એમ રહીએ જગતને વળગીને-
આંગળીથી રહે પરાયો નખ
– મનોજ ખંડેરિયા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for અછાંદસ
અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 2, 2007 at 11:27 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રીતમ લખલાણી
લીલુંસૂકું ભરડતા
ઘાંચીના બળદે
એક સાંજે
ભગવાનને પ્રાર્થના કરી
કે
હે! દીનાનાથ
હવે ફરી
આવતા ભવે
બળદનું આયખું ન આપીશ !
આજે સવારે
બળદને જન્મ આપવાનું વિચારતા
બ્રહ્માની નજર
લોકલ ટ્રેનમાં લટકતા
મજદૂરના હાથમાં
ઝૂલતા ટિફિન પર પડી
અને તેણે
એક વધારે
માણસનું
નિર્માણ કરી નાખ્યું !
– પ્રીતમ લખલાણી
આત્માને ઝંઝોળી નાખે એવી નાની સરખી કવિતાઓ રચવાની કવિને હથોટી છે. વળી કવિ કાવ્યનું નામ ‘નિર્માણ’ રાખે છે જે ચોટમાં ઉમેરો જ કરે છે.
Permalink
August 17, 2007 at 3:06 AM by વિવેક · Filed under અછાંદસ, હર્ષદ ત્રિવેદી
પિંજરાનું બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું,
‘હવે તું મુક્ત છે.’
પંખીએ બહાર નીકળીને
માણસ સામે જોયું-
અને-
પાછું પિંજરામાં ભરાઈ ગયું.
-હર્ષદ ત્રિવેદી
ગાગરમાં સાગર જેવી આ કવિતાને એમ જ માણીએ…
Permalink
August 8, 2007 at 10:11 PM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
વીસ વરસ પછી આજે અમારા ‘ક્લાસ-ટીચર’ મળી ગયા
સ્હેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં
જૂનો કોટ,
શાળાની નોકરીએ એમને આટલો જ વૈભવ આપ્યો છે.
હવે ‘રીટાયર્ડ’ થયા છે.
સિંહ જેવો એમનો રોફ હતો.
એમનો અવાજ નહીં, એમની ત્રાડ આખા ક્લાસને ધ્રુજાવતી
એ અમને ઊભા કરતા ને અમે પાટલૂનમાં થરથરતા
એક દિવસ ખરાબ અક્ષર માટે
એમણે મને હાથ પર ફૂટ મારેલું
તે હજી યાદ છે.
મને ઢીલા અવાજે કહે,
“તને તો ખબર છે મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,
અને હું હિસાબના ચોપડા પણ લખી શકું છું.
તારી ફેકટરીમાં… ”
– વિપિન પારેખ
આપણે જેમને આપણા આદર્શ માનીને મોટા થયા એ શિક્ષકોને આપણે શું વળતર આપીએ છીએ – બને એટલું ઓછું ! અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે શિક્ષણ કથળતું જાય છે. હા, કથળે નહીં તો થાય શું ?! આપણે શિક્ષકોને ડોકટરો કે વકીલો જેટલો પગાર આપીએ તો જ આપણા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે.
ખેર, આ સ્થિતિ ભારતમાં જ નહીં અમેરિકામાં પણ છે. આ જ વિષય પર એક અમેરિકન શિક્ષક/કવિ ટેઈલર માલીની ‘સ્લેમ પોએટ્રી’ પણ માણવા જેવી છે. (સ્લેમ પોએટ્રી એટલે એક પ્રકારની કવિતાની હરિફાઈ જેમા કવિતાને સ્ટેજ પર પર્ફોમ કરવાની હોય અને એના પરથી તમારું ગુણાંકન થાય. અમેરિકામાં આવી હરીફાઈઓ ખાસ્સી લોકપ્રિય છે.) એમાં કવિ/શિક્ષક પોતાનો બળાપો કાઢે છે અને ‘What do you really make ?’ ના જવાબમાં એક અવાજે કહે છે, I make a difference !
Permalink
July 31, 2007 at 9:29 PM by ધવલ · Filed under અછાંદસ, અશોક વાજપેયી, કિશોર શાહ
તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.
તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.
પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.
પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.
પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.
– અશોક વાજપેયી
(અનુ. કિશોર શાહ)
તમને દુનિયાદારીની રીત સમજાવનાર બધા અંદરથી દુનિયાદાર હોય છે ખાસ જાણવું. એમની કહેલી વાતોનું તો ये हकीकत ही हकीकत में फसाना ही न हो જેવું હોય છે. કોઈક વાર સ્વપ્ન જેમની સાથે મળીને જોઈએ એમનું ધ્યાન અંદરખાને બીજે જ હોય એવું પણ હોય છે. દરેક માણસે પોતાના આકાશ (અને પીંજરા) ની શોધ પોતે જ કરવાની હોય છે.
Permalink
July 30, 2007 at 10:50 PM by ધવલ · Filed under અછાંદસ, રજની પરુળેકર
અચાનક ક્યાંકથી ઘણી બધી ચકલીઓ આવી,
વાડ પરથી બેસીને ઝૂલવામાં મગ્ન થઈ ગઈ
તારની તીક્ષ્ણ, વળદાર ગાંઠો
તેમણે કેટલી સહજતાથી ટાળી હતી !
અને તારને પણ ચકલીઓનો ભાર લાગતો નહોતો;
તારા-મારા સંવાદનું તે ચિત્ર હતું !
– રજની પરુળેકર
(અનુવાદ : જયા મહેતા)
તારની વાડ પર બેસીને ઝૂલતી ચકલી – એવા સામાન્ય ચિત્રમાંથી કવિ કેટલી સિફતથી એક અદભૂત વાત કહી દે છે એ તો છેલ્લી લીટીની ચોટ આવે ત્યારે જ સમજાય છે.
Permalink
July 15, 2007 at 11:49 AM by ધવલ · Filed under અછાંદસ, ગુણવંત શાહ
ખાંડ ?
સાડાચાર રૂપિયે કિલો.
ઘઉં ?
ત્રણ રૂપિયે કિલો.
તેલ ?
સાડાઆઠ રૂપિયે કિલો.
બધી ચીજોના ભાવ વધતા જ રહે ત્યારે
હું ભગવાનને
એક જ વિનંતિ કરું છું:
પ્રભુ !
મારો જીગરી દોસ્ત
વરસને વચલે દહાડે
પોતાના નાનકાને મુંબઈ બતાવવા આવે,
ત્યારે
મને એવું કદી ન થાઓ
કે :
‘એ હવે ક્યારે જશે ?’
– ગુણવંત શાહ
Permalink
July 10, 2007 at 1:38 AM by ધવલ · Filed under અછાંદસ
જલમની ભોમકા,
જનની નિજ,
નીંદ પાછલા પહોરની,
ગોષ્ઠી મિત્રોની,
ને મનનું માનીતું જે જન –
છે છોડવી કેટલી દોહ્યલી
વસ્તુ એ પંચ !
– હરિવલ્લભ ભાયાણી
Permalink
July 9, 2007 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, હિમાંશુ વ્હોરા
હે ખુલ્લી જગાઓ,
તમે મને સતાવો નહીં
હું ફેક્ટરી નાખવાનો વિચાર કરું છું.
ઓ હરિયાળા જંગલો,
મને લલચાવો નહીં
મારે તમારા લાકડાનું કામ છે.
હે આકાશના વાદળો,
મને આકર્ષો નહીં.
મારે ધુમાડો છોડવો છે.
હે સુરીલાં વહેણો,
મને મોહિત કરો નહીં
મારે તમને બંધમાં બાંધવા છે.
હે લીલાછમ ડુંગરો,
મને લોભાવો નહીં
મારે તમને વીંધી નાખવા છે.
હે કુદરતના પ્રેમીઓ
મને ચળાવો નહીં
હું પ્રગતિ કરવા પ્રતિબદ્ધ છું.
– હિમાંશુ વ્હોરા
માણસે પ્રગતિની મોટી કિંમત ચૂકવી છે અને હજુ વધારે ચૂકવશે. પ્રગતિ તો માણસો મૂળ ગુણ છે. પ્રગતિની ઈચ્છાને છોડી શકવા તો લાંબે ગાળે આપણે કોઈ સમર્થ છીએ જ નહીં. એ સંજોગોમાં આપણે એવી રીતે પ્રગતિ કરતા શીખવાનું છે જેથી આપણે આપણી જાતને અને આપણી આજુબાજુના જીવજગતને ઓછામાં ઓછું નડીએ. અને એ કામ અશક્ય નથી જ. જુઓ એક અને બે.
Permalink
July 8, 2007 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
રાવણના રાજ્યમાં જીવવાની
મને જડીબુટ્ટી જડી ગઈ છે.
મને રોજ રાતે
રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.
– વિપિન પરીખ
Permalink
June 22, 2007 at 10:19 PM by ધવલ · Filed under અછાંદસ, કુસુમાગ્રજ
એવા અનેક ચંદ્ર
આવી ગયા
ચાંદની આપી ગયા
પણ ચાંદની આપવા માટે
તેમણે માગ્યું હતું મૂલ્ય
મારા આકાશનું.
પણ તારો ચંદ્ર
એટલો આત્મમગ્ન
અને નિ:સ્વાર્થ
કે તેણે મારું
આકાશ તો ઠીક
પણ મારો અંધકાર પણ
માંગ્યો નહીં.
– કુસુમાગ્રજ (અનુ. જયા મહેતા)
Permalink
June 21, 2007 at 1:05 AM by વિવેક · Filed under અછાંદસ, મદનકુમાર અંજારિયા 'ખ્વાબ', લઘુકાવ્ય
બાપુ
બાપુએ જોયું
આદર્શ ભારતનું સ્વપ્ન
ભારતે બાપુને જ
આદર્શ સપનું બનાવી દીધા !
ફૂલો
સુગંધનુંયે વજન
ન ઊંચકી શક્તાં ફૂલો
સુગંધને પ્રસારી દે છે હવામાં.
મા
ધરતી પણ મા છે ને !
એ લાકડી ઉગામે તોયે
શેરડી રૂપે !
– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
ભુજમાં રહેતા આ કવિ લઘુકાવ્યો ઉપર મજાની હથોટી ધરાવે છે. આ ત્રણ લઘુકાવ્યમાં કયું ચડિયાતું છે એ નક્કી કરવું દોહ્યલું બની રહે તેમ છે. (જન્મ: 14-05-1951, કાવ્યસંગ્રહ: ‘ઑગન’.)
Permalink
June 15, 2007 at 6:02 PM by ધવલ · Filed under અખિલ શાહ, અછાંદસ
ગઈકાલે,
મારી
ખૂબ મહેનતથી લખેલી
બધી
છંદોબદ્ધ
પ્રેમ-કવિતાઓ,
અઘરા શબ્દોની
ચિતા સળગાવીને
સતી થઈ ગઈ છે.
બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.
– અખિલ શાહ
પ્રેમ કરવો અને પ્રેમ-કવિતાઓ લખવી એ અલગ બાબત છે. પ્રેમના પહેલા પગરવે પ્રેમ-કવિતા પરનો પ્રેમ ભાગી છૂટે એમ પણ બને ! પ્રેમની અનુભૂતિના પગલે અઘરા શબ્દો અને ક્લિષ્ટ છંદોમાં રાચતી કવિતા ખરી પડે એ વાત મને તો તદ્દન સાચી જ લાગે છે, તમને શું લાગે છે ? વળી, અઘરા શબ્દો અને ક્લિષ્ટ છંદો ખરી પડે પછી જે બાકી રહે એ જ શું ખરેખર કવિતા નથી ?
Permalink
June 11, 2007 at 8:21 PM by ધવલ · Filed under અછાંદસ, કનૈયાલાલ સેઠિયા, કિશોર શાહ
રસ્તો
પગનો
શિષ્ય છે.
જેઓ
ગણે છે
એને ગુરુ
એમને
નથી
મળતો
મુકામ !
– કનૈયાલાલ સેઠિયા
(અનુ. કિશોર શાહ)
તેર શબ્દોમાં તો કવિએ આખી જીંદગી ચાલે એટલું ભાથું ભરી દીધું છે ! એક રીતે જુવો તો આ કવિતાનો બૃહત અર્થ રોબર્ટ ફ્રોસ્ટની વિખ્યાત કવિતા The Road Not Taken ને મળતો આવે છે. એ કાવ્ય પણ જોવાનું ચૂકશો નહીં.
Permalink
June 7, 2007 at 2:00 AM by સુરેશ · Filed under અછાંદસ, નીરવ પટેલ
જંતુ બનીને જીવવું ક્બૂલ છે-
મારે માણસ નથી બનવું.
મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે-
હું અમીબા બનીને જીવીશ.
મારે નથી જોઇતી પાંખો –
મારે આકાશ નથી આંબવું.
હું પેટે ઢસડાઇશ-
સાપ ગરોળી થઇને.
ભલે ફંગોળાઉં આકાશે-
ઘાસ કે રજકણ બનીને.
અરે, હું ક્રુઝોના ટાપુ પર-
ફ્રાઇડે બનીને જીવીશ.
પણ મારે માણસ નથી બનવું.
મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું.
મારે હિન્દુ માણસ નથી બનવું.
મારે મુસ્લિમ માણસ નથી બનવું.
– નીરવ પટેલ
દલિતોની વેદનાને વાચા આપતી નીરવ પટેલની દરેક રચનામાં સામ્પ્રત સમાજ વ્યવસ્થા પર તીવ્ર આક્રોશ હોય છે.
Permalink
June 7, 2007 at 1:49 AM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
તરફડાટ એટલે ? –
તમે કહેશો,
જલની બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ !
પણ ઘૂઘવતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?
– પન્ના નાયક
જે પાણી વિના તરફડે એ માછલાને તમે પાણીથી છાનું રાખો પણ જે માછલી આખા ભરેલા સાગર વચ્ચે તરફડતી હોય એનો તો વળી શો ઉપાય કરવો ? ભરેલા ભંડાર વચ્ચે અંદરની તડપતા મનની વાત અહીં બહુ ધારદાર રીતે કરી છે. આ વાંચીને તરત એકલતાના ઉપનિષદ જેવું મુકુલ ચોકસીનું આ મુક્તક યાદ આવી ગયું.
જેને ખાલીપો લાગે છે પળભર
તેઓ ગમતું કશુંક અડી લે છે
જે ભયાનક રીતે અટૂલા છે
તે તો ટોળામાં પણ રડી લે છે.
Permalink
May 18, 2007 at 2:00 AM by સુરેશ · Filed under અછાંદસ, આદિલ મન્સૂરી
હા, કબૂલ્યું હું,
નામ બદલી
મૌનનાં કાળાં રહસ્યો પામવા
ભટકું અહીં
હું છદ્મવેશે.
છંદના ખંડેરમાં બેસું કદી
ભાવો બની,
લયની સૌ ભઠિયારગલીઓમાં
સદા ભૂખ્યાનો કરતો ડોળ
રખડું.
હાઇકુના સત્તરે અક્ષર મહીં
સંકેત કરતો,
ફૂંક મારી દઉં ગઝલના કાનમાં
એકેક ચપટા શબ્દના પોલાણને
અંદર જઇ, જોઉં, તપાસું,
સહેજ પણ શંકા જો આવે કોઇને તો
અર્થના નકશાઓ ચાવી જાઉં.
હા! કબૂલ્યું. ગુપ્તચર હું.
– ‘આદિલ’ મન્સૂરી
જીવનના એક તબક્કે સરકારી તંત્ર ગુપ્તચર હોવાની શંકા સેવી આ ઋજુ દિલના શાયરની પાછળ પડી ગયું હતું.
આ સરસ કાવ્યમાં તે વાત તેમણે કબૂલી છે.
પણ કેવી રીતે ? અને કેવા ગુપ્તચર? !
આદિલજી! અમને પણ આ વિદ્યા શીખવશો?
Permalink
May 15, 2007 at 10:21 PM by ધવલ · Filed under અછાંદસ, જ્હોન પોવેલ
માણસના જીવનનો
ગુરુત્વાકર્ષણના નિયમ જેવો જ
એક અફર નિયમ છે –
આપણે વસ્તુઓને વાપરતાં
અને માણસોને પ્રેમ કરતાં
શીખવું જોઈએ;
નહીં કે –
માણસને વાપરતાં
અને
વસ્તુઓને પ્રેમ કરતાં.
– જ્હોન પોવેલ
(અનુ. – રમેશ પારેખ)
કેટલી સચોટ વાત ! આટલું સમજી લઈએ તો મોટા ભાગની તકલીફમાંથી બચી જઈએ. પણ આ મર્કટ મન ક્યાં કદી કોઈનું સમજાવ્યું સમજ્યું છે કે હવે સમજશે ?!
Permalink
April 18, 2007 at 2:02 AM by સુરેશ · Filed under અછાંદસ, પ્રવીણ દરજી
હજી
હજી આમ
મારે
આ સોનેરી ચીસો લઇ
ક્યાં સુધી જન્મવાનું છે?
ફ્રોસ્ટ,
સૂતાં પહેલાં
જોજનો દૂર જવાની વાત
વિતથ છે.
અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ વર્ષથી
મારા શબને
કાંધ ઉપર લઇને
અહીંતહીં ફરતાં
હું
બેવડ વળી ગયો છું.
છે કોઇ ડાઘુ ?
ચોર્યાસી લાખ પાળિયામાં
ક્રન્દી ક્રન્દી
વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામે
એવી કરુણપ્રશસ્તિના નાયક
મારે
નથી થવું.
– પ્રવીણ દરજી
વિતથ – તથ્ય વિનાનું, અસત્ય
પ્રવીણ દરજી લુણાવાડાની કોલેજના નિવૃત્ત અધ્યાપક છે અને કવિ અને નિબંધ લેખક છે.
Permalink
April 15, 2007 at 12:15 AM by વિવેક · Filed under અછાંદસ, વિપિન પરીખ
તું અમેરિકન પત્નીની જેમ
મને છોડીને ચાલી તો ન ગઈ
તેં મને
અનેક મનુષ્યોની વચ્ચે
વકીલોના સહારે
કોર્ટમાં બદનામ પણ ન કર્યો
ન તો ક્યારેય આક્રોશ કર્યો
ન ફરિયાદ કરી
માત્ર એક દિવસ વાતવાતમાં
તું આટલું બોલી ગઈ –
‘આવતા ભવે પતિ તરીકે તમે તો નહીં જ !’
-વિપિન પરીખ
ભવોભવ એક-મેકના સાથી બનવાની માન્યતાને બાળાગોળીને જેમ ચટાડી ચટાડીને ઉછેરાતા ભારતીય દંપતિઓમાંથી કેટલા દંપતિઓ જીવનના અંત લગી સાચેસાચ આ સંસ્કારો જીવી-જિરવી શકતા હશે ? કેટલાક સુખદ અપવાદોને બાદ કરતાં વિવિન પરીખની આ વાત શું મોટાભાગના લોકોના જીવનનો સાચો ચહેરો નથી? ક્યારેક પરિવારની સંકુલતા, ક્યારેક બાળકોના નામની બેડી, ક્યારેક ધર્મનું નડતર અને ક્યારેક સમાજની દિવાલ બે વ્યક્તિને એક છત નીચેથી છૂટા પડતા અટકાવી દે છે. પણ છૂટાછેડા શું માત્ર કોર્ટરૂમમાં જ થાય છે? એક પલંગના બે છેડા પર સૂતેલા બે શરીરો કદાચ રાત્રિના અંધારામાં એક થાય પણ ખરાં, પણ બે મન છૂટા પડીને પૃથ્વીના સામસામા છેડે પહોંચી ગયા હોય એવું નથી બનતું?
Permalink
April 9, 2007 at 10:55 PM by ધવલ · Filed under અછાંદસ, કાર્લ સેન્ડબર્ગ, સુરેશ દલાલ
જૂના પુરાણા દેવોને
મેં જતા જોયા છે
અને નવા દેવોને આવતા.
પ્રત્યેક દિવસે
અને વરસે વરસે
મૂર્તિઓ પડે છે
અને પ્રતિમાઓ ઊભી થાય છે.
આજે
હું હથોડીની ભક્તિ કરું છું.
– કાર્લ સેન્ડબર્ગ
આ નાનકડા કાવ્યના કેટલાય અર્થ છે. એક તરફથી જુઓ આ કવિતા એ ‘કિંગ’ અને ‘કિંગ-મેકર’ની વાત કરે છે. અને બીજી બાજુથી જુઓ તો આ કાવ્ય લોકશાહીની પ્રણાલીની વાત કરે છે જેમા મૂર્તિઓ ઘડતી હથોડી એટલે કે પ્રજા જ આખરે રાજા છે. અને વળી બીજા ખૂણેથી જુઓ તો આ કવિતા – પરિવર્તનથી વધુ શાશ્વત વાત કોઈ નથી – એ ધ્રુવવાક્યનો પડઘો પાડતી જણાય છે. તમને જે ગમે તે અર્થ છે તમારે માટે ખરો અર્થ !
Permalink
April 8, 2007 at 12:20 AM by વિવેક · Filed under અછાંદસ, નરેન્દ્ર મોદી
પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.
-નરેન્દ્ર મોદી
ગઈકાલે ૦૭-૦૪-૨૦૦૭ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ નું વિમોચન મુંબઈના ભાઈદાસ હૉલમાં થયું. રાજકારણ સાથે સંકળાયેલો માણસ જ્યારે શબ્દ સાથે પનારો પાડે ત્યારે પહેલાં તો શંકા જાગે કે એ સાચા શરસંધાન કરી શક્શે ખરો? પણ જેમ રામે પરશુરામની શંકા શિવધનુષ ધારીને કડડડભૂસ કરી હતી એમ ન.મો.ના કાવ્યો સાહિત્યરસિકોની આશંકાને સાનંદાશ્ચર્યથી નવાજી ખોટી પાડે છે. ગીતની કક્ષામાં આવી શકે એવું આ કાવ્ય મહદ્ અંશે તરન્નુમમાં ભાસે છે. પહેલી કડીમાં પૃથ્વીના સૌંદર્યનું વિશાળ ફલક રજૂ કરી બીજી જ પંક્તિમાં કવિ આંખ જેવી ઝીણકી સંજ્ઞા પર ભાવકને એવી મસૃણતાથી પછાડે છે કે કાવ્યમાં આગળ ખરેખર કવિતા આવશે એવી ભાવાનુભૂતિ થયા વિના રહેતી નથી. પૃથ્વીની રમ્ય વિશાળતા આંખના ઝીણકાપણાથી માણીએ તો જ જીવન ધન્ય બને. ઝાલ્યા ન ઝલાતા તડકાના ઢોળાવાની વાત અને હવામાં રંગોના વર્તુળો દોરતા મેઘધનુની વાત સાથે પુણ્યને સાંકળીને કવિ પ્રકૃતિના નાના-મોટા સાક્ષાત્કારોને ધન્યતાની ઊંચાઈ આપવામાં સફળ થયા છે. સમુદ્ર આકાશમાં ઊછળે? અને એની સાથે વાદળોની વાત? રાજકારણના આદમી શબ્દકારણના કવિ તરીકે ક્યાંક વાણીવિલાસ તો નથી કરી બેઠા ને? અરે હા! વાદળોના ગાભમાં હકીકતે ભર્યું છે શું? સમુદ્રનું બાષ્પીભવન થયેલું પાણી જ ને? અંતરાના અંતમાં જ્યારે કવિ ‘ભરેલા શૂન્ય’ની વાત કરે છે ત્યારે અચાનક તડકો, રંગધનુ, સમુદ્ર અને વાદળોના ગાભને એકસૂત્રે બાંધતા વૈજ્ઞાનિક તથ્યની ચમત્કૃતિનો શબ્દાત્કાર થાય છે અને પૃથ્વીની રમ્યતા શબ્દોમાંથી નીકળીને આપણા અહેસાસ સાથે સંકળાતી લાગે છે, જે કવિતાની સાચી ફળશ્રુતિ છે. કવિ માત્ર સૌંદર્યની વાત કરીને અટકી નથી જતાં. એમની ભીતરે તો કૈંક બીજું જ અભિપ્રેત છે. માનવીના મેળામાં ભળવાની વાત સાથે અન્યોની હાજરીમાં પોતાની જાતને કળવાની વાત કવિની જાગૃત સંવેદનાનું દ્યોતક્ છે. અને અંતે આ બધા ગમ્યની બહાર કશુંક અગમ્ય પણ છે કહીને પોતાની ધારી ચોટ પૂરી કરે છે ત્યારે લાગતું નથી કે ગુજરાતની સૂરત બદલી નાંખનાર કોઈ પ્રખર રાજકારણીના આ શબ્દો છે.
Permalink
March 30, 2007 at 5:50 PM by ધવલ · Filed under અછાંદસ, આર.એસ.દૂધરેજિયા
ચોખા તો કંકાવટીના કંકુમાં
ડૂબી મર્યા છે
ને આસોપાલવના બધાં પાંદડાંઓ
તોરણ છોડીને પાછાં ચાલ્યાં ગયાં છે ઝાડ પર
ઉંબરમાં શ્રીફળ ફોડો
તો તેમાંથી નીકળે છે તરફડતો ખોબો
હું ઘડીક શણગારેલા ઓરડાને
જોઈ રહું છું
તું તારા ચહેરાને ઘુંઘટમાં
જેમ તેમ પણ બંધ કરી શકે છે
પણ –
મારે મારા ખોબાને મુઠ્ઠીમાં કેમ બંધ કરવો ?
હું કદાચ તારો ઘુંઘટ ખોલીને જીવી જાઉં
પણ –
તું મારી મુઠ્ઠી ખોલીને જીવી શકીશ…?
– આર.એસ. દૂધરેજિયા
આ કવિતાના જવાબમાં અહમદ ‘ફરાઝ’નો શેર યાદ આવી ગયો –
તુ ખુદા હૈ ન મેરા ઈશ્ક ફરિશ્તોં જૈસા
દોનો ઇન્સાં હૈ તો ક્યો ઈતને હિજાબોં મે મીલે
(યાદદાસ્તના આધારે જ આ શેર લખ્યો છે… ભૂલચૂક લેવીદેવી! હિજાબ=પડદો )
Permalink
March 21, 2007 at 10:31 AM by સુરેશ · Filed under અછાંદસ, રાજેન્દ્ર શુક્લ
શબ્દનું તળિયું હવે દેખાય છે.
શબ્દનું તળિયું હવે દેખાય છે.
શબ્દનું નળિયું નહીં.
તળિયું દેખતાંવાર જ તરત નળિયું જ કેમ,
નળિયું કેમ આવ્યું યાદ?
એમ જ વળી,
કદાચિત્ પ્રાસને કારણ.
પરંતુ….
આ પ્રશ્ન પણ તારો જ છે કે…
છે. નથી. પ્રશ્ન જ નથી.
ને હોય તોયે શું?
એથી જ તો કંઇ શબ્દનું તળિયું નહીં તરડાય !
કોઇ સરવાણી નહીં ફૂટે !
શબ્દનાં નળિયાં તળે તો કૈં કેટલું બનતું હતું –
કોઇ ગાતું, કૂદતું
કોઇ ગણગણતું હતું.
સાત રંગોની પૂરે રંગોળી કોઇ
કોઇ કશુંક રચતું હતું.
ને હવે તો…
શબ્દ.
તળિયું – પાતળું પાતાળ.
આંખ છે. ઊંડાણ છે.
ઊંડા કૂવા છે.
જલ વગરના
છલ વગરના
હરચલ વગરના.
ને છતાં અંધાર જેવુંયે નથી,
કેમ કે જે દેખતું, દેખાય જે
તે પણ નથી.
તે એટલે તો કૈં પછી બનતું નથી, હોતું નથી.
કૈંક કેવળ હોય છે.
એ પણ પછી હોતું નથી.
શબ્દનું તળિયું જ કેવળ હોય છે.
પાતળું પાતાળ.
તે પણ પછી હોતું નથી!
– રાજેન્દ્ર શુકલ
શબ્દશ્રી જેમને વરેલી છે તેવા આ કાળના આપણા આ ઋષિકવિએ અશબ્દને અનુભવ્યો છે. અને એ અનુભવ શબ્દ દ્વારા સાકાર થવાની મથામણ જ્યારે કવિ અનુભવે છે, ત્યારે પ્રગટેલા આ શબ્દો ‘શૂન્ય’ ની સૃષ્ટિનું કાઇક દર્શન આપણને કરાવી જાય છે.
( સાભાર – ‘બૃહદ્ ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ’ – સુરેશ દલાલ)
Permalink
March 20, 2007 at 1:33 AM by ધવલ · Filed under અછાંદસ, જિતેન્દ્ર વ્યાસ
આંખો તો કશાય કામની નથી.
એ મિંચાય કે તરત જ
એમાં ઊગેલાં મેઘધનુષ્યોને
હળવેકથી ઉપાડીને
કોઈ કોરી આંખના આકાશમાં લહેરાવજો.
હીરનાં ચીરનોય મોહ ક્યાં હતો કે કફનનો હોય ?
મારાં અંગ પર ઊગેલાં રોમાંચોને
બાગની કોઈ ક્યારીમાં વાવજો,
કોઈ ફૂલડાને આપજો.
મારી ભવોભવની લેણદાર
કો પુરકન્યકા
નીચી નજર ઢાળી
એણે આપેલાં
કુન્દધવલ સ્મિત
(મારે મન તો મોટી મૂડી)
વિશે
મહકતા મૌનથી પૃચ્છા કરે
ત્યારે
તેને મારાં ગીતો આપજો.
મારી શ્રુતિમાં પડઘાતા ફૂલોના સૌરભ-ટહુકાઓને
તારલાના મધપૂડા સુધી પહોંચાડજો.
મારા છેલ્લા શ્વાસે
ખીલું ખીલું થતી કો પદ્મિનીની સુવાસ
ભરું ને પોઢી જાઉં ત્યારે
‘બે મિનિટ મૌન’ પાળવાને બદલે
હે અભિનવ કોકિલો,
આમ્રમંજરીના આસ્વાદથી મ્હેકતા કંઠે
તમે
ગાજો, ગાજો, ગાજો.
– જિતેન્દ્ર વ્યાસ
આટલા સુંદર કલ્પનો સાથે મૃત્યુની વાત જવલ્લે જ આવે છે. સરખાવો મરતા માણસની ગઝલ અને મૃત્યુ ન કહો.
Permalink
March 19, 2007 at 1:33 AM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.
– જયન્ત પાઠક
કવિતા લખવાની પ્રક્રિયા પર કવિઓએ ઘણું લખ્યું છે. કવિ હોવા વિષે મારું પ્રિય કાવ્ય છે સમુદ્ર. આગળ વિવેકે તો સર્જનની પ્રક્રિયા બયાન કરતા ઉત્તમોતમ શેર-પંક્તિઓનું મઝનું સંકલન કરેલું ( ભાગ એક અને ભાગ બે ) એય અહીં ફરી મમળાવવા જેવું છે.
Permalink
March 9, 2007 at 8:54 PM by ધવલ · Filed under અછાંદસ, અમૃતા પ્રીતમ
મારી શૈયા તૈયાર છે
પણ જોડા અને ખમીશની જેમ
તું તારું શરીર પણ ઊતારી લે
ત્યાં મૂડા પર મૂકી દે.
કોઈ ખાસ વાત નથી –
આ પોતપોતાના દેશનો રિવાજ છે.
– અમૃતા પ્રીતમ
આવી કવિતા લખતા પહેલા અમૃતા પ્રીતમે જીવેલી એવી જીંદગી જીવવી પડે – પ્રેમને ધૃવતારો ગણીને જીવેલી જીંદગી !
Permalink
March 8, 2007 at 1:00 AM by સુરેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી
… તો વાતો પ્રેમની વાતો તો પ્રેમની વાતો વ્હેમની તો
ને આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબૂતર ઊડી ગયું.
ચોકીપ્હેરો ભરતી શયનખંડની ચાર દીવાલો ખૂબ પાસે આવી
અને બે પલંગ પરની પથારીઓ એક થઇ ગઇ.
ઓશીકા પર ફેલાયેલા વાળમાં એરકન્ડિશનરનો અવાજ ગૂંચવાઇ ગયો,
અને મીંચાયેલી આંખોએ હોઠ પરની વાતો સાંભળીને પરિતૃપ્તિ પામ્યાનો પ્રયત્ન કર્યો.
લગ્નજીવનનાં વીતી ગયેલાં વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઇને લટકે છે.
સવારે ના’વા જાઉં છું ત્યારે બાથરૂમમાં હું પહોંચું એ પહેલાં જ મારો ટુવાલ પહોંચી જાય છે ,
અને નાહીને ભીનો થયેલો હું નક્કી નથી કરી શકતો કે એમાં routine છે કે પ્રેમ …
મારાં બૂટ, મોજાં, ટાઇ, રૂમાલ – ની જેમ હું વ્યવસ્થિત રીતે કેમ નહીં ગોઠવાતો હોઉં ?
શયનખડની બત્તી બુઝાઇ જાય છે, હું પડખું ફરી જાઉં છું :
અને હવે તો સપનાંઓ પણ આવતાં નથી.
– જગદીશ જોશી
યુવાનીમાં જે સંબંધ બાંધવા માટે કેટકેટલાં ગીતો ગાયાં હોય, પ્રેમપત્રો લખ્યા હોય, આકાશના તારા નીચે લાવવાની હોડ બકી હોય, તે સમય જતાં કેવળ routine થઇ ગયાની સામાન્ય વ્યથાનું અહીં કવિએ અજબ નિરૂપણ કર્યું છે.
આ માનવ જીવનની વાસ્તવિકતા છે.
Permalink
March 6, 2007 at 11:08 PM by ધવલ · Filed under અછાંદસ, સર્વેશ્વરદયાલ સક્સેના
આપણે બધા
આપણે બધા અધવચ્ચે અટવાયેલી જિંદગી જીવી રહ્યા છીએ.
આપણે સંપૂર્ણ આવેગ સાથે
નથી ધૃણા કરી શકતા
નથી પ્રેમ,
નથી ગુસ્સે થઈ શકતા
નથી ક્ષમા આપતા;
અધૂરી કામનાઓ,
અધૂરી ઈચ્છાઓ,
અધૂરાં સપનાંઓ,
અધૂરી વાતો,
બધું જ આપણામાં સંતાડીને
અધૂરા રસ્તા પર ફરીએ છીએ,
ડરીએ છીએ, કતરાઈએ છીએ,
અધૂરી દૃષ્ટિ,
અધૂરા વિચાર,
અધૂરા સંબંધોને
સ્વીકારીએ છીએ,
અને એમને જો પૂર્ણતાની શોધમાં
લાવારીસ ફરતા મળી જઈએ છીએ
તો અડધે રસ્તેથી પાછા વાળી દઈએ છીએ.
– સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. ઉષા પટેલ)
Permalink
March 1, 2007 at 1:00 AM by સુરેશ · Filed under અછાંદસ, અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ
ચાલો,
આષાઢનાં વાદળો તીડનાં ટોળાં બનીને
ધરતીને ચૂસી ખાય તે પહેલાં,
વિનામોતે મરેલાંની કબરો
હિમાલયનાં શિખરો બની જાય તે પહેલાં,
પ્રેમની વાતોથી
કવિતાના શબ્દોનો રંગ ફટકી જાય તે પહેલાં,
જાળ નાખીને
ચંચલ પાણીમાં સ્થિર ઊભેલો માછીમાર
ભગવાન બની જાય તે પહેલાં,
ચાલો,
ધરતીમાં ઢબૂરાયેલા બીજને
આપણે મૃત્યુની કથા કહેવાની છે.
અને –
– અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ ( કવિ પરિચય )
આ થોડી સમજવામાં અઘરી કવિતા હું જેવી સમજ્યો છું તે સમજાવું –
જન્મથી મૃત્યુ સુધીની દરેક જીવિતની નિયતિને કવિએ અહીં અનેક રૂપકો દ્વારા અભિવ્યક્ત કરી છે. આષાઢ પછી આવતી લીલોતરી તો છે પણ તેની પાછળ આવતાં તીડનાં ટોળાં પણ છે. જીવતાં જ મરેલા હોય તેવા માનવો ય છે, અને દંભી સમાજમાં તે હિમાલય જેવા મોટા પણ બની જતા હોય છે. પ્રેમ તો છે પણ તે સાવ રંગ વિહીન, કવિતાના શબ્દોમાં ફટકી ગયેલો પણ છે. બહુ સ્થિર અને નિર્વિકારી દેખાતો શિકારી, બગભગતની જેમ આ જગમાં પૂજ્ય પણ બની જતો હોય છે.
નવા આવનાર જીવના બીજને આ કથા, જીવનની આ બિભીષણ વિડંબના કહીને કવિ આપણા અર્થો જાતે જ કાઢવા આપણને આહ્ વાન આપે છે .
– ‘અને’ કહીને ….
Permalink
February 26, 2007 at 8:16 PM by ધવલ · Filed under અછાંદસ, ગુણવંત શાહ
લોક પૂછે છે :
આ કવિતા આવે છે ક્યાંથી ?
મને પણ થાય છે કે
આ વાયરો મૂળ ક્યાંનો વતની ?
મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ ?
આ મેઘધનુષ ક્યાંથી redirect થઈને આવ્યું ?
ઝાકળના ગામનો પિનકોડ નંબર શો ?
ઊર્ધ્વમૂલ વૃક્ષ કઈ વાડીમાં ઊભું છે ?
અનંતના વહેણમાં અતીતનો ઓવારો ક્યાં આવ્યો ?
વૃક્ષને કલરવ ફૂટે એમ
મૌનને ફૂટે છે શબ્દ
ને ત્યારે
કવિ અને ઈશ્વર વચ્ચે
માંડ એક વેંતનું છેટું હોય છે.
– ગુણવંત શાહ
ગુજરાતી ભાષાના અગ્રણી નિબંધકાર ગુણવંત શાહે થોડી કવિતાઓ પણ લખેલી. ‘વિસ્મયનું પરોઢ’ એમનો સંગ્રહ. આ નાની સરખી કવિતામાં એ સર્જનની પ્રક્રિયા પોતાના અંદાજમાં સમજાવે છે.
Permalink
February 20, 2007 at 9:44 PM by ધવલ · Filed under અછાંદસ, હરિવલ્લભ ભાયાણી
‘અહીં રહી
અહીં કેલી કરી
અહીં રિસાઈ
અહીં મનાઈ –
સૂનું પડ્યું અવ આ મારું ઘર
તોયે પ્રિયાથી હજીયે સભર.’
– હરિવલ્લભ ભાયાણી
(અનુવાદ, મૂળ પ્રાકૃત સુભાષિત પરથી)
Permalink
February 14, 2007 at 1:00 AM by સુરેશ · Filed under અછાંદસ, નિનુ મઝુમદાર
એક સુસ્ત શરદની રાતે
આળસ મરડી રહી’તી ક્ષિતિજો ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઇ ધ્યેય વિના અહીંયાં તહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.
એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં , જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચું હરણનું બેઠું થયું, હળવેકથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઇ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઇ ગઇ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઇ
ને ચંપો ખડખડ હસી પડ્યો
ભ્રુભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઇ ફૂલ બકુલના કૂદી પડ્યાં
મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઇ ને ચકિત થઇ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઇ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃધ્ધ પીપળો ડોકું ધુણાવી
ગયો સમય સંભારી રહ્યો.
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધુઓ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઇચ્છા જાગી ગઇ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ સર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી ક્લાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો.
– નિનુ મઝુમદાર
પ્રેમના સામ્રાજ્યનું આ સજીવારોપણથી ભરપૂર વર્ણન, ગુજરાતી કવિતાનું એક અમૂલ્ય ઘરેણું છે. જ્યારે અમદાવાદમાં સાક્ષરો અને સારસ્વતો થી ભરચક અને માત્ર રસીકજનો જ હાજર હોય તેવી સભામાં કવિની પુત્રીએ આ ગીત વાંચી સંભળાવ્યું; ત્યારે તે ત્રણ વખત વન્સમોર થયું હતું .
કોઇ એક લહેરખી ફરી વળે અને પ્રકૃતિના કણેકણમાં આકસ્મિક જ અનંગ જાગી ઊઠે તેનું આટલું સુંદર અને નજાકત ભર્યું વર્ણન વાંચીએ ત્યારે, પ્રેમ એ કેટલી નાજૂક અનુભૂતિ છે તે થોડું થોડું સમજાય છે.
Permalink
February 13, 2007 at 12:11 AM by ધવલ · Filed under અછાંદસ, અમૃતા પ્રીતમ, હરીન્દ્ર દવે
માત્ર બે રજવાડાં હતાં –
એકે મને અને તને પદભ્રષ્ટ કર્યાં હતાં.
અને બીજાનો અમે બંનેએ ત્યાગ કર્યો હતો.
નગ્ન આકાશની નીચે –
હું કેટલીયે વાર –
શરીરના વાદળમાં પલળતી રહી,
એ કેટલીયે વાર
શરીરના વાદળમાં પલળતો રહ્યો.
પછી વર્ષોના મોહ ને-
એક ઝેરની જેમ પીને
એણે કંપતા હાથે મારો હાથ પકડ્યો
ચાલ ! ક્ષણોના માથા પર એક છત બાંધીએ
તે જો !
દૂર – સામે, ત્યાં
સાચ અને જૂઠની વચ્ચે – કંઈક ખાલી જગ્યા છે…
– અમૃતા પ્રીતમ
(અનુ. – હરીન્દ્ર દવે)
અમૃતા પ્રીતમની કવિતામાં પ્રેમને માટે નવી દુનિયા વસાવવાની વાત વારંવાર આવે છે. અમૃતા પ્રીતમ જેવી વ્યક્તિને પ્રેમ માટે આ દુનિયા નાની પડે એ સ્વાભાવિક જ છે. અહીં એ પ્રેમી સાથે નવું ઘર બાંધવાની વાત પોતાની આગવી છ્ટાથી કરે છે. પ્રેમનું ઘર તો સત્ય-અસત્યથી પર જ હોય. એમાં ખરા-ખોટાની બધી વાત ભૂલી જવાની હોય.
Permalink
February 9, 2007 at 2:21 AM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
તને પ્રેમ કર્યો હતો
એ
ભૂલી જવા
મેં
આપણા હાસ્યના ફુવારા
મુશળધાર વરસાદમાં ભેળવી દીધા,
આપણી વિશ્રંભકથા
પતંગિયાંઓની પાંખ પર મૂકી દીધી,
અને
આપણા આશ્લેશની નિકટતા
તાજા જ પડેલા સ્નોને સોંપી દીધી.
હવે
હું
સ્મૃતિરહિત.
– પન્ના નાયક
પોતાના મનમાંની બધી યાદોને કુદરતને પાછી સોંપી દઈને હળવા થઈ જવાની આ યુક્તિ, કવિતા વાંચી કે તરત જ ગમી ગઈ. કાશ, આ યુક્તિ સાચી જીંદગીમાં પણ ચાલતી હોત !
Permalink
February 5, 2007 at 10:33 PM by ધવલ · Filed under અછાંદસ, જયા મહેતા
થોડા દિવસ
કરુણ શબ્દોની ઊડાઊડ.
થોડા દિવસ
હોસ્પિટલની લોબીમાં ફરતાં સગાંવહાલાં જેવી
ઠાલાં આશ્વાસનોની અવરજવર.
થોડા દિવસ
‘ગીતા’ને ‘ગરુડપુરાણ’ની હવા.
પછી
બેંક-બેલેન્સની પૂછપરછ.
પછી
મરનારના પુરુષાર્થનાં
ગુણગાનની ભરતી અને ઓટ.
પછી
રેશનકાર્ડમાંથી નામની બાદબાકી
અને છેવટે રોજની જેમ સૂર્ય ઊગે છે,
અને
કંકુની ડબી પર જાણે કે
શબની ચાદર ઢંકાઈ જાય છે.
કંકણોની પાંપણો ટપક્યા કરે છે
અને
મંગળસૂત્ર ઝૂર્યા કરે છે.
– જયા મહેતા
મૃત્યુના બે ચહેરા હોય છે. એક જાહેર અને બીજો ખાનગી. મૃત્યુના શોકના પડઘમ શમી જાય પછી પણ એના પડધા અંગત માણસોના દિલમાં કાયમ માટે રહી જાય છે. પોતાનું માણસ જતું રહે એનો ખાલીપો તો રોજ થોડો થોડો જીવવો પડે છે; આખી જીંદગી જીવવો પડે છે.
Permalink
January 30, 2007 at 10:03 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રિયકાંત મણિયાર
એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.
એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે.
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.
એ લોકો પહેલાં ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.
તે તે લોકો છે જ નહિ.
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઊધઈ
બીજું એને ભાવતું નથી.
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ !
– પ્રિયકાંત મણિયાર
રવિવારે વિવેકે પ્રિયકાંત મણિયારની રચના જળાશય રજૂ કરી ત્યારે આ કવિતા યાદ આવી ગઈ. આ કવિતા ભણવામાં આવતી અને એના પર ‘કવિ શા માટે જંતુનાશક દવા થવા ઈચ્છે છે?’ એવા બીબાંઢાળ પ્રશ્નોના જવાબ પણ પરીક્ષામાં આપવાના આવતા. કવિએ જે રીતે માણસના ફાટી-સડી-ફૂટી જવાની વાત કરી છે એ આ કવિતાને એવી ધાર આપે છે કે આટલા વર્ષે પણ મગજમાંથી હટતી નથી. અને હા, કવિનું કામ જંતુનાશક દવાનું પણ છે… કવિઓ અને કવિતાઓ ક્રાંતિની જનેતા બન્યાના દાખલા ઓછા નથી.
Permalink
January 27, 2007 at 1:54 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રિયકાંત મણિયાર
જલાશય આવે એટલે વળાવવા આવનારે
પાછા વળી જવું,
તમે પગ ઉપાડ્યો
અને આંખો તો મારી છલકી ઊઠી !
જલાશય આવી ગયું.
હું હવે પાછો વળું.
-પ્રિયકાન્ત મણિયાર
છ જ પંક્તિની લઘુત્તમ કવિતામાં એકેય અક્ષર કે એકેય ચિહ્ન પણ અનાયાસ વપરાયા નથી. ગામડામાં રિવાજ છે કે મહેમાન પાછો વળતો હોય ત્યારે એને વળાવવા જવું અને ગામના પાદરે જ્યાં જલાશય આવે ત્યાંથી વળાવનારે પાછા ફરવું. અહીં પાછા વળી જવું વાક્ય પછી કવિએ પૂર્ણવિરામ વાપરવાને બદલે અલ્પવિરામ વાપર્યું છે. આ અલ્પવિરામ નવોઢા પગના અંગૂઠા વડે ઘૂળમાં જે કુંડાળા કરે એવા સંકોચનો શબ્દાકાર છે જાણે. પછીની પંક્તિમાં પગ ઉપાડ્યાના બદલે ઉપાડ્યો શબ્દ પણ એટલો જ સૂચક છે. હજી તો જનારે ચાલવાની શરૂઆત પણ નથી કરી. ચાલવા માટે બંને પગ ઉપાડવા પડે, જ્યારે અહીં તો હજી એક જ પગ ઉપાડ્યો છે એટલે હજી તો જવાની વાત જ થઈ છે અને એટલામાં જ કવિની આંખો છલકાઈ આવી છે. અને આંખોના છલકાયાની ઘટનાના અંતે કવિએ ફરીથી પૂર્ણવિરામનો પ્રયોગ ટાળીને ઉદ્દગાર ચિહ્ન મૂક્યું છે, જાણે આંખોમાંથી ટપકતા આંસુના ટીપાનો આકાર ન હોય જાણે ! આ આંખોનું છલકાવું એ જ જાણે જલાશય… જલાશય આવી ગયું. આખી કવિતામાં પ્રથમવાર કવિએ અહીં પૂર્ણવિરામ મૂક્યું છે, જાણે કે જલાશયનો ગોળ આકાર બનાવ્યો. હવે અહીંથી તો પાછા વળી જવાનું. જનારે હજી તો માંડ પગ ઉપાડ્યો છે. એ હજી નથી ગયો કે નથી જવાની શરૂઆત કરી અને હવે મારે પાછા વળવાનું. ક્યાં? કોનામાં? કઈ રીતે? હું તો હજી ઉભો પણ થયો નથી. કોઈકને વળાવવા માટે મેં હજી તો ઘરના બારણા બહાર પણ પગ મૂક્યો નથી. તો પછી? આ ન મૂકાયેલા પ્રશ્નાર્થચિહ્નો જ તો છે કવિતા.
Permalink
January 25, 2007 at 1:00 AM by સુરેશ · Filed under અછાંદસ, અલકા શાહ
મધ્યબિંદુઓ બદલાતાં જાય છે.
સાથેસાથે વર્તુળો બદલાતાં જાય છે.
દરેક મધ્યબિંદુ વર્તુળ છે – ના ભ્રમમાં,
વર્તુળ પર વર્તુળ રચાતું જાય છે.
વર્તુળની જાણ બહાર મધ્યબિંદુ બદલાતું જાય છે.
દોડાદોડી અને પકડાપકડીની રમતમાં,
વર્તુળ ભૂંસાતું જાય છે.
મધ્યબિંદુ અદ્રષ્ય થતું જાય છે,
ફરીથી બીજા વર્તુળની શોધમાં.
– અલકા શાહ
( ઉદ્દેશ – નવેમ્બર – 2000 )
માનવ જીવનની નિયતિ છે; વલયો, વર્તુળો જ વર્તુળો. – એક શમે ત્યાં બીજું સર્જાય.
આ ભાવ આ કવિતામાં ઉજાગર થયો છે.
Permalink
January 19, 2007 at 1:33 AM by ધવલ · Filed under અછાંદસ, કુંદનિકા કાપડિયા
એ મારી મોટી વિડંબણા છે ભગવાન
કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી છે.
પણ એ મારું સદભાગ્ય પણ છે
કે લોકોની પીડા દૂર કરવાની
એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની
એક ઉત્તમ તક તેં મને આપી છે.
મારા પર આ તેં બહુ મોટી જવાબદારી મૂકી છે.
એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકું
એવી મને શક્તિ આપજે.
દરદીને હું, મારી આવડતની કસોટીનું સાધન ન ગણું
રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન ગણું
કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું
તેને સાજો કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખું
તેનો ઉપચાર કરતાં, તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉં
એવી મને સદબુદ્ધિ આપજે.
તેની બધી જ ફરિયાદો હું ચિત્ત દઈને સાંભળું
તનની સાથે તેના મનની તકલીફો પણ ધ્યાનમાં લઉં
નિદાન અને દવા ઉપરાંત
આશા અને આશ્વાસનના બે સ્નેહાળ શબ્દોની પણ
તેને ખૂબ જ જરૂર હોય છે એ ભૂલી ન જાઉં
તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વાભાવિક ચિંતા
અને તેની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખું
એવી અનુકંપા, ધીરજ, ઉદારતા મને આપજે.
આ વ્યવસાય પૂણ્યનો છે,
પણ તેમા લપસવાપણું પણ ઘણું છે,
તેમાં હું મારી જાતને જાળવી રાખું
ગંભીર નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે ત્યારે
વ્યાવસાયિક જવાબદારી, મનુષ્ય તરીકેની નિષ્ઠા
અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરીકેની ભૂમિકા વચ્ચે
સમતોલપણું જાળવી શકું
એવાં મને વિવેક અને સ્થિરતા આપજે.
અને આ બધોય વખત
સૌથી મહાન ઉપચારક તો તું જ છે,
સ્વસ્થતાનો સ્ત્રોત તો તારામાંથી જ વહી આવે છે
હું તો માત્ર નિમિત્ત છું –
એ હંમેશા યાદ રાખી શકું, એવી મને શ્રદ્ધા આપજે.
– કુંદનિકા કાપડિયા
(‘પરમ સમીપે’)
જેણે ડોકટરના વ્યવસાયને નજીકથી ન જોયો હોય એના માટે આ પ્રાર્થનાની બારીકી સમજવી અઘરી છે. આજે બદલાતા જતા સમયમાં પણ ડોકટરો સૌથી વધારે વિશ્વાસનીય વ્યવસાયનું સ્થાન ભોગવે છે એનું કારણ છે કે આ વ્યવસાયના પોતમાં જ સેવા વણાયેલી છે. સમય, સમજ કે ધીરજના અભાવે જ્યારે ડોકટરનો ધર્મ વિસરી જવાય છે ત્યારે આ પ્રાર્થના એને તરત યાદ કરાવે છે.
Permalink
January 17, 2007 at 1:00 AM by સુરેશ · Filed under અછાંદસ, યોસેફ મેકવાન
અને નદીની છાતી પર સૂરજનો હાથ
અને એ હાથમાંથી ફૂટે નગર.
અને એ નગરમાં ઊગે રેતીનું ઝાડ
અને એ રેતીના ઝાડમાં માછલીઓનો માળો
અને એ માછલીઓના માળામાં પરપોટાનાં ઇંડાં
અને એ પરપોટાનાં ઇંડાં ફૂટે ફટાક
અને એ … ય ફટાક્ સટાક્ કિનારા ચાલે બેય…
અને એ કિનારાના પગની પાની પલળે
અને એ પાનીમાંથી પવન ઝરે
અને એ પવનની લબાક્ લબાક્ લબકારા લેતી જીભ
અને એ લબકાર જીભથી પાણી છોલાય કુણાં કુણાં
અને એ કુણાં કુણાં પાણી પર નજર તરે
અને એ નજર તરે તરે ને હોડી થઇ જાય …
અને એ હોડી જાય … સૂનકાર ચિરાય …
અને ત્યાં અંધકાર ઊઘડે ઊઘડે ને બિડાય..
અને એ સમય પીગળતો ….. ગળતો … ળતો જાય
અને એમ નદીની છાતી પર એક નદી ઊગતી જાય …
– યોસેફ મેકવાન
દુનિયાની બધી સંસ્કૃતિઓ નદી કિનારે અને નગરોમાં વિકસી છે. સંસ્કૃતિ, માનવ જીવન અને ઉત્ક્રાંતિ આ બધાને વણી લેતી આ રચના બહુ જ વિશિષ્ટ રચના છે. સાવ નવા નક્કોર પ્રતિકો આ વાતને લીટીએ લીટીએ દોહરાવતા જાય છે.
Permalink
January 16, 2007 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, કિશોર શાહ
મેં એની પાસે
ગોવર્ધન જેટલું સુખ
અને
ટચલી આંગળી જેટલું દુ:ખ માંગ્યું.
મારા કહેવામાં
કે
એના સમજવામાં
કદાચ ભૂલ થઈ હોય
મેં કહ્યું તેનાથી અવળું જ થયું
હવે
હું નથી ભાર ઉપાડી શકતો
કે
નથી આંગળી કાપી શકતો.
– કિશોર શાહ
Permalink
January 8, 2007 at 11:29 PM by ધવલ · Filed under અછાંદસ, કમલેશ શાહ
સૂરજના સાતમાંથી છ ઘોડાનાં નામ
સરસ્વતીના ચમચાઓને લાંચ આપીને
ચમન જાણી લાવ્યો છે.
ચિંતા, દુ:ખ, રોગ, એકવિધતા, શૂન્યતા ને કંટાળો.
સરસ્વતી સુધી લાગવગ લગાડવા છતાં
સાતમા ઘોડાનું નામ
ચમનને જાણવા મળ્યું નથી.
સૂરજના એ સાતમા ઘોડાનું નામ
સુખ હશે, એમ માનીને
ચમન જીવ્યે રાખે છે.
– કમલેશ શાહ
કેટલીક કવિતાનો અર્થ દરેક વાંચક માટે અલગ અલગ હોય છે. તમારે મન સૂરજના સાતમા ઘોડાનું નામ શું છે ?
Permalink
January 5, 2007 at 3:23 AM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?
– વિપિન પરીખ
ઈતિહાસ સાક્ષી છે કે સમય કરતા આગળ અને સમાજ કરતા અલગ હોવાની સજા દરેક મહાપુરુષોએ ભોગવી જ છે. નવી દિશામાં આંગળી ચીંધવાની કિંમત દર વખતે લોહીથી ચૂકવવી પડે એ તો કેવું શરમજનક કહેવાય. પરંતુ જોવાની વાત એ છે કે ક્રોસ કે બંદૂકની ગોળીનો પ્રતિભાવ ઈસુ અને ગાંધીએ એકસરખો જ આપેલો – સંપૂર્ણ ક્ષમા !
Permalink
December 29, 2006 at 11:12 PM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;
મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;
મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;
આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ… તે મારા હાથમાં નહોતું !
– જયન્ત પાઠક
આ કવિતામાં કવિ જ્યારે ત્રણ નાની માંગણીઓ ગણાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે પ્રેમ કેટલી સાદી, નાની ને સરળ વાતો પર ટકેલો હોય છે ! ‘હું છું ને’, ‘ઊભા રહો’ અને ‘કેમ છો?’ આટલી સામાન્ય લાગણીઓ પ્રેમનો પાયો હોય છે. એમ છતાંય આપણે રોજે રોજ પોતાના પ્રેમને ટૂંકો પડતો જોઈએ છીએ.
Permalink
December 17, 2006 at 4:12 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રીતમ લખલાણી
બારીએ
પંખીનો ટહુકો સાંભળી
મેજ પર પડેલ
કાગળને
ક્યારેક
પૂર્વજન્મ યાદ આવતો હશે ?!
-પ્રીતમ લખલાણી
અત્યંત ટચૂકડી હોવા છતાં આ રચનામાં કવિએ પ્રકૃતિપ્રેમની લાગણી એવી તીવ્રતાથી વણી લીધી છે કે લોહી અચાનક થીજી જતું જણાય. વૃક્ષમાંથી બનતી ત્રણ વસ્તુઓ બારી, મેજ અને કાગળ સાથે વૃક્ષ પર બેસનાર પંખીને સાંકળીને કવિએ ચમત્કૃતિ સર્જી છે.
Permalink
December 13, 2006 at 1:00 AM by સુરેશ · Filed under અછાંદસ, જાવેદ અખ્તર, રઈશ મનીયાર
કરોડ ચહેરા
ને એની પાછળ
કરોડ ચહેરા
છે પંથ કે ભીડભાડ કેવળ
ધરા ઉપર દેહ સૌ છવાયા
ચરણ મૂકું ક્યાં અહીં તસુભાર જગ્યા ક્યાં છે?
નિહાળતાં એ વિચાર આવ્યો
કે હમણાં હું જ્યાં છું
શરીર સંકોરી ત્યાં જ રહું હું
કરું શું, કિન્તુ
મને ખબર છે
હું આમ અટકી ગયો તો
પાછળથી ભીડ જે ઉમટી રહી છે
ચરણ તળે એ મને કચડશે અને રોંદશે એ
હવે જો ચાલું તો
મારા પગમાં જ ભેરવાતાં
કોઇની છાતી
કોઇના બાહુ
કોઇનો ચહેરો
હું ચાલું ત્યારે
જુલમ થશે એ બીજાઓ ઉપર
ને અટકું તો ખુદ
સ્વયમ્ ઉપર હું જુલમ સહું છું
હે અંતરાત્મા ! તને અભિમાન બહુ હતું
તારી ન્યાય બુધ્ધિ ઉપર,ખરું ને?
હવે કહે જોઉં
આજે તારોય શો છે નિર્ણય?
જાવેદ અખ્તર
અનુવાદ – રઈશ મનીઆર
Permalink
December 6, 2006 at 12:40 AM by વિવેક · Filed under અછાંદસ, રાવજી પટેલ, શબ્દોત્સવ
મારા ખેતરના શેઢેથી
‘લ્યા ઊડી ગઈ સારસી !
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
એલે એઈ
બળદને હળે હવે જોતરીશ નંઈ…
મારા ખેતરને શેઢેથી –
-રાવજી પટેલ
ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામના વતની રાવજી પટેલ (જન્મ: 15-11-1939, મૃત્યુ: 10-08-1968) આયખાનો ત્રીસીનો આંકડો વતાવે એ પહેલા જ આ સારસીની પેઠે ઊડી નીકળ્યા. ક્ષયરોગની બિમારીમાં થયેલું અકાળ અવસાન આપણા સાહિત્યનો એક ગરવો અવાજ સમયથી પહેલાં છિનવી ગયું. કૃષિજીવન અને ગ્રામ્યપરિવેશ એમની કવિતાનો આત્મા. એ નિજત્વથી ભર્યો ભર્યો કવિ છે. એની સર્જકતાને કશું ગતાનુગતિક, કશું રૂઢ ખપતું નથી. અહીં આ કવિતામાં બહુ ઓછા વાક્યોમાં ગામડાના ખેતરનું ચિત્ર તાદ્દશ રચાય છે. ઉત્કટ પ્રેમના પ્રતીક રૂપ સારસીના એકાએક ઊડી ગયા બાદ નાયકની નકારાત્મક પદાવલિઓ ખેતર સમા જીવનના ખાલીપાના અર્થને અને એમાં કશું પણ ઉગાડી શકવાની ઈચ્છા અને શક્યતાઓને ઉજાગર કરે છે.
મરણોત્તર કાવ્યસંગ્રહ: ‘અંગત’.
Permalink
December 6, 2006 at 12:35 AM by સુરેશ · Filed under અછાંદસ, રમેશ પારેખ, શબ્દોત્સવ
ફરતી ટેકરીઓ ને વચ્ચોવચ્ચ આપણાં ખેતર, સોનલ…
ખેતર ઉપર કંકુવરણું આભ ઊગે
ને કેટકેટલાં હંસ સમાં ચાંદાનાં ટોળાં ઊડે
ફરફરતી કૈં પવનકોરને લયની ઝાલર બાંધે
ચાસચાસમાં વાંભ વાંભનો કલરવ ઝૂલે
મને થાય કે હમણાં ભૂરી પાંખ સમેટી આભ ઊતરશે
કૂવાના મંડાણ લગી
ને કલબલ કલબલ માનસરોવર પીશે
હમણાં –
કોરાભસ કૂવાથાળે કૈં જળના દીવા થાશે
હમણાં –
ખાડાખૈયા સૂકાં પાનની જેમ તણાતા જાશે
હમણાં –
તરબોળાશે કેડી ત્યારે તરબોળાતી કેમ કરી રોકાશે મારી લાલ પછેડી ?
ત્યાં તો –
ઝળહળ ઝરતો પ્હોર
આભના ઘુમ્મટ પર ચીતરાય
પીળું ઘમરખ બપોરટાણું ધોમ તપે તડકો એવું કે
પડછાયાઓ વેંતવેંત પથ્થરમાં ઊતરી જાય
આંખ અને નભ વચ્ચે અંતરિયાળ ઓગળે
પસાર થાતા એકલદોકલ વનપંખીની કાય
ફરતી ટેકરીઓ ને વચ્ચોવચ્ચ આપણાં ખેતર, સોનલ…
– રમેશ પારેખ
Permalink
December 6, 2006 at 12:30 AM by ધવલ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર, શબ્દોત્સવ
મને તો ગમી ગયું છે આ ઘર
ધરતીને છેવાડે આવેલું.
રાતે નળિયાં નીતરતાં હોય, તારાઓની છાલકે
હાક મારીએ ને સામો સાદ દે, દેવતાઓ
પગ આડોઅવળો પડે તો ગબડી જવાય, અંતરિક્ષમાં
સરનામું હોય:
સ્વર્ગની પાસે.
હા, દુનિયાન નિયમો અહીં લાગુ તો પડે
પણ થોડા થોડા.
રાતે હોવાપણું, આગિયાની જેમ ‘હા-ના’, ‘હા-ના’, કર્યા કરે.
ઝાંપો હડસેલતીક નીકળે કેડી
જેની પર લખ્યું હોય
‘કશેક તરફ’
બારીએ ટમટમે આકાશગંગા
જેની પર લખ્યું હોય
‘કશેય નહિ તરફ’
ઘરમાં રહેતા હોઈએ
તું અને હું.
કહે, કઈ તરફ જઈશું ?
– ઉદયન ઠકકર
મકાન એક ભૌતિક ચીજ છે, જ્યારે ઘર તો એક અનુભૂતિ છે. ગમતું ઘર સ્વર્ગથી કંઈ કમ નથી હોતું. આવા ઘરમાં પ્રિયજનનો સંગાથ હોય તો માણસ ‘કશેય નહિ તરફ‘ જ જાય ને !
Permalink
November 29, 2006 at 2:00 AM by સુરેશ · Filed under અછાંદસ, પ્રીતમ લખલાણી
દેવળના
એક ખૂણે
મીણબતીને બળતી જોઇ!
ઇસુએ પૂછ્યું,
’શું તને આમ
એકલું બળવું-પીગળવું ગમે છે?’
મીણબતી બોલી,
‘બળવા – પીગળવાનો આનંદ !
ભલા તમે દેવતાઓ શું જાણો???’
– પ્રીતમ લખલાણી
મૂળ ઘાટકોપરના રહેવાસી અને કોમ્પ્યુટર ક્ષેત્રના આ નિષ્ણાત, 26 વર્ષથી અમેરીકાના રોચેસ્ટર શહેરમાં રહે છે.
તેમના કાવ્ય સંગ્રહો- ગોધૂલિ, દમક, સંકેત, એક્વેરીયમમાં દરિયો
Permalink
Page 17 of 19« First«...161718...»Last »