હાથ લંબાવી, લે ઝીલી લે મને,
આભથી વરસે છે જે એ હું જ છું.
વિવેક મનહર ટેલર

ખામોશી – રઈશ મનીઆર

જિંદગીભર વણી છે ખામોશી,
એક ચાદર બની છે ખામોશી.

કાનમાં તેં કહી છે ખામોશી,
એ જ કાયમ રહી છે ખામોશી.

દ્વાર પર મેં પ્રથમ ટકોરા કર્યા,
ને પછી સેરવી છે ખામોશી.

બેઉ સ્થળનો છે આગવો વૈભવ,
ત્યાં છે કલરવ,અહીં છે ખામોશી.

આપલે થઇ શકે છે વાણીની,
આપણી આપણી છે ખામોશી.

શબ્દ મારા સ્વભાવમાં જ નથી,
એ તો બસ છટપટી છે ખામોશી.

સાંભળ્યા છે અવાજ સૌના ‘રઈશ’
ને પછી જાળવી છે ખામોશી.

– રઈશ મનીઆર

આ ગઝલ વિષે કવિના પોતાના ઉદગારો- “આ ગઝલ હું મુશાયરાઓમાં નથી સંભળાવતો. આ મારી પ્રિય ગઝલોમાંથી એક છે. એક જ ગઝલના અલગ અલગ શેરોનું ભાવવિશ્વ અલગ અલગ હોય છે. ગઝલોમાં એકસૂત્રતાનો ,સાતત્યનો અભાવ હોય છે. આ ગઝલસ્વરૂપની મર્યાદા છે. અન્ય કલાકારોની માફક મારી ગઝલો પણ આ મર્યાદાથી ગ્રસ્ત હોય છે. પરંતુ આ ગઝલ ‘ખામોશી’ આ મર્યાદાથી મુક્ત છે. ‘ખામોશી’ રદીફ આ ગઝલને એક તાંતણે બાંધે છે,એક સળંગ ભાવવિશ્વ ખડું કરે છે. ……અહી મૌન દ્વારા,ખામોશી દ્વારા ઉદાસીના ગૌરવપૂર્ણ સ્વીકારની વાત છે. ….ખામોશીની અનેક ભાવછટાઓ અનાયાસે ગઝલમાં ઊતરી આવી છે.”

22 Comments »

  1. ઉલ્લાસ ઓઝા said,

    October 17, 2010 @ 6:20 AM

    કવિશ્રી ર.મ. ‘ખામોશી’ મા ઘણુ બધુ કહી ગયા.
    સુંદર ગહન ગઝલ.

  2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    October 17, 2010 @ 8:24 AM

    ખામોશ !

  3. vishwadeep barad said,

    October 17, 2010 @ 8:28 AM

    રઈશભાઈ…ઘણીજ સુંદર ગઝલ છે..મનભાવક્,,

  4. Bharat Trivedi said,

    October 17, 2010 @ 9:08 AM

    કવિને પોતાને પ્રિય હોય તે રચના ખૂબ ધ્યાન-પૂર્વક વંચાવી જોઈએ. મુશાયરામાં ચાલી જતી ગઝલોની વાત જ અલગ હોય છે. પ્રત્યેક ગઝલકાર તે બરાબર સમજતો પણ હોય છે. મને તો ‘ખામોશી’ રદિફ ખૂબ ગમ્યો.

    ગઝલોમાં એકસૂત્રતા કે સાતત્યવાળી વાત સાથે સાથે સંમત થવું થોડું અઘરુ પડે તેમ છે. ગઝલ લખતો થયો ત્યારથી મારી એ માન્યતા રહી છે કે ગઝલનો પ્રત્યેક શેર માળાના મણકાની જેમ અલગ હોય છે. પ્રત્યેક શેરનું અલગ ભાવવિશ્વ હોય છે છતાં સમગ્ર ગઝલ દરમ્યાન એક પ્રકારની એકસૂત્રતા સચવાતી જ હોય છે. કદાચ તે કામ ભાવકનું ચિત્ત જ કરી લેતું હોય છે. બાકી સાતત્ય માટે આપણી પાસે ‘નઝમ’ તો છે જ ને?

    -ભરત ત્રિવેદી

  5. jigar joshi 'prem' said,

    October 17, 2010 @ 11:34 AM

    ક્યા ખૂબ કહી……………

    સાંભળ્યા છે અવાજ સૌના ‘રઈશ’
    ને પછી જાળવી છે ખામોશી.

    અદભૂત શેર………………આકાશભરીને શુભેચ્છાઓ ‘ખામોશી” માટે

  6. vinod said,

    October 17, 2010 @ 11:42 AM

    ધન્ય હો રઇશ ભાઇ……….

  7. vinod said,

    October 17, 2010 @ 11:44 AM

    બહોત ખૂબ રઈશભાઈ…..

  8. pragnaju said,

    October 17, 2010 @ 12:00 PM

    સાંભળ્યા છે અવાજ સૌના ‘રઈશ’
    ને પછી જાળવી છે ખામોશી.
    અ દ ભૂ ત્

  9. DHRUTI MODI said,

    October 17, 2010 @ 2:32 PM

    સુંદર ગઝલ. ગઝલની ઍકસૂત્રતા નજરબહાર રહેતી નથી કારણકે દરેક શે’રને અંતે ખામોશી ઍનો કબજો જમાવે છે.ગઝલકારે સાચું જ કહયું છે……ખામોશીની અનેક ભાવછટાઑ અનાયાસે ગઝલમાં ઉતરી આવી છે.

  10. Abhijeet Pandya said,

    October 17, 2010 @ 3:22 PM

    સુંદર રચના.

    બેઉ સ્થળનો છે આગવો વૈભવ,
    ત્યાં છે કલરવ,અહીં છે ખામોશી.

  11. Gunvant Thakkar said,

    October 18, 2010 @ 12:17 AM

    ઉર્દૂ પરંપરા મુજબ ગઝલના ઉસ્તાદ પાસેથીજ મળી શકે એવી સુંદર અને સાતત્ય પૂર્ણ રચના

  12. વિવેક said,

    October 18, 2010 @ 12:25 AM

    સાદ્યંત સુંદર રચના… મુશાયરાઓમાં પણ એ ચોક્કસ જ દાદ પામી શકે… બધા જ શેર ધ્યાનાર્હ અને સંતર્પક થયા છે.

  13. AMIT N. SHAH. said,

    October 18, 2010 @ 12:40 AM

    RAEESH BAHI IS AMONGST THE TOP 10 ASSETS ON THE GUJRATI GHAZAL BALANCE SHEET .
    HE COMES FROM THE CITY , WHICH ALSO GAVE GANI DAHIWALA TO GUJRATI GHAZAL.

    HE IS FROM SURAT.

  14. હેમંત પુણેકર said,

    October 18, 2010 @ 1:06 AM

    વાહવાહ આવી છે હોઠે, પણ
    દાદમાં વાજબી છે ખામોશી!

  15. Pinki said,

    October 18, 2010 @ 3:01 AM

    એકદમ બોલકી … ખામોશી !

    સાચી વાત… ખામોશીની વાત …. જાહેર મુશાયરામાં શું કરવી ?!!

  16. વિહંગ વ્યાસ said,

    October 18, 2010 @ 5:17 AM

    સુંદર ગઝલ.

  17. Lata Hirani said,

    October 18, 2010 @ 12:52 PM

    સાંભળ્યા છે અવાજ સૌના ‘રઈશ’
    ને પછી જાળવી છે ખામોશી.
    બહુ ગમી

  18. Devika Dhruva said,

    October 18, 2010 @ 4:43 PM

    રઈશભાઈનેી ગઝલ ..પછી કંઈ કહેવું પડે ?
    “ખામોશી” ની અભિવ્યક્તિ !
    બેઉ સ્થળનો છે આગવો વૈભવ,
    ત્યાં છે કલરવ,અહીં છે ખામોશી…વાહ્..

  19. sapana said,

    October 18, 2010 @ 6:10 PM

    બેઉ સ્થળનો છે આગવો વૈભવ,
    ત્યાં છે કલરવ,અહીં છે ખામોશી.
    રઈશભાઈ તમારી ખામોશી શબ્દો કરતાં ધારદાર છે.અને હા મુશાયરામા આને બોલશો ..કારણ કે સિર્ફ એહસાહ હૈ યેહ રુહસે મેહસુસ કરો…
    સપના

  20. sapana said,

    October 18, 2010 @ 6:12 PM

    મુશાયરામાં આને ના બોલશો એમ કહેવાનુ હતું સિર્ફ એહસાસ હૈ યેહ રુહસે મેહસુસ કરો..

  21. Chintan Acharya said,

    June 6, 2016 @ 10:07 AM

    શબ્દ મારા સ્વભાવમાં જ નથી,
    એ તો બસ છટપટી છે ખામોશી

    વાહ અદ્દભુત્

  22. હિના મહેતા said,

    June 27, 2024 @ 11:21 PM

    જે હોશમાં હોય છે,
    જનાબ એ ખામોશ હોય છે.

    ખામોશ લોકો સત્ય જાણતાં હોય એટલે ચૂપ હોય, કારણકે અસત્ય વાતો બુમબરાડાથી જાહેર થાય અને સત્ય શાંત રહીને બધો તમાશો જોતું હોય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment