આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.

હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?
- વિવેક મનહર ટેલર

ગઝલ -કિરણસિંહ ચૌહાણ

શ્વાસને નહિ ગણ, બધું સરખું જ છે
એક, બે કે ત્રણ, બધું સરખું જ છે.

એકસરખું જ્યાં સતત જીવાય ત્યાં,
એ યુગો – આ ક્ષણ, બધું સરખું જ છે.

હોય સાહસવૃત્તિ જેના લોહીમાં,
રણ કે સમરાંગણ, બધું સરખું જ છે.

રાહ જોવામાં હવે ક્યાં સાર છે ?
‘ના’ કહો કે ‘પણ…’, બધું સરખું જ છે.

જો ન એની આંખને વાંચી શકે,
લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.

-કિરણસિંહ ચૌહાણ

21 Comments »

  1. Chandresh Thakore said,

    October 13, 2010 @ 9:45 AM

    ‘ના’ કહો કે ‘પણ…’, બધું સરખું જ છે. બે ખૂબ જ સામાન્ય શબ્દોની લાક્ષણિકતા બહુ સહજતાથી ઝડપાઈ છે! મક્તાનો શેર પણ “આંખને વાંચવા”ની કિંમત બહુ અસરકારક રીતે સમજાવી જાય છે. ધન્યવાદ.

  2. અનામી said,

    October 13, 2010 @ 9:55 AM

    આહ……….

  3. jigar joshi 'prem' said,

    October 13, 2010 @ 10:51 AM

    વાહ….
    એકસરખું જ્યાં સતત જીવાય ત્યાં,
    એ યુગો – આ ક્ષણ, બધું સરખું જ છે.

  4. sapana said,

    October 13, 2010 @ 3:18 PM

    જો ન એની આંખને વાંચી શકે,
    લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.

    રદિફ ખૂબ ગમ્યો અને મક્તાની પંકતિ પણ..અભિનંદન કિરણભાઈ.
    સપના

  5. ધવલ said,

    October 13, 2010 @ 9:50 PM

    રાહ જોવામાં હવે ક્યાં સાર છે ?
    ‘ના’ કહો કે ‘પણ…’, બધું સરખું જ છે.

    જો ન એની આંખને વાંચી શકે,
    લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે

    – સરસ !

  6. કિરણસિંહ ચૌહાણ said,

    October 13, 2010 @ 10:13 PM

    ઊર્મિબેન, આજે તમે બહુ મીઠું આશ્ચર્ય આપ્યું. લગભગ ૧૩ વર્ષ પહેલા રચાયેલી આ ગઝલ આજે માણવાની મને પોતાનેય બહુ મજા પડી. આ ગઝલ રચાઇ ગયા પછી જયારે મને જાણવા મળ્યું કે આ જ રદ્દીફ પર શ્રી હેમેન શાહની પણ ગઝલ છે ત્યારે હું અવઢવમાં મૂકાઇ ગયેલો. આ ગઝલને પ્રગટ કરવી કે ન કરવી? રદ્દીફ બદલવાના પણ પ્રયત્નો કરેલા પણ આ સિવાયના બધાં જ રદ્દીફ કૃત્રિમ લાગ્યા. આ બધી માથાકૂટમાં ગઝલસર્જનનો આનંદ ત્યારે માણવાનો રહી ગયેલો જે આજે પૂરેપૂરો માણી લીધો. આભાર.

  7. Pinki said,

    October 14, 2010 @ 12:22 AM

    રાહ જોવામાં હવે ક્યાં સાર છે ?
    ‘ના’ કહો કે ‘પણ…’, બધું સરખું જ છે. એકદમ સાચી વાત !

    જો ન એની આંખને વાંચી શકે,
    લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે…. બહુત ખૂબ !

    સરસ ગઝલ, કિરણભાઈ !

  8. Kirtikant Purohit said,

    October 14, 2010 @ 12:50 AM

    સરસ મક્તા અને ટ્કોરાબન્ધ અશઆર સાથેની ગઝલ ગમી.

  9. AMIT N. SHAH. said,

    October 14, 2010 @ 1:03 AM

    SOMETIME IN OUR LIFE WE MISS THE GREATEST OPPURTUNITY ,
    & THIS HAPPENS WITH EACH INDIVIDUAL , AFTER THAT WE FEEL

    રાહ જોવામાં હવે ક્યાં સાર છે ?
    ‘ના’ કહો કે ‘પણ…’, બધું સરખું જ છે.

  10. Ramesh Patel said,

    October 14, 2010 @ 1:14 AM

    જો ન એની આંખને વાંચી શકે,
    લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.

    -કિરણસિંહ ચૌહાણ
    જીવન સંગીતનો મર્મ ગુંજી ઊઠ્યો, મજાની ગઝલ.
    રમેશ પટેલ(આકાશદીપ)

  11. વિહંગ વ્યાસ said,

    October 14, 2010 @ 1:18 AM

    સાદ્યંત સુંદર ગઝલ.

  12. Abhijeet Pandya said,

    October 14, 2010 @ 1:40 AM

    સુંદર ગઝલ.

    એકસરખું જ્યાં સતત જીવાય ત્યાં,
    એ યુગો – આ ક્ષણ, બધું સરખું જ છે.

    હૃદ્યસ્પર્શી શેર.

    અિભજીત પંડ્યા. (ભાવનગર)

  13. Gunvant Thakkar said,

    October 14, 2010 @ 1:57 AM

    કિરણભાઇની ખાસીયતોને સુપેરે પ્રગટ કરતી સુંદર મજાની ગઝલ

  14. VIJAY JANI said,

    October 14, 2010 @ 4:17 AM

    સુંદર ગઝલ.

    હોય સાહસવૃત્તિ જેના લોહીમાં,
    રણ કે સમરાંગણ, બધું સરખું જ છે.

    ધારદાર શેર.

  15. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    October 14, 2010 @ 5:20 AM

    આવું વાંચવા મળે ત્યારે દિવસ આખો સુધરી ગયો લાગે.
    ને આંખો મીંચાયલી હોય તોયે મન તાતાથૈયા કરતું જાગે.

  16. DR Bharat Makwana said,

    October 14, 2010 @ 7:16 AM

    અભિનંદન કિરણભાઈ…સુંદર ગઝલ.
    રચના નું હાર્દ અને ઊંડાણ આ શેર માંજ આવી જાયછે.

    રાહ જોવામાં હવે ક્યાં સાર છે ?
    ‘ના’ કહો કે ‘પણ…’, બધું સરખું જ છે.

  17. Bharat Trivedi said,

    October 14, 2010 @ 8:39 AM

    ગઝલ સરસ છે પરંતુ ત્રીજા શેરમાં ‘રણ’ અને ‘સરરાંગણ’ થોડા કઠે છે કેમકે તે બે અંતિમો નથી. આમેય આ શેર પ્રમાણમાં નબળો લાગ્યો.

    -ભરત ત્રિવેદી

  18. વિવેક said,

    October 15, 2010 @ 1:48 AM

    સુંદર ગઝલ… કિરણસિંહ ચૌહાણની કેફિયત માણવી પણ ગમી….

  19. વજેસિંહ પારગી said,

    October 16, 2010 @ 4:09 AM

    એકસરખું જ્યાં સતત જીવાય ત્યાં,
    એ યુગો – આ ક્ષણ, બધું સરખું જ છે

    જો ન એની આંખને વાંચી શકે,
    લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.

    ખૂબ દમદાર। અભિનંદન.

  20. કિરણસિંહ ચૌહાણ said,

    October 21, 2010 @ 11:08 AM

    મારી ગઝલ માટે કીમતી ટિપ્પણીઓ કરનાર તમામ મિત્રોનો આભાર.

  21. Parimala Raval said,

    October 23, 2010 @ 4:07 AM

    િકરણભાઇની ગઝલ માણવાનો આન્ંદ જ કંઇક ઓર છે.
    ઉપરોક્ત ગઝલ વાંચતી હતી ત્યાં એક શેર સુજ્યો જે એમ લાગ્યું કે
    આ ગઝલમાં અંતમાં પ્રયોજ્યો હોય તો સાર્થક નીવડે. શેર નીચે મુજબ છે.

    છે મનુનો વંશ માનવજાત આ,
    વૈશ્ય કે બ્રાહ્મણ, બધું સરખું જ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment