગત્યનું નથી.

તેમનો ગયેલો નશો પાછો આવ્યા પછીની તેમની રચનાઓ બહુ જ અદ્ ભૂત અને વખણાયેલી છે.

Comments (3)

એક ટેકરી – કરસનદાસ લુહાર

આખા ડિલે ઊઠી આવ્યા
જળના ઝળહળ સૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

સાવ અચાનક ચોમાસાએ
કર્યો કાનમાં સાદ…
અને પછી તો ઝરમર ઝરમર
કંકુનો વરસાદ !
દસે દિશાઓ કેસૂડાંની
થઈ ગઈ રાતીચોળ
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

ભીનો મઘમઘ મૂંઝારો
ને પરપોટાતી ભીંત,
રૂંવેરૂંવે રણઝણ રણઝણ
મેઘધનુનાં ગીત
શ્વાસોચ્છ્વાસે છલ્લક
કુમકુમ કેસરિયાળી છૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

– કરસનદાસ લુહાર

એક ટેકરી પર પડતા પહેલા વરસાદનું કવિએ અદભૂત માદક વર્ણન કર્યું છે. વર્ણન એવુ સુંદર છે કે જાણે કવિ પહેલા પ્રેમનું વર્ણન કરતા હોય એવું લાગે છે … તમે જાતે જ ટેકરીની જગાએ ‘છોકરી’, નાહીની જગાએ ‘ચાહી’ અને જળ/ચોમાસાની જગાએ ‘પ્રેમ’ મૂકીને ગીત વાંચી જુઓ !

Comments (4)

બબાલ – કૃષ્ણ દવે

એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને જઇને વકીલને ઇ ક્યે:
ચકલી ને ચકલો તો માળો બાંધે છે,
હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે.
બેસવા દીધું ને એમાં એવું માને છે,
જાણે બાપાની હોય ના દિવાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું,
કે માંડ્યા છે શેના આ ખેલ?
બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ,
જુએ છે કેમ ઓલી વેલ?
શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ,
ને ઊઘડે છે ફૂલ કેમ લાલ?
એની રોજે રોજ હોય છે બબાલ

– કૃષ્ણ દવે

મારા પ્રિય કવિની કવિતા ફરી એક વાર અહીં રજુ કરુ છું. પ્રકૃતિનાં તત્વોના સુભગ દર્શનો તો અગણિત લખાયાં છે. પણ આ કવિની દ્રષ્ટિ કાંઇક જુદાજ મિજાજની છે.આ રીતે પણ આપણે આ સૌને જોઇ શકીએ!

પરોક્ષ રીતે કવિનો આક્રોશ છે કે, આપણે આધુનિકતામાં અને જીવનસંઘર્ષમાં પ્રકૃતિના તત્વોને જોવાની દૃષ્ટિ ખોઇ બેઠા છીયે. બધાની સાથે તકરાર કરવાની માણસની રીત પર પણ કવિનો આ વેધક કટાક્ષ દિલ પર અસર તો કરી જાય છે- અને તેય કેટલી બધી હળવાશથી ?

આ કવિને પૂરા માણવા હોય તો તેમની કૃતિ ‘વાંસલડી ડોટ કોમ’ વાંચશો.

Comments (4)

બંધાઇ ગયું – સુંદરમ્

( શાર્દૂલ વિક્રીડિત)

બેઠી બિસ્તર બાંધવા પ્રિય તણો,લૈ ત્યાં પ્રવાસે જવા,
બાંધ્યાં કોટ ખમીસ ધોતર ડબી અસ્ત્રો અને સાબુયે,
ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી જ સૌ છોડવા,
આવ્યો પ્રિતમ પૂછતો, ‘ક્યમ અરે! પાછું બધું છોડતી?’
બોલી : ‘ભૂલથી આ બધાંની ભળતું બંધાઇ હૈયું ગયું.’

– સુંદરમ્

 

Comments (3)

કામ કરે ઇ જીતે – નાથાલાલ દવે

કામ કરે ઇ જીતે રે માલમ !
કામ કરે ઇ જીતે.

આવડો મોટો મલક આપણો
બદલે બીજી કઇ રીતે રે. – કામ કરે ઇ જીતે

ખેતર ખેડીને કરો સીમ સોહામણી !
બાંધો રે નદીયુંના નીર ;
માગે છે દેશ આજ મહેનત મજિયારી,
હૈયાના માગે ખમીર. – કામ કરે ઇ જીતે

હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,
વેળા અમોલી આ વીતે;
આજે બુલંદ સૂરે માનવીની મહેનતના
ગાઓ જય જયકાર પ્રીતે. – કામ કરે ઇ જીતે

– નાથાલાલ દવે

Comments (4)

મન ઉમંગ આજ ન માયો – નલિન રાવળ

મન ઉમંગ આજ ન માયો
કે
ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
નીલ નભે જઈ ઈન્દ્રધનુ બની છાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
ફળફૂલના સાગર પર શો વસંત થઈ લહેરાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
પંખીગણના કલરવ મહીં ગવાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
અપરિમેય લાવણ્યમયીના હિય મહીં
                             મધુર રાગ થઈ વાયો

– નલિન રાવળ

દુ:ખનું ગીત લખવા કરતાં આનંદનું ગીત લખવું અઘરું છે. આ ગીતના કલ્પનો બધા જાણીતા છે છતાંયે એના ઉપાડમાં જ એવું કશુંક છે કે તરત આકર્ષે છે. આનંદ જ્યારે ઊભરાય ત્યારે આખા વિશ્વને ગાતો કરી જાય છે એ ઘટનાનું મધુરું ચિત્ર કવિ દોરી આપે છે. ‘હિય’ શબ્દ ક્યાંય મળતો નથી, એ હૈયા કે હ્રદયનો અપભ્રંશ હોય એવું અનુમાન કરું છું.  

(અપરિમેય=જેનું માપ ન થઈ શકે એવું, હિય=?હ્રદય)

Comments (4)

મગદલ્લા બંદરની છોકરી… – નયન દેસાઈ

દરિયો નિહાળે તો મોજું થઈ જાય
ને રેતીને જુએ તો વાયુ જેમ વાય…
મગદલ્લા બંદરની છોકરી…
બોલે તો ઘૂઘવતા કાંઠાની જેમ
ચાલે તો ધરતી પર તરતી દેખાય…
મગદલ્લા બંદરની છોકરી…

નારિયેળી ઝૂંડનો પડછાયો ઓઢી
ગીત ગાય હઈસો ને હોફા
નામ એનું કાંઈ નહીં
મિલ્કતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફા….
બગલાની પાંખ જેવો પાથરી પવન
ઝાડ નીચે સૂઈ જાય ત્યારે દરિયો થઈ જાય…..
મગદલ્લા બંદરની છોકરી…

મગદલ્લા બંદરમાં ભરતી આવે ને
વ્હાણ આવે છે કંઈ કંઈ થી મોટાં
હારબંધ સરૂઓનાં વૃક્ષોની પાછળથી
સૂરજ પાડ્યા કરે છે ફોટા
ફોટામાં આપ ધારી ધારીને જુઓ તો
પરપોટા જેવું જે હસતું દેખાય…..
મગદલ્લા બંદરની છોકરી…

નયન દેસાઈ

Comments (3)

સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયક

તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

દિવસના કામમાં ખોવાઈ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

પાસે આવીને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

– પન્ના નાયક

રસકવિ રધુનાથ ભટ્ટની પ્રખ્યાત રચનાના મુખડાને લઈને પન્ના નાયકે આ ગીત રચ્યું છે. આ ગીતમાં રસકવિની રચનાઓમા છલકાતો શૃંગારભાવ અકબંધ છે. છેલ્લી ત્રણ પંક્તિઓ – રાતનો તો જુદો મરોડ છે… મારી સુંવાળી સુંવાળી સોડ છે… મારી સોડમાં તો રાત ને પરોઢ છે – માં વધુને વધુ ઉત્કટ થતી જતી પ્રણયઉત્કંઠાની સરસ અભિવ્યક્તિ થઈ છે.

Comments (2)

પૂજારી – કૃષ્ણલાલ શ્રીધરાણી

ઘંટનાં નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળ દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય;
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા !

મંદિરના આ ભવ્ય મહાલો, બંધન થાય મને;
ઓ રે પૂજારી! તોડ દિવાલો, પાષાણ કેમ ગમે?
ન પ્રેમનું ચિહ્ન આ ! પૂજારી પાછો જા !

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નિંદર લેતો, (ને) નૈવેદ્ય તું ધરનાર?
ખરી તો એની પૂજા, પૂજારી પાછો જા !

દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? બ્ હાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં પણ પથરા;
ઓ તું જો ને જરા ! પૂજારી પાછો જા !

માળી કરે ફૂલ– મ્હેંકતી વાડી, ફૂલને તું અડ કાં ?
ફૂલ ધરે તું : સહવાં એને ટાઢ અને તડકા!
એ તે પાપ કે પૂજા? પૂજારી પાછો જા !

ઓ રે પૂજારી ! આ મંદિર કાજે, મજૂર વહે પથરા;
લોહીનું પાણે તો થાય એનું, ને નામ ખાટે નવરા !
અરે તું ના શરમા? પૂજારી પાછો જા !

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ઘ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી , ઘંટ બજે ઘણમાં;
પૂજારી સાચો આ ! પૂજારી પાછો જા !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

Comments (1)

અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….

– માધવ રામાનુજ

આ ગીતને શુભા જોશીના સૂરીલા કંઠે, અને શ્યામલ- સૌમિલના મધુર સ્વરાંકનમાં સાંભળતાં આપણને પણ આવો અનુભવ એક વાર કરી લેવાનું મન થઇ જાય છે.

આ ગીતમાં જે અનુભવની વાત કરી છે, તે અનુભવ થયેલા અગણિત વ્યક્તિઓએ પોતાનો આ અનુભવ બધાને પણ થાય તેવી ઇચ્છા રાખી છે.

કમભાગ્યે, તેમણે કહેલા માત્ર શબ્દોને જ પકડીને જગતના સર્વ ધર્મો અને સંપ્રદાયો રચાયા છે, અને લાખો લોકોનાં લોહી રેડાયાં છે, અને અગણિત માનવ વ્યથાઓએ જન્મ લીધો છે. અને હજુ પણ આ દારૂણ પ્રક્રિયા ચાલુ જ છે.

માટે જ્યારે કોઇ શબ્દ આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે જે ભાવ કે અનુભવનો તે પડઘો હોય છે, તે મૂળ તત્વ આપણા માનસ પટમાં ઝીલાય, અને આપણે તે ભાવ સાથે તાદાત્મ્ય અનુભવીએ, ત્યારે આપણી સંવેદનશીલતા બરાબર પાંગરી છે, તેમ કહી શકાય.  

 

 

Comments (7)

પત્થરનો ઇશ્વર – કૃષ્ણ દવે

મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે?    

સોનાના હિંડોળા હો, કે હો મખમલના ગાદીતકિયા,
પત્થરની આંખોને તે કંઇ નીંદર આવે?
અરે જુઓ આ મખમલ જેવા બાળકને,
પાષાણ પથારીમાંયે કેવાં
જાતજાતનાં સપનાં આવે?
ભલે પછી એ દોડ્યે રાખે,
આખું જીવતર આ ખાંડાની ધારે ધારે.
એવે ટાણે પુષ્પોના નાજુક સથવારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

લજ્જા શેરી વચ્ચે આવી સ્વયં વસ્ત્રની ખોજ કરે છે,
ને વસ્ત્રોના હરનારા બેઠાબેઠા કેવી મોજ કરે છે.
અને કાળ પણ આ ઘટનાનું પુનરાવર્તન રોજ કરે છે.
એવે ટાણે લીલાંપીળાં, લાલગુલાબી,
વસ્ત્રોની જૂઠી ભરમારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

જ્યાં બાળક પહેલા સ્તનપાને, દૂધ નહીં પણ દુઃખ પીએ છે,
જ્યાં જીવન ડગલે ને પગલે,
મધમાખીશા ડંખ જીવે છે,
અને વલોવી ઇચ્છાઓને,
બાળી બાળી જાત સીવે છે.
એવે ટાણે પંચામૃતની મીઠી ધારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

– કૃષ્ણ દવે

આ કાવ્યમાં પત્થરની મૂર્તિને સ્વાર્થી લાલસાઓમાં ભજી ભજીને પત્થર જેવા થઇ ગયેલા- ઇશ્વરનો અંશ મનાતા – આપણા આત્માને સંબોધન છે. મગરની ચામડી જેવી થઇ ગયેલી આપણી સંવેદનશીલતા ઉપર કવિનો આ તીવ્ર આક્રોશ છે. આપણે ક્યારે આપણી અંદર રહેલા પત્થરના એ ઇશ્વરને તજીને આ રડતા ઇશ્વરને સાંભળીશું?

Comments (3)

એક પ્રશ્નગીત – રમેશ પારેખ

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
                        અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
                        અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
                         અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

– રમેશ પારેખ 

વિરહીણી નારીની મનોવ્યથાને પ્રશ્નોના રૂપમાં બહુ સુંદર રીતે કવિએ અહીં વ્યક્ત કરી છે. ઝાડ પર ચઢીને પ્રિયતમની રાહ જોતી નારીના હૈયામાં ઊઠેલી આગ, અને પરપોટા જેવા મનોરથોએ દરિયો તરવાની બકેલી હોડ, માળાનો ભેંકાર ખાલીપો અને ઊંચી ઘૉડી પર બેસતા ‘એ’ અસવાર ના આવ્યાના સતત ભણકારા –
આ બધામાંથી નિખરી આવતું શબ્દચિત્ર જ્યારે સુંદર કંઠે, ભાવમય લયમાં સાંભળવા મળે છે ત્યારે આપણે પણ આ વિરહ વ્યથાના સહભાગી થઇ જઇએ છીએ.

Comments (4)

એક સુંવાળી નદી – સુરેશ દલાલ

સદી સદીથી વહી રહી છે
                         એક સુંવાળી નદી
                         એક હૂંફાળી નદી.

નરસૈંયાનાં     વેણ    વ્હેણમાં      વહ્યા      કરે
મીરાંબાઈના    નેણ     ઝરમર       ઝર્યા    કરે
રસિકવલ્લભ   દયારામની   તરી રહી    ગરબી.

પ્રેમાનંદનાં  આખ્યાનો  ને અખાની  ધખતી  વાણી
દલપત-નર્મદ અર્વાચીનની ક્ષિતિજ ઉઘાડે શાણી
કાન્ત, કલાપી, ઠાકોરની તો  વાત નિરાળી, નરવી.

ન્હાનાલાલની   નૌકા   કેવી   લાડકોડથી     તરે
ધ્વનિ  અને  છંદોલયના   અહીં ટહુકાઓ તરવરે
ખડિંગ   દઈને  બરફના પંખી ઊડતાં  કદી કદી.

સિંજારવ  ને   પરિક્રમા   ને   બારીબહારનો પંથ
વિના   ભોમિકા   વસુધા કેરી યાત્રા  અહીં અનંત
લયને  રસ્તે  પ્રિયકાંત ને   મણિલાલ,   રાવજી.

ઓડિસ્યસનું   હલ્લેસું ને બૂમ કાગળમાં   કોરા
એક પલકમાં તૂટી ગયા અહીં તર્ક તણા કૈં દોરા
ફૂટપટ્ટીથી  મપાય   નહીં કદી દરિયાની ભરતી.

મેઘાણીના   યુગમેઘમાં ચમકે   વીજળી   સૂર
સ્વપ્નપ્રયાણે પશ્વિમ: કોડિયાં નહીં રવિથી દૂર
સતત, અચાનક, મૌન, આગમન, અટકળ કરો હજી.

– સુરેશ દલાલ

ગુજરાતી કવિતાના ઈતિહાસના સિમાચિહ્નોને સુરેશ દલાલ સરસ રીતે એક સુંવાળી, હુંફાળી નદી તરીકે અહીં રજૂ કર્યા છે. આ રચના પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંની છે એટલે ત્યાં સુધીની જ વાત એમાં છે. ગુજરાતી કવિતાના પાયા સમા કાવ્યસંગ્રહો અને રચનાઓ એમણે અહીં ઉલ્લેખ કર્યો છે તેમાંથી તમે કેટલી ઓળખી શકો છો ? જે સંદર્ભો તમે પકડી શકો એ નીચે કોમેંટમાં જણાવશો. શરૂઆત હું જ પહેલી કોમેંટથી કરું છું.  

Comments (3)

સાંજ – કિરીટ ગોસ્વામી

સાંજ પડી મનગમતી
મોરપિચ્છ-શી ઝંખાઓ કૈં ભીતર રમતી-ભમતી !

સાંજ પડે ને સાજન ! તમને ઝંખે આખું ઘર…
ઘરમાં તો બસ, હું, દર્પણ ને સપનાંઓ સુંદર…

વત્તા થોડી આશાઓની દીપમાળ ટમટમતી !
-સાંજ પડી મનગમતી ….

તમને ઓઢુ-પ્હેરું સાજન ! કોડ કરું કૈં એવા…
સાંજ પડે ને હરખે-હરખે લાગું ખુદમાં વ્હેવા…

પ્રેમ-કિરણ ફૂટે તે પળને કહીં દઉં – ના આથમતી !
સાંજ પડી મનગમતી ….

-કિરીટ ગોસ્વામી

Comments (7)

પળ બે પળ – કૃષ્ણ દવે

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.

હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.

થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.

રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.

– કૃષ્ણ દવે

આ કાવ્યમાં ઇશ્વર સાથે સખા ભાવને બહુ જ સુંદર રીતે કવિએ વ્યક્ત કર્યો છે. બાળકને કોઇ ગુરુતા કે લઘુતા ગ્રંથી નથી હોતી. તેને પોતાની ચીજનું બહુ જ ગૌરવ હોય છે. પણ આ તો આધેડ વયના બાળકની કવિતા છે. કવિ સારી રીતે જાણે છે કે તે જેને પોતાનો ઢગલો કહે છે , તે તો રેતીનો- શુષ્ક છે. તેના સખા પાસે તો નાનો ખોબો જ છે – પણ છે પાણીનો- જીવનનો ! આકાશનો સંદર્ભ આપીને કવિ પોતાના ખાલીપણાને વ્યક્ત કરે છે અને પોતાના અમાપ ઓરતાને પણ દર્શાવે છે.
અને જુઓ તો ખરા .. મોટા ભા થઇને રમવાની શરતો પણ સાવ બાળકની જેમ પોતે જ નક્કી કરે છે.પણ તેમાં પણ ઇશ્વર સાથે એકાકાર થઇ જવાની ભાવના કેવી સરસ રીતે વ્યક્ત કરી છે?

Comments (8)

કવિતાને પરણતા કવિને – દીપક ત્રિવેદી

લ્યો કરો શબ્દનો વેધ….
ઉપાડો કલમ તીરની માફક રે !
ઉપાડો કલમ તીરની જેમ…
ઉડાડો જળની ઊભી છાલક રે!

આમ જુઓ તો કન્યા ઊભી
સરવરપાળે રોતી જી!
આંખોમાંથી શબ્દ નામનાં
પલ પલ મોતી ખોતી જી!
– લ્યો કરો…

ધરી ભુજાઓ છેક…
ઉઠાવો શબ્દ નામનો પાવક રે!
– લ્યો કરો…

સ્મરણ-શ્વાસના દરિયા વચ્ચે
છોરી તો ડગ માંડે હો!
છોરીને લઇ જાઓ પરણી
કૌવત જેના કાંડે હો!
– લ્યો કરો…

મરો-જીવો કાં કહો…
કવિતા એક રહી મન ભાવક રે!
– લ્યો કરો…

 – દીપક ત્રિવેદી

Comments (2)

દે વરદાન એટલું -ઉમાશંકર જોશી

સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;
ને આંખમાંના અમી ના સૂકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો !
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.

સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથી ય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.

અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

-ઉમાશંકર જોશી  

ગાંધીયુગના આ મહાકવિએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કે પછી સ્વતંત્રતા પછીના ભારતનું આવું દર્શન કરેલું. સ્વાતંત્ર્યદિને આપણે આ દર્શનને યાદ કરીએ.

આજે જ્યારે આપણો દેશ હરણફાળે પ્રગતિ કરી રહ્યો છે અને વિશ્વસત્તા બનવા હોડ બકી રહ્યો છે ત્યારે આપણે વિચારવું પડે તેમ છે કે આ સ્વપ્નની દિશામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ.
સાંપ્રત સમાજ અને રાજકારણ અને બધાજ ક્ષેત્રો આથી સાવ ઊંધી જ દિશામાં જતા હોય તેમ નથી લાગતું?

Comments (5)

આ તે શા તુજ હાલ, સુરત…. – કવિ નર્મદ

આ તે શા તુજ હાલ, સુરત સોનાની મૂરત,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત !
અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.

સત્તર સત્તાવીસ, સનેમાં રેલ જણાઈ;
બીજી મોટી તેહ, જાણ છોત્તેરે ભાઈ.
એની સાથ વંટોળ, દશા બેઠી બહુ રાસી;
દૈવ કોપનું ચિહ્ન, સુરત તું થઈ નિરાસી.
સુડતાળો રે કાળ, સત્તર એકાણું;
સત્તાણુંમાં રેલ, બળ્યું મારું આ ગાણું.
સાઠો બીજો કાળ, ચારમાં સન અઢારે;
બારે મોટી આગ, એકવીસે પણ ભારે.
બાવીસમાં વળી રેલ, આગ મોટી સડતીસે;
એ જ વરસમાં રેલ, ખરાબી થઈ અતીસે.
દસેક બીજી આગ, ઉપરનીથી જો નાની;
તોપણ બહુ નુક્શાન, વાત જાયે નહીં માની.

વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે;
અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે.
તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી.

કવિ નર્મદાશંકર લાલશંકર

12 નવેમ્બર 1865ના રોજ નર્મદે લખેલ આ લબ્ધપ્રતિષ્ઠ કાવ્યનો એક અંશ લગભગ દોઢસો વર્ષ પછી પણ આજે એટલો જ પ્રસ્તુત લાગે છે. કાવ્ય પરથી એટલું તરત જ સમજી શકાય છે કે સુરત સતત કુદરતી આપત્તિઓના હાથે પીંખાતું જ આવ્યું છે. આવા નષ્ટ-ધ્વસ્ત થઈ ગયેલા સુરતના એક સુરક્ષિત ખૂણામાં બેસીને હું આ લખી રહ્યો છું ત્યારે થતાં આંગળીઓના કંપન ઈચ્છું છું કે આપને ન હચમચાવે. મહારાષ્ટ્રમાંથી પૂર્વસૂચના વગર અધધધ પાણી છોડાતા ઉકાઈ ડેમ છલકાઈ ગયો… સુરત માટે જો કે પૂર એ નવી વાત નથી. શાસકોની વ્યવહારદક્ષતાના પ્રતાપે દર વર્ષે ઉકાઈ બંધ છેક છલકાવાની અણીએ ન આવે ત્યાં સુધી પાણી છોડાતું નથી અને એ સમજ બહારની ફિલસૂફીના કારણે લગભગ દર વર્ષે સુરતમાં નાનું-મોટું પૂર આવે જ છે. બંધની સપાટી ભયજનક સ્તરની નજદીક પહોંચતી હોય ત્યાં સુધી શાહમૃગની પેઠે માથું નાસમજણની રેતમાં ખોસીને બેસી રહેતી સરકારને શું કહેવું? અને માણસ હોય તો એક ઠોકરમાંથી શીખી લે એવી આશા પણ રાખીએ…. આ તો સરકાર છે!!!

ઉકાઈ બંધ છેક છલકાવાની પરિસ્થિતિએ આવી ઊભો ત્યારે પૂનમની નજીક આવી ઊભેલો સાગર કેટલું પાણી સમાવી શકશે એનો કશો ય પૂર્વવિચાર કર્યા વિના આજદિન સુધી ન છોડાયેલી માત્રામાં પાણી છોડવામાં આવ્યું… ચોવીસ કલાકથીયે ઓછા સમયમાં આખું સુરત જળબંબાકાર થઈ ગયું. છેલ્લા બસો વર્ષની સૌથી મોટી રેલમાંથી સુરત અત્યારે પસાર થઈ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઊતરી ગયાં છે. પણ આજે જ્યારે રાંદેર મિત્રોના ઘરે મદદ પહોંચાડવા હું નીકળ્યો ત્યારે રસ્તામાં લક્ઝરી બસો, ગાડીઓ, રીક્ષાઓના આડા પડેલા વિરૂપ આકારો જોઈ ધ્રુજી જવાયું. મરેલા જાનવર રસ્તાની વચ્ચોવચ્ચ પડ્યાં છે. લાઈટના તૂટેલા થાંભલા, ડૂબેલા ટ્રાંસફોર્મરો અને કાદવના એક-એક ફૂટ જેટલા થર- આ શહેરને તો પડી-પડીને ઊભા થવાની ટેવ છે પણ આ આખરે કોનું પાપ કોના માથે?

Comments (4)

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ જહા

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ ઊંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઈ નોંધ?
કોણ વીણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

ધારો કે ફૂલ કોઈ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તોય સારું.
પણ ઉપવનમાં ઝૂરવાની હોય જો સજા, તો મળવાના ખ્વાબોનું શું? – ઉંચકી સુગંધ……

– ભાગ્યેશ જહા

ભાગ્યેશ જહા ગુજરાત સરકારમાં સેક્રેટરી ના ઉચ્ચ પદે વિરાજવા છતાં અંતરથી કવિ છે. સરકારી વાતાવરણના રણમાં ખીલેલા ગુલાબ જેવા આ સંવેદનશીલ હૃદયની, કાંટા વચ્ચે ઝુરાતી વેદનાનું ગીત જ્યારે સોલી કાપડીયાના સુરીલા અવાજમાં સાંભળવાનું થાય છે ત્યારે એકલતા ની લાગણી ચિત્તને ઘેરી વળે છે.
મૂષક દોડમાં વ્યસ્ત આપણા જીવનમાં, જેને જોયા પણ ન હોય, કે જેમની છબી પણ ન નિહાળી હોય તેવા  સમસંવેદનશીલ મિત્રો હજારો માઇલ દૂર હોવા છતાં જ્યારે ‘નેટ’ ઉપર મળી જાય છે, ત્યારે આ ગીતની મીઠાશ અને તેમાંથી ટપકતી લાગણીની ભીનાશ આપણી આંખના  ખૂણાને ભીના કરી નાંખે છે.

 

Comments (10)

બંદર છો દૂર છે – સુંદરજી બેટાઇ

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.

આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

– સુંદરજી બેટાઇ

Comments

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી – મૂકેશ જોષી

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી..
                                      સાજન મારો…

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉ ! એવી રોમે રોમે જ્યોતિ…
                                     સાજન મારો…

– મૂકેશ જોષી

પ્રથમ વરસાદ જેવું તાજું આ ગીત દીલને એક જ ક્ષણમાં લીલુંછમ કરી દે છે. બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…એ એક જ પંક્તિ મન પર કબજો કરી લેવા માટે પૂરતી છે !

Comments (3)

સુખસંગત – સંજુ વાળા

વિતરાગી વહેતા જળકાંઠે બેઠા સુખસંગતમાં ;
નહીં પરાયું કોઈ અહીં કે નહીં કોઈ અંગતમાં.

હોવું હકીકત નમણી ;
ભેદ
ભાળે ડાબીજમણી ;
શું
એને કુબજા ? શું રમણી ?
ભાવભર્યું આલિંગન લઈને રમી રહ્યાં રંગતમાં.
બેઠા સુખસંગતમાં

જાગ્યાને મન ભેદ જાગનો ;
ચડે સૂતાને કેફ રાગનો ;
બંને છેડે ખેલ આગનો ;
ભરી સબડકો ખટરસ ચાખ્યો પહેલ કરી પંગતમાં.
બેઠા સુખસંગતમાં


વહેતાં જળ યાને કે સતત ચાલતા રહેતા સંસારના કાંઠે સુખની સંગતમાં કોણ બેસી શકે ? વીતરાગી (ગીતમાં છંદ જાળવણી માટે જોડણીની કદાચ છૂટ લીધી હોઈ શકે) જ સ્તો! અને વીતરાગી માટે વળી કોણ પરાયું અને કોણ પોતીકું ?
પોતાનું હોવું એનાથી વિશેષ નમણી હકીકત વળી શી હોઈ શકે ? હોવાપણું એ જ એવો ઉત્સવ છે કે નથી ડાબા-જમણાનો ભેદ રહેતો કે નથી રૂપ-કુરૂપનો. સારાં-નરસાં બધાંને ભાવથી આલિંગીને વીતરાગી જિંદગીની રંગત માણે છે. સંસારના બે અતિ છે એક છેડે જાગતો માણસ છે જે જાગૃતિનો અર્થ જાણે છે અને બીજા છેડે છે એવા માણસો જેમની નિંદ્રા હજી ઊડી નથી અને જેઓ હજીયે આસક્તિની કેદમાં સબડે છે. બંને અંતિમ સત્ય આખરે તો જીવનની આગનો જ ખેલ છે. અને એ જ વ્યક્તિ સંસારના બધા રસ માણી શકે છે જે આ દુનિયાની પંગતમાં પહેલ કરીને સબડકા ભરવાનું સાહસ ખેડે છે. (સંજુ વાળા (જન્મ: 11-07-1960) રાજકોટમાં રહે છે. ‘કંઈક/કશુંક અથવા તો…’ એમનો કાવ્યસંગ્રહ).

Comments (5)

છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં… – શરદ વૈદ્ય

છોકરાએ બાગ મહીં ભટકી ભટકીને કૈંક
                         એવો તે વેપલો કીધો,
છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં
                         કોરો રૂમાલ એક દીધો.

હોઠોમાં થનગનતા શ્વાસોને લાગેલું
                         રૂપાળા ચહેરાનું ઘેલું,
હોઠોની વંડીઓ ઠેકતું એ જાય દૂર
                         ઘેલી સીસોટીઓનું ટોળું.
સૂર મહીં હણહણતો શબ્દોનો ધોધ પછી
                         છોકરીએ ખોબલે પીધો,
લાગણીના તડકામાં છોકરાએ છોકરીનો
                         મ્હેક ભર્યો ફોટો તે લીધો,
                         છોકરા એ છોકરીને ફૂલોના…

છોકરીની છાતીમાં નળિયાં તૂટ્યાં ને પડ્યો
                         નળિયે વરસાદ કૈંક એવો,
ઝબકીને જાગ્યા રે ફળિયા એ ફળિયામાં.
                         ઊમટ્યો તો સાદ નીક જેવો.
શમણાંને સથવારે રેશમી રૂમાલ લાલ
                         પૂર્યો તો સેંથીમાં સીધો,
મીરાં બનીને પછી છોકરીએ લ્હાય લ્હાય
                         ભગવો તે શ્વાસ એક લીધો
છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં
                         કોરો રૂમાલ એક દીધો.

– શરદ વૈદ્ય

આ રમતિયાળ ગીતમાં મુગ્ધપ્રણયની વાત આબાદ રજૂ થઈ છે. મન અને જીવનની કુમળી અવસ્થામાં જ એવો પ્રેમ શક્ય છે જે શરૂ તો થાય રૂમાલથી, પણ વધીને છેક મીરાંના ભગવા સમોવડિયો ઊભો રહી શકે. ગીતની રચના અને શબ્દોને જોઈને સહજ રીતે જ રમેશ પારેખની યાદ આવે એવું સુંદર આ ગીત બન્યું છે. 

Comments (4)

અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

– ભગવતીકુમાર શર્મા

 

અલગ જ જાતનું આ ગીત અડધું તો ક્રોસવર્ડ પઝલ જેવું લાગે છે ! અક્ષરોની ગણતરીની વાત અહીં માત્ર ગણતરી તરીકે જ નથી આવતી, એ તો આવે છે સમજાવવામાં માટે કે પ્રકૃતિના સૌંદર્યમાં પ્રિયજનને ઉમેરો તો જ સાચો સરવાળો થાય.   

Comments (40)

રસ્તા પર સૂતેલા માણસનું ગીત – નયન દેસાઈ

અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં
જરા વારમાં નીંદર આવી ધુમ્મસમાં આળોટ્યાં

ગગનનું એવું કે ચાદરની જેમ કદી ના ફાટે
સાવ સુંવાળા વાદળનું એ રેશમ આપે સાટે
નહીં કમાડો, બારી, પગરવ ઊમ્બર આઘાં મૂક્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં

ધરા ઉપર સૂવાનું સુખ આ : પોતીકા થૈ જઈએ
પવન-ઘાસની વાતો મીઠી કાન દઈ સાંભળીએ
રોજ સવારે પંખીના મીઠા કલરવથી જાગ્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં

મૂળ વાલોડના પણ હવે મારા સુરતના જ હમવતની નયન દેસાઈ એમના ટૂંકા કદ અને ઊંચી લાગણીઓથી બધાથી નોખા જ તરી આવે. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને  તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં જ. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ.  જીવનની શરૂઆતમાં હીરા ઘસતાં તે હજી પણ કાચા હીરાઓને પહેલ પાડે, પાડે ને પાડે જ -. નવોદિત કવિઓને નિયમિતપણે વર્ષોથી છંદ શીખવે છે! ગુજરાતમિત્રના સાહિત્ય વિભાગના તંત્રી. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. ઉર્દૂના પણ ઉસ્તાદ. મુશાયરાનું સંચાલન કરતા નયનભાઈને જેણે જોયા નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! (જન્મ: 22-02-1946. કાવ્ય સંગ્રહો: ‘માણસ ઊર્ફે દરિયો ઊર્ફે’, ‘મુકામ પોસ્ટ માણસ’, ‘આંગળી વાઢીને અક્ષર મોકલું’,  ‘અનુષ્ઠાન’ અને ‘સમંદરબાજ માણસ’. સમગ્ર કવિતા: “નયનનાં મોતી”.)

Comments (3)

કારેલું…… કારેલું – વિનોદ જોશી

કારેલું…… કારેલું
મોતીડે વઘારેલું,
સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબ જાંબુ ધારેલું.

આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;
વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,
કારેલું…… કારેલું…….

સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું… સારેલું …આંસું મેં શણગારેલું,
કારેલું…… કારેલું…….

આંધણ ઓરું અવળાં સવળાં બળતણમાં ઝળઝળીયાં,
અડખે પડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું…ભારેલું … ભીતરમાં ભંડારેલું,
કારેલું…… કારેલું…….

ડો. વિનોદ જોશીનું બાળપણ સૌરાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં વિતેલું છે. તેમની રચનાઓમાં નારીની સંવેદનાનું બહુ જ સૂક્ષ્મ દર્શન તો છે જ, પણ તળપદી ભાષાનો લહેકો અને લય પણ છે. અને છતાં આ મોટા ગજાના કવિ આ કાવ્ય રૂપના માધ્યમ દ્વારા બહુ મોટો સંદેશ આપણને આપી જાય છે.

“માનવ જીવનની ઘટમાળ એવી
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.”

કોઇ કવિએ લખેલી આ પંક્તિઓમાં સ્પષ્ટ રીતે પ્રગટ થતું જીવનનું આ નકારાત્મક દર્શન કેવાં વિશિષ્ટ રૂપકો દ્વારા વિનોદભાઇ આપણને આપી જાય છે?

Comments (1)

મુંબઈની ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પર એક ગીત – વિવેક ટેલર

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
વિશ્વાસ ખૂટ્યો કે શ્વાસ જ છૂટ્યો.

ફૂટ્યાં એ સૌ બોમ્બ હતાં, બસ ?
જે મર્યાં એ સૌ શું માત્ર માણસ ?
આંખોમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી ડબ્બાઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છાઓ કંઈ
સાંજનો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

પૂરી થશે શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારે ?
મોત છે શું ઈલાજ જીવનનો?
આ નાદાની છે કે બિમારી ?
મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

આતંકવાદીને ફાંસી આપો,
પણ પહેલાં અંદર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
શાને અલગ-અલગ પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

– ડૉ.વિવેક મનહર ટેલર

Comments (13)

બિન્ધાસ્ત નિમંત્રણ – ‘અગમ’ પાલનપુરી

‘આવ’ ! …કીધે શું આવવું ? પ્રિયે !
વણ કીધે પણ આવ;
સાવ અચાનક ક્ષણનો અધધ…
માણિએ ઉભય લ્હાવ !

બહારથી ભરું બાથ મને હું
ભીતરે પહોળે હાથ;
સાવ ખાલીખમ ઓરડે ભર્યો –
ભાદર્યો તારો સાથ !
બારણું વાખું જગ મલાજે…
બારીએ ધીરું ફાવ;
‘આવ’ ! …કીધે શું આવવું? પ્રિયે !
વણ કીધે પણ આવ !

દીવડે સૂના આયખે બળ્યું…
ઝળહળાટ્યું જોર;
હાલતી રાગે મ્હાલતી રતે
શ્યામ તો ચારેકોર !
તલસાટોનું સુરમઇ કળણ
ઊજવે મિલન સાવ;
‘આવ’ ! …કીધે શું આવવું? પ્રિયે !
વણ કીધે ઝટ આવ !

-‘અગમ’ પાલનપુરી

પ્રિયજન વગર કહ્યે આવી ટપકે એની જે મજા છે એ આ ‘બિન્ધાસ્ત નિમંત્રણ’ના શબ્દ-શબ્દે દ્રષ્ટિગોચર થાય છે. ભીતરનો ઓરડો તો સાવ ખાલીખમ છે, એ તો પ્રિયાના આવવાથી જ ભર્યો-ભાદર્યો થાય ને ! દુનિયાની લાજે બારણું તો વાસ્યું છે, પણ મારા દિલની બારી તો સદા ખુલ્લી જ છે ને ! પરંતુ બીજા ફકરામાં કવિએ જે વાત કરી છે એ વિચારણા માંગી લે છે. મને જે ‘અગમ’ લાગ્યું છે, એ વિશે મિત્રોનું શું કહેવું છે?

(મલાજે = મર્યાદા, અદબ/રત = ઋતુ, આસક્ત/સુરમઈ = કાજળયુક્ત)

Comments (3)

વ્યથા – શેખાદમ આબુવાલા

હે, વ્યથા !  હે,  વ્યથા !
કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી.
નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! …

રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી,
જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. –  હે , વ્યથા !.. .

ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા !  …

– શેખાદમ આબુવાલા

વ્યથાને સંબોધીને લખાયેલી આ રચના શ્રી. હરિહરને શ્રી. અજિત શેઠના સ્વરાંકનમાં અત્યંત ભાવવાહી રીતે ગાઇ છે. વ્યથાનું ગૌરવ ગાતી આ રચનામાં માધુર્યની સાથે જીવનની એક મહાન ફિલસુફી પણ કવિએ તેમની આગવી શૈલીમાં વણી લીધી છે.
કોના જીવનમાં વ્યથાનો વાસ નથી હોતો? પણ એ વ્યથાના ગાણાં ગાવાં અને રડતાં રહેવા કરતાં તેને ભીતર જ શમાવી શકીએ તેવી આરજુ આ ગીતમાં સાંભળી એક નવું જ બળ આપણા કણ-કણ માં પ્રસરી જાય છે.

Comments

કરો રક્ષા વિપદમાંહી – રવીન્દ્રનાથ ઠાકુર

કરો રક્ષા વિપદમાંહી , ન એવી પ્રાર્થના મારી.
વિપદથી ના ડરું કો’દી, પ્રભુ એ પ્રાર્થના મારી.

ચહું દુઃખ તાપથી શાંતિ, ન એવી પ્રાર્થના મારી.
સહુ દુઃખો શકું જીતી, પ્રભુ એ પ્રાર્થના મારી.

સહાયે કો ચડે આવી, ન એવી પ્રાર્થના મારી.
તૂટે ના આત્મબળ દોરી, પ્રભુ એ પ્રાર્થના મારી.

મને છળ હાનિથી રક્ષો, ન એવી પ્રાર્થના મારી.
ડગું ના આત્મ પ્રતીતિથી, પ્રભુ એ પ્રાર્થના મારી.

પ્રભુ તું પાર ઊતારે, ન એવી પ્રાર્થના મારી.
તરી જવા ચહું શક્તિ, પ્રભુ એ પ્રાર્થના મારી.

તું લે શિરભાર ઉપાડી, ન એવી પ્રાર્થના મારી.
ઉઠાવી હું શકું સહેજે, પ્રભુ એ પ્રાર્થના મારી.

સુખી દિને સ્મરું ભાવે, દુઃખી અંધાર રાત્રીએ
ન શંકા તું વિશે આવે, પ્રભુ એ પ્રાર્થના મારી.

– રવીન્દ્રનાથ ઠાકુર

ભારતના મહાકવિની આ રચના બહુ જ જાણીતી છે. પણ અનુવાદ કોણે કરેલો છે તે ખબર નથી.

Comments

સાહેબ હુકમ કરે કે આવું – મહેશ દવે

સાહેબ હુકમ કરે કે આવું.
આરણ-કારણ કાંઈ ન ચાલે
ક્યાંય પછી નહીં જાઉં;
                   સાહેબ હુકમ કરે કે આવું.

મારા મનનું કાંઈ ન ચાલે,
     કોરે કાગળ સહી.
સાહેબના અણસારે મારી
     હોડી જળમાં વહી:
નાવિક મારો કહે એ લયમાં
                   ગીત મારું હું ગાઉં.

સઘળું તેને સોંપી દઈને
     કામ બધાં દઉં છોડી,
મેં તો મારી પ્રીત સદાયે
     સાહેબ સાથે જોડી.
વહેણ હોય કે પૂર હોય
                   પણ નહીં કદી મૂંઝાઉં.
              સાહેબ હુકમ કરે કે આવું.

 – મહેશ દવે

Comments

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું… – સુરેશ દલાલ

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
          હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
          કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
          કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
          જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
          ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
          અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
          ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
          ને બિલોરી આપણું તળાવ!-સુરેશ દલાલ

પ્રસન્નદામ્પત્યની વાત એક નવા જ અંદાજથી. ઘડપણના, સમયની કસોટી પર ખરા ઉતરેલા, પ્રેમની વાત કરતી રચનાઓ આપણે ત્યાં ઓછી જ મળે છે.

Comments (8)

ગીત – રાવજી પટેલ

આપણને જોઈ
     પેલા બગીચામાં લીલોતરી સળવળે.
આપણને જોઈ
     પેલાં પતંગિયા હજીયે તે ઊડ્યા કરે !
આપણને જોઈ
     પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.
આપણને જોઈ
     પેલા ઝૂમાં આણી સારસની એક જોડ !
આપણને જોઈ
     પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.
આપણને જોઈ
     પેલાં ઘરડાંને ચપોચપ દાંત ફૂટે !

– રાવજી પટેલ

સામાન્ય રીતે કવિતામાં પ્રેમીઓ પ્રકૃતિમાંથી પ્રેરણા લેતા હોય એવી વાત આવે છે. જ્યારે અહીં તો કવિએ એવા મુસ્તાક પ્રેમની વાત કરી છે જેના પરથી ખુદ પ્રકૃતિ (અને બીજા ઘણાં) પ્રેરણા મેળવે છે. ‘આપણને જોઈ, પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.’ એ પંક્તિથી કવિ તદ્દન સહજ રીતે જ પ્રસન્ન દામ્પત્યનું દીલને અડકી જાય એવું ચિત્ર દોરી આપે છે.

(મોડ=લગ્ન વગેરે શુભ પ્રસંગે પહેરાતો માથાનો શણગાર)

Comments

એ સોળ વરસની છોરી – પ્રિયકાંત મણિયાર

એ સોળ વરસની છોરી
સરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી 

ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી

મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરના મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી.
એ સોળ વરસની છોરી

એનાં પગલેપગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસેશ્વાસે ફૂટે ઘુમરાતા આ વાયરામાં વેલ
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી.
એ સોળ વરસની છોરી

– પ્રિયકાંત મણિયાર

પ્રિયકાંત મણિયાર તો રુપકોના રાજા છે. કૃષ્ણ–રાધાના આ કવિ સોળ વરસની કન્યાનું વર્ણન કરવાનું માથે લે તો રુપકોની રસધાર ન છૂટે તો જ નવાઈ. તો યે એની મટકી રહેતી કોરી જેવો ચમત્કારીક ઉપાડ તમને તરત જ ગીતમાં ખેંચી લે છે. અને ગીતના અંત સુધીમાં તો મન આખું આ સોળ વરસની છોરીના આ શબ્દચિત્રથી લીલુંછમ થઈ જાય છે.

Comments

ગીત – સંદીપ ભાટિયા

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.  

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

-સંદીપ ભાટિયા  

1-5-1959 ના રોજ જન્મ. મુંબઈના નિવાસી. કવિતા સાથે વાર્તા અને નિબંધ પણ લખે છે અને કળાત્મક મુખપૃષ્ઠો પણ કરે છે. કાવ્યસંગ્રહ હજી પ્રકાશિત નથી થયો.

Comments (25)

આ ગીત – મકરન્દ દવે

         આ ગીત તમને ગમી જાય
                      તો કહેવાય નહી,
         કદાચ મનમા વસી જાય
                      તો કહેવાય નહી.

ઉદાસ, પાંદવિહોણી બટકણી ડાળ પરે,
દરદનું પંખી ધરે પાય ને ચકરાતું ફરે,
તમારી નજરમાં કોણ કોણ, શું શું તરે ?

         આ ગીત એ જ કહી જાય
                      તો કહેવાય નહી,
         જરા નયનથી વહી જાય
                      તો કહેવાય નહી.

ઉગમણે પંથ હતો, સંગ સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું,
પછી મળ્યું ન મળ્યું કે થયું જવા ટાણું ?

         ખુશી જો ત્યાં જ મળી જાય
                      તો કહેવાય નહી,
         આ ગીત તમને ગમી જાય
                      તો કહેવાય નહી.

– મકરન્દ દવે

Comments (1)

હરિનો મારગ – પ્રીતમ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.

પ્રીતમદાસ ( ઈ. 1718 થી 1798) જ્ઞાનમાર્ગી ભક્તકવિ હતાં. પાંચસોથી વધુ પદોમાં વૈરાગ્યબોધ અને કૃષ્ણભક્તિનું આલેખન વિવિધ રાગઢાળો અને લોકગમ્ય રૂપકો-દ્રષ્ટાંતોના બહોળા ઉપયોગથી કરનાર પ્રીતમદાસના પદોની ધ્રુવપંક્તિઓ એની ચોટના કારણે લોકપ્રિય બની છે. આ ઉપરાંત ગુજરાતી-હિંદી સાખીઓ, ‘જ્ઞાનગીતા’, ‘પ્રીતમગીતા’, ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ (સુડતાળીસના દુકાળ પરની રચના)’ વગેરે એમના મોંઘેરા મોતીઓ છે.

(સુત = પુત્ર, વિત્ત = ધન, દારા = પત્ની, સમરપે = સમર્પે, આંગમે = આવકારે, સ્વીકારે, દુગ્ધા = પીડા. જંજાળ, વામે = ઓછું થવું, મટી જવું, રામ-અમલમાં = રામરાજ્યમાં, રાતામાતા = હૃષ્ટપુષ્ટ ને આનંદતું, રજનિ-દન = રાત-દિવસ, નરખે = નીરખે, જુએ)

Comments (3)

ભીંજાવું ચડ્યું ટલ્લે – સંદીપ ભાટિયા

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે 

છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું
વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત કાશ મારુંયે સરનામું ગોતતો
વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

– સંદીપ ભાટિયા

જોતા જ ગમી જાય એવા આ ગીતમાં પ્રેમની વાત ભીંજાવાના રુપકથી કરી છે. હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે એ વાત આમ તો પ્રેમ ન મળવાની વાત છે, છતા ય અહીં એ જરા પણ કડવાશ કે ડંખ વિના આવે છે. કલરવનો ડાકિયો અને વાછટનો વેપાર એવા પ્રયોગો પરાણે મીઠા લાગે એવા છે.

Comments (16)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત

વ્હાલબાવરીનું ગીત

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

-રમેશ પારેખ

એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ.

શબ્દ સપ્તકની આજે આ સાતમી અને આખરી કડી છે… ર.પાના ખજાનામાંથી ભારે જહેમતથી પસંદ કરેલા આ સાત મોતી લયસ્તરો તરફથી ર.પા.ને અમારી શબ્દાંજલિ છે….

Comments (1)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય

મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !

પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,
આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક

ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગ્યો કાચો

મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી
અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી ?

વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો.

– રમેશ પારેખ

મીરાંને અદેખાઈ આવી જાય એ સરળતાથી અને સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે. આ કાવ્યો એટલાં તો હૃદયાભિમુખ છે કે આપણાં પોતાનાં જ લાગે. સુરેશ દલાલ તો આગળ વધીને કહે છે કે: ‘ર.પા.ના મીરાંકાવ્યો એટલાં સહજ અને સ્વભાવિક છે કે એ કાવ્યોની નીચે ખુદ મીરાંને પણ સહી કરવાનું મન થાય’.

Comments (2)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય

આલા ખાચરનું ‘આપણું તો…..’

ભવાયા આવીને કે’ :
‘બાપુ જોવા ન આવે તો રમીએ નંઈ.’
-હાળાંવને દીધાં બે ગામ, તાંબાના પતરે.

હડાળાનો કણબી કે’કે ‘દીકરીના આણાં અટક્યા છ્ !
અફીણ ખાઉં.’
કાઢી દીધો પગનો તોડો,
નગદ સોનાનો:
‘જા હાળાં, કર્ય આણાં…..’

નગરશેઠે પગ ઝાલ્યા :
‘બારે વા’ણ બૂડ્યાં,
વખ ઘોળું, લેણદારોને શેં મોઢું બતાવું ?’
દીધાં જરઝવેરાતનાં ગાડાં :
‘લ્યો, રાખો મૂછનાં પાણી….’

આપણું તો એવું.
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.
ઠકરાણાં ક્યે :
‘સૌને દીધું, અમને?
અમે વાંઝિયાં.’
‘લ્યો, ત્યારે’
– એમ કહીને દેવના ચક્કર જેવા ખોળાના બે ખૂંદતલ
દઉં દઉં ત્યાં ગધની આંખ્યું ઊઘડી ગૈ.

000

રામજી લુવાર ઊભો છે.
કે’છે : ‘ઘરાક આવ્યું છ્, બાપુ….!
બારતેરમાં સાટું સધરી જાશે
વેચી દેવી છે ને તલવાર ?
આમેય તમારે પડી પડી કાટ ખાય છે….’

આપણું તો એવું…..
દઈ દીધી !
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.

આલા ખાચરના પાત્રનિરૂપણ વડે ર.પા.એ સૌરાષ્ટ્રની ભગ્નાવશેષ બાપુશાહીના ભવાડાઓ અને વિડંબનાઓને કલમની તલવારથી જનોઈવઢ વાઢ્યાં છે. સપનામાં બાપુ ક્યાં રાચે છે તે તો જુઓ: ભવાઈ કરનારાં જાણે બાપુ વિના ભવાઈ જ કરવાનાં ન હોય એમ બાપુ બે ગામ લખી દે છે. કણબીને દીકરીનું આણું કરવા માટે નકદ સોનાનો તોડો આપી દે છે તો નગરશેઠને ગાડાં ભરી સંપત્તિ લૂંટાવે છે. પાછાં કહે છે કે માંગનાર મૂંઝાય, આપનાર નહીં ! નપુંસક બાપુ તો સપનામાં ઠકરાણીને પણ એક કહેતાં બબ્બે દીકરા આપવાના મૂડમાં હતાં, પણ કમબખ્ત આંખ જ ખૂલી ગઈ….સપનામાં ‘માંગ-માંગ, માંગે તે આપું’ના રાજાપાઠમાં રાચનાર બાપુની વરવી વાસ્તવિક્તા તો એ છે કે બાપદાદાની નિશાની અને પડી પડી સડી ગયેલી નિરુપયોગી સામંતશાહીના પ્રતિક સમી કાટ ખાધેલી તલવાર બારતેર રુપિયામાં વેચી દેવાની નોબત આવી ઊભી છે. અહીં કટાયેલી તલવાર નથી વેચાતી, ઈજ્જત વેચાઈ રહી છે અને તોય સિંદરી બળે પણ વળ ન છૂટે ના ન્યાયે બાપુનો ‘દઈ દીધી’નો હુંકાર ર.પા.ની કાવ્યસિદ્ધિ છે.

Comments (10)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ

ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ

ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

-રમેશ પારેખ

ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં ર.પા.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!! ર.પા.ના શબ્દસપ્તકની શરૂઆત એમના સોનલ કાવ્યથી જ કરીએ.

રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલે શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલ!
સોનલ 1
સોનલ 2

Comments (12)

ગુલાલ કરી ગઈ – હરીન્દ્ર દવે

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!  

જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર,
અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર,

જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!  

જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક,
પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક,

ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!  

– હરીન્દ્ર દવે

(કાંચનાર=નાગકેસરનું વૃક્ષ)

Comments (4)

હરિને ભજતાં – ગેમલ

હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને.

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને.

વહાલે મીરાં તે બાઈના ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીના પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને.

વહાલે આગે સંતોના કામ. પૂરણ કરિયાં રે;
ગુણ ગાયે ગેમલ કર જોડ, હેતે દુઃખ હરિયાં રે. હરિને.

ગેમલ

ગેમલ (ઈ.સ. 19મી સદી પૂર્વાર્ધ) એટલે જાણે કે એક જ પદના કવિ. આ પદ એટલું તો વંચાયું, ગવાયું અને સંભળાયું છે કે કવિતા કવિને અતિક્રમી જાય છે એ વાત સાચી લાગે.

Comments (3)

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-કવિ નર્મદ

આજે પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિન. આજના દિવસે જનની જન્મભૂમિના ચરણે કવિ નર્મદનું સુંદર શબ્દફૂલ અર્પણ કરું છું. જય ગુજરાત.

Comments (1)

મોહનજી તમો મોરલા – રાજે

મોહનજી તમો મોરલા, હું વારી રે; કાંઈ અમે ઢળકતી ઢેલ,
                                                                       આશ તમારી રે.
જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,
                                                                       આશ તમારી રે.
મોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ,
                                                                       આશ તમારી રે.
પૂંઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ન ફરો નાથ,
                                                                       આશ તમારી રે.
મોરલીએ મનડાં હર્યાં, હું વારી રે;વિસાર્યો ઘર-વહેવાર,
                                                                       આશ તમારી રે.
સંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયાનાથ,
                                                                       આશ તમારી રે.

રાજે

ઈ. 18મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા રાજે જન્મે મુસ્લિમ હોવા છતાં કૃષ્ણભક્તિના સુંદર પદો વડે ધર્મ અને સમાજની પોકળ રેખાઓને વળોટી ગયેલાં. એમની ભાષા પણ એમના સમયથી ઘણી આગળ એવી આધુનિક લાગે.

Comments

ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.

– વિનોદ જોશી

વિરહના ગીતો તો ઘણા છે. પણ વિનોદ જોશીનું આ ગીત તરત જ ગમી જાય એવું છે. ટચલી આંગળીનો નખ – નામ જ તમને ગીતમાં ખેંચી લાવે એવું છે. લખ – દખ – વખ એકદમ સહજતાથી જ ગીતમાં આવે છે. ચૂમી ચૂમીને કરી એંઠી એવી ફરીયાદ અલગ ભાવ ઉપજાવે છે. પહેલા, બીજા અને ત્રીજા ચરણમાં વિષાદ ક્રમશ: ધેરો થતો જાય છે. અને છેલ્લે તો – મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ – પર ગીતનો અંત થાય છે. આ ગીત સળંગ પાંચ સાત વાર વાંચી ગયો અને હવે એ મનમાંથી નીકળવાનું નામ જ નથી લેતું !
( અંજળ=સંબંધ, દખ=દુ:ખ, વખ=ઝેર, પાતળિયા=સજન )

Comments (4)

પગલું – ગીતા પરીખ

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
         ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
         નજરુંની બાંધી દીધી બેડી!

હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં
         અણબોલ વાણી તે જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
         પૂનમની ચાંદની માણી.

પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
         આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
         ને તેં તો લંબાવી દીધી કેડી !

– ગીતા પારેખ

Comments

આ તે કઈ રીત છે ? – આશા પુરોહિત

આ તે કઈ રીત છે ?
સંબંધના ચણતરમાં લાંબી તિરાડ
અને પાયામાં શરતોની ઈંટ છે.

શબ્દોને હોઠોથી અળગા કરું,
તો મને બોલવાની આપો છો આણ,
રણમાં અમથી જ મને એકલી મૂકીને,
પછી ચલાવવા આપો છો વ્હાણ!
પ્રશ્નોના કિલ્લામાં રોંઘીને કો’છો કે
‘આ તો બસ પાણીની ભીંત છે!’
આ તે કઈ રીત છે ?

નસનસમાં ધગધગતા ખિલ્લા ઠોકો
ને પછી અટકાવી કહેતા કે ‘જા’,
ધસમસતા શબ્દોનું તીર એક છોડીને,
કહેતા કે ‘ઝીલવા મંડ ઘા.’
આશાઓ-ઈચ્છાઓ બાળીને કો’છો કે
‘તારી ને મારી આ પ્રીત છે!’
આ તે કઈ રીત છે ?

– આશા પુરોહિત

આ ગીત વિશે સુરેશ દલાલે એક સરસ વાત એક જ લીટીમાં લખી છે – ‘ઘણી વખત એવી અવસ્થા આવે છે કે જ્યારે પ્રેમ સમજાય છે, પણ પ્રિયતમ સમજાતો નથી.’ પ્રેમમાં તિરાડ પડે તો એની ફરીયાદ કેવી રીતે કરવી એ પણ પ્રશ્ન છે. દરેક ફરીયાદ સંબંધને વધુ તોડી શકે છે. કવયિત્રી તો માત્ર ‘આ તે કઈ રીત છે ?’ – કહી ને જ વિરમે છે.

Comments (8)

તો અમે આવીએ… – વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો, સજન !
        પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
        ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
        અમે ઉંબરની કોર લગી લાવ્યાં

આપી આપીને તમે ટેકો આપો, સજન !
        નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
        અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
        અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપીને તમે આંસુ આપો, સજન !
        આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.

Comments (4)