દે વરદાન એટલું -ઉમાશંકર જોશી
સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;
ને આંખમાંના અમી ના સૂકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો !
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથી ય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.
અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.
-ઉમાશંકર જોશી
ગાંધીયુગના આ મહાકવિએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કે પછી સ્વતંત્રતા પછીના ભારતનું આવું દર્શન કરેલું. સ્વાતંત્ર્યદિને આપણે આ દર્શનને યાદ કરીએ.
આજે જ્યારે આપણો દેશ હરણફાળે પ્રગતિ કરી રહ્યો છે અને વિશ્વસત્તા બનવા હોડ બકી રહ્યો છે ત્યારે આપણે વિચારવું પડે તેમ છે કે આ સ્વપ્નની દિશામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ.
સાંપ્રત સમાજ અને રાજકારણ અને બધાજ ક્ષેત્રો આથી સાવ ઊંધી જ દિશામાં જતા હોય તેમ નથી લાગતું?
Siddharth said,
August 15, 2006 @ 7:17 AM
ધવલ,
સ્વતંત્રતા દિવસના અવસરે આવી સુંદર રચના પ્રસ્તૂત કરવા બદલ ઘણો જ આભાર.
“વ્યક્તિ મટીને બનુ હું વિશ્વમાનવી” જેવા વિચારો ધરાવતા શ્રી ઉમાશંકર જોશીની આવી સુંદર રચના વાંચવાની મજા આવી..
તમોને તથા ગુજરાતી બ્લોગજગતનાં વાંચકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.
સિદ્ધાર્થ
પંચમ શુક્લ said,
August 15, 2006 @ 8:46 AM
સ્વતંત્રતા, દે વરદાન એટલું ..
જો થઈ શકે તો અલ્પ કિંતુ મુજ થકી થનાર કો પ્રદાનને પાત્ર બસ ઠરું!
રાષ્ટ્રના હરેક રૂપનું પ્રમાણ આપણે, આપણાં કુશળક્ષેમનું આહવાન બસ કરું.
લયસ્તરો પર વિહરતા,જતાં આવતાં હર પ્રવાસી તણું લો અભિવાદન કરું.
જય હિંદ…
વિવેક said,
August 16, 2006 @ 3:22 AM
સરસ રચના…. પણ આમાંના એકેય વિચાર સાર્થક થયા જણાય છે ખરા? આપણે શું સાચે જ સ્વતંત્ર છીએ? કોઈ નાટક પર કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દેવો, કોઈ માણસ કોઈ વિધાન કરે એટલે એના વિરુદ્ધ દેખાવ કરવા… આપણે શું એક શ્વાસ પણ મરજી મુજબનો લઈએ છીએ ખરાં?
r said,
July 21, 2012 @ 10:48 AM
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી
r said,
July 21, 2012 @ 10:51 AM
તે પંગતે હો સહુથી ય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.
this is called self analysis