શરદ વૈદ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 27, 2014 at 12:30 AM by ધવલ · Filed under ગઝલ, શરદ વૈદ્ય
વાતમાંથી વાત તારી નીકળી,
એ પછી બસ એકધારી નીકળી
આંસુઓના શહેરમાં તડકો બની
પાંપણે ઝળહળ સવારી નીકળી
નીકળ્યું મારી કબરમાંથી નગર
ધારણાં સૌની ઠગારી નીકળી
કેટલું હસતા રહ્યાં પડદા સતત
બારીની સંગત નઠારી નીકળી
– શરદ વૈદ્ય
કવિ એટલે યાદોનો પૂજારી.
લોકો રાજા-મહારાજા કે નેતા-અભિનેતાઓની સવારી કાઢે છે. જ્યારે કવિ યાદોની સવારી કાઢે છે. આંસુના શહેરમાં (કદીક જ આવતો) તડકો બનીને એ ઝળહળ સવારી નીકળે છે અને એ ય પાંપણ પર !
જે વિચાર વધારે ન ફેલાય એ ખાતર કવિને કબર ભેગા કરી દેવાયા તે વિચાર આજે આખા શહેરમાં ફેલાઈ ગયો છે. માણસનું વીતી જવું સહ્ય અને સહજ છે પણ એ હસ્તીના અંતે એક આખી વિચારધારાનો જન્મ થાય એવું સૌભાગ્ય કોઈ કોઈને જ મળે છે.
Permalink
July 24, 2006 at 8:35 PM by ધવલ · Filed under ગીત, શરદ વૈદ્ય
છોકરાએ બાગ મહીં ભટકી ભટકીને કૈંક
એવો તે વેપલો કીધો,
છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં
કોરો રૂમાલ એક દીધો.
હોઠોમાં થનગનતા શ્વાસોને લાગેલું
રૂપાળા ચહેરાનું ઘેલું,
હોઠોની વંડીઓ ઠેકતું એ જાય દૂર
ઘેલી સીસોટીઓનું ટોળું.
સૂર મહીં હણહણતો શબ્દોનો ધોધ પછી
છોકરીએ ખોબલે પીધો,
લાગણીના તડકામાં છોકરાએ છોકરીનો
મ્હેક ભર્યો ફોટો તે લીધો,
છોકરા એ છોકરીને ફૂલોના…
છોકરીની છાતીમાં નળિયાં તૂટ્યાં ને પડ્યો
નળિયે વરસાદ કૈંક એવો,
ઝબકીને જાગ્યા રે ફળિયા એ ફળિયામાં.
ઊમટ્યો તો સાદ નીક જેવો.
શમણાંને સથવારે રેશમી રૂમાલ લાલ
પૂર્યો તો સેંથીમાં સીધો,
મીરાં બનીને પછી છોકરીએ લ્હાય લ્હાય
ભગવો તે શ્વાસ એક લીધો
છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં
કોરો રૂમાલ એક દીધો.
– શરદ વૈદ્ય
આ રમતિયાળ ગીતમાં મુગ્ધપ્રણયની વાત આબાદ રજૂ થઈ છે. મન અને જીવનની કુમળી અવસ્થામાં જ એવો પ્રેમ શક્ય છે જે શરૂ તો થાય રૂમાલથી, પણ વધીને છેક મીરાંના ભગવા સમોવડિયો ઊભો રહી શકે. ગીતની રચના અને શબ્દોને જોઈને સહજ રીતે જ રમેશ પારેખની યાદ આવે એવું સુંદર આ ગીત બન્યું છે.
Permalink