સાંવરિયો વટનો કટકો ! – દીપક ત્રિવેદી
સાંવરિયો વટનો કટકો !
ઘડી-ઘડીમાં રિસાતો-ભીંસાતો એનો લટકો !
ફૂલ ખીલે અધમધ રાતે ને ભરબપ્પોરે કિટ્ટા
અક્ષરને બદલે ચીતરતો આડા અવળા લીટા
મધદરિયે કહેતો: ‘અટકો!’
સાંવરિયો વટનો કટકો !!
નહીં હોડી નહીં હલ્લેસું, નહીં ફૂલપદમણી રાણી !
પાંપણમાં રેડી ચોમાસું વરસે એક કહાણી !!
એ રહે, આંખને ખટકો !
સાંવરિયો વટનો કટકો !!
– દીપક ત્રિવેદી
પોતાના વ્હાલા પણ વટના કટકા જેવા પ્રિતમ સામે આ ગીત મીઠ્ઠી ફરિયાદ છે. (પ્રિયતમાના લટકા ઉપર ઘણા ગીત જોવા મળશે, પણ અહીં ઊંધી જ વાત છે !) અડિયલ સાંવરિયો હંમેશ આડો ચાલે. ઘડી ઘડીમાં એની કમાન છટકે. અડધે રસ્તે કહી દે કે ‘અટકો’. પ્રેમકહાણી અચાનક જ પાંપણમાંથી વરસતા ચોમાસાની કહાણી થઈ જાય. અને આંખમાં વ્હાલા ખટકાની જેમ આ વટના કટકાને જાળવવો પડે. આ બધી મીઠ્ઠી ગડમથલ આ ગીતમાં વણાઈને આવે છે.