કોમળ કોમળ… – માધવ રામાનુજ
હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ…
સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ…
આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..
પ્હેર્યાં-ઓઢ્યાંના ઓરતા રે છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા રે અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગ્હેકાવજો રે અમે કોમળ કોમળ…
હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો:
– ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
– ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !
– માધવ રામાનુજ
આ ગીતમાં નાયિકા અજબ ખૂમારી, ગૌરવ અને નાજૂકાઈથી મરણપથારી પરથી પોતાના વિતેલા જીવનની વાત કરે છે. દુ:ખ અને અડચણથી ભરેલા જીવનના અંતે નાયિકાને રંજ કે અફસોસ નથી, એની વાત તો તદ્દન અલગ છે – એ કહે છે કે હું એટલી કોમળ છું કે મને હળવા હાથે ઉઠાવજો અને મને ફૂલ પર સુવાડજો. આખી જીંદગી કાંટાઓ પર વિતી છે એનો થાક ઊતારવા ઊના પાણીએ નવડાવજો (અહીં શબને નવડાવવાના રીવાજ તરફ ઈશારો છે.) આખરી સફરમાં નવા, ચમકતા વસ્ત્રો પહેરાવજો. પણ આખરે એ સૌથી મોટી વાત કરે છે – એની ઈચ્છા છે કે ભવ ભવ આવું જ જીવન મળે ! જીવન દુ:ખથી ભરપૂર હતું તો ય એને બદલવું નથી, એવા જીવનનો પણ મનને સંતોષ છે.
આખા ગીતમાં, વિતેલા જીવનની સખતાઈઓની સામે ‘કોમળ કોમળ’ પ્રયોગ અદભૂત રીતે વિષમ ભાવ ઊભો કરે છે. આ ગીતની સાથે થોડા દિવસ પર ટહુકા પર મૂકેલું ગીત માંડવાની જૂઈ પણ જોવા જેવું છે.
Jayshree said,
February 19, 2007 @ 9:54 PM
ધવલભાઇ…
ઘણીવાર સાંભળેલુ આ ગીત આજે લયસ્તરો પર તમારા આસ્વાદ સાથે વાંચવુ વધારે ગમ્યું.
શાંત મન સાથે આ ગીત ધ્યાનથી વાંચો તો આંખો ભીની કરી જાય છે. થોડા દિવસોમાં ટહુકા પર મુકીશ આ ગીત પણ.
સુરેશ જાની said,
February 20, 2007 @ 1:38 AM
મને બહુ જ ગમતાં ગીતોમાંનું એક. મહાદેવનના સ્વરમાં અને અજિત શેઠના સ્વરાંકનમાં આ ગીત સાંભળતાં મૃત્યુનું પણ ગૌરવ હોય છે, તેનો અહેસાસ થઇ જાય છે. રાસવિહારી દેસાઇએ પણ આ ગીત ગાયું છે.
બન્ને આલ્બમોના નામ પણ ‘અમે કોમળ કોમળ’ જ છે.
આપણું કોઇ એકદમ પ્રિય સ્વજન મૃત્યુ પામે ત્યારે તેની લાશને આપણે લાશ તરીકે સ્વીકારી નથી શકતા. તે લાશ જો બોલવા માંડે તો તે કદાચ આવું જ કંઇક કહે.
mehul said,
February 20, 2007 @ 1:35 PM
મારો પ્રથમ અનુભવ કેવિ રિતે વર્નન કરુ? ખરેખર ખુબ મજા આવિ અને થયુ કે આવિ સારિ કવિતઓ નો ખજનો વર્શો પેહ્લલા મલ્યો હોતે તો કેવુ સારુ?
S.Vyas said,
February 21, 2007 @ 1:43 PM
વિવેકભાઈ/ ધવલભાઈ,
ખૂબ હ્દયસ્પર્શી ગીત છે…..
Thank you for your notes about the poem/song…..
Do you have any information regarding the poet’s inspiration behind this composition?
Anit said,
September 18, 2010 @ 6:46 AM
here can we download this song?