અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….
– માધવ રામાનુજ
આ ગીતને શુભા જોશીના સૂરીલા કંઠે, અને શ્યામલ- સૌમિલના મધુર સ્વરાંકનમાં સાંભળતાં આપણને પણ આવો અનુભવ એક વાર કરી લેવાનું મન થઇ જાય છે.
આ ગીતમાં જે અનુભવની વાત કરી છે, તે અનુભવ થયેલા અગણિત વ્યક્તિઓએ પોતાનો આ અનુભવ બધાને પણ થાય તેવી ઇચ્છા રાખી છે.
કમભાગ્યે, તેમણે કહેલા માત્ર શબ્દોને જ પકડીને જગતના સર્વ ધર્મો અને સંપ્રદાયો રચાયા છે, અને લાખો લોકોનાં લોહી રેડાયાં છે, અને અગણિત માનવ વ્યથાઓએ જન્મ લીધો છે. અને હજુ પણ આ દારૂણ પ્રક્રિયા ચાલુ જ છે.
માટે જ્યારે કોઇ શબ્દ આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે જે ભાવ કે અનુભવનો તે પડઘો હોય છે, તે મૂળ તત્વ આપણા માનસ પટમાં ઝીલાય, અને આપણે તે ભાવ સાથે તાદાત્મ્ય અનુભવીએ, ત્યારે આપણી સંવેદનશીલતા બરાબર પાંગરી છે, તેમ કહી શકાય.
Chetan Framewala said,
September 8, 2006 @ 11:23 AM
શ્રી માધવ રામાનુજ ની આ રચના એમનાજ મુખે ૧૪, ઓગસ્ટ ૨૦૦૬ ના મુસાયરામાં સાંભળવા મળી એ મારું સદભાગ્ય,એ માટે આઇ એન ટી. નો આભાર .
માધવ ભાઈ એ આંખો બંધ કરીને જ્યારે ,
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
આ પંક્તિ ગાઈ ત્યારે એમના ચ્હેરા પર જે અદભૂત ભાવ હતાં તે મારા તથા ત્યાં હાજર સૌ શ્રોતાઓ ના અંતર માં અંકાઈ ગયાં છે.
કવિ જ્યારે કવિતા પાઠ કરતા હોય છે, ત્યારે એમનું મન સર્જન ની શ્રણોમાં પહોંચી જાય છે, જે શ્રોતાઓ માટે એક અદભૂત લ્હાવો છે.
લયસ્તરો પર આ કવિતા વાંચી હું ફરી માધવ ભાઈના એ અદભૂત ભાવ જગત માં ખોવાઈ ગયો; એ માટે આપનો ખુબ ખુબ આભાર .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.
અંદર તો એવું અજવાળું - માધવ રામાનુજ « અંતરની વાણી said,
March 3, 2007 @ 12:02 PM
[…] March 3rd, 2007 અંદર તો એવું અજવાળું, અજવાળું સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું. – માધવ રામાનુજ […]
Neela Kadakia said,
March 7, 2007 @ 1:06 AM
અદભૂત
સાથે ચેતનભાઈની અનુભૂતિ પણ અદભૂત
માધવ રામાનુજ, Madhav Ramanuj « ગુજરાતી સારસ્વત પરિચય said,
May 28, 2007 @ 2:44 AM
[…] માધવ રામાનુજ, Madhav Ramanuj Filed under: પત્રકાર, ફિલ્મક્ષેત્ર વિષયક, કલા સાહિત્ય, નાટ્યકાર, કવિ, વિવેચક, નવલકથાકાર — jugalkishor @ 12:30 am “અંદર તો એવું અજવાળું, અજવાળું. સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું. “ (વાંચો: કાવ્યરસાસ્વાદ ) […]
Laxmiklant Thakkar said,
May 19, 2012 @ 8:35 AM
“અંદર તો એવું અજવાળું, અજવાળું. સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું
સએઅસ…એક આહલાદક અનુભૂતિની વાત!
***
“હું છુ માત્ર”નો એહસાસ કઇંક જીવંત થઈ ગયો, હવે ક્ષણે ક્ષણમાં.
છુટ્ટા છેડાનો અનંત વ્યાપ, પ્રસરતો રહ્યો, તો પમાયું ક્ષણમાત્રમાં.
***
એ છે! હાજરાહજૂર! સદા ચળકતાં છે પ્રચૂર!
આ વિલસે તે ઝળહળ બધી એની છે,હઝૂર!
***
-લા’ જન્ત / ૧૯-૫-૧૨
અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ | ગદ્યસુર said,
March 4, 2013 @ 9:19 AM
[…] અંદર તો એવું અજવાળું, અજવાળું સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું. […]
રાજેન્દ્ર આર. શાહ said,
November 4, 2021 @ 8:08 AM
ઉત્કૃષ્ટ કાવ્યતત્વ આટલી ઉત્કૃષ્ટ સંગીતનિયોજન !
હસ્તાક્ષરના સંગ્રહ માં !
પણ એક શબ્દ માટે ધ્યાન દોરવાનું છે ખરેખર પ્રથમ પંક્તિમાં
” ટળવળતી “હોય આંખ જેને જોવાને. !
એ વધારે ઉચિત લાગે છે અને સંગીત નિયોજન માં પણ ટળવળતી જ ગવાયું છે
છે ! અન્ય એક વેબસાઇટ પર પણ આ જ શબ્દ છે!
યોગ્ય રીતે ચકાસણી કરી નિશ્ચિત કરવા વિનંતી છે!