કાશ થોડી લેતી-દેતી હોત તો મળતાં રહેત,
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે.
હિતેન આનંદપરા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હિરલ ઠાકર

હિરલ ઠાકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઝાકળબુંદ : _૧૨ : કેક – હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’ ‍

જન્મદિવસ પર
કેક કાપતાં-કાપતાં
જિંદગીનું એક વર્ષ કપાય છે.
પ્રત્યેક વર્ષ મીણબત્તીની સંખ્યા વધે છે
ને તેને ઓલવવા જેટલો શ્વાસ ઘટે છે.
કેકની મીઠાશ માણ્યા પછી
જિંદગીની કડવાશ ઉભરાય છે.
આમ જ જિંદગી પૂરી થાય છે.

-હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’

હિરલ ઠાકરનું આ લઘુકાવ્ય મને વાંચતાની સાથે ગમી ગયું. વધતી ઉંમર અથવા વૃદ્ધાવસ્થા વિશે બધા જ વાત કરે છે પણ અહીં મીણબત્તીની સંખ્યાના વધતા જવાની સાથે શ્વાસના ઘટતા જવાની વાત જે રીતે કવયિત્રીએ કરી છે એ કદાચ સાવ નવી જ અને તરત જ મનને સ્પર્શી જાય એવી છે. વાક્યે-વાક્યે વિરોધાભાસ સર્જીને નાનકડી જગ્યામાં મોટી વાત કરવામાં કવયિત્રી સફળ રહ્યાં છે અને એજ તો ખરી કવિતા છે…ખરું ને?

Comments (10)