બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી – સુરેશ દલાલ
ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.
ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.
હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.
બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી
મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી
ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.
ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.
એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.
સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી
બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક
એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ
વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.
– સુરેશ દલાલ
સુ.દ.ના આ ડોસા-ડોશી કાવ્યો મને ખૂબ ગમે છે. (એક પહેલા પણ રજૂ કરેલું) આ ગીતમાં કવિ સહજીકતાથી જ પ્રસન્ન વાર્ધક્યનું ચિત્ર દોરી આપે છે. એમાં ક્યારેક રહેતા ગાજી થી માંડીને શરીરની ખામોશી જેવી બધી વાતો પણ આવી જાય છે. ડોશીના ઘૂંટણ દુ:ખે તો ડોસો ધીમે ચાલે એ પણ પ્રેમની જ એક અભિવ્યક્તિ છે ને ! સમય સાથે અભિવ્યક્તિ ભલે બદલાય પણ પ્રેમ તો એજ રહે છે.
સુરેશ જાની said,
February 17, 2007 @ 6:41 AM
સૌથી પહેલું ડોસા – ડોસી કાવ્ય અમદાવાદમાં શ્યામલ સૌમિલ મુન્શીના પ્રોગ્રામમાં સાંભળ્યું હતું, ત્યારે લોકોને તે બહુ જ ગમ્યું હતું .
ડોસો રથી થોંથા લાવે આમાં સમજણ ન પડી.
વિવેક said,
February 17, 2007 @ 1:51 PM
સમય સાથે અભિવ્યક્તિ ભલે બદલાય પણ પ્રેમ તો એજ રહે છે…. આ ફૂટનોટ વાંચીને મેં એક જ શેર લખીને છોડી દીધેલી ગઝલ યાદ આવી:
\”સમય સાથે બધું બદલાય છે, શું વ્યક્તિ કે શું પ્રેમ?
ઉપર બાઝી જશે જાળાં, ભલે ને એજ રહેશે ફ્રેમ !\”
Harshad Jangla said,
February 21, 2007 @ 9:48 PM
ડોસો બહારથી પુસ્તકોના થોથા ઉપાડી લાવે અને ડોસી ભાજી
સુરેશભાઈ મારી સમજણ બરાબર લાગી ?
પ્રતિક ચૌધરી said,
September 7, 2008 @ 8:07 AM
વિવેકભાઈ આપનો શેર બિલકુલ સાચો છે.સુરેશ દલાલની ડોસાડોસીના વ્હાલની વાત હજમ નથી થતી.
PH Bharadia said,
September 25, 2011 @ 5:04 AM
સુરેશ દલાલે આ ગીત કઈ સાલમાં લખેલું?
આજે હવે તો પવન એવો વહ્યો છે કે ડોસા ડોશીઓ પણ જરા પણ વાકું પડ્યું કે
જુદા પડી જતા હોય છે!
કોઇએ આજ પન્ના પર લખેલું છે ”સમય સાથે બધું બદલાય છે, શું વ્યક્તિ કે શું પ્રેમ?”
rajnikant.a .shah said,
September 25, 2011 @ 5:43 AM
આજે હવે તો પવન એવો વહ્યો છે કે ડોસા ડોશીઓ પણ જરા પણ વાકું પડ્યું કે
જુદા પડી જતા હોય છે!
આજ ના જમાના મા કોને ડોસા ડોશીઓ બનવુન ે?