જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અંગત અંગત : ૧૦ : વાચકોની કલમે – ૦૬

અમારી માંગણીને માન આપીને રઈશભાઈ લયસ્તરોની આ યાત્રામાં જોડાયા એ અમારે મન મોટો પુરસ્કાર છે…

*

દરેક વાતે વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા
સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઈને નિહાળતો જા

સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
ન તોલ એને, મઠારવાનું ત્યજી દઈને નિહાળતો જા

પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઈને નિહાળતો જા

આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
દુઃખે દુઃખે આંસુ સારવાનું ત્યજી દઈને નિહાળતો જા

ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
તું એની લટને નિખારવાનું ત્યજી દઈને નિહાળતો જા

તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઈને નિહાળતો જા

– રઈશ મનીઆર

હું શરૂઆતમાં, અગિયારેક વરસની ઉંમરે, કવિતા પ્રત્યે માત્ર ચમત્કૃતિ સાધવાની એની શક્તિથી આકર્ષાયેલો. ત્યારે કોઇ ઊંડાણભરી નિસ્બત નહોતી એવું અત્યારે લાગે છે. પાઠ્યપુસ્તકની કૃતિઓ તો બોલાતી ભાષાથી જોજનો દૂર લાગતી એટલે રસ નામપૂરતો જ. કવિતાનો પહેલો પ્રભાવ, કવ્વાલીઓના કાર્યક્રમમાં જે રીતે ગઝલના કાફિયા પર શ્રોતાઓ ઉછળી પડતા એ જોઇને પડ્યો. રદીફ, કાફિયા અને છંદનું ઘેલું ત્યારથી લાગ્યું. મારી કવિતાનું બાહ્ય કલેવર તો ત્યારથી ઘડાવા માંડ્યું હતું પરંતુ મારી કે બીજા કોઇ કવિની કોઇ કવિતા મારા જીવનમાં પરિવર્તન લાવે એ હદે સ્પર્શી નહોતી. ખરેખર તો કવિતા આંતરિક પરિવર્તન લાવી શકે એવો મને ખ્યાલ જ નહોતો. આંતરિક પરિવર્તનની જરૂર છે એવો ખ્યાલ પણ જીવાતા જીવન અને લખાતી કવિતાની જુગલબંદીથી મોડેમોડે આવ્યો. 27 થી 37 વરસની ઉંમર વચ્ચે જે મથામણ અનુભવી, એને કવિતામાં વ્યક્ત કરી. પરંતુ કવિતાનો પોતાનો “હીલિંગ પાવર” મને મારી ‘નિહાળતો જા’ ગઝલમાં પ્રથમવાર અનુભવાયો. કદાચ કોઇને લાગે (ઘણીવાર મને પણ લાગે છે) કે આ કવિતામાં નવી કોઇ વાત નથી. સાક્ષીભાવની વાત તો પૂર્વકાળમાં અને અન્યત્ર બહુ થઇ છે. પરંતુ એથી મારે માટે આ કવિતાનું મહત્વ ઘટી જતું નથી. આ કવિતા માટે હું ખાતરી પૂર્વક કહી શકું કે એ મારી પડખે વારંવાર ઊભી રહી છે. સ્વત્વનું એકાંત જ્યારે મૂંઝવી નાખે, ગૂંગળાવી નાખે ત્યારે આ કવિતા તરત જ મને સમગ્રતાના ખોળામાં નિશ્ચિંતપણે વિહરતો કરી દેવાની તાકાત ધરાવે છે.

કવિ રઈશ મનીઆરની આ રચના માનવ રઈશ મનીઆરને કેટકેટલા લાભ કરાવે છે! એના જીવનમાં કુતૂહલ વિરમે છે, બાળસહજ પ્રશ્નો વિરમે છે, વિચારબાહુલ્ય અને વિકલ્પોની નિરર્થકતા સમજાય છે, ગમા અણગમાની તીવ્રતા ઓછી થાય છે, ‘હું કરું’ ‘હું કરું’ની કર્તૃત્વભાવના ઘટે છે, દરેક વસ્તુનો પ્રતિભાવ આપવા કે સેવવાની મજબૂરીમાંથી છૂટકારો મળે છે.

આજની તારીખે આ કવિતાના ભાવ પર મારું સંપૂર્ણ અવલંબન નથી. જીવન શાંતિપૂર્વક અને રસપૂર્વક જીવવા માટેના અન્ય આધારો કવિતામાંથી અને કવિતાઈતર જગતમાંથી શોધી કાઢ્યા છે. પણ નિ:શકપણે આ કવિતા મારે માટે માનસિક સમાધાન, સ્વીકાર અને સંતુલનની દિશાનું પ્રથમ મક્કમ પગલું બની રહી છે.

મારી કવિતાઓ સામાન્યરીતે મને લાંબો સમય સુધી ગમતી નથી. લખ્યાને સાત વર્ષ થયા, તો ય આજે પણ આ ‘લગાલગાગા’ના ચાર આવર્તનો પર ડોલવાનું મને હજુ ગમે છે.

Comments (15)

અંગત અંગત : ૦૯ : વાચકોની કલમે – ૦૫

ક્યારેક કોઈ કવિતા  મનુષ્યની અંદરના કવિને જાગૃત કરે છે તો ક્યારેક કોઈ વેબસાઇટ પણ.. લયસ્તરો અને ફેસબુકના કારણે કવિતાની કેડી પર પગલાં પાડવાની શરૂઆત કરનાર નરેશ ડૉડીયા શું કહે છે એ આજે જોઈએ:

*

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.

આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.

હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

– મનોજ ખંડેરિયા

લગભગ દોઢ વર્ષ થયાં હું ફેસબૂકમાં જોડાયો. ત્યાર બાદ ગઝલોની અવનવી વેબસાઇટ સાથે મિલાપ થતો રહ્યો.. ફેસબુકમાં ગુજરાતનાં નામી કવિઓ સાથે જોડાતો ગયો.  આમ તો સાહિત્ય સાથે અમારે બાપેમાર્યા વેર કહેવાય કારણ કે અમારો લોંખડનો વેપાર અને અભ્યાસ પણ બહુ ન કહી શકાય… ફેસબુકમાં બધાને લખતાં જોઈ માંહ્યનો સાહિત્યરસિક જીવ સળવળી ઉઠયો અને પછી વિવેકભાઈના કારણે લયસ્તરોનો મેળાપ થયો… પછી તો ‘મોસાળે જમણવાર અને મા પીરસે’ જેવો ઘાટ થયો…. લયસ્તરોમાં નામી કવિઓની રચના વાંચી વાંચીને ધીરે ધીરે લખતા શીખ્યો. જિંદગીમાં કદી રદીફ, કાફિયા, છંદ, આછાંદસ, મક્તા, મત્લા- એવાશબ્દો સાંભળ્યા ન્હોતા. ખરેખર મારી લેખિનીને લયમાં લાવવા માટે લયસ્તરોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.

લયસ્તરોને છ વર્ષ પુરા થયા એનાં માટે હાર્દિક શૂભેચ્છાઓ, દિલ સે…!! અમારી આવનારી સાત પેઢી પણ લયસ્તરો સાથે સકળાયેલી રહેશે એવી આશા સાથે જય જય ગુર્જરી….. જય જય ગુજરાતી…

આ સાથે મારી મનગમતી અને મારા મનગમતા કવિ શ્રી મનોજભાઇની ખંડેરિયાની રચના મોક્લુ છું, જેં વાંચીને મનોજભાઇને શબ્દદેહે મારી આસપાસ ભાળુ છું.

– નરેશ કે. ડૉડીયા

Comments (9)

અંગત અંગત : ૦૪ : કવિતાનું ઋણ

કવિતા સાથે મને ક્યારે પ્રેમ થયેલો એનો મને ખ્યાલ નથી. બસ નાનપણથી જ વાંચવાનું ગમતું.  ગમતી ગુજરાતી કવિતાઓ અને શાયરી એક નોટબુકમાં ક્યારે ઉતારવા માંડેલી, એનોય ખાસ ખ્યાલ નથી.  શાળાનાં દિવસોથી જ ઉમાશંકર જોશીનું ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ગીત, તો કલાપીનાં ‘આપની યાદી’ અને ‘રે પંખીની’ જેવા ઘણા ગીતો આત્મસાત થઈ ગયેલા.  એ સમયકાળ દરમ્યાન એક વેકેશનમાં મારા એક માસાજીએ એમનાં એક મિત્રનું ઓડિયો-કેસેટ આલ્બમ લાવી આપેલું… ‘ધબકાર’ !  રિષભઅંકલની એ કેસેટ સાંભળી સાંભળીને અમેરિકા આવતા સુધીમાં તો મેં સાવ ઘસી નાંખેલી.  ત્યારે અણજાણ્યે જ ગુજરાતી ગઝલ અને સુગમ સંગીત પ્રત્યે પ્રેમ થઈ ગયેલો. એ આલ્બમની બધી રચનાઓ સાવ કંઠસ્થ થઈ ગયેલી અને ઘણી રચનાઓ તો અર્થ સમજ્યા વિના જ હૃદયસ્થ થઈ ગયેલી, જેમ કે શરૂઆતનું જ આ મુક્તક-

તું નથી આ શબ્દનાં આકારમાં,
તું નથી આ સૂરનાં શણગારમાં,
ક્યાં નજાકત તારી ને ક્યાં આ જગત ?
સાચવું તેથી તને ધબકારમાં…

અને બીજી ઘણી રચનાઓ પણ, જેવી કે- આશાનું  ઈંતઝારનું સપનાનું શું થશે?… ફેંક્યો પત્થર, માણસ પત્થર… રમતા રમતા લડી પડે ભૈ માણસ છેચાલને દુલ્હા-દુલ્હન રમીએ… શિલ્પી ઘડી રહ્યા છે શું પત્થર નવાં નવાં… જે આંખો મને દેખી જ્યારે નમી’તી, એ આંખો મને ત્યારે સૌથી ગમી’તી… હું મજામાં છું એ મારો વ્હેમ છે…વિ. પરંતુ મોટા ભાગની એ રચનાઓ ગઝલો જ હતી એનું જ્ઞાન મને હજી ત્યારે ન્હોતું. અને પછી તો 1990થી ઘણા વર્ષો સુધી દેશ, દોસ્તો અને સ્વથી સાવ જ દૂર થઈ ગયેલી. વ્હાલું વતન અને વ્હાલા મિત્રોને છોડ્યા બાદ વતનપ્રેમનું કોઈ પણ ગીત આંખોને અચૂક ભીની કરી જતું.  મિત્રોનાં પત્રોની તો કાગડોળે રાહ જોવાતી અને જ્યારે કોઈ પત્ર આવતો ત્યારે ‘ચિઠ્ઠી આઈ હૈ આઈ હૈ’ ગીતનો બેશુમાર નશો ચડતો અને એ પત્ર કંઈ કેટલીયે વાર વંચાતો.  કોકવાર જ્યારે કોઈ મિત્રનો પત્ર ઘણા વખત સુધી ન આવવાની નિરાશા સાંપડતી અને હું પત્ર લખવા બેસતી ત્યારે ‘ધબકાર’ની આ ગઝલ મને ખાસમખાસ અચૂક યાદ આવતી…

સ્વર-સંગીત: રિષભ મહેતા

[audio:http://tahuko.com/gaagar/hu-majama-chhu.mp3]

હું મજામાં છું- એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?

કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી,
શું મને ભૂલી જવાની નેમ છે?

કૈંક ઉમંગોની છબી ફૂટી ગઈ,
ખાલી ખાલી જિંદગીની ફ્રેમ છે.

એ જ બીજી કાંઈ નવાજૂની નથી,
આપણા ઉપર પ્રભુની રહેમ છે.

– નયન દેસાઈ

સાત વર્ષ પછી દેશની પ્રથમ મુલાકાત વખતે એક સહેલીએ પાછા વળતી વખતે રેલ્વે સ્ટેશન ઉપર મને મનહર ઉધાસનાં ‘આગમન’ આલ્બમની કેસેટ આપેલી. ત્યાર પછી લગભગ રોજ કારમાં એકવાર તો એ કેસેટ વાગતી જ. લગભગ ઘસાવા માંડી હતી એટલી હદે. પરંતુ ત્યારે જ એક દિવસ મારી એ કાર ચોરાઈ ગયેલી, ત્યારે કાર ગયા કરતાં એ કેસેટ ગયાનું દુ:ખ મને વધારે થયેલું; કારણ કે કારનો તો ઈંસ્યોરંસ હતો પરંતુ એ કેસેટનો ન્હોતો.  ‘એ મેરે પ્યારે વતન’ ગીત વતન છોડ્યા બાદ અસ્તિત્વનો એક અભિન્ન હિસ્સો બની ગયેલું.  જીવનનાં સોળ વરસ સુધી અસ્તિત્વનાં સંઘર્ષનો પર્યાય બની ગયેલા એ વર્ષો પછી એ ગીતનું સ્થાન છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં આદિલજીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ અને ‘વતનની ધૂળનાં એકેક કણને સાચવજો’ જેવી ગઝલોએ ક્યારે લઈ લીધું હતું એનો મને પોતાને પણ ખ્યાલ સુદ્ધાં ન રહ્યો.  દેશ અને દોસ્તોથી દૂર થવાની પીડા તો હતી જ, પરંતુ એક હકીકત એ પણ હતી કે સમયનાં વહેણમાં દૂર થઈ ગયેલા દેશ અને દોસ્તો હૃદયની જરા વધુ નજીક આવી ગયેલા.  દેશમાં અને સ્વદેશ બની ગયેલા આ પરદેશમાં ગુજરાતી કવિતાએ મને ખૂબ જ હૂંફ આપી છે, પંપાળી છે, મનાવી છે, સાચવી છે.  અને એની પ્રતીતિ મને છેલ્લા પાંચેક વર્ષો દરમ્યાન જ થઈ છે.  કવિતાનું ઋણ અને કવિતા લખવાનું પ્રેરકબળ બની રહેલા મિત્રોનું ઋણ આ જીવનમાં તો હવે ઉતરી રહ્યું…

Comments (13)

અંગત અંગત : ૦૩ : …..એક-મેકના મન સુધી…..

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

ભાવકોની ક્ષમા માંગતા આ રચના મૂકું છું-અતિ જાણીતી રચના છે,પરંતુ મારે માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ સમાન રચના આ જ છે. કાવ્યપ્રકાર માટે પ્રથમ આકર્ષણ થયું હતું. ચોથા ધોરણમાં-૧૦ વર્ષની ઉંમરે, ૧૯૮૦માં – કલાપીની ‘રે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો….’ -રચનાએ મને હલાવી દીધો હતો.  ‘ રે રે શ્રદ્ધા ગત થઇ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘા ને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે…’ – આ પંક્તિઓની સચોટતા આજેપણ ઉરને હચમચાવી મૂકે છે.

આશરે ૧૫ વર્ષની ઉંમરે મિત્રોની મહેફિલમાં ગનીચાચાની આ રચના પહેલીવાર સાંભળી. ધગધગતી છૂરી માખણમાં જેમ ઉતરે તેમ આ રચના કાળજામાં ઉતરી ગઈ. અનેકવાર આ ગઝલ વાંચી. પહેલાં સ્થૂળ અર્થમાં જ સમજ પડી. ધવલે તેનો સૂક્ષ્મ અર્થ સમજાવેલો- ‘ નિજ શત્રુઓ…’ એટલે બાહ્ય નહિ, પરંતુ આંતરિક રિપુઓ ! એ કાળ જુવાળોનો કાળ હતો, ઝંઝાવાતોનો કાળ હતો. તે સમયે આ ગઝલે એક મિત્રની જેમ, એક સખાની જેમ, એક સુહૃદની જેમ બરડો પંપાળ્યો હતો.

આજે પણ જયારે આ ગઝલ સામે આવે છે ત્યારે નખશિખ ભીના થઈ જવાય છે- એ ભીનાશ એ આંસુઓની છે કે જે વહી ન શક્યાં. પ્રત્યેક શેર ઉપર હું પાનાંનાં પાનાંઓ ભરી શકું એમ છું, પરંતુ તેની જરૂર નથી. આ ગઝલે મને અંતર્મુખતા આપી હતી, પ્રેમની ચરિતાર્થતા એટલે શું તે સમજાવ્યું હતું, એક નવી જ દૃષ્ટિ ખોલી આપી હતી. ત્યારબાદ ઘણી લાંબી મજલ કપાઈ ગઈ….સમયનું ચક્ર ફરતું ગયું…..ચંદ ક્ષુલ્લક ભૌતિક સફળતાઓએ પોતાની ક્ષણભંગુરતા અને નિરર્થકતાની પ્રતીતિ કરાવી. સાચી સફળતા એક-મેકના મન સુધી પહોચવામાં જ છે તે મોડું મોડું સમજાયું. અને કવિએ મત્લામાં જે ક્ષણના આવવાની દ્રઢ શ્રદ્ધા પ્રકટ કરી છે, તે ક્ષણના ઇન્તઝારમાં આજેપણ સદીઓ સમી ભાસતી ક્ષણો કપાતી નથી. કોઈના શ્વાસ બંધ તો થયા, પવન અગન સુધી ન ગયો; પરંતુ હૃદયની આગ બુઝાઈ નહિ. બસ, હવે એક-મેકના મન સુધી પહોંચવાની યાત્રા સફળ થાય તો ધન્ય થઈ જવાય….અદભુત આદર્શો વ્યાખ્યાયિત કરતી આ ગઝલ આજે પણ મારા માટે ચિરયૌવના છે…..

Comments (16)

મારામાં – દિલીપ વ્યાસ

તમામ સ્વર્ગ ને તમામ નરક મારામાં
ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં !

કદીય શબ્દની ધૂણી નથી ઠરવા દીધી,
હંમેશ એટલો જગવ્યો છે અલખ મારામાં

જરીય ભય નથી બંધનનો હવે માયાથી,
થયેલ હોઉં છું પોતે જ, ગરક મારામાં.

સળગતો પ્રશ્ન છતાં બેફિકર છું, કારણ કે –
ભલે હું ઊંઘતો, જાગે છે ગઝલ મારામાં !

પુણ્ય ને પાપ તો ભાસે છે રમતના સાથી,
કરું છું જ્યારે હું શૈશવનું સ્મરણ મારામાં !

– દિલીપ વ્યાસ

આજે એક શબ્દના ફકીરની અલગારી ગઝલ માણો !

Comments (10)

ગઝલ – ‘કાયમ’ હઝારી

ખુદા જાણે તમે કેવી જગા પર જઈને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા !

તમે પાછા કદી વળશો એ આશામાં જ વર્ષોથી
ઊભો છું ત્યાં જ જ્યાંથી આપણા રસ્તાઓ બદલાયા.

સમજદારીએ શંકાઓ ઊભી એવી કરી દીધી
હતાં જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા !

જિગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તાં કંઈ નથી આ રાહમાં અજવાળાં પથરાયાં.

કરી જોયા ઘણા રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઈને રોકાયા !

તમે આવ્યાં હતાં હસતાં, ગયાં ત્યારે હસતાં’તાં,
ભરમ એ હાસ્યના અમને, હજી સુધી ન સમજાયા !

હજુ મારે છે ઈશુને, મહાવીરને સતાવે છે,
યુગો વીતી ગયા કિન્તુ આ ઇંસાનો ન બદલાયા !

ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,
અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા.

– ‘કાયમ’ હઝારી

પરંપરાના રંગે રંગાયેલી આ ગઝલમાં મોટા ભાગના શેર અર્થગંભીર થયા છે અને આજે પણ પ્રાણવાન લાગે છે… પણ મને તો ‘ગજું’ શબ્દની ભાવકની ક્ષમતા મુજબ નાનાવિધ અર્થછટાઓ ઉપસાવતો અને તખલ્લુસને બખૂબી નિભાવતો મક્તાનો શેર ખૂબ ગમી ગયો…

Comments (22)

…ચાલ્યા જશે -ભરત વિંઝુડા

આજ આવ્યા અને કાલ ચાલ્યા જશે
એ કરીને જરા વ્હાલ ચાલ્યા જશે

એ જ પ્રશ્નો હશે કંઈ જુદા રૂપમાં
એમ ને એમ સો સાલ ચાલ્યાં જશે

તે છતાં પણ લખું તે કવિતા હશે
તું જશે એમ લય તાલ ચાલ્યા જશે

ફૂટશે તો પછી ત્યાં નવાં અંકુરો
સીમમાંથી ફરી ફાલ ચાલ્યા જશે

ઊંઘમાં સાવ ઝડપાઈ જાશું અમે
કોઈ ચાલી અને ચાલ ચાલ્યા જશે

-ભરત વિંઝુડા

ખબર નહીં કેમ પણ મને આ ગઝલ વાંચીને તરત બે ખૂબ જ પ્રખ્યાત રચનાઓ યાદ આવી ગઈ.  એક તો “જોબનીયું આજે આવ્યું ને કાલે જાશે” અને બીજી, બેફામસાહેબની એક પ્રખ્યાત રચના “એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના”…

Comments (16)

ગઝલ -ડૉ. રશીદ મીર

સાચ જેવા સાચની અફવા ન કર,
આપણા સંબંધની ચર્ચા ન કર.

પાછલો વરસાદ ક્યાંથી લાવવો,
આટલા વર્ષે હવે ઈચ્છા ન કર.

એક પડછાયાને કેટલો વેતરું ?
સૂર્ય સામે મારું કદ માપ્યા ન કર.

ભીંત બેસી જાય તો સારું હવે,
ક્યાં છબી ટાંગી હતી જોયા ન કર.

આગનો દરિયો છે ચડતો જાય છે,
ડૂબવાનું હોય છે જોયા ન કર.

એ ચાહે છે પ્રેમ કરવાને ફરી,
‘મીર’ પાછા પારખા વખના ન કર.

-ડૉ. રશીદ મીર

ડૉ. રશીદ મીરની ગઝલિયતથી ભરપૂર એક ગઝલ…

Comments (7)

દીવો કરી જુઓ -અશોક ચાવડા ‘બેદિલ’

અંધારથી ડર્યા વગર, દીવો કરી જુઓ,
અજવાશ આવશે નજર, દીવો કરી જુઓ.

અંદર સુધી ઉજાસનો અનુભવ થઈ જશે,
સગપણ વગર કબર ઉપર, દીવો કરી જુઓ.

ઊંચી ઈમારતોમાં છે દીવાલ મીણની,
કહેવું કઈ રીતે : “નગર, દીવો કરી જુઓ ?”

મનમાં ન મેલ હોય તો પડશે નહીં ફરક,
કપડાં ભલે લઘરવઘર, દીવો કરી જુઓ.

મારી જ જેમ જર્જરિત છે બારસાખ પણ,
રોકાઇ જાવ, આજ ઘર, દીવો કરી જુઓ.

– અશોક ચાવડા ‘બેદિલ’

અંધારાથી ડર્યા વગર જો દીવો કરીશું તો અજવાળું એની મેળે સામેથી ભેટવા આવશે…

Comments (11)

બતાવી દો એને ગઝલ આપણી – મનોજ ખંડેરિયા

ખબર ના પડે કોણ કરતું ડખા;
ગઝલ-મહેલના હચમચે માળખાં.

સમય તો શ્વસુર-અંધ-સરંગટ વહુ થઈ,
કથા સુણવા જાતા અમે ઓ અખા !

ગયા જન્મમાં ભોગવી’તી સજા,
હજી પીઠ પર ચમચમે ચાબખા.

ગરમ શાહીમાં હાથ બોળાવી તેં,
અમારાં બરાબર કર્યા પારખાં !

અષાઢી પડ્યાં ફોરાં ચાંદીના ઝીલી,
તને શું ખબર થઈ ગયાં છે બખા !

તને સારથિ સમજી આવી જતાં,
મને રથથી નીચે ઉતાર્યો સખા !

બતાવી દો એને ગઝલ આપણી,
કહે છે જે गुजराती में क्या रखा ?

– મનોજ ખંડેરિયા

છેલ્લા શેર તો મઝાનો છે જ. અખાના પ્રખ્યાત છપ્પાને યાદ કરતો બીજો શેર પણ બહુ આસ્વાદ્ય છે.

Comments (13)

(સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું) -ચિનુ મોદી ‘ઇર્શાદ’

સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું,
હું દૂભાતું, કોચવાતું બિંબ છું.

તું સપાટી પર મને શોધ્યા ન કર,
પાણીમાં તળિયે લપાતું બિંબ છું.

સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું ?
હું અરીસામાં મઢાતું બિંબ છું.

કેમ અટકી જાઉં છું કોને ખબર ?
રાત પડતાં ખોટકાતું બિંબ છું.

કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની,
તીક્ષ્ણ પળથી ઘસાતું બિંબ છું.

(27/9/2008)

-ચિનુ મોદી ‘ઇર્શાદ’

આજે ચિનુકાકાને ‘વલી’ એવોર્ડ મળવા જઈ રહ્યો છે ત્યારે આજે એમની આ ગઝલ માણીએ…

લયસ્તરોનાં વાચકો માટે ચિનુકાકાનો ખાસ સંદેશ:

‘વલી ‘ ગુજરાતી ગઝલ એવોર્ડ ૨૦૧૦ જયારે ૨૮ મી ઓક્ટોબર નાં રોજ સાંજે ૭ વાગે મને મળવા જઈ રહ્યો છે ત્યારે હું આપ સૌને આમંત્રિત જ નહિ પરંતુ ઇચ્છિત ગણું છું. આપ સૌ ત્યાં હાજરી આપી ને આ એવોર્ડ ને વધુ ગૌરવભેર બનાવશો. સ્થળ – ભાઈકાકા હોલ , લો-ગાર્ડન , અમદાવાદ.

શ્રી ચિનુકાકાને લયસ્તરો.કૉમ, ઊર્મિસાગર.કોમ અને ટહુકો.કૉમ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ…

Comments (16)

ખામોશી – રઈશ મનીઆર

જિંદગીભર વણી છે ખામોશી,
એક ચાદર બની છે ખામોશી.

કાનમાં તેં કહી છે ખામોશી,
એ જ કાયમ રહી છે ખામોશી.

દ્વાર પર મેં પ્રથમ ટકોરા કર્યા,
ને પછી સેરવી છે ખામોશી.

બેઉ સ્થળનો છે આગવો વૈભવ,
ત્યાં છે કલરવ,અહીં છે ખામોશી.

આપલે થઇ શકે છે વાણીની,
આપણી આપણી છે ખામોશી.

શબ્દ મારા સ્વભાવમાં જ નથી,
એ તો બસ છટપટી છે ખામોશી.

સાંભળ્યા છે અવાજ સૌના ‘રઈશ’
ને પછી જાળવી છે ખામોશી.

– રઈશ મનીઆર

આ ગઝલ વિષે કવિના પોતાના ઉદગારો- “આ ગઝલ હું મુશાયરાઓમાં નથી સંભળાવતો. આ મારી પ્રિય ગઝલોમાંથી એક છે. એક જ ગઝલના અલગ અલગ શેરોનું ભાવવિશ્વ અલગ અલગ હોય છે. ગઝલોમાં એકસૂત્રતાનો ,સાતત્યનો અભાવ હોય છે. આ ગઝલસ્વરૂપની મર્યાદા છે. અન્ય કલાકારોની માફક મારી ગઝલો પણ આ મર્યાદાથી ગ્રસ્ત હોય છે. પરંતુ આ ગઝલ ‘ખામોશી’ આ મર્યાદાથી મુક્ત છે. ‘ખામોશી’ રદીફ આ ગઝલને એક તાંતણે બાંધે છે,એક સળંગ ભાવવિશ્વ ખડું કરે છે. ……અહી મૌન દ્વારા,ખામોશી દ્વારા ઉદાસીના ગૌરવપૂર્ણ સ્વીકારની વાત છે. ….ખામોશીની અનેક ભાવછટાઓ અનાયાસે ગઝલમાં ઊતરી આવી છે.”

Comments (22)

એક ચા મંગાવ – નયન દેસાઈ

અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ

હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ

શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ

આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ

ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ

-નયન હ. દેસાઈ

સંવેદનશીલતાનો અંચળો ફેરીને ફર્યા કરતાં આપણે સહુ બહુધા આપણી આજુબાજુ બનતી ઘટનાઓ પ્રત્યે ભીષ્મની સ્થિતપ્રજ્ઞતા જ સેવતા હોઈએ છીએ. ઘટના કોઈ પણ હોય આપણો પ્રતિભાવ એક-બે દિવસ અને ક્યારેક એક-બે અઠવાડિયા કે જવલ્લે જ મહિનાભર લંબાતો હોય છે… બોફોર્સ કૌભાંડ હોય કે ભોપાલ કાંડ, ઘાસચારાનું ભોપાળું હોય કે ગોધરાનો ટ્રેનકાંડ – આપણે થોડી જ વારમાં સહજ થઈ જતાં હોઈએ છીએ. દુનિયાનું જે થવું હોય એ થાય.. તું તારે ચા મંગાવ ને!

Comments (18)

ગરબો ગરબો – રિષભ મહેતા

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો

પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો

જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો

ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો

મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો

– રિષભ મહેતા

હાલમાં ચાલી રહેલી નવરાત્રિની આપ સૌ મિત્રોને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

Comments (6)

ગઝલ -કિરણસિંહ ચૌહાણ

શ્વાસને નહિ ગણ, બધું સરખું જ છે
એક, બે કે ત્રણ, બધું સરખું જ છે.

એકસરખું જ્યાં સતત જીવાય ત્યાં,
એ યુગો – આ ક્ષણ, બધું સરખું જ છે.

હોય સાહસવૃત્તિ જેના લોહીમાં,
રણ કે સમરાંગણ, બધું સરખું જ છે.

રાહ જોવામાં હવે ક્યાં સાર છે ?
‘ના’ કહો કે ‘પણ…’, બધું સરખું જ છે.

જો ન એની આંખને વાંચી શકે,
લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.

-કિરણસિંહ ચૌહાણ

Comments (21)

એની સોબતમાં – ભરત વિંઝુડા

લોક અળગી અળગી બાબતમાં મળ્યાં,
તો ય એની એ જ હાલતમાં મળ્યાં.

ઓળખી શકતો નથી હું કોઈને,
શી ખબર, સૌ કઈ મહોબતમાં મળ્યાં.

રંગબેરંગી છે એથી સાચવ્યા,
જે અનુભવ એની સોબતમાં મળ્યાં.

માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં.

અન્ય લોકોની ય પણ છે હાજરી,
આમ સૌ છેવટની દાવતમાં મળ્યાં.

– ભરત વિંઝુડા

આપણે બધા ટોળાં ને ટોળાં ભેગા કર્યે રાખીએ છીએ, ને ખરેખર જરૂરત હોય છે માત્ર એક જ માણસની.

Comments (19)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

કાં અધૂરી છોડ, અથવા…
વાત પૂરી જોડ, અથવા…

ત્યાંથી સમજણ થાય પગભર,
જ્યાંથી આવે મોડ, અથવા…

રીત ને રિવાજમાંથી,
કાઢ નોખા તોડ, અથવા…

નામ કે ઉપનામ માટે,
જિંદગીભર દોડ, અથવા…

છે સખત એ તારવી લૈ,
પળના મોતી ફોડ, અથવા…

હા, લગાવી લે હવે તું,
શૂન્ય માટે હોડ, અથવા…

જે નિયમનો ભાર લાગે,
બે-ધડક એ તોડ, અથવા…

– લક્ષ્મી ડોબરિયા

કેટલીક રદીફ ગઝલ અને ગઝલકારની શક્તિનો પૂરેપૂરો નિચોડ કાઢી લે એવી હોય છે. આ ટૂંકી બહેરની ગઝલ એવી જ એક પરીક્ષા છે.  અથવા જેવી અડધેથી છૂટી જતી રદીફ વાપરવી, નિભાવવી અને એક જ વાક્યમાંથી બે વાક્ય જન્માવવાનો સફળ પ્રયોગ કરવો એ સોયની અણી પર બેસીને કવિતા લખવા જેવું કામ છે. દરેક અથવા પછી એક નહીં લખાયેલું વાક્ય આખેઆખું વાંચી શકાય છે… કવયિત્રીને સો સો સલામ !

Comments (17)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Chhie paraspar sau nirbhar

(‘લયસ્તરો’ માટે ફરી એકવાર પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)

*

છીએ પરસ્પર સૌ નિર્ભર,
આપ, અમે ને સચરાચર

ઊઠે શ્વાસો ને સંયોગ
છંદોના પર્ણે મર્મર

શબ્દો સ્વાહા સ્વાહા થાય
કાગળ પ્રગટ્યો વૈશ્વાનર

ઝૂક, બરાબર ઝૂક અને –
સાંભળ કીડીનાં ઝાંઝર

મારો ‘હું’ પોઢી જાશે
તું વિસ્તર ને થા બિસ્તર

– પંકજ વખારિયા

પંકજની ગઝલો અમરપટો લખાઈને આવેલી ગઝલો છે. દરરોજ એક નવો ગઝલકાર ગુજરાતી કાગળ પર ફર્લાંગ ભરવી શરૂ કરે છે પણ મોટાભાગના સમયની ખીણમાં લુપ્ત થઈ જશે. પંકજ આ આખી ભીડમાં એક સુખદ અપવાદ છે. એની ગઝલો લોકો સુધી પહોંચે એ માટે આજે મિત્રોએ એને ધક્કો મારવો પડે છે પણ એટલું નક્કી છે કે આ ગઝલો એકવાર લોકો સુધી પહોંચી જશે પછી એ પંકજ પાસે નહીં આવે… એ લોકોની બની જશે!!

Comments (12)

તું – આકાશ ઠક્કર

ઓગળે ભીંતો પછી દેખાય છે તું
છેવટે તસવીર તારી થાય  છે તું .

જ્યાં મકાનોમાં ઊગે છે કલ્પવૃક્ષો
એ  ગલીને કેમ છોડી જાય છે તું !

દૂર જઈને કેટલે સંતાઈ  શકશે
બાળપણના સ્વપ્નમાં પકડાય છે તું !

કોઈ પણ ક્યાંયે લખે જો નામ મારું
અક્ષરો  વચ્ચે હવે  વંચાય  છે  તું .

છે હવે ‘આકાશ’ જાણે  કોઈ નકશો
આ ઋતુમાં એકલી  બદલાય છે તું .

– આકાશ ઠક્કર

Comments (4)

સાદ – શૂન્ય પાલનપુરી

પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.

દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.

મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.

દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

– ‘શૂન્ય’ પાલનપુરી

પરંપરાની ગઝલની પણ પોતાની મઝા છે. શેર ચોટદાર હોય તો કદી જૂનો થતો નથી. છેલ્લા ત્રણ શેર આજે ય એટલા જ નવા લાગે છે.

Comments (11)

ગઝલ – અનિલ ચાવડા

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

-અનિલ ચાવડા

ગઝલનું સૌથી મોટું સુખ એની શીઘ્ર પ્રત્યાયનક્ષમતા છે. કવિતા ઘણુંખરું દુર્બોધ હોય છે અને એમાં ઊંડે ઉતરવાની જરૂર પડતી હોય છે-મહીં પડ્યા તે મહાસુખ પામેની જેમ! પરંતુ મોટાભાગની ગઝલ શીરાની પેઠે ગળે ઉતરી જતી હોય છે.  ક્યારેક ગઝલની આ ઉપરછલ્લી સરળતા છેતરામણી હોય છે. છીપના બે ભાગ જેવા શેરના બે મિસરા સાચવીને ન ખોલીએ તો વચ્ચેનું મોતી ચૂકી પણ જવાય…  અનિલની આવી જ એક મોતીદાર ગઝલસહેજ સાચવીને ખોલીએ…

Comments (35)

ગઝલ -ચિનુ મોદી ‘ઇર્શાદ’

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું ?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’
ને હતો હું કેવો બેદર્કાર, લે.

(૨૪/૪/૨૦૦૭)

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

ચિનુકાકાની ગઝલોમાં મને હંમેશા અનોખી ખુમારી જોવા મળે છે.  આજે પણ વધુ એક ખુમારીવાળી ગઝલ, એમનાં તાજેતરમાં પ્રગટ થયેલાં ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ માંથી.

ચિનુકાકાને એમનાં જન્મદિવસે એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… આ જ ગઝલસંગ્રહમાંની એક બીજી ઇર્શાદ-ગઝલ આપ સૌ અહીં માણી શકો છો.

Comments (13)

ક્યાંક ભેટો થઈ જશે – ડૉ.મહેશ રાવલ

કાં સાદ કાં પડઘાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ચાલ્યા જ કર,રસ્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ડૂબી જવાનો ભય તરાવી જાય સહુને, છેવટે
આ ડૂબવા-તરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

તું શાંતચિત્તે બાગમાં જઈ બેસવાનું રાખજે
કૂંપળ અને ખરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ટલ્લે ચડે નહીં અંધ થઈ વિશ્વાસ, જોજે એટલું
પથ્થર અને શ્રદ્ધાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !

ઉત્તર વગરના પ્રશ્ન જેવું તું વલણ છોડી શકે
તો ,જીવવા-મરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ભેટી શકે તું, એટલું નજદીક છે ઈશ્વરપણું
ખોવાઇને જડવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

તું લાગણીમાં શબ્દને નખશિખ ઝબોળી,લખ ગઝલ
મત્લા અને મક્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !

– ડૉ.મહેશ રાવલ

એક નવિનતમ રદીફવાળી મહેશભાઈની આ ગઝલ વાંચતાવેંત ગમી ગઈ હતી… એમાંય ખોવાઈ ને જડવાવાળો અશઆર જરા વધુ ગમી ગયો !

Comments (15)

થોડું અંગત અંગત – પ્રફુલ્લા વોરા

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.

– પ્રફુલ્લા વોરા

થોડું અંગત અંગત જેવો સુંવાળો રદીફ હોય તો ગઝલના પ્રેમના ન પડી જવાય તો જ નવાઈ !

ચોથો શેર સૌથી વધુ ગમ્યો. વાછટની જેમ વાગતા ચહેરાઓની વચ્ચે પાતળી દિવાલ કરી લઈને વીતેલું ભૂલવાની કળા – એ જીવન સરળ કરી નાખવાની કળા છે.

Comments (13)

પત્ર-ગઝલ – હર્ષદ ચંદારાણા

પત્ર ખોલું, પત્રમાંથી નીકળું
એ જ ક્ષણથી પૂર્ણ તેજે ઝળહળું

પત્ર વાંચું, પત્ર બોલું, સાંભળું
ફક્ત એ રીતે હવે તમને મળું

અન્ન-જળ ને પ્રાણવાયુ પત્ર છે
પત્ર દ્વારા જીવતું હું પૂતળું

એકધારું, એક ધારે ભીંજવે
આ તમારો પત્ર છે કે વાદળું !

પત્ર સાથોસાથ હું ઊગ્યો હતો
પત્ર જ્યાં પૂરો થયો કે હું ઢળું

– હર્ષદ ચંદારાણા

કેટલાક પત્ર જાહેરમાં વાંચવા પણ ગમી શકે છે… ખરું?

Comments (7)

નઠારા હોય છે -ભરત ત્રિવેદી

શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે !

એકસરખો એ ભલે વરસે છતાં,
હાથમાં વધઘટ અમારા હોય છે !

ડાળ છોડીને ગયું પંખી પછી,
કાનમાં કલરવ તમારા હોય છે !

એ ધજા છે કે સુકાતી ઓઢણી ?
દૂરથી પ્રશ્નો થનારા હોય છે !

એ તને દોડાવશે એવું કહી,
શબ્દ આગળ ક્યાં જનારા હોય છે !

-ભરત ત્રિવેદી

ભરતભાઈનાં કાવ્યસંગ્રહ ‘કલમથી કાગળ સુધી’ માંથી…

Comments (13)

એટલે નિરાંત – ગની દહીંવાળા

એક નામ અલ્લા કહી, એક નામ મારું ય આજ પછી લેવાનું છોડી દઉં… એટલે નિરાંત.
આંખના ઉજાગરા, ને જીવના ઉચાટ,કશા વણફૂટ્યા ઝરણે ઝબોળી દઉં… એટલે નિરાંત.

એક એક અક્ષરને ગોઠવતાં ગોઠવતા અમથી લંબાઈ ગઈ વારતા !
ગેબી કો’ ગાયકના કંઠથી અગનઝરતી ડાયરામાં ફૂલકણી ફોડી દઉં… એટલે નિરાંત.

જીવતરના કીડિયારે કણકણમાં ઝેર કોઈ છાંટવા મથે ને કોઈ છાંડવા !
જોણું આ અચરજથી જોતાં હો એવાની શબ્દોના સથવારે ભ્રમણા જ તોડી દઉં… એટલે નિરાંત.

ભર ભર બપોરનું તે જડબું ઉઘાડું ને રોજની સવાર થતી સ્વાહા
દૂર દૂર સળગે છે સાંજનો મહેલ એના આંગણે મલ્હાર રાગ ખોડી દઉં… એટલે નિરાંત.

સૂરજની પાઘડીનો વળ કોણ જાણે ક્યારે છેડો આવે ને ક્યારે નીકળે ?
ધરતીની ઓઢણીને લીલેરી કોર હવે દશ દિશથી લાવીને ચોઢી દઉં… એટલે નિરાંત.

-ગની દહીંવાળા

ઉમ્રે દરાઝ માંગ કે લાયે થે ચાર દિન, દો આરઝૂમેં કટ ગયે દો ઇન્તઝારમેં…….. વહેવારુ જીવન ક્યારે આપણને સમૂળગા અને સંપૂર્ણ લપેટી લે છે તેનો કદી ખ્યાલ સુદ્ધાં નથી આવતો. બપોર સવારને અને સાંજ બપોરને ભરખતી રહે છે. સૂરજની પાઘડીના વળનો છેડો ઓડિસિયસની પત્નીની શાલ જેવો છે-દિવસે ગૂંથાય અને રાત્રે ઉખળે….. નિરાંત ઝાંઝવું જ બની રહે છે.

Comments (9)

ગઝલ – હેમેન શાહ

Monsoon masti

*

રાત આખી સળંગ વાગે છે
કાનમાં જલતરંગ વાગે છે

સુસવાટા અને કડાકાઓ
બંસી સાથે મૃદંગ વાગે છે

આ તો છાંટા છે, હો તમે પંડિત
કે હો હાજી મલંગ, વાગે છે

હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
કંઈક જૂના પ્રસંગ વાગે છે

ક્યાં છે ઉંમર હવે પલળવાની
વક્ર વર્ષાનો વ્યંગ વાગે છે

-હેમેન શાહ

સાચું કહેજો આ પહેલાં કયા વર્ષા-કાવ્યે તમને આટલું અને આવા ભીંજવ્યા હતા? હેમેન શાહની આ ગઝલ સંવેદનાઓના છત્રી-રેઇનકોટ ફાડીને તરબોળ કરી દે એવી છે…. નરસિંહ મહેતાથી માંડીને તરોતાજા કવિઓના વર્ષાકાવ્યો તેમજ લોકસાહિત્ય અને લોકબોલીના પણ કેટલાક છાંટાઓની મનભર મસ્તીનો વરસાદ લઈને આવેલ ‘મૉન્સૂન મસ્તી’ હિતેન આનંદપરા નામના તાજા વાદળને ઉગેલી સોનેરી કોર છે… આપણી ભાષામાં કવિઓ દ્વારા ભાગ્યે જ કોઈ સંપાદન એવા થયાં હશે જેમાં એની પોતાની કવિતા ન હોય… છબીઓ અને સંદીપ ભાટિયાની કરામત મઢ્યું ‘ઇમેજ’નું આ નવલું નજરાણું સતત સરાબોળ ભીંજવે એવું થયું છે….

Comments (24)

(અમસ્તુ ગમવું છે!) -સુધીર પટેલ

સૌના મનમાં રમવું છે,
એમ અમસ્તુ ગમવું છે !

દરિયો થૈ ના અટકું ક્યાંય
ઝરણાં જેવું ભમવું છે !

સૂર્ય ભલે ચમકે દિવસે,
અંધારે ટમટમવું છે !

વૃક્ષ સમું લ્હેરાઈને,
વાતાયનને ખમવું છે !

રાખી મન પ્હાડ સમું દૃઢ,
તૃણ સરીખું નમવું છે !

થાય ગઝલ પણ આફરીન,
એમ શબ્દમાં શમવું છે.

ઊગી જઉં દિલમાં ‘સુધીર’,
એ રીતે આથમવું છે !

-સુધીર પટેલ

શિરાની જેમ સીધી હલકમાં ઉતરી જાય એવી સરળ અને ગહન ગઝલ… બસ, અમસ્તી જ ગમી ગઈ.

Comments (16)

કંઈ નથી – ભગવતીકુમાર શર્મા

વિશ્વમાં મંગળ અમંગળ કંઈ નથી;
આપણા હોવાનું અંજળ કંઈ નથી.

શ્વાસની સીમાની આગળ કંઈ નથી;
મૃત્યુની સરહદની પાછળ કંઈ નથી.

બત્રીસ કોઠે છે દીવાનો ઉજાસ;
આંખમાં ઝળહળ કે કાજળ કંઈ નથી.

નભ ભલે ને થૂંક ઉડાડ્યા કરે;
સૂર્ય ઊગતાંવેંત ઝાકળ કંઈ નથી.

મારી એકલતા છે મારું ઉપનિષદ;
શબ્દ, લેખણ, સાહી, કાગળ કંઈ નથી.

– ભગવતીકુમાર શર્મા

કવિ પહેલા જ શેરમાં હોવાપણાની ઘટનામાંથી હવા કાઢી નાખે છે. એટલું જ નહીં, બીજા શેરમાં એ ન-હોવાપણા (મૃત્યુ)ની ઘટનામાંથી પણ હવા કાઢી નાખે છે 🙂 ઉપરથી દેખાય એ કંઈ અંધારું કે અજવાળું નથી, ખરો ઉજાસ તો આખા શરીરમાં – બત્રીસ કોઢે – વ્યાપ્ત છે. ચોથા શેરમાં પહેલી વાર કોઈ કવિએ ઝાકળની થૂંક સાથે સરખામણી કરી છે. જોકે શેર એટલો જ ઊંડા અર્થવાળો છે.

ને છેલ્લો શેર ગઝલનો શિરમોર શેર છે – શબ્દ તો  છીછરા પાણીનું માછલું છે;  ચેતનાનો સાગર તો ખૂબ ઊંડો હોય છે.

Comments (17)

…સમેટી લઉં – ભરત વિંઝુડા

થાય છે કે બધું સમેટી લઉં
કઈ રીતે આયખું સમેટી લઉં ?

ખૂબ અંતર છે આપણી વચ્ચે
તું કહે એટલું સમેટી લઉં !

તું સમેટાઈ જાય મારામાં
તો જીવનમાં ઘણું સમેટી લઉં

વિસ્તરી જાઉં આખી દુનિયામાં
કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?

હું જ છું, આસપાસ કાંઈ નથી
કેમ ખાલીપણું સમેટી લઉં ?

– ભરત વિંઝુડા

સમેટી લઉં જેવી વિચાર માંગી લેતી રદીફ ઉપર વિચાર કરવા મજબૂર કરી દે એવા પાંચ સશક્ત શેર…

Comments (22)

(ટેરવાં સૂરજ બની ગયાં) -મનોજ ખંડેરિયા

ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં.

આયનો ફૂટ્યાથી શું વળ્યું !
પથ્થરો ભોંઠા પડી ગયાં.

કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં.

દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં.

શું ખબર એ શ્હેર ક્યાં હતું !
મીણના નકશા ગળી ગયાં.

લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં.

-મનોજ ખંડેરિયા

Comments (10)

અણી હોય છે – સુધીર પટેલ

ક્ષણ મજાની ઘણી હોય છે
ક્યાં કદી આપણી હોય છે ?

એ જ મોં  ફેરવી લે અહીં
આંખ જેના ભણી હોય છે !

વાત સોંસરવી કૈં નીકળે
શબ્દને પણ અણી હોય છે !

કેમ એના વગર જીવવું ?
વેદના મા-જણી હોય છે !

હર ગઝલના પદે એમની
ઝાંઝરી રણઝણી હોય છે !

જે થકી રંગ જામે ‘સુધીર’
બસ કમી એ તણી હોય છે

– સુધીર પટેલ

વાત સોંસરવી કૈં નીકળે … એ શેર સૌથી સરસ થયો છે.

Comments (24)

ગઝલ – ગૌરાંગ ઠાકર

આ બધું કેમ નવું લાગે છે
કોઈ હૈયામાં ગયું લાગે છે

જો પવન દોડી મદદમાં આવ્યો
ફૂલને ખુશબૂ થવું લાગે છે

હાથમાં હાથ મિલાવી રાખો
આ જગત હાથવગું લાગે છે

પ્યાસ એમ જ નથી બૂઝી, મિત્રો
લોહીનું પાણી થયું લાગે છે

વાત કહેતાં તો પડી ભાંગ્યો છે
દર્દ હોવાપણાંનું લાગે છે

ખોળિયામાં આ નવી હલચલ છે
જીવને ઘેર જવું લાગે છે

– ગૌરાંગ ઠાકર

પ્રેમના ગુલાબી મિજાજથી ઉઘડતી આ ગઝલ સમષ્ટિથી લઈ વ્યક્તિના હોવાપણા અને જીવનથી લઈને મૃત્યુ સુધીના તમામ રંગોને સ્પર્શતું છ રંગોનું જાણે કે મનભર રંગધનુ ન હોય !

Comments (23)

ગઝલ – ડૉ. હરીશ ઠક્કર

ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે,
જો ને ઋણાનુબંધ આ કેવો વિચિત્ર છે !

તરસાવે તો છે રણ અને વરસાવે તો ગગન,
કેવું અનોખું, લાગણી ! તારું ચરિત્ર છે !

ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.

બીજા બધા તો ઠીક છે, મારા સગડ નથી,
મારી ગઝલ શું કોઈનું જીવન ચરિત્ર છે ?

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.

– ડૉ. હરીશ ઠક્કર

ફરી એકવાર આજે એવી ગઝલ જેના દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય છે… કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કળવું દોહ્યલું થઈ પડે એમ છે. પણ જે રીતે કવિએ બીજા શેરમાં લાગણીને નાણી છે એ શબ્દાતીત છે…

Comments (18)

સાવ ખુલ્લું બારણું – હરેશ તથાગત

એકલો તારીખનાં પાનાં ગણું,
મહેલ ઇચ્છાનો ચણું, તોડું, ચણું !

આ બધા સંજોગ વચ્ચે જિંદગી,
પોષની વચ્ચે ઠરેલું તાપણું.

તેં મને બહુ આકરી દીધી સજા,
ધુમ્મસે તો કેમ કિરણોને વણું ?

મૃત્યુ મારામાં પ્રવેશે, નીકળે,
હું હવે છું સાવ ખુલ્લું બારણું.

– હરેશ તથાગત

જ્યારે જ્યારે કોઈ સિદ્ધહસ્ત દુર્બોધ કવિ ગઝલના કાવ્યત્ત્વ સામે વિવાદ કે વિખવાદ ઊભો કરે ત્યારે ત્યારે આવી ગઝલ એમના લમણે ચોંટાડવાનું મન થાય ! પાનાંઓ ભરીને લખાયેલા અછાંદસમાં ક્યારેક કવિતાનો ‘ક’ શોધવો એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું ખપુષ્પવત્ કામ બની રહે છે એવામાં આ એક જ ગઝલમાં ચાર-ચાર કવિતાઓ એકસાથે મળી આવે એ કેવો સુખદ સંજોગ કહેવાય !

Comments (19)

ગઝલ -રિષભ મહેતા

દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે,
હું છુપાઈ જાઉં એમાં, તું જગતભરને મળે.

ભીંત સામે વ્યર્થ કાં માથું પછાડો છો તમે ?
ક્યાં કદી ભીંતોના પથ્થરમાંથી પાણી નીકળે !

તું કરે મારા વગરની જિંદગીની કલ્પના,
ને મને તારા વગરની કલ્પના પણ ના મળે.

એટલે આંસુ ગણી એને લૂછી શકતો નથી,
એ તમારાં સ્વપ્ન જે આંખોમાં આવી ઝળહળે.

માનવું કે એ નથી અજવાળું કિન્તુ આગ છે,
કો’ શમા ‘બેતાબ’ જ્યારે બેઉ છેડેથી બળે.

રિષભ મહેતા ‘બેતાબ’

મને લાગે છે કે બે જ વ્યક્તિ સામેથી દર્દ માંગી શકે, એક પ્રેમી અને બીજા કવિ… 🙂  બધા જ શેરો વાંચતાવેંત ગમી જાય એવા સ-રસ થયા છે.

Comments (12)

અંજળ -ડો.પ્રફુલ્લા વોરા

ફૂલની ભાષા સમું ઝાકળ મળે,
સાવ કોરા ફલક પર વાદળ મળે.

આપણું હોવું બને પર્યાય જો
લાલ-કંકુ છાંટણે અંજળ મળે.

ભાગ્યનું પરબિડીયું અકબંધ છે,
ક્યાંક સગપણ, ક્યાંક તો અટકળ મળે.

તો પછી ટહુકી ઊઠે પીળી ક્ષણો,
સ્હેજ પણ ભીનાશની જો પળ મળે.

બસ, હવે આ આયખું ઉત્સવ બને,
દીપ શ્રદ્ધાનો કદી ઝળહળ મળે.

– ડો. પ્રફુલ્લા વોરા

Comments (9)

ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’

લાગણીને સ્થાન હોવું જોઈએ
કાં બધે વેરાન હોવું જોઈએ

ભીંત, બારી, આયનો ટોળે વળ્યાં
કોઈ ભીનેવાન હોવું જોઈએ

હોઠ પર તાળાં હશે તો ચાલશે
આંખમાં તોફાન હોવું જોઈએ

બાપ ઊભો આંસુનો ટેકો લઈ
આજ કન્યાદાન હોવું જોઈએ

તું અઢી અક્ષરમાં બાંધી રાખ મા
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ

– જિગર જોષી ‘પ્રેમ’

હવે આ ગઝલમાં કયો શેર સારો છે અને કયો શેર નબળો છે એવું પિષ્ટપેષણ કરવાનું કામ આવે તો હારી ન જવાય?

*

કવિ મિત્ર જિગરનો બીજો ગઝલ સંગ્રહ (સ્વતંત્રપણે પહેલો) ‘તને મોડેથી સમજાશે’ હાલમાં જ પ્રકાશિત થનાર છે… એ સંગ્રહમાંની આ મારી ગમતી રચના… કવિને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ…

Comments (17)

ધરતીની રૂંવાટી હો -ગની દહીંવાળા

ઋતુ હો કોઈ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો.

કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો.

સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો.

પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.

પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.

પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’, એકાદ તો સંબંધની એવી સપાટી હો.

-ગની દહીંવાળા

અસ્તિત્વ, પવન, સમય,  હૈયું, સંબંધ……. દરેક શે’ર વિશે એક એક નિબંધ લખવો પડે એટલા જ સબળ બધ્ધા જ શેરો થયા છે.  આપણું અસ્તિત્વ એ તો ધરતીની રૂંવાટી જેવું છે, કેટલી અદભૂત કલ્પના !

Comments (11)

ગઝલ – ઉર્વીશ વસાવડા

નીર છે ઊંડા પતાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
ને ઉપરથી આભ બાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

બાગ જાણે કે નિભાડો થઈ ગયો બળબળ થતો
પ્રશ્ન છે આવા ઉનાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

આભ બળતું, નીર ઓછાં ને દૂષિત વાતાવરણ
આ પ્રતિકુળતા વચાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

નષ્ટ થઈ જાતી નવી કૂંપળ બધી વિકસ્યા વિના,
પર્ણ સૂકાં ડાળ ડાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

ક્યાંક વર્ષા ભર શિયાળે, ને કશે શ્રાવણ સૂકા,
જો નિયમ કુદરત ન પાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

– ઉર્વીશ વસાવડા

સાદ્યંત વૃક્ષપ્રેમની મુસલસલ ગઝલ… ગઝલ વાંચીએ અને એક વૃક્ષને જીવવાનું બહાનું પણ આપીએ…

Comments (9)

શબરી – સૌમ્ય જોશી

(રામ એકવાર મળી ગયા એ પછીની પ્રતીક્ષાની ગઝલ)

અડગ ઊભી છે અણસારે, ભણકારે શબરી
પર્ણ, પવન બન્ને છે, ક્યાંથી હારે શબરી ?

સાચે તો વનવાસ થવાનો ત્યારે પૂરો
વાટ – નીરખવું છોડી દેશે જ્યારે શબરી

મારગ ઉપર ઝાડી ઝાંખર ઊગી ગયાં છે
બધું જુએ ને તોય કશું ના ધારે શબરી

દૂર દૂર લગ ‘રામ નથી’નું દરદ રહ્યું નઈ
વૃદ્ધ આંખની ઝાંખપનાં આભારે શબરી

રામ એકદા પાછો જઈ તું ચખજે એ પણ
બોર જેટલાં આંસુડાંઓ સારે શબરી

તેં ઘેલીએ શું ખવરાયું રામ જ જાણે
એ દિવસે તો બધુંય મીઠું તારે શબરી

કલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માંગે
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી

– સૌમ્ય જોશી

કવિતા ગમવાના ઘણાં કારણ હોઈ શકે. એક કારણ એ પણ છે કે કવિતા એક જ વસ્તુના અલગ અલગ એટલા આયામ નાણી-પ્રમાણી શકે છે કે ભાવક સાનંદાશ્ચર્ય આંચકો અનુભવે. શબરીના બોર અને એની પ્રતીક્ષા તો સદીઓથી જાણીતાં છે પણ સૌમ્ય એની પ્રતીક્ષાના સાત રંગોનું જાણે એક નવું જ ઇન્દ્રધનુ રચે છે…

Comments (23)

ના શક્યા – વંચિત કુકમાવાલા

મૂળથી સંશય વિખેરી ના શક્યા,
કોઈને ભીતર ઉછેરી ના શક્યા.

એકબીજાને સતત ટોળે વળ્યા,
પણ સ્વયંને સહેજ ઘેરી ના શક્યા.

પત્ર વર્ષોથી અધૂરો રહી ગયો,
એક પણ અક્ષર ઉમેરી ના શક્યા.

આંખને ટૂંકું પડ્યું લ્યો વસ્ત્ર આ,
પારદર્શકતા પહેરી ના શક્યા.

દેવ છેવટ થઈ ગયા પથ્થર બધા,
શ્રદ્ધાના શ્રીફળ વધેરી ના શક્યા.

શું મનોમંથનથી ‘વંચિત’ નીપજે,
એક ટંકની છાસ જેરી ના શક્યા.

– વંચિત કુકમાવાલા

કંઈક ન કરી શક્યાની અસમર્થતાનો ભારોભાર રંજ આ આખી ગઝલ-ગાગરમાં છલકે છે.  પારદર્શકતાને આંખનાં વસ્ત્ર તરીકે ઓળખાવવાની કવિની વાત ખૂબ જ સ્પર્શી ગઈ.  વાત પણ સાચી કે એકબીજાને ટોળે વળવું જેટલું સહેલું છે એટલું જ અઘરું છે સ્વયંને ઘેરવું.  અને ‘શ્રદ્ધા હોય તો દેવ નહીં તો પથ્થર’ ની વાતને પણ કવિએ બખૂબી વર્ણવી છે.  વળી આટલી બધી અસમર્થતાનું કારણ શોધવા માટે કવિનાં દિલોદિમાગમાં ચાલતું મનોમંથન પણ આખરે તો નિષ્ફળ જ…

Comments (10)

ધબકારાનો વારસ – અશરફ ડબાવાલા

છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું સોપો છાતી સરસો ચાંપી રાખ હ્રદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

આ પથરાળા રસ્તાની ઠેશે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

– અશરફ ડબાવાલા

શું છુપાવી શકાય ? અને, છુપાવીને ક્યાં સુધી ચાલી શકાય ? ઢાંકપિછોડો છોડીને, જાતને ખુલ્લી કરવાનું  કવિ કહે  છે. કબીરે ઘૂંઘટ કે પટ ખોલ કહેલું  એ જ વાત અહીં ઢાંકપિછોડો રે’વા દેમાં આવી છે.

આપણી અંદર અજવાળું નથી પણ ફાનસ છે – જેને જાતે પેટવીએ તો જ પ્રકાશ થાય. સોપો અને ધબકારો બન્ને એકબીજાની સાથે અતૂટ રીતે જોડાયેલા છે. ધબકારા જેટલો જ સોપો પણ જરૂરી છે. (મેડિકલ લાઈનના માણસો systole અને diastole બન્ને સરખા મહત્વના છે સમજે છે) ભલે ગમે તેટલો યશ મળે પણ માંહેલું સપનું સેવવાનું ભૂલાય નહીં એ જોતા રહેવું. માણસ તો અલગ માનસ મળવાના જ – આપણું કામ તો એ બધા ય અલગ માનસને અડકી લેવાનું છે.  માણસ પોતાની અંદરની ‘ચિનગારી’ને ભૂલી જાય તો એની રચનાઓ ‘ઠંડી અને ઠરેલી’ જ રહેવાની.

Comments (12)

ગઝલ -રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

વાંચતાવેંત ગમી ગયેલી આ ગઝલનાં છેલ્લા ચાર શેરો જરા વધુ ગમી ગયા…

Comments (19)

ગઝલ – ગૌરાંગ ઠાકર

જે ગમે તે બધું કરાય નહી,
ઢાળ પર જળનું ઘર ચણાય નહી.

આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી?

એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઈના પણ કદી થવાય નહી.

દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહી

સાંજ પડતા તો સાવ ખાલી થાઉ,
ઘેર પડછાયો પણ લવાય નહી.

મા નથી ઘરમાં બાપ ઘરડો છે,
પણ નદીથી પિયર જવાય નહી.

આ ફકીરોની બાદશાહી જુવો,
આપણી જેમ હાય હાય નહી.

– ગૌરાંગ ઠાકર

એક જ વાત એક જ શાયર વારંવાર કહે પણ સાવ નોખી જ ફ્લેવર સર્જી શકે તો વાતની મજા જ કંઈ ઓર છે…  ગૌરાંગ ઠાકરની ગઝલોમાં પ્રકૃતિપ્રેમ, મા-બાપની વેદના અને ગરીબી અવારનવાર ડોકિયાં કરતાં રહે છે. કવિનું નામ ન લખ્યું હોય તો પણ સમજી શકાય એવી શૈલી એમણે હસ્તગત કરી છે.

આ ગઝલ માણ્યા પછી એમના ત્રણ અલગ અલગ શેર આ સંદર્ભમાં જોઈએ?

ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,
એ પછીથી બારણું થઈ જાય છે.

આંખ બાળકની વાંચવાની હોય,
શું ગીતા ને કુરાન લઈ બેઠા ?

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું ?

Comments (19)

ગઝલ – આદિલ મન્સૂરી

સર્વ કળીઓના ખ્વાબમાં આવી
તારી ખુશ્બૂ ગુલાબમાં આવી.

આંખ પ્યાલીમાં ઓગળી ગઇ છે,
કોની છાયા શરાબમાં આવી !

તારા હૈયે જે વાત ઘૂંટાઇ,
જો એ મારી કિતાબમાં આવી.

એણે જ્યારે નજર કરી ઊંચી,
રોશની આફતાબમાં આવી.

લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં આવી.

પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.

– આદિલ મન્સૂરી

આજે માણીએ, એક આદિલીયતભરી ગઝલ…

Comments (20)

શોધે – નયના જાની

અંધારે ચાંદરણું શોધે
ડૂબતો માણસ તરણું શોધે

નથી નથીનાં ગૂઢ પ્રદેશે
હશે હશેનું શરણું શોધે.

સૂકેલાં પર્ણો ખખડીને
લીલુંછમ સંભારણું શોધે.

અડાબીડ અંધારું જંગલ
કિરણ તેજનું હરણું શોધે.

કાંટાળી કેડીને મારગ
અધવચ્ચે ફૂલખરણું શોધે.

ભવરણ તડકે ધખે મુસાફિર
વ્હાલપનું નિર્ઝરણું શોધે

– નયના જાની

શોધ એટલે આશા. શોધ એટલે ગતિ. શોધ એટલે જીવન.

Comments (12)

પોતપોતાને ઢાંચે ! – ભરત ભટ્ટ ‘તરલ’

મને કોઈ પકડી રહ્યું તીણી ચાંચે,
હું કાગળ નથી કે મને કોઈ વાંચે.

આ સગવડીયું ઘર ચોતરફ કોતરે છે,
અખંડિતપણું ઝંખનાઓના ટાંચે.

છે ઇચ્છા સરેરાશ ફાટેલું પહેરણ,
પહેરે બધાં પોતપોતાને ઢાંચે.

અહીં મેં બધાં સત્ય ધરબી દીધાં છે,
સડક, ચોક, શેરી, ગલી, ખાંચે-ખાંચે.

વિવશ છું હવે ગિરધારી ઉગારો,
મારા ઘરમાં ઘેર્યો મને તત્ત્વ પાંચે.

– ભરત ભટ્ટ ‘તરલ’

એક એવી ગઝલ જેના પાંચેપાંચ શેર આગળ વધતા કદમ પકડી રાખે… જાણે કોઈ તીણી ચાંચથી પકડી રહ્યું ન હોય !

Comments (8)

ગઝલ – ઉદયન ઠક્કર

સીંચવાનાં રસ્મરિવાજોથી તુલસીદલ સડ્યાં
સર્વને મૂકી દીધાં તડકે : ટપોટપ ઊઘડ્યાં

મંગળા બસ્સો, શયન સો, દોઢસોમાં રાજભો
આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા

હાથ ચલવે બાવડું કે બાવડું આ હાથને ?
કેટલા સ્હેલા સવાલો : જોશીને ના આવડ્યા

કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું ?
મેષ ને મંગળ ધનુષ ભેગા જ ભાંગીને પડ્યાં

જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
આસકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા.

સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતા હતા,
એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં

– ઉદયન ઠક્કર

દરેક યુગને એક મહાત્માની અને એક અખાની જરૂર પડે જ છે. સમાજ ગમે એટલો સુસંસ્કૃત અને સાક્ષર ભલે ને થઈ જાય, બદીઓથી બચીને ચાલતા એને આવડતું જ નથી. અખો છ પદના છપ્પામાં ચાબખા મારતો હતો, બરાબર એવી જ અસર ઉદયન ઠક્કર અહીં બબ્બે મિસરાના શેરમાં ઉપજાવે છે. આપણને અતિની આદત એવી પડી ગઈ છે કે એ બિમારી હોવાની સમજણ પણ નથી રહી… ક્યારામાં માપસરનું પાણી નાંખવાના બદલે આપણે છોડ સડી જાય એ હદે આપણો ભક્તિભાવ બતાવીએ છીએ. હકીકતે તો આપણા આ રીતિ-રિવાજોને તડકે મૂકવા જેવા છે…

અત્યારે ફૂટબોલ ફીવર એની ચરમસીમાએ પહોંચ્યો છે. જર્મનીમાં એક ઑક્ટોપસ ટીમની હાર-જીતનો ફેંસલો કરે છે અને દુનિયાભરની ટીવે ચેનલ્સ અને અખબારો આ ઑક્ટોપસબાબાના દર્શન ખુલ્લા મૂકે છે… આ ગઝલ આવા જ ધૃતરાષ્ટ્રો માટે લખાઈ છે…

Comments (24)