ખાલીપો લઈને ‘રાઝ’ હું દુનિયાથી જાઉં છું
શાનો થશે હિસાબ, મને એ ખબર નથી.
રાઝ નવસારવી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અગમ પાલનપુરી

અગમ પાલનપુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મારા વડે – ‘અગમ’ પાલનપુરી

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?

દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?

કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !

બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

– ‘અગમ’ પાલનપુરી

અસ્તિત્વના પડળોને ખોલવાની મથામણ કરતી મજાની અર્થગંભીર ગઝલ… પણ અસ્તિત્વની શોધ એટલે સરવાળે તો ‘અગમ’ પ્રશ્નાર્થ જ ને !

Comments (4)

અગમ અવતાર છે – ‘અગમ’ પાલનપુરી

શબ્દ ભીતર પ્રાણ નો સંચાર છે;
હર ગઝલ મારો અગમ અવતાર છે.

એટલે નિત શેર શ્વસતો હોઉં છું,
શ્વાસ મુજ અસ્તિત્વનો આધાર છે!

ના લખું તે હાથ છો તૂટી પડે;
જ્યાં ખતા છે ત્યાં સજા હકદાર છે!

મૃત્યુની પણ હું કરી નાખું ગઝલ;
ક્ષણ સતત… કાગળ-કલમ તૈયાર છે.

છું ‘અગમ’ તો શું થયું; મારા વિશે
શાયરી પોતે પરખનો પાર છે!

– ‘અગમ’ પાલનપુરી

કવિતા લખવાના અનુભવ પર અનેક કવિતાઓ લખાઈ છે અને એ છતાં ગઝલ નવી લાગે છે. ‘અગમ’ને સમજવા માટે એની ગઝલથી વધારે સારો રસ્તો શું હોઈ શકે ?

ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.

Comments (11)

બિન્ધાસ્ત નિમંત્રણ – ‘અગમ’ પાલનપુરી

‘આવ’ ! …કીધે શું આવવું ? પ્રિયે !
વણ કીધે પણ આવ;
સાવ અચાનક ક્ષણનો અધધ…
માણિએ ઉભય લ્હાવ !

બહારથી ભરું બાથ મને હું
ભીતરે પહોળે હાથ;
સાવ ખાલીખમ ઓરડે ભર્યો –
ભાદર્યો તારો સાથ !
બારણું વાખું જગ મલાજે…
બારીએ ધીરું ફાવ;
‘આવ’ ! …કીધે શું આવવું? પ્રિયે !
વણ કીધે પણ આવ !

દીવડે સૂના આયખે બળ્યું…
ઝળહળાટ્યું જોર;
હાલતી રાગે મ્હાલતી રતે
શ્યામ તો ચારેકોર !
તલસાટોનું સુરમઇ કળણ
ઊજવે મિલન સાવ;
‘આવ’ ! …કીધે શું આવવું? પ્રિયે !
વણ કીધે ઝટ આવ !

-‘અગમ’ પાલનપુરી

પ્રિયજન વગર કહ્યે આવી ટપકે એની જે મજા છે એ આ ‘બિન્ધાસ્ત નિમંત્રણ’ના શબ્દ-શબ્દે દ્રષ્ટિગોચર થાય છે. ભીતરનો ઓરડો તો સાવ ખાલીખમ છે, એ તો પ્રિયાના આવવાથી જ ભર્યો-ભાદર્યો થાય ને ! દુનિયાની લાજે બારણું તો વાસ્યું છે, પણ મારા દિલની બારી તો સદા ખુલ્લી જ છે ને ! પરંતુ બીજા ફકરામાં કવિએ જે વાત કરી છે એ વિચારણા માંગી લે છે. મને જે ‘અગમ’ લાગ્યું છે, એ વિશે મિત્રોનું શું કહેવું છે?

(મલાજે = મર્યાદા, અદબ/રત = ઋતુ, આસક્ત/સુરમઈ = કાજળયુક્ત)

Comments (3)