આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુઁ તે અડવું જોઈએ !
– રતિલાલ ‘અનિલ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કાવ્યપ્રકાર

કાવ્યપ્રકાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શ્રીભગવતી-સ્મરણ: ૦૪ : હરિ, સુપણે મત આવો!

હરિ, સુપણે મત આવો!
મોઢામોઢ મળો તો મળવું,
મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું,
આ બદરાથીતે બદરા તક
ચાતકનો ચકરાવો…

પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?
મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.

મુંને બ્રજ કી બાટ બતાવો…
હરિ, સુપણે મત આવો!…

સુપણામાં સો ભવનું સુખ ને સમ્મુખની એક ક્ષણ,
નવલખ તારા ભલે ગગનમાં, ચન્દ્રનું એક કિરણ.

કાં આવો, કાં તેડાવો!
હરિ, સુપણે મત આવો!…

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માની કલમ ગદ્યથી લઈને પદ્ય સુધીના સાહિત્યના લગભગ તમામ પ્રકારોમાં એકસમાન ચાલી છે. પ્રસ્તુત હરિગીતમાં હરિને સપનાંમાં આવવાની ના કહીને જે રીતે એ સાક્ષાત્ ઈશ્વરને ભીડાવે છે એની મજા છે…

Comments

શ્રીભગવતી-સ્મરણ: ૦3 : પારિજાતનું ઝાડ…

હરિ તમે પારિજાતનું ઝાડ……
રહું છાંયડે ઊભો ને હું ઝીલું તમારા લાડ….હરિ.

શ્રાવણમાં આકાશ ઝરેને તમેય ટપટપ વરસો;
સુગંધભીની બાથભરી મુંને ચાંપો છાતી સરસો.

તમે ઊજળું હસો, મુંને તો વ્હાલપનો વળગાડ……હરિ.

ઓરસિયા પર બની સુખડ હું ઘસું કેસરી દાંડી;
ચંદન તિલક કરું તમને: મેં હોડ હોંશથી માંડી.

તમે મ્હેક થઈ કર્યો ટકોરો; ઊઘડ્યાં હૃદય-કમાડ.

હરિ તમે પારિજાતનું ઝાડ………..

-ભગવતીકુમાર શર્મા

અત્યારે કવિ કનૈયાને શણગારતા હશે……..સાક્ષાત….

Comments (3)

શ્રીભગવતી-સ્મરણ: ૦૨ : હું ચાલ્યો જઈશ…

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર : મારે શો ફરક પડશે?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

સ્મરણ એકેય રહેવા નહિ દઉં હું ઘરની ભીંતો પર;
છબીઓ સર્વ ફોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

મને ઘોડેસવારીનો અનુભવ તો નથી કિન્તુ,
સખત ચાબુક સબોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કથા પૂરી થવા આવી તો તેના અંતની સાથે,
તમારું નામ જોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

નદીકાંઠો, સ્વજનની હાજરી, સૂર્યાસ્તની વેળા,
ચિતામાં યાદ ખોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

– ભગવતીકુમાર શર્મા

લાંબા સમયથી નાદુરસ્ત તબિયતના શિકાર શ્રી ભગવતીકુમાર શર્માનો ક્ષરદેહ ગઈકાલે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો… એમની પ્રસ્તુત ગઝલના ત્રણ શેર લયસ્તરો સહિત ઇન્ટરનેટ પર સતત ફરતા જોવા મળી રહ્યા છે પણ આખી ગઝલ આજે અહીં પહેલીવાર રજૂ કરીએ છીએ…

કવિએ જાણે પોતાની વિદાય માટે જ લખી હોય એવી આ ગઝલ વાંચતાં આંખ ભીની થયાં વિના નહીં રહે…

Comments (2)

શ્રીભગવતી-સ્મરણ: ૦૧ : હવે પહેલો વરસાદ અને…

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

સુરતના ગૌરવ સમાન કવિ હવે અનહદની યાત્રાએ નીકળી ગયા…..અજાણી દુનિયામાં શબ્દ-અજવાસ ફેલાવવા નીકળી ગયા….વરસાદ તો વરસતો જ રહેશે પણ હવે એક ચાતક ઘટી ગયું……

Comments (5)

તારા વિચારમાં…. – જવાહર બક્ષી

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે સવારમાં.

જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઇએ રે ઘર,
એવું તે શું કે આખું જીવન જાય દ્વારમાં..!

શ્રધ્ધા તો ઠીક કોઇ અશ્રધ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.

ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.

કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં.

– જવાહર બક્ષી

Comments (1)

डरता है – राजेश रेड्डी

यहाँ हर शख़्स हर पल हादसा होने से डरता है
खिलौना है जो मिट्टी का फ़ना होने से डरता है

मिरे दिल के किसी कोने में इक मासूम सा बच्चा
बड़ों की देख कर दुनिया बड़ा होने से डरता है

न बस में ज़िंदगी उस के न क़ाबू मौत पर उस का
मगर इंसान फिर भी कब ख़ुदा होने से डरता है

अजब ये ज़िंदगी की क़ैद है दुनिया का हर इंसाँ
रिहाई माँगता है और रिहा होने से डरता है

– राजेश रेड्डी

આમ તો આખી ગઝલ સરસ છે પણ મક્તાને લીધે આખી ગઝલની ઊંચાઈ બદલાઈ જાય છે…..

Comments (2)

ખૂલવું છે – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

હીંચકો છુટ્ટો મૂકીને ઝૂલવું છે,
આપણે હાથે કરીને ભૂલવું છે.

એ ખરું ખોટું કરી જીવી રહ્યા ને
આપણે સાંધા કરી સંતુલવું છે.

નાળ નાભિ સ્હેજમાં ખેંચાય વ્હાલા,
પોતને એકાંતમાં સંકેલવું છે.

ફૂંક ઊછીની લઈ ફુગ્ગો ભર્યો છે,
ફૂલવા દે, એમને બસ ફૂલવું છે.

સાંભળ્યું ઝાકળ બધું ઊડી ગયું છે,
બેસ ને, ‘ભીનાશ’ રણને ખૂલવું છે

– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

સરળ ભાષામાં મજા પડી જાય એવી વાત કરતી ગઝલ. લગભગ બધા જ શેર વાંચતાવેંત સ્પર્શી જાય એવા…

Comments (6)

અપરાજેય – વિલિયમ અર્નેસ્ટ હેન્લી (અનુ. વિવેક મનહર ટેલર)

મને આવરે છે જે આ છેડાથી લઈ પેલા છેડા લગ
ફેલાયેલા ખાડા જેવા અંધારેથી કાળી રાતના,
આભારી છું હું તેઓનો જે કોઈ પણ હશે દેવગણ,
બહાર આણવા મને ને દેવા માટે આવો અજેય આત્મા.

ભલે ફસાયો હોઉં સંજોગોની કાતિલ નાગચૂડમાં
નથી કરી મેં પીછેહઠ કે નથી કર્યું મેં જરા આક્રંદ.
દૈવયોગનો ગદામાર વેઠી વેઠી મારું માથું આ
રક્તરંજિત ભલે થયું હો, ઉન્નત એ રહ્યું છે કાયમ.

ક્રોધ અને આંસુઓથી ભર્યા-ભર્યા આ સ્થળથી દૂર
કાંઈ નહીં, લળુંબે છે બસ, કેવળ ઓછાયાનો ભય,
અને છતાંયે આવનારા એ વર્ષોનો કેર તુમુલ,
મને શોધશે અને પામશે હરહંમેશ મને નિર્ભય.

નથી અર્થ કો એનો કે છે સાંકડો કેટલો દરવાજો,
કે છે ખાતાવહીયે ત્યાંની કેવી સજાઓથી ભરેલ,
હા હા, હું છું એકમાત્ર જ સ્વામી મારા ભાગ્ય તણો,
હા હા, આ મારા આત્માનો હું જ સુકાની, હું ટંડેલ.

– વિલિયમ અર્નેસ્ટ હેન્લી
(અનુ. વિવેક મનહર ટેલર)

શું એક કવિતા, એક પ્રવચન, એક પુસ્તક સીધાસાદા માણસની આખેઆખી જિંદગી બદલી નાંખી શકે ખરી? શું એક કવિતા માનવને મહામાનવ અને નાયકને મહાનાયક બનવાનું પ્રેરક્બળ પૂરું પાડી શકે ખરી? શું કલમમાં સાચે જ આવી તાકાત હોઈ શકે? ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકની મહાત્મા ગાંધીના જીવન પર થયેલી અસર વિશે તો આપણે જાણીએ જ છીએ… આજે ઇંગ્લિશ કવિ વિલિયમ અર્નેસ્ટ હેન્લી ની કલમે એક સાવ નાની અમથી કવિતાએ નેલ્સન મન્ડેલાના જીવનમાં શો ભાગ ભજવ્યો એ જોઈએ…

પ્રસ્તુત રચનાની વિશદ છણાવટ આપ મારી ફેસબુક વૉલ ઉપર આવીને માણી શકો છો….

Invictus

Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.

In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.

Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds and shall find me unafraid.

It matters not how strait the gate,
How charged with punishments the scroll,
I am the master of my fate,
I am the captain of my soul.

– William Ernest Henley

Comments

गरूरे-खुल्द…..- અનામી

गरूरे-खुल्द जाहिद तर्के-दुनिया के भरोसे पर
संभल ऐ बेखबर क्यों खानुमा बर्बाद होता है

[ શાયર કોણ છે તેની જાણકારી નથી ]

હે ધર્મઉપદેશક ! સંસાર ત્યાગવાની વાતથી તારો ઘમંડ જરૂર વધી જશે ! રે મૂઢ…..સંભલી જા હજુ ! શા માટે નાહક બરબાદી નોતરે છે !!!?? [ ભાવાનુવાદ ]

એક જ શેરમાં એટલી મહત્વની વાત છે કે એક પુસ્તક લખાય…. જે. કૃષ્ણમૂર્તિ સતત આ જ વાત કહેતા – ” તમે એક બંધનમાંથી બીજા બંધનમાં માત્ર શિફ્ટ થાવ છો -સત્યની ઢૂંકડા તો લગીરે નથી જતા , તો આ સંસાર ત્યાગ એ અહંના પોષણ સિવાય બીજા શું કામનો છે ? ”

આત્મશોધ એ કોઈ એટલી આસાન વાત નથી કે સંસાર ત્યાગવાથી તે ચરિતાર્થ થાય ! આદિ શંકરાચાર્યએ કહ્યું હતું કે કરોડોમાંથી એકાદને બ્રહ્મજિજ્ઞાસા હોય,અને એવા કરોડો જિજ્ઞાસુમાંથી એકાદ મઁઝીલ પામે…..સંસાર ત્યાગવા જેવી ક્ષુલ્લક વાતથી શું વળે ? બંધનોથી ભાગવાનું નથી, બંધનોના સાચા સ્વરૂપને સમજીને તેઓને અર્થહીન કરી દેવાના છે…..

Comments

શોધી શકે? – નેહા પુરોહિત

તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

છે યમુના ઘાટ, વિષધર, આપણે સૌ ત્રસ્ત, પણ-
કૃષ્ણ અહીં રમવા કરે એવી દડી શોધી શકે?

કેડ તેડાયા હતા, જે કેડ પર ઝૂડો હતો;
કેડથી ભાંગેલ મા ક્યારે નડી, શોધી શકે?

ઊડવું તો સહેલ છે, પાંખો નથી તો શું થયું?
તું અગર તારી ભીતર મનપાવડી શોધી શકે!

સૂર્ય છે તો શું થયું? તારો ય પડછાયો હશે;
તારી છાંયા કઈ જગાએ જઈ પડી શોધી શકે?

– નેહા પુરોહિત

કવયિત્રી પડકાર ફેંકે છે. શું તમે શોધી શકશો? કરો કોશિશ… મજાની ગઝલ. પાંચેય શેર આસ્વાદ્ય. માવાળા શેરમાં પણ કેડનો ત્રિવિધ ઉલ્લેખ અવગણનાની જે ધાર કાઢે છે એ સરાહનીય છે…

જો કે ક્યારેક ઉતાવળે રચનામાંથી પસાર થઈએ તો લોચા પણ મારી દેવાય.. એ લોચાને બદલ્યા વિના ભૂલસ્વીકાર સાથે અહીં રજૂ કરું છું.

મત્લો મેં તને ના સ્થાને મને મૂકીને વાંચી લીધો:

તું મને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

અને એ પ્રમાણે અર્થઘટન પણ કરી નાંખ્યું:

પ્રેમ એ સાર્વત્રિક અનુભૂતિ છે પણ શું આપણે આપણી જાતમાંથી બહાર આવી શકીએ છીએ ખરા? શું આપણે સામા પાત્રને સાચા અર્થમાં શોધી શકીએ છીએ ખરા? કવયિત્રીનો પડકાર આખા જીવન માટે પણ નથી. શું માત્ર એક ઘડી એવી શોધી શકાય જેમાં આપણે હું નહીં, તુંને શોધી શક્યા હોઈએ? અને જો આ ઘડી શોધી કાઢીએ તો એમાં આપણું મન સાચા અર્થમાં પરોવી શકાય એવી કોઈ કડી આપણને જડે છે ખરી?

ખરો શેર આ મુજબ છે…
તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

આખી જિંદગી આપણી ‘સ્વ’માં ‘સ્વ-અર્થ’માં વીતી જાય છે પણ આ અવ અને સ્વ-અર્થ એ અરીસામાં નજરે ચડતી વ્યક્તિ છે. આપણે આપણી ભીતર ઊતરવાની કદી કોશિશ કરીએ છીએ ખરા? હજારો માણસો સાથે વાતો કરવાનું જેટલું સહેલું છે એટલું જ કપરું છે ભીતરની જાતરા કરવું. કવયિત્રી આપણને ચેલેન્જ આપે છે. શું આપણે આપણી પોતાની જાતને શોધી શક્યા હોઈ એવી વધુ નહીં, માત્ર એક ઘડી પણ શોધી શકવા સમર્થ ખરા? અને આ એક જ ઘડીમાં વળી મન પણ પરોવી શકીએ એ પાત્રતા કેળવાયેલી છે ખરી?

જોયું? એક જ અક્ષર બદલાઈ જાય તો આખું અર્થઘટન કેવી રીતે બદલાઈ જઈ શકે છે?!

Comments (10)

મારામાંથી છટકીને – સંજુ વાળા

મારામાંથી છટકીને તું
મને પરાયો ગણે !

ઓળખ નામે ચિહ્ન હતું ત્યાં મૂક્યું મોટું મીંડું
તે દિવસથી પડવા લાગ્યું મારાપણામાં છીંડું
હું અહીંથી ત્યાં આવું પણ
તું પણે નો પણે… મને પરાયો ગણે !

બની બ્હાવરા ચપટી આંખે તાક્યું આખ્ખું આભ
પગપાનીથી પાંપણ પર્યન્ત આભ પછીથી ડાભ
ઝાંય ઝાંય જન્મોની ડાળો
કોરીકટ રણઝણે… મને પરાયો ગણે !

છળ તરંગો છળની ઘટના છળવત માણી મજા
છળમય થઈને છળથી અળગા રહેવાની આ સજા
છળપણાનો જીવ પછીથી
ફૂટતો ક્ષણે… ક્ષણે… મને પરાયો ગણે !

-સંજુ વાળા

એકથી વધુ રીતે કાવ્યાર્થ કરી શકાય – કો’ક પ્રિયજનની પણ વાત હોઈ શકે….. આત્મશોધનના યાત્રીને આમાં અનહદનો સૂર સાંભળી ચૂકેલો અંતરાત્મા દીસે કે જે હવે ચર્મદેહમાં વસવા તૈયાર નથી…..સત્યની શોધમાં નીકળેલા મુસાફરને ગેબી ઈશારો સતાવતો હોય એવું પણ ભાસે….જેવી જેની પ્રજ્ઞા……

Comments (6)

ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર? – થોમસ હાર્ડી (અનુ. વિવેક મનહર ટેલર)

“ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર
પ્રિયતમ, શું આપ છો? – વાવો છો શું?”
—“ના રે; ગઈકાલે પ્રભુતામાં દીધાં એણે કદમ
એની સાથે જેણે શ્રીમંતાઈમાં લીધો જનમ.
‘વાત એ,’ એણે કહ્યું, ‘નહીં દે હવે એને કો’ ગમ
કે રહ્યો કે ન રહ્યો સંનિષ્ઠ હું’.“

“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
છે નિકટનાં સૌથી વહાલાં એ સ્વજન?”
— “આહ, ના; તેઓ તો બેઠા છે, વિચારે છે, ‘શો અર્થ?
ફૂલછોડો રોપવાથી શું હવે કંઈ પડશે ફર્ક?
કાળજીમાં એના ટીંબાની ભલેને થાવ ગર્ક,
જાળથી રૂહ મુક્ત ના કરશે મરણ’.”

“પણ કોઈ ખોદી રહ્યું છે સાચે મારી કબ્ર પર?
કોણ કરતું ઘોંચપરોણો? —શત્રુ કો’?”
— “ના; જ્યાં જાણ્યું તેણીએ: ઓળંગી ગ્યાં છો આપ દ્વાર,
જે બધા પર વહેલુંમોડું બંધ થાયે છે ધરાર,
તેને લાગ્યું આપ ઘૃણાના રહ્યાં ના હક્કદાર
ને નથી પરવા ક્યાં સૂતાં આપ છો?”

“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
બોલો—અટકળ હું કરી શકતી નથી!”
— “ઓહ એ તો હું જ છું, મારી વહાલી માલકિન,
કૂતરો નાનો તમારો, જે હજી રહે છે નજીક,
ને અહીં મારી આ હલચલ, હા, મને તો છે યકીન
આપના આરામને ના ડહોળતી.”

“આહ, હા! તો તું છે જે ખોદે છે મારી કબ્ર પર…
શાને આ સૂઝ્યું નહીં પહેલાં મને
કે બચ્યું છે કંઈ નહીં તો એક સાચું દિલ હજી!
શું કદી પણ જડશે માનવજાતમાં એ લાગણી
આપણે જેને ગણી શકીએ એના સમકક્ષની
જે વફાદારી છે હાંસિલ શ્વાનને!”

“માલકિન, મેં ખોદ્યું એ ધારી તમારી કબ્ર પર
કે હું ભીતર દાટી રાખું હાડકું,
કામ લાગે એ મને ક્યારેક થાઉં હું ભૂખો,
દુલકી ભરતો રોજની જો પાસમાં હું હોઉં તો.
માફી ચાહું છું પરંતુ સાવ હું ભૂલી ગયો,
કે આ તો વિશ્રામસ્થળ છે આપનું.”

– થોમસ હાર્ડી
(અનુ. વિવેક મનહર ટેલર)

આપણા મોટાભાગના સંબંધ રાજા વિક્રમના ખભા પર લટકતી વેતાળની લાશ જેવા હોય છે… ઘડી-ઘડી ખભેથી છટકી જાય છે ને ઘડી-ઘડી આપણે સમાધાનના હાથથી ખેંચી-તૂસીને એને ફરી ખભે બેસાડીને આગળ ચાલવાની કોશિશમાં જિંદગી વ્યતીત કરીએ છીએ. પછી, આવા સંબંધો પાસે મરણ પછી શું સ્મરણની અપેક્ષા રાખી શકાય? મહાન નવલકથાકાર અને મહાન કવિ થોમસ હાર્ડી પ્રસ્તુત રચનામાં દુન્યવી સંબંધોની વાસ્તવિક્તાના ચહેરા પર રમૂજના મખમલમાં વીંટાળીને કટાક્ષનું જૂતું ફટકારે છે…

કવિતાના સવિસ્તાર આસ્વાદ માટે ફેસબુક પેજ પર સ્વાગત છે…

Ah, are you digging on my grave?

 

“Ah, are you digging on my grave
My loved one?—planting rue?”
—“No; yesterday he went to wed
One of the brightest wealth has bred.
‘It cannot hurt her now,’ he said,
‘That I should not be true’.”

“Then who is digging on my grave?
My nearest dearest kin?”
—“Ah, no; they sit and think, ‘What use!
What good will planting flowers produce?
No tendance of her mound can loose
Her spirit from Death’s gin’.”

“But someone digs upon my grave?
My enemy?—prodding sly?”
—“Nay; when she heard you had passed the Gate
That shuts on all flesh soon or late,
She thought you no more worth her hate,
And cares not where you lie.”

“Then, who is digging on my grave?
Say—since I have not guessed!”
—“O it is I, my mistress dear,
Your little dog, who still lives near,
And much I hope my movements here
Have not disturbed your rest?”

“Ah, yes! You dig upon my grave …
Why flashed it not on me
That one true heart was left behind!
What feeling do we ever find
To equal among human kind
A dog’s fidelity!”

“Mistress, I dug upon your grave
To bury a bone, in case
I should be hungry near this spot
When passing on my daily trot.
I am sorry, but I quite forgot
It was your resting place.”

– Thomas Hardy

Comments (1)

ખાલીપો… – રિષભ મહેતા

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે
સ્મરણોના ફોટા
આજે અંતે એ સમજાયું
ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે…!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

થાય મને તું પાછો આવી
સઘળાં તાળાંઓ ખોલી દે
બંધ ગુફાને દ્વારે આવી
‘સિમ સિમ ખૂલ જા’-તું બોલી દે…..
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે …!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

– રિષભ મહેતા

આમ તો કવિએ ચાર મહિના યુ.કે. રહીને વતન પરત ફરતા પોતાના મિત્રની યાદના ખાલીપાને સભર કરવા માટે આ ગીત લખ્યું હતું પણ સ્વતંત્ર રીતે ગીત કેટલું મજબૂત બન્યું છે એ જુઓ! જે ખાલી છે એ કેવી રીતે ખખડે? પણ ઘરમાં -કાયાનું ઘર? સ્મરણોનું ઘર?- એકલતા સિવાય કંઈ હોય જ નહીં ત્યારે ખાલીપો જ ખખડે ને! ખાલીપાના ખખડવાનું રૂપક જ એટલું વેધક થયું છે કે પહેલી પંક્તિ વાંચતા જ કલેજું ચીરાઈ જાય… આંખો ઉજ્જડ છે કેમકે હવે પ્રિયપાત્ર નજરના સીમાડાઓથી પર છે. આંસુઓ રોકાતા નથી અને આંસુઓના જળાશયમાં સ્મરણોના ફોટોગ્રાફ્સ સતત તર્યા કરે છે. સ્મરણોના ફોટાને પરપોટા સાથે સાંકળીને ક્ષણજીવી સધિયારાને અદભૂતરીતે તાદૃશ કરી આપ્યો છે. આમ તો શ્વાસ હવાથી બને છે અને એ પણ પરપોટાની જેમ ક્ષણિક જ હોય છે પણ અહીં પોતાની વેરાનીને પરાકાષ્ઠાએ લઈ જવા માટે કવિ હવાના શ્વાસને સ્મરણોના ફોટાના પરપોટામાં કેદ આલેખે છે… સલામ કવિ!

Comments

(અડધા હાથે લકવો નયનભાઈ) – નયન દેસાઈ

સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!

કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને;
નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને!

સડી ગયેલાં શ્વાસો વચ્ચે આવે-જાય અભરખા જોને;
લાશ બળે કે લાઈટર સળગે : બંને દૃશ્યો સરખા જોને!

ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને?
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!

અમે કાચની પૂતળીને પહેરાવ્યા એવા વાઘા જોને;
સાવ અજાણ્યા થઈને ફરીએ અમે પંડથી આઘા જોને!

અમે નથી ને નામ અમારે આવે રોજ ચબરખી જોને;
હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને!

અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જોને !
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !

હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને!
છબી બનેલી મા ક્યાંથી બોલાવે ઘોઘર બાવા જોને?

જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને!
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!

મળીએ શ્વાસે શ્વાસે નયનભાઈ! છૂટા પડીએ ક્ષણક્ષણ જોને!
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !

– નયન દેસાઈ

નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ગઝલ અને ગીતોમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા છે એટલું કદાચ જ કોઈ કવિ લાવી શક્યા હોય પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નથી… આ ગીત જુઓ અને નક્કી કરો…

Comments (4)

સ્તબ્ધતા ટોળે વળી….. – નયન હ. દેસાઈ

સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા,
આ રઝળતા શહેરમાં ઓળા વસે છે કેટલા ?

સ્તબ્ધતા ટોળે વળી મારી કલમની ટાંક પર,
રિકત કાગળ પર ચિતરાવતા મઝાના મોરલા.

દૂર સૂરજ હોય એવુ લાગવું ને ક્ષણ પછી,
હાથ દાબી દે કોઈ બે આંખ ઉપર લાગલા.

થાય છે કે હું સૂકીભઠ વાવનું એકાંત છું,
કોણ પ્રગટાવે દીવો ને કોણ પૂજે નાગલા ?

હાથમાં મારું જ ધડ લઈ સામો પડછાયો મળે,
હું ઝરૂખેથી અતીતના જોઉં જન્મો પાછલા.

– નયન હ. દેસાઈ

Comments (1)

સવાર લઈને……- અનિલ ચાવડા

આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઈ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.

તું નીકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.

આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કટાર લઈને.

જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.

હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.

– અનિલ ચાવડા

Comments (6)

હસ્તમૈથુન – યોના વૉલાચ (અનુ.: વિવેક મનહર ટેલર)

તમે ફરી સૂઈ ગયા મિ. કોઈ નહીં સાથે
એના શૂન્ય દૃષ્ટિપાતને પ્યાર કરીને
અને એના ગેરહાજર શરીરને આલિંગીને.

તમારા પ્રેમીની આંખો એક અજાણ્યા કેન્દ્રને તાકે છે
જરાય તમારા તરફ નહીં તમારા પર નહીં
એ યુવાન છે અને પહેલેથી જ ખૂબ કડવો છે.

પ્રેમ જેણે ક્ષણભર માટે તમારા માંસને ભેદ્યું છે
તમારા શરીર અને આત્માને ગરમીથી ભરી દે છે
તમારા વાળના છેડાથી લઈને તમારા આંતરિક અવયવો સુધી,

તમને ફરી મિ. કોઈ નહીં સાથે છોડીને
જે શૂન્ય હાથ વડે પસવારે છે તમારા શરીરને
જે પ્રતિક્રિયા આપે છે શૂન્ય લાગણી શૂન્ય હાવભાવ
શૂન્ય ઉષ્મા વડે દરેક સ્પર્શ પર –

તમે તમારા યુવા પ્રેમીને આ કવિતા બતાવો છો
એ ગુસ્સા સાથે પ્રતિક્રિયા આપે છે અને કહે છે કે એ ખરાબ છે
અને કવિતા છે જ નહીં અને પીઠ ફેરવી લે છે,
કદાચ એ વિચારે છે કે એ કોઈ નહીં છે,

તમે કોઈ નહીંને ઠંડી નજરે જુઓ છો
અને વચન આપો છો એને ફરીથી સાંજે મળવાનું
એ ચોક્કસ જ પાછો ફરશે, એ આત્મિક મૃત્યુ છે
એ ઠંડોગાર દૃષ્ટિપાત કરે છે
અને તમને સધિયારો આપે છે રાહ જોતો ઝાલવાની દરેક લાગણીને
હવામાં થઈને, એને ફેરવી દેવાની સંપૂર્ણ ખાલીપામાં શૂન્યતામાં.

એ જૂના ગીતોમાંથી પ્રગટ થાય છે અને એ
એમના નાયકોમાંથી જ એક છે, વળી એનું સૌંદર્ય
પણ એવું છે, એ આશ્ચર્યકારક નામોમાંનું એક છે
જે ખોવાઈ ગયું છે ભયભીત બેચેન
અસ્તિત્વમાં સમાજના ગર્ભમાં,
એ ફરીથી જન્મશે અને તમને પ્રેમ કરશે
દરરોજ સવારે જેમ કરવો જોઈએ જેમ એ સક્ષમ છે,

અને તમે ફરીથી મિ. કોઈ નહીંને તાબે થઈ જશો
કપરી ક્ષણોમાં એ તમારી આંગળીઓ ઠીજવી નંખશે
તમને પસવારતો નાનાવિધ લાલસાઓથી,

પણ કવિતાઓ તો માત્ર પ્રવિધિ છે
જીવનના વર્ષો દરમિયાન પ્રાપ્ત થયેલી
નાયક દરેક કાવ્યસ્વરૂપમાં જીવંત રહેશે
ત્રીજા પુરુષ તરીકે, અથવા પ્રથમ અથવા બીજા,

તમે એની જનેતા છો એનું પાલનપોષણ કરો
એને પાછો આપો એનો વિશ્વાસ એની શ્રદ્ધા ખુદમાં
કેમકે પ્રેમનું ફળ તો અલ્પજીવી છે
કદાચ આના જેવી કવિતાના ફળો કરતાંય વધારે.

– યોના વૉલાચ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

હસ્તમૈથુન. સેક્સનો એક એવો પ્રકાર જે સૌથી સરળ છે, કાયમ હાથવગો છે, હાનિરહિત છે, સો ટકા સ્વાવલંબી છે અને અંદરખાનેથી સાર્વત્રિક અને સર્વસ્વીકૃત છે… જી હા, ૯૨-૯૭ ટકા પુરુષો અને ૬૨થી ૮૦ ટકા સ્ત્રીઓ જીવનમાં હસ્તમૈથુન કરે જ છે પણ એના વિશે વાતો કરવામાં આપણે સૌ મહત્તમ શરમ-સંકોચ તથા અસ્વસ્થતા અનુભવીએ છીએ. એક સ્ત્રી નામે યોના વૉલાચ હસ્તમૈથુન જેવા લગભગ અસ્પૃશ્ય વિષય પર ખુલીને જે વાત કરે છે એ વાંચીને આપણો સમાજ ક્યાં તો પથ્થર જેવું મૌન ધારી લેશે અથવા થૂ..થૂ કરશે.. મન મોકળું રાખી શકાય તો આ કવિતા નિજાનંદની ચરમસીમાનું ઉત્કૃષ્ટ શિખર છે…

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે ફેસબુક પર પધારવા નમ્ર ગુજારિશ છે…

મૂળે હિબ્રૂ ભાષામાં લખેલી આ કવિતાનો અંગ્રેજી તરજૂમો કવયિત્રીએ જાતે જ કર્યો છે.

Comments (3)

(બોગસ નીકળ્યું) – રક્ષા શુકલ

એક સપનુ સાવ બોગસ નીકળ્યું,
એ પછી આંસુય ચોરસ નીકળ્યું.

કેમ આ દરિયો અચાનક ઊછળે?
આંખનું જળ એમ ધસમસ નીકળ્યું.

શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,
કાગડાનું વેણ ફારસ નીકળ્યું.

ના કદી એણે મને દર્પણ ધર્યું,
એક જણ નખશિખ સાલસ નીકળ્યું.

પાન સાથે બિંબ પણ એનું ખર્યું,
વૃક્ષનું સાક્ષાત્ વારસ નીકળ્યું.

એક ટીપાંએ ભરી મુઠ્ઠી હવાની,
એ નર્યું જળકૃત સાહસ નીકળ્યું.

એમના સ્વરમાં જ સાંભળવું હતું,
ગીત એનું દોસ્ત, કોરસ નીકળ્યું.

– રક્ષા શુકલ

કાગડો બોલે અને મહેમાન આવે એ વાયકા પણ અહીં તો શૂન્યતા પધારે છે. ફારસ કાફિયાનો કેવો સ-રસ પ્રયોગ અહીં થયો છે! સામાને એની ભૂલો બતાવવાની આપણા સૌની આદત છે પણ કવયિત્રીને નખશિખ સાલસ વ્યક્તિનો ભેટો થયો છે એ શેર પણ ખૂબ મજાનો. જળકૃત સાહસ જેવા અનૂઠા પ્રયોગ સાથે કવયિત્રી પાણીનું ટીપું હવાની મુઠ્ઠી ભરે છે એમ કહીને જે રીતે પરપોટાનો સાક્ષાત્કાર કરાવે છે એ પણ અભૂતપૂર્વ છે.

ગઝલનો મત્લા અને વૃક્ષના વારસવાળો શેર મને સમજાયો નહીં. મિત્રો મદદ કરશે તો ગમશે…

Comments (5)

(યાદ છે?) – તેજસ દવે

પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
પાંપણ પર…

યાદ છે એ સાંજ ? તું બોલ્યા વિના જ મને
તગતગતી આંખથી વઢેલી!
એ ઘટના તો ત્યાંજ હજી બર્ફ જેમ થીજીને
ઊભી છે સાંજને અઢેલી
આથમતા સૂરજના કેસરી એ રંગોમાં
ઓગળતાં આપણે એ યાદ છે?

પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?

વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ
દિવસોને ચોરી ફરાર થઈ
એમ ઉભાં’તાં રસ્તાની સામસામે આપણે
ને વચ્ચેથી જિંદગી પસાર થઈ
દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યાં ને
છાંયડાઓ શોધ્યાં’તાં યાદ છે ?

પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?

– તેજસ દવે

બે જણ એક હોય ત્યારે જિંદગીની આંખો સપનાંઓથી છકલાતી હોય છે, એકના સપનાંમાં બીજું ને બીજાના સપનાંમાં પહેલું, એમ જિંદગી ઝૂલતી રહે છે પણ ક્યાંક કોઈક ઘટના એવી બની જાય, એક જણ લડી-ઝઘડીને ચાલતું થઈ જાય ને બીજાની સાંજ સમયના ટેકે ત્યાંને ત્યાં જ થીજી જાય છે. બે જણ સામસામે ઊભા રહી જાય છે ને વચ્ચેથી આખી જિંદગી વહી જાય છે… જીવનમાં પછી એ સોનેરી યાદ સિવાય કશું બચતું નથી.

Comments (4)

પહોંચવું છે… – ભગવતીકુમાર શર્મા

અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
તળેટીથી યે શિખરે પહોંચવું છે.

કોઈ રીતે સમીપે પહોંચવું છે,
‘હું’ -’તું’ – ‘તે’ ના અભેદે પહોંચવું છે.

હતો, છું, ને હઈશ કેવળ નદીમાં,
કહ્યું કોણે કે કાંઠે પહોંચવું છે?

બધે રસ્તેથી હું પાછો વળ્યો છું,
ફક્ત એનાં જ દ્વારે પહોંચવું છે.

છે રણમાં સૂર્યની શિરમોર સત્તા,
આ નદી મૃગજળની, તીરે પહોંચવું છે.

કોઈ તારાને ખરતો રોકવાને,
મળે જો પાંખ આભે પહોંચવું છે.

ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં,
ઉતાવળ છે, ચિતાએ પહોંચવું છે.

– ભગવતીકુમાર શર્મા

Comments (1)

અમોને નજરું લાગી ! – હરીન્દ્ર દવે

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !

‘લ્યો, નજરું વાળી લઉં પાંછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !

– હરીન્દ્ર દવે

truly masterclass………કોઈ ગૂઢાર્થની ઝંઝટમાં પડ્યા વગર મમળાવ્યા કરવું ગમે તેવું ગીત……

Comments

સમર્પણ – ચેસ્વાફ મિવોશ (અનુ. વિવેક મનહર ટેલર)

તું જેને હું બચાવી નથી શક્યો
સાંભળ મને.
આ સરળ વક્તવ્યને સમજવાની કોશિશ કર કેમકે બીજી વાર કહેતાં મને શરમ આવશે.
હું સોગંદ ખાઉં છું, મારામાં શબ્દોની કોઈ જાદુગરી નથી.
હું તારી સાથે વાત કરું છું વાદળ અથવા વૃક્ષ જેવા મૌનથી.

જે મને મજબૂતી બક્ષે છે, તારા માટે ઘાતક હતું.
તેં વિદાયને ભેળવી દીધી નવયુગની શરૂઆતવાળા એક યુગ સાથે,
નફરતની પ્રેરણાને લયાન્વિત સૌંદર્ય સાથે;
આંધળા બળને પરિપૂર્ણ આકાર સાથે.

અહીં એક ખીણ છે છીછરી પૉલિશ નદીઓની. અને એક તોતિંગ પુલ
શ્વેત ધુમ્મસમાં ચલ્યો જતો. અહીં એક તૂટ્યું શહેર છે;
અને પવન ફેંકે છે સીગલોની ચિચિયારીઓને તારી કબર પર
જ્યારે હું તારી સાથે વાત કરી રહ્યો છું.

એ કવિતા જ શું છે જે બચાવી નથી શકતી
દેશોને કે લોકોને?
સત્તાવાર જૂઠાણાંઓ સાથે આંખમીંચામણાં,
એક ગીત દારૂડિયાઓનું જેમના ગળાં પળવારમાં જ કાપી લેવાશે,
બીજા વર્ગની છોકરીઓ માટેનું વાંચન.
એ કે મારે સારી કવિતા જોઈતી હતી મારી જાણ બહાર,
એ મેં શોધી કાઢ્યું, મોડેથી, એનું લાભદાયક લક્ષ્ય,
આમાં અને માત્ર આમાં જ હું મોક્ષ શોધી શક્યો.

એ લોકો કબરો પર બાજરી નાંખતા હતા અથવા ખસખસના દાણા
મૃતકોને ખબડાવવા માટે જેઓ પક્ષીઓના છદ્મવેશમાં આવશે.
હું તારા માટે, જે કદી જીવંત હતો, અહીં એક પુસ્તક મૂકું છું,
જેથી તું અમારી મુલાકાતે કદી નહીં આવે.

– ચેસ્વાફ મિવોશ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

સરહદ પર જાન ન્યોછાવર કરનાર અને ઘરે બેસીને તાળીઓ પાડનારની કોઈ સરખામણી નથી. આપણી આવતીકાલ માટે એ લોકો પોતાની આજ ખર્ચી નાંખે છે. યુદ્ધ હંમેશા વિનાશ જ લઈને આવે છે એ જાણવા છતાં દુનિયાની કોઈ પ્રજા કોઈ સમયગાળામાં યુદ્ધ વિના રહી શકી નથી. દેશની સરહદો પર બીજાની બંદૂકોથી પોતાના લોહીથી જે લોકો શહીદીની કવિતાઓ લખી જાય છે એ લોકો જ ખરા અર્થમાં મોક્ષ પામે છે. દેશ માટે શહીદ થઈ ગયેલાઓ માટે સાવ અનૂઠી શ્રદ્ધાંજલિ પૉલિશ કવિ ચેસ્વાફ મિવોશ અહીં આપે છે… અને શ્રદ્ધાંજલિની સાથોસાથ કવિતાનું ખરું ગંતવ્ય શું હોવું ઘટે એ પણ સમજાવે છે.

કવિતાના સવિસ્તાર આસ્વાદ માટે મારી ફેસબુક વૉલની મુલાકાત લેવા વિનંતી છે…

*
Dedication

You whom I could not save
Listen to me.
Try to understand this simple speech as I would be ashamed of another.
I swear, there is in me no wizardry of words.
I speak to you with silence like a cloud or a tree.

What strengthened me, for you was lethal.
You mixed up farewell to an epoch with the beginning of a new one,
Inspiration of hatred with lyrical beauty;
Blind force with accomplished shape.

Here is a valley of shallow Polish rivers. And an immense bridge
Going into white fog. Here is a broken city;
And the wind throws the screams of gulls on your grave
When I am talking with you.

What is poetry which does not save
Nations or people?
A connivance with official lies,
A song of drunkards whose throats will be cut in a moment,
Readings for sophomore girls.
That I wanted good poetry without knowing it,
That I discovered, late, its salutary aim,
In this and only this I find salvation.

They used to pour millet on graves or poppy seeds
To feed the dead who would come disguised as birds.
I put this book here for you, who once lived
So that you should visit us no more.

– Czesław Miłosz
(English Translation from Polish by poet himself)

Comments

(ફસલ આવશે) – અશરફ ડબાવાલા

સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.

વિચારો વટાવીને આગળ જજો,
ન કાપી શકો એ મજલ આવશે.

નમાવે જો મસ્તક તું કાગળ ઉપર,
શબદના લિબાસે કતલ આવશે.

સમાધિમાં ઊંડે ને ઊંડે જશું,
પછી કોઈ આંખો તરલ આવશે.

કદી સાચનો કિલ્લો તોડી જવા,
ધરમની ધજાની નકલ આવશે.

સજાને ક્ષમાની વચોવચ હશું,
ને ઇન્સાફ તારી અદલ આવશે.

આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા,
મરણ આવશે તે અટલ આવશે.

– અશરફ ડબાવાલા

ઇડનના બાગમાં આદમ અને ઇવ સુખેથી રહેતા હતા. શેતાનને ભગવાને સ્વર્ગ બહાર કાઢી મૂક્યો એટલે એને ભગવાન સામે બદલો લેવો હતો. એણે ઇવને સાધન બનાવી અને લલચાવી. બાગના ફળ ખાવાની મનાઈ હોવા છતાં શેતાનના પ્રભાવમાં આવી ગયેલી ઇવના કહેવાથી આદમે સફરજન ખાધું અને ઈશ્વરના રોષનું બંને કારણ બન્યા. બંનેએ પૃથ્વી પર આવવું પડ્યું. સીધી વાત કરે તો એ કવિતા નહીં, માત્ર કથન બની રહે. અહીં મીઠી એ કટાક્ષ છે. સફરજનની મીઠી ફસલ અર્થાત્ લાલચ, છેતરામણીના સંજોગો.. માણસ ફરી છેતરાશે અને ફરી આદમની જેમ એનું પતન થશે.. ટૂંકમાં આ શેર નકારાત્મક વાત કરીને એ હકીકત બયાન કરે છે કે માનવજાત જ્યાં સુધી લલચાવાનું બંધ નહીં કરે, પતનનો સિલસિલો ચાલુ જ રહેશે.

Comments (1)

સૂવા નથી દેતાં -પારુલ ખખ્ખર

મને કાગળ-કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,
કવિતાનાં બળૂકાં લશ્કરો સૂવા નથી દેતાં.

અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું,
કબર મારી જ છે પણ પથ્થરો સૂવા નથી દેતાં.

હજારો વાર ધોઈ છે છતાંયે જાત મહેકે છે,
ગુલાબી સ્પર્શનાં એ અત્તરો સૂવા નથી દેતાં.

પલાંઠી ચુસ્ત વાળીને કરે છે ધ્યાન મારામાં,
સ્મરણનાં જોગણી-જોગંદરો સૂવા નથી દેતાં.

વિસામો શ્વાસને આપી હવે પોઢી જવું છે બસ,
પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતાં.

-પારુલ ખખ્ખર

લયસ્તરોના વાચકમિત્રો માટે પારુલ ખખ્ખરનું નામ અજાણ્યું નથી. આજે તેઓ પોતાનો પ્રથમ સ્વતંત્ર સંગ્રહ લઈને લયસ્તરોના આંગણે આવ્યાં છે, ત્યારે એમનું સહૃદય સ્વાગત કરીએ છીએ…

Comments (6)

મારી આંખમાં – મનોજ ખંડેરિયા

અષાઢી વાદળોનો ઊડ્યો ઉમંગ
મારી આંખમાં ચણોઠિયું ઊગી રે સૈ
આંગળીની જેમ રાખી ઇચ્છાઓ હાથમાં તે
આજ હવે આકાશે પૂગી રે સૈ

મારા કમખાની કસમાં બંધાઈ ગઈ રાત
થાય તૂટું તૂટું રે મારી સૈ
કાચ જેવી હું તો કિરણ જોઈ ઝબકું ને
ફટ કરતી પળમાં ફૂટું રે મારી સૈ

પરસાળે પગલું હું કેમ કરી માંડું કે
મેંદીની ભાત પગે કરડે રે સૈ
મૂઠીની જેમ હું તો થઈ જાઉં બંધ ને
મનમાં પરોઢ રાતું ઊઘડે રે સૈ

નળિયાંને એવું તો થઈ બેઠું શુંય કે
આખો દિ’ કાગ જેમ બોલે રે સૈ
આભને ઊતરતું રોકી લ્યો કોઈ
મારા સપનામાં ડુંગરા ડોલે રે સૈ

– મનોજ ખંડેરિયા

લાંબા વખતે નખશિખ નમણું રૂપાળું ગીત માણવા મળ્યું…..કદાચ સ્વરબદ્ધ થાય તો મજા પડી જાય……

Comments (1)

રહીએ…..-જવાહર બક્ષી

પ્રસંગો પાંદડાના ઢગમાં બાળતા રહીએ,
પરિસ્થિતિનાં ધુમાડાને ઘુંટતા રહીએ.

હવે અવાજનું ઊંડાણ તું ય જાણે છે,
તને ગમે તો જરા વાર બોલતા રહીએ.

ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં,
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.

થીજી ગયો છે હવે પ્રેમ પણ અતીતની જેમ,
સમય ની જેમ ચાલો આપણે જતા રહીએ.

‘ફના’ ચાલોને આ પગલાંને મુકવા જવું છે,
જરા ક્ષિતિજ સુધી જઈને આવતા રહીએ.

-જવાહર બક્ષી

Comments (1)

ઇવની આત્મકથા – એન્સેલ એલ્કિન્સ (અનુ.: વિવેક મનહર ટેલર)

કશું જ પહેર્યાં વિના સિવાય કે સાપની કાંચળીનાં
જૂતાં, મેં એક ચીલો ચાતર્યો, એ જૂના
સામ્રાજ્યમાંથી નીકળીને નૂતન અજ્ઞાત તરફ જતા
પ્રથમ આમૂલ માર્ગનો.
જ્યારે હું સળગતા સોનાંના એ મહાન
પ્રજ્વલિત દ્વારો પાસે આવી હતી,
ત્યારે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેની
સીમા પર ભયભીત એકલી ઊભી હતી.
ત્યાં મેં એક ગૂઢ પડઘો સાંભળ્યો:
મારો પોતાનો જ અવાજ
મને જ ગાઈ સંભળાવતો પ્રતિબંધિત
બાજુએથી. હું ઝબકીને જાગી-
એકાએક જ હરિત અગનજ્વાળાઓમાં જીવિત.

સૌને વિદિત થાય: હું પતન નહોતી પામી સન્માનથી.

મેં છલાંગ ભરી હતી
આઝાદીની.

– એન્સેલ એલ્કિન્સ
(અનુ.: વિવેક મનહર ટેલર)

દુનિયાની સૌપ્રથમ સ્ત્રી ઇવ એની આત્મકથા લખે તો શું લખે? શું એમ લખે કે ઇડનના બગીચામાં ફળ તોડવું અને ખાવું એ એની ભૂલ હતી? ઈશ્વરે એને સ્વર્ગમાંથી ખદેડી કાઢી એ સજા શું એને મંજૂર હશે? સંસારની પહેલી નારી ઇવની આત્મકથાના રૂપમાં ઇવથી લઈને આજદિન સુધી થઈ ગયેલી તમામ સ્ત્રીઓ અને આવનારા યુગોમાં જન્મનાર તમામ સ્ત્રીઓની આત્મકથા આજની ગ્લૉબલ કવિતામાં માત્ર ૩૬ વર્ષની વયની અમેરિકન કવયિત્રી એન્સેલ એલ્કિન્સ લઈને આવે છે. આ છે આજની સ્ત્રીની આઝાદી, સશક્તિકરણ અને જાતીયતાનું રાષ્ટ્રગીત…

વિગતવાર આસ્વાદ માટે ફેસબુક પર પધારવા આમંત્રણ છે…

Autobiography of Eve

Wearing nothing but snakeskin
boots, I blazed a footpath, the first
radical road out of that old kingdom
toward a new unknown.
When I came to those great flaming gates
of burning gold,
I stood alone in terror at the threshold
between Paradise and Earth.
There I heard a mysterious echo:
my own voice
singing to me from across the forbidden
side. I shook awake—
at once alive in a blaze of green fire.

Let it be known: I did not fall from grace.

I leapt
to freedom.

– Ansel Elkins

Comments (4)

સૂરજ નીકળ્યો..! – રેણુકા દવે

ટેકરીઓના ઢાળે એના ઝળહળ ઝળહળ તડકા ઢોળી સૂરજ નીકળ્યો,
વર્ષાએ ગલીઓમાં રેલ્યા ખળખળ ખળખળ નીર પીવાને સૂરજ નીકળ્યો.

ઝાકળમાં નાહેલાં પેલાં પુષ્પોનું તન કોરું કરવા સૂરજ નીકળ્યો,
ધુમ્મસ હેઠળ દબાઈ બેઠા સમીરનું મન ફોરું કરવા સૂરજ નીકળ્યો.

હારબંધ આ પંખીઓની પાંખો માંહી જોમ જગવવા સૂરજ નીકળ્યો,
નીડ મહીં તાજાં જન્મેલાં બચ્છાંઓના ડરને હરવા સૂરજ નીકળ્યો.

લીલાં ઘેઘૂર વૃક્ષોના પ્રત્યેક માનને જગાડવાને સૂરજ નીકળ્યો,
આંખો ઊંચકી ઊગવા મથતા અંકુરોને ઉગાડવાને સૂરજ નીકળ્યો.

તુલસીક્યારે નમતી ઘરની નારી ઉપર વહાલ વરસતો સૂરજ નીકળ્યો,
ગૃહસ્થની જળ ધારે પુલકિત થઈને આશિષ ધરતો સૂરજ નીકળ્યો.

– રેણુકા દવે

નખશિખ સૌંદર્યની કવિતા. સૂર્યોદયના નાનાવિધ આયામોને કવયિત્રી કલમના લસરકે જોડી આપીને એક નવું જ ચિત્ર ખડું કરે છે. ક્યાંક રચના થોદી ગદ્યાળુ બની હોવાનું પણ અનુભવાય છે તો ક્યાંક લય થોડો ખોરવાતો પણ લાગે છે પણ સરવાળે સર્વાંગ અનુભૂતિથી તર કરી દેતું ગીત મજાનું છે…

Comments (4)

ચિંતા થાય – કિરણસિંહ ચૌહાણ

રસ્તા જ્યારે સીધા થાય,
ત્યારે લોકો વાંકા થાય.

લોહી ન નીકળે, પીડા થાય,
એ જખ્મોની ચિંતા થાય.

બે જણ જ્યારે સરખા થાય,
ચારેબાજુ પડઘા થાય.

ખૂલે ભેદ પછી પણ શું?
થોડા દિવસ હોહા થાય.

આભ ગમે જે બાળકને,
અંગૂઠા પર ઊંચા થાય.

– કિરણસિંહ ચૌહાણ

ટૂંકી બહેરની અને સાવ સહજ ભાષામાં લખાયેલી ગઝલ. બધા જ શેર શીરાની જેમ તરત જ ગળે ઊતરી જાય એવા. પરંપરાનો હાથ ઝાલીને ચાલતી હોવા છતાં રચનામાંથી સાંપ્રત સમાજનો પડઘો સંભળાયા વિના રહેતો નથી.

Comments (8)

એકાંતે તરસું છું હું……..– તુષાર શુક્લ

વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.

ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.

વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.

મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.

– તુષાર શુક્લ

Comments (2)

ડૂબ્યા ! – માધવ રામાનુજ

આ સમયને પાર કરવા નીકળ્યા-
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!

સ્વચ્છ, પાવન, પારદર્શી વહેણ કેવું?
દોડતાં પહોંચ્યા અને મૃગજળમાં ડૂબ્યા.

નામ સંબંધોને નહોતું આપવાનું-
નામ દીધું ને જુઓ, અંજળમાં ડૂબ્યા.

જે દીવાએ સ્હેજ અજવાળું વધાર્યું-
એ દીવાની મેશના કાજળમાં ડૂબ્યા.

પ્રેમની વાતોય લાગી પ્રેમ જેવી,
એમ ને એમ જ અમે અટકળમાં ડૂબ્યા.

કોઈ માને કે ન માને, સત્યનું શું?
સ્વપ્ન જે જોયાં હતાં, ઝાકળમાં ડૂબ્યા.

પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં,
તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા!

સાવ પોતાનું જ લાગ્યું હોય એવા,
આંસુ જેવા એ રૂપાળા છળમાં ડૂબ્યા!

આ સમયને પાર કરવા નીકળ્યા,
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!

– માધવ રામાનુજ

[ સૌજન્ય :- inmymindinmyheart.com – ડો. નેહલ વૈદ્ય ]

મૃદુ ભાષામાં તાતા તીર વછોડ્યા છે…..જેમ કે ‘ પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં, તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા! ‘

Comments (3)

નિદ્રાચારીઓ માટે – એડવર્ડ હર્શ (અનુ. વિવેક મનહર ટેલર)

આજે રાત્રે હું કંઈક અદભુત કહેવા માંગું છું
નિદ્રાચારીઓ માટે જેમને આટલો બધો વિશ્વાસ છે
પોતાના પગો પર, એટલો બધો વિશ્વાસ જાજમમાં

કંડારાયેલા અદૃશ્ય નિર્દેશ-ચિહ્ન પર, ઘસાયેલા માર્ગ પર
જે બારીના બદલે સીડી તરફ દોરી જાય છે,
ખુલ્લા દ્વારમાર્ગ, નહીં કે સાંધારહિત અરીસા તરફ.

મને ગમે છે જે રીતે નિદ્રાચારીઓ તૈયાર હોય છે
પોતાના શરીરમાંથી નીકળીને રાતમાં પગલાં માંડવા માટે,,
હાથ ઊઠાવીને અંધારાને આવકારવા માટે,

ખાલી જગ્યાઓને માપતા, દરેક વસ્તુને સ્પર્શતા.
તેઓ હંમેશા સુરક્ષિત રીતે ઘરે પરત ફરે છે, આંધળા માણસોની જેમ
જે ઓછાયાઓને અનુભવીને જાણી લે છે કે સવાર પડી ગઈ છે.

અને તેઓ હંમેશા જાગે છે ફરીથી ખુદ તરીકે જ.
એટલા માટે જ હું કંઈક આશ્ચર્યકારક કહેવા ઇચ્છું છું
જેમ કે: આપણાં હૃદય આપણાં શરીર છોડી રહ્યાં છે.

આપણાં હૃદય તરસ્યા કાળા હાથરૂમાલો છે
જે રાતે વૃક્ષોમાં થઈને ઊડે છે, ભીંજવતા
ચાંદનીના અંધારા કિરણોને, ઘુવડોના

સંગીતને, પવનથી તૂટેલી શાખાઓની ગતિને.
અને હવે આપણાં હૃદય છે જાડી કાળી હથેળીઓ
પરત ઊડી આવતી આપણી છાતીઓના હાથમોજાંમાં.

આપણે આપણાં દિલો પર એ રીતે વિશ્વાસ કરતાં શીખવું પડશે.
આપણે શીખવો પડશે બેકરાર ભરોસો આ નિદ્રા-
ચારીઓનો જેઓ તેમની શાંત પથારીઓમાંથી ઊઠી બહાર આવે છે

અને બીજી જિંદગીની ત્વચામાંથી પસાર થાય છે.
આપણે અંધારાના મદહોશ કરનાર પ્યાલાને પીવો પડશે
અને આપણી જાત પ્રત્યે જાગવું પડશે, પોષિત અને આશ્ચર્યચકિત.

– એડવર્ડ હર્શ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

ઊંઘમાં ચાલનારાઓ વિશે પણ કવિતા? બોલો, હદ છે ને! કવિઓ કોઈને જ છોડશે નહીં કે શું? પણ થોભો… સાચે જ શું આ કવિતા અડધી રાત્રે ઘોર અંધારામાં બિન્દાસ ચાલનાર નિદ્રાચારીઓ વિશેની છે કે પછી એ ધોળા દિવસે અજવાળામાં ચાલતા આપણા જેવા દેખતા આંધળાઓમાં રહેલા વિશ્વાસના અભાવ સામે પ્રશ્ન ખડો કરે છે? ઊંઘમાં ચાલનારાઓ ભરોસોની આંખોથી જુએ છે… આપણે?

કવિતાની વિશદ છણાવટ માટે ફેસબુકના આંગણે પધારવા વિનંતી છે…

*
For The Sleepwalkers

Tonight I want to say something wonderful
for the sleepwalkers who have so much faith
in their legs, so much faith in the invisible

arrow carved into the carpet, the worn path
that leads to the stairs instead of the window,
the gaping doorway instead of the seamless mirror.

I love the way that sleepwalkers are willing
to step out of their bodies into the night,
to raise their arms and welcome the darkness,

palming the blank spaces, touching everything.
Always they return home safely, like blind men
who know it is morning by feeling shadows.

And always they wake up as themselves again.
That’s why I want to say something astonishing
like: Our hearts are leaving our bodies.

Our hearts are thirsty black handkerchiefs
flying through the trees at night, soaking up
the darkest beams of moonlight, the music

of owls, the motion of wind-torn branches.
And now our hearts are thick black fists
flying back to the glove of our chests.

We have to learn to trust our hearts like that.
We have to learn the desperate faith of sleep-
walkers who rise out of their calm beds

and walk through the skin of another life.
We have to drink the stupefying cup of darkness
and wake up to ourselves, nourished and surprised.

– Edward Hirsch

Comments (1)

દરિયો – વિમલ અગ્રાવત

તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?

દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું!
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું!
કદી નજરુંથી દરિયો વલોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?

મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો!
આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો, ‘દરિયો શેં ખારો?’
કદી શ્વાસોમાં દરિયો પરોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?

– વિમલ અગ્રાવત

કિનારે ઊભા રહીને કૉમેન્ટરી આપવી અલગ વાત છે અને વચ્ચોવચ ઝંપલાવી દીધા બાદ વાત કરવામાં જમીન-આકાશનો ફરક છે. મહાસુખ તો મહીં પડ્યા એ જ માણી શકે. દરિયો બની જાવ એ પછી જ દરિયાને જોઈ શકાય, બાકી ઠાલી વાતો માત્ર…

Comments (5)

(ચરણ સરતાં જાય મિતવા) – મનોહર ત્રિવેદી

(શિખરિણી)

ચરણ સરતાં જાય મિતવા…
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા…

અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

વળાંકો, છાયાઓ, નભ, પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વહાલ વરસે
ભર્યાં એકાંતોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

– મનોહર ત્રિવેદી

ક્યાંક અખંડ તો ક્યાંક ખંડિત લયના ગીતોની ભરમારની વચ્ચે શુદ્ધ શિખરિણી છંદમાં લખાયેલું આવું મજાનું ગીત માણવા મળી જાય તો આખો દિવસ જ સુધરી જાય… પણ રહો! આ ગીત વાંચવા માટે નથી, એને તમે ગાઈને સાંભળશો તો જ એની ખરી મજા માણી શકશો.

એક તરફ કવિને કૅલેન્ડર જેવો શબ્દ વાપરવામાંય છોછ નથી તો બીજી તરફ લગભગ વિસરાઈ ગયેલો તક્તા જેવો શબ્દ (જેનો કદાચ આજની પેઢીને તો અર્થ પણ સમજાવવો પડે!) વાપરવાનો બાધ પણ નથી… બે અલગ પેઢીના શબ્દોને કવિ જેરીતે એક દોરામાં પરોવી શકે છે જ ખરા કવિકર્મની સાહેદી છે.

સવારથી શરૂ થતો દિવસ સાંજે ફરી ઘરે પાછો વળે એ કાળક્રમને કવિનો કેમેરા બખૂબી ઝીલે છે. સવારે ઘરવાળી તક્તામાં કુમકુમનો ચાંલ્લો કરતાં-કરતાં મીરાંના પદ ગાતી જાય છે… દિવસ સૃષ્ટિના ખોળે વીતે છે અને દિવસના અંતે ઝાંપામાં પ્રવેશતાં જ વહાલના દીપ પ્રગટી ઊઠે છે…

Comments (4)

નિબંધ છે – કુતુબ ‘આઝાદ’

મન માનવીનું એટલું માયામાં અંધ છે,
આંખો તો છે ઉઘાડી હૃદયદ્વાર બંધ છે.

લીધો છે એક શ્વાસ બીજો લઈ નહીં શકે,
પ્રત્યેક શ્વાસ વિશ્વથી છેલ્લો સંબંધ છે.

માગું છું ફૂલ જેવું જીવન હું મર્યા પછી,
ખર્યા પછીયે ફૂલમાં બાકી સુગંધ છે.

સથવારો જો પ્રકાશનો સાથે ન હોય તો,
જેને કહો છો આંખ એ આંખોયે અંધ છે.

મમતાના તાર મોતની સાથે તૂટી જશે,
કાલે નહીં જ હોય જે આજે સંબંધ છે.

અંતિમ ટાણે એટલી અમને સમજ પડી,
જીવન એ પાપકર્મનો મોટો નિબંધ છે.

‘આઝાદ’ રોકશો મા, ભલે એ વહી જતાં,
આંસુઓ પશ્ચાતાપનો તૂટેલ બંધ છે.

– કુતુબ ‘આઝાદ’

પરંપરાના શાયરની કલમે પરંપરાની ગઝલ પણ બીજા-ત્રીજા અને ચોથા શેરના કલ્પન એટલા મજબૂત છે કે આધુનિક કવિતામાંથી પસાર થતાં હોવાની અનુભૂતિ થયા વિના નહીં રહે.

Comments (2)

બૉમ્બનો વ્યાસ – યહુદા અમિચાઈ (અનુ.: વિવેક મનહર ટેલર)

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની અસરકારક પહોંચનો વ્યાસ લગભગ સાત મીટર હતો,
જેમાં છે ચાર મૃતક અને અગિયાર ઘાયલ.
અને એની ફરતે, દર્દ અને કાળના
વધુ મોટા વર્તુળમાં, પથરાયેલ છે બે હૉસ્પિટલ
અને એક કબ્રસ્તાન. પણ યુવાન સ્ત્રી
જેને દફનાવાઈ, જ્યાંથી એ આવી હતી એ શહેરમાં
જે સો કિલોમીટરથીય વધુ અંતરે છે,
વર્તુળને નોંધપાત્ર રીતે વિસ્તારે છે;
અને દરિયાપારના એક દેશના દૂરના કિનારાઓ પર
એના મોત પર શોક કરનાર એકાકી પુરુષ
આખી દુનિયાને વર્તુળમાં સમાવી લે છે.
અને અનાથોના હીબકાંઓનો તો હું ઉલ્લેખ પણ નહીં કરું
જે પહોંચે છે ઈશ્વરના સિંહાસન સુધી અને
એથીય આગળ, એક વર્તુળ
બનાવતાં જેનો નથી કોઈ અંત અને નથી ઈશ્વર.

– યહુદા અમિચાઈ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
*

વિનાશનો કોઈ વ્યાસ હોતો નથી. એની અસર આપણા વિચારવર્તુળથી ક્યાંય આગળ સુધી પહોંચતી હોય છે. વિશાળ તળાવના શાંત પાણીમાં એક નાનો અમથો પથરો પડે પછી ઊઠતા વમળ લાંબા સમય સુધી દૂર-દૂર સુધી વિસ્તરતા રહે છે. પથ્થર તો પાણીની સપાટીને સેકન્ડના હજારમાં ભાગ જેટલીવાર જ માંડ અડતો હશે ને ઊંડે ગરકાવ થઈ જતો હશે પણ વમળ ક્યાંય સુધી વર્તુળાયા કરે છે. નાના અમથા પથ્થરના પાણીમાં પડવાની ક્ષણાર્ધથીય નાની અમથી ઘટનાને સમય અને ક્ષેત્રના પરિમાણથી માપવા બેસીએ ત્યારે જ સમજી શકાય છે કે દરેક નાની અમથી ઘટનામાંથી ઊઠતો પડઘો એ મૂળ ઘટના કરતાં અનેકગણો પ્રચંડ જ હોવાનો. બૉમ્બથી થતા પ્રલયનો કોઈ લય નથી હોતો અને વિનાશમાં પ્રાસ નથી હોતો.

વિસ્તૃત આસ્વાદ માટે મારી ફેસબુક વૉલ પર પધારો…

*
The Diameter of the Bomb

The diameter of the bomb was thirty centimeters
and the diameter of its effective range about seven meters,
with four dead and eleven wounded.
And around these, in a larger circle
of pain and time, two hospitals are scattered
and one graveyard. But the young woman
who was buried in the city she came from,
at a distance of more than a hundred kilometers,
enlarges the circle considerably,
and the solitary man mourning her death
at the distant shores of a country far across the sea
includes the entire world in the circle.
And I won’t even mention the howl of orphans
that reaches up to the throne of God and
beyond, making
a circle with no end and no God.

– Yehuda Amichai
(Eng Translation: Chana Bloch)

Comments

પથારીમાં જતાં પહેલાં મિકી ઇન ધ નાઇટ કીચન ત્રીજી વાર વાંચ્યા પછી – રીટા ડવ (અનુ. વિવેક મનહર ટેલર)

હું દૂધ છું અને દૂધ મારામાં છે!… હું મિકી છું!

મારી દીકરી એના પગ ફેલાવે છે
એની યોનિને શોધવા માટે:
વાળહીન, નામકરણનો
આ ભૂલભરેલ ભાગ
છે જેને અજાણ્યો સ્પર્શી નથી શકતો
તેણીના ચીસ પાડ્યા સિવાય. તેણી માંગ કરે છે
મારી યોનિ જોવા માટે અને ક્ષણ પૂરતાં
અમે એક અસમતોલ તારો છીએ
છલકાયેલાં રમકડાંઓ વચ્ચે,
મારા મોટા ભગોષ્ઠ
એના સુઘડ કેમિઓ સમક્ષ ઉઘાડા.

અને તોય એ જ ચળકતી
સુરંગ, બહુપરતીય અનુક્રમ.
એ ત્રણ વર્ષની છે: એ આને
નિર્દોષ બનાવે છે. આપણે ગુલાબી છીએ!
એ ચીખે છે, અને મર્યાદાઓ અંત પામે છે.

દર મહિને તેણી ઇચ્છે છે
એ જાણવા કે ક્યાં તકલીફ થાય છે
અને શું મતલબ છે મારા પગ વચ્ચેની
કરચલિયાળી દોરીનો. આ સારું લોહી છે
હું કહું છુ, પરંતુ એ પણ ખોટું છે.
એને શી રીતે કહેવું કે એ જ આપણને બનાવે છે-
શ્યામ માતા, ક્રીમ બાળક.
કે આપણે ગુલાબીમાં છીએ
અને ગુલાબી આપણામાં છે.

– રીટા ડવ
(અનુ. વિવેક મનહર ટેલર)
*

શરીરની ઉજવણી અને સંબંધની પારદર્શિતાની આ કવિતા છે.

બાથરૂમમાં નહાતા હોઈએ અને અચાનક આપણું સંતાન દરવાજો ખોલીને અંદર આવી ચડે અને આપણને નિર્વસ્ત્ર જોઈ લે ત્યારે આપણી તાત્ક્ષણિક પ્રતિક્રિયા શું હોઈ શકે? શું આપણે સંતાનને ઝાટકી નાંખીએ છીએ? કે આપણી નગ્નતાથી શરમાયા વિના એની સાથે વાત કરવાની સાહજિકતા રાખી શકીએ છીએ? દિલ પર હાથ રાખીને આપણે આ વાતનો જવાબ આપવાનો છે. સંબંધના પારદર્શક સાયુજ્યની આ ચરમસીમા, સેક્સ-એજ્યુકેશનની બારાખડીનો પહેલો અક્ષર પ્રસ્તુત કવિતામાં આફ્રિકન-અમેરિકન કવયિત્રી રીટા ડવ લઈને આવ્યાં છે.

કવિતાના સંપૂર્ણ આસ્વાદ માટે મારી ફેસબુક વૉલ પર પધારો:

*
After Reading Mickey in the Night Kitchen for the Third Time Before Bed

I’m the milk and the milk’s in me! . . . I’m Mickey!

My daughter spreads her legs
to find her vagina:
hairless, this mistaken
bit of nomenclature
is what a stranger cannot touch
without her yelling. She demands
to see mine and momentarily
we’re a lopsided star
among the spilled toys,
my prodigious scallops
exposed to her neat cameo.

And yet the same glazed
tunnel, layered sequences.
She is three; that makes this
innocent. We’re pink!
she shrieks, and bounds off.

Every month she wants
to know where it hurts
and what the wrinkled string means
between my legs. This is good blood
I say, but that’s wrong, too.
How to tell her that it’s what makes us–
black mother, cream child.
That we’re in the pink
and the pink’s in us.

– Rita Dove

Comments

(ઠીકઠાક બધું) – હર્ષ બ્રહ્મભટ્ટ

આંખ સામે છે દર્દનાક બધું
તોય કહેવાનું ઠીકઠાક બધું

મેં રહસ્યોની હાટ ખોલી’તી
લઈ ગયા એક-બે ઘરાક બધું

જે સફર આદરી શક્યો જ નથી
એને છે ભૂખ, પ્યાસ, થાક બધું

સ્થળની ચોરી થઈ છે રાતોરાત
ક્યાં ગયાં ખેતરો ને પાક બધું ?

દોસ્ત, ના બોલ આંસુની ભાષા
એમને લાગશે મજાક બધું

કોઈ પાસેથી એ મળ્યું જ નહીં
મેં તો માંગ્યું હતું જરાક બધું

-હર્ષ બ્રહ્મભટ્ટ

કેવી સરળ ભાષા અને કેવી અર્થસભર વાત! આખી ગઝલ જ અદભુત!

Comments (3)

વારતા આવી – ગની દહીંવાલા

હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી,
જીવનના પાલવે બંધાઈને જાણે કઝા આવી !

કોઈ સ્વપ્નસ્થનાં બીડાએલાં નયનો જુઓ ક્યાંથી !
કે એક બેચેનની આંખોને અડવા ઊંઘ ના આવી.

સ્મરણ-પુસ્તક અચાનક બંધ તેઓએ કરી દીધું,
લખેલી લોહીથી જ્યારે અમારી વારતા આવી.

ન કંટાળી જશો જીવન-સભાના પ્રિય શ્રોતાઓ !
ઊઠી જાઉં છું હું પોતે, કથા પૂરી થવા આવી.

સિતમનાં વાદળોએ એનું રૂપાંતર કરી દીધું,
દુઆ આકાશમાં જે ગઈ, બનીને આપદા આવી.

મહોબ્બતની મહામૂલી મળી સોગાદ બન્નેને,
હૃદયને જખ્મ દીધા, મારે ભાગે વેદના આવી.

જીવન-રજની હૃદયપટ પર હજી અંધાર રહેવા ડે,
મધુરું સ્વપ્ન તોડી નાખશે મારું, ઉષા આવી.

‘ગની’, હું કેટલો છું ક્રૂર એ આજે જ સમજાયું,
કે દુનિયાનાં દુઃખો જોયાં અને નિજ પર દયા આવી.

– ‘ગની’ દહીંવાલા

સરળ ભાષાના સરતાજ ગનીચાચાની રચનામાં રહેલું ઊંડાણ તો જુઓ !!!

Comments (1)

ઘરકામનું ઝેન – અલ ઝોલિનાસ (અનુ. વિવેક મનહર ટેલર)

હું જોઉં છું મારા ખભા પરથી
નીચે મારા બાવડાં
જ્યાં તેઓ પાણી હેઠળ ગાયબ થઈ જાય છે
હાથોમાં ગુલાબી હાથમોજાંની અંદર
વાળુની થાળીઓની વચ્ચે મજૂરી કરતાં.
મારા હાથ એક શરાબનો પ્યાલો ઊઠાવે છે,
એને વાટકાની નીચેથી અને દાંડીથી પકડીને.
એ સપાટી તોડે છે
મધ્યયુગીન તળાવમાંથી ઊઠતા
ધાર્મિક મદિરાપાત્રની જેમ.

ગૃહજીવનની ભૂખરી શરાબથી
છલોછલ, પ્યાલો તરી રહ્યો છે
મારી આંખો સમક્ષ.
એની પછીતે, બારીમાંથી
સિંક ઉપર, સૂર્ય, ચકલીઓ
અને નગ્ન ડાળીઓના સમારોહ વચ્ચે,
આથમી રહ્યો છે પશ્ચિમ અમેરિકામાં.

હું જોઈ શકું છું હજારો શીકર
વરાળની- દરેક એક સૂક્ષ્મ વર્ણપટ- ઊઠતી
મારી ભૂખરી શરાબના જામમાંથી.
તેઓ ઝોલાં ખાય છે, સતત
દિશાઓ બદલતાં રહીને- રમતિયાળ માછલીઓની શાળાની જેમ,
અથવા નકરા પડદાની જેમ
એક બીજી દુનિયા તરફની બારી પરના.

આહ, તુચ્છ લૌકિકતાના ભૂખરા ધર્મસંસ્કાર!

– અલ ઝોલિનાસ
(અનુ. વિવેક મનહર ટેલર)
*

કવિતા શું છે? કવિતા ક્યાંથી આવે છે? કવિતા કોણ લખી શકે? સામાન્ય માણસને આવા પ્રશ્ન પૂછીએ તો જવાબ એમ જ મળે કે ભાઈ, કવિતા કંઈ બધાના વશની વાત નથી. It’s not everyone’s cup of tea. હકીકતમાં, કવિતા લખવી, ડીશ ધોવી અને ધ્યાન કરવું અલગ નથી, એક જ છે. વાસણ ઉટકવા જેવું બેકાર લાગતું કામ પણ કળાનો એક ઉત્તમ નમૂનો બની શકે છે, જો એમાં આપણે આપણી જાતને ઓગાળી દઈ શકીએ તો.

કવિતાના વિગતવાર આસ્વાદ માટે ફેસબુકની આ લિન્ક પર ક્લિક કરવા વિનંતી:

*
The Zen of Housework

I look over my shoulder
down my arms
to where they disappear under water
into hands inside pink rubber gloves
moiling among dinner dishes.
My hands lift a wine glass,
holding it by the stem and under the bowl.
It breaks the surface
like a chalice
rising from a medieval lake.

Full of the grey wine
of domesticity, the glass floats
to the level of my eyes.
Behind it, through the window
above the sink, the sun, among
a ceremony of sparrows and bare branches,
is setting in Western America.

I can see thousands of droplets
of steam- each a tiny spectrum- rising
from my goblet of grey wine.
They sway, changing directions
constantly- like a school of playful fish,
or like the sheer curtain
on the window to another world.

Ah, grey sacrament of the mundane!

– Al Zolynas

Comments

ૠણી છું – સંદીપ પુજારા

ખમે છે ભાર જે મારો હું એ કણ-કણનો ૠણી છું,
છતાં માતા-પિતા, શિક્ષક- વિશેષ એ ત્રણનો ૠણી છું.

મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ૠણી છું.

ભલે છૂટાછવાયાં છે છતાં રેખાને જોડે જે
સીધી લીટીમાં રહેનારા એ બિંદુગણનો ૠણી છું.

કહ્યું’તું જેમણે કે એ મને કંઈ પણ નહીં આપે,
રહી છે આબરૂ તો એમના ‘કંઈ પણ’નો ૠણી છું.

મે ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ૠણી છું.

– સંદીપ પુજારા

બહુ સરળ ભાષામાં અલગ અલગ આયામ દર્શાવીને કવિ પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે જે હૃદયને તરત જ સ્પર્શી જાય છે.

Comments (6)

વિદાય – ધીરુ પરીખ

મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !
તો પછી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો કશો અર્થ ખરો?

આમ તો સૂર્યનું અસ્ત થવું
પુષ્પનું ખરી જવું
ઝાકળનું ઊડી જવું
એ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.
પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનો
તૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનો
વ્યક્ત કર્યો છે વિષાદ?

કારણકે એ એકવાર પણ મળ્યા છે
તે ક્યાં કદી વિખૂટા પડે જ છે !
આથી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો અર્થ જ એ છે કે
આપંણે ક્યાં મળ્યા જ છીએ !

મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ
રોપાઇ જાય છે
એટલે વિષાદ વિદાયનો નથી,
વિષાદ તો છે આપણે મળ્યાં નથી તેનો.
અને જો મળ્યા જ છીએ
તો આપણી વચ્ચે વિદાયની કોઇ ક્ષણ જ ક્યાં છે !

કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !

– ધીરુ પરીખ

બહુ જ સ્પષ્ટ ભાષામાં એકદમ મર્મભેદી કાવ્ય છે આ……

Comments

અસમંજસનું ગીત – સંજુ વાળા

સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ
ઉગમણેથી…….આથમણેથી
આલ્લાંલીલ્લાં પાથરણેથી
સીમ ભરીને લાવ્યું કોઈ ઉચાટ

હાથવેંતનાં પગપગથારે લજામણીમન રમતું અડકો-દડકો
થડકારો ચૂકીને ઝીલ્યો પાંચિકાને બદલે કાચો તડકો
અહીંથી ઝાલો…તહીંથી ઝાલો
આરપાર અટકળથી ઝાલો
નવતર જાગ્યો ખરી પડે ફફડાટ
સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ

કૈ વરસે ભાળેલી પળનાં તળિયે ઊમટે મૂંઝારાનું વ્હેણ
નોધારા ચકરાવા લેતાં મનને વાગે ઠેસ, ચડાવે ફેણ
આઘા ડૂબે…ઓરા ડૂબે
ધોધમાર હેલ્લારા ડૂબે
ફીણ ફીણ થઈ ફેલે રે.. ચચરાટ
સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ.

– સંજુ વાળા

કાવ્યના શીર્ષકમાં જ કાવ્યના અર્થની ચાવી છે. જાણે કે પ્રિયજનને મનની વાત કહેવાતી નથી અથવા તો કહી દીધા પછી પ્રત્યુત્તરની પ્રતિક્ષાની ઘડી છે…….

Comments (2)

પુરાતત્ત્વવિદ્યા – કથા પોલિટ (અનુ. વિવેક મનહર ટેલર)

‘‘આપણી સાચી કવિતાઓ પહેલેથી આપણી અંદર જ છે
ને આપણે કંઈ કરી શકીએ છીએ તો માત્ર ઉત્ખનન.’’
– જોનાથન ગલાસી

તમે શરૂથી જ જાણતા હતા નિષ્ફળતાની સંભાવનાઓ,
એ સવારે જ્યારે તમે પહેલીવાર જોઈ, અથવા વિચાર્યું કે જોઈ છે,
ઊતરતી કક્ષાના પ્રદેશના ગરમીથી બેહાલ મેદાનોની નીચે
દટાયેલા શહેરોની રૂપરેખા. હજારે એકનો દાવ તો એ જ કે
તમે ખોદી કાઢવાના નથી કંગાળ નિકટપૂર્વી પશ્ચાદ્જળના
કચરાના ઢગલાથી વિશેષ કશું પણ:
થોડા મણકાઓના ટુકડાઓ,
કાચ અને માટીના વાસણોની કરચો, તૂટેલી તકતીઓ
જેની ગુપ્ત માહિતી, મહેનતપૂર્વક ઉકેલવામાં આવે,
તો પ્રાચીન કરિયાણાની યાદીઓના સંગ્રહથી વિશેષ પુરવાર નહીં થાય.
તોય, ટ્રેન તો સ્ટેશનથી દૂર નીકળી ગઈ તમારા વિના જ.

કેટલા જન્મો પહેલાંની
આ વાત છે? કેટલા વિકલ્પ?
હવે જ્યારે તમને પીપભરીને ઠીકરાં મળી ગયાં છે
શું તમે એમ કહેશો, મને મારા વરસો પાછાં આપી દો
અથવા ખુદને વીંટાળીને રણના
તારાઓના દૂરના ઝગમગાટમાં,
તમારી જાતને કહેશો કે આખરે તો એ મૂર્ખામી હતી
કો’ક અસ્ખલિત પાત્રને, દેવના કાંસાના માથાને
ઉઘાડા કરવાનું સ્વપ્ન જોયું એ?
સંકેલી લો તમારા ટુકડાઓ. રણની આંધીઓને
સપાટ કરી દેવા દો ખોદેલી જગ્યા. હવે આવશે
સંગ્રહાલયના ભોંયરામાં આવેશપૂર્ણ મધ્યરાત્રિઓ
જ્યારે ગમે તેવા રોડાંમાંથી તમે આવિષ્કાર કરશો
ઘેટાં અને મસાલાંઓથી ગંધાતી ધૂળિયા બજાર,
શેરીઓ, ખજૂરી બગીચાઓ, કૂવાઓ સહિતના આંગણાંઓ
જ્યાં, સાંજની નીલિમામાં, એક પછી એક
ગાઢાં બુરખાવાળી સ્ત્રીઓ આવશે, તેમનાં પરિપૂર્ણ ઘડાંઓ લઈને.

– કથા પોલિટ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિ અને પુરાતત્ત્વવિદ્દ – એક સ્મરણ ખોદી લાવે, એક દટાયેલા શહેર… એક જૂના સંબંધ સાફ કરી આપે, એક પુરાતન સંસ્કૃતિ… જમીન ધરતીની હોય કે મનની હોય, ખોદી કાઢવામાં આવે તો જે અશ્મિ અને અવશેષ હાથ લાગે છે એના પરથી વીતેલી કાલનું ચિત્ર યથાર્થ દોરી શકાય છે. સરવાળે બંને જણ ભૂતકાળને વર્તમાન સાથે સાંધી આપવાનું કામ કરે છે. આપણા બધાની અંદર જે આખાને આખા નગરો દટાઈ પડ્યા છે, એને કવિ નામનો પુરાતત્ત્વવિદ કઈ રીતે ખોદી કાઢી આપે છે એની વાત કરે છે આ કવિતા…

Archeology

‘‘Our real poems are already in us
And all we can do is dig.’’
– Jonathan Galassi

You knew the odds on failure from the start,
That morning you first saw, or thought you saw,
Beneath the heatstruck plains of a second-rate country
The outline of buried cities. A thousand to one
you’d turn up nothing more than rubbish heap
of a poor Near Eastern backwater:
a few chipped beads,
splinters of glass and pottery, broken tablets
whose secret lore, laboriously deciphered,
would prove to be only a collection of ancient grocery lists.
Still, the train moved away from the station without you.

How many lives ago
Was that? How many choices?
Now that you’ve got your bushelful of shards
do you say, give me back my years
or wrap yourself in the distant
glitter of desert stars,
telling yourself it was foolish after all
to have dreamed of uncovering
some fluent vessel, the bronze head of a god?
Pack up your fragments. Let the simoom
Flatten the digging site. Now come
The passionate midnights in the museum basement
When out of the random rubble you’ll invent
The dusty market smelling of sheep and spices,
Streets, palmy gardens, courtyards set with wells
To which, in the blue of evening, one by one
Come strong veiled women, bearing their perfect jars.

– Katha Pollitt

Comments

(ટહુકા વગર) – મયંક ઓઝા

છે સમયની કેટલી માઠી અસર
વૃક્ષ વલખે છે હવે ટહુકા વગર

એક વેળા આથમ્યાની છે મજા
સૂર્ય જેવી નહીં કરું હું ચડઉતર

હાથ, પગ, ચહેરો બધું ખંડિત છે
શખ્સ છે કે શિલ્પ છે કોને ખબર!

હું નથી તરતો, તણાતો જાઉં છું
આ સમયના વહેણમાં આઠે પ્રહર

કેડીઓ તો ક્યારની ફંટાઈ ગઈ
વ્યર્થ લંબાઈ રહી છે આ સફર

એ લીસોટા આભમાં કે શ્વાસમાં
ક્યાંક તારી યાદની ફૂટી ટશર

– મયંક ઓઝા

ગ્લૉબલ વૉર્મિંગ વિશે અસરદાર શેર બહુ ઓછા જોવા મળે છે. પ્રસ્તુત ગઝલનો મત્લા સાવ સરળ ભાષામાં પણ લાંબી અસર છોડી જાય એ રીતે આ વિષયને સ્પર્શે છે. સરવાળે મનનીય રચના…

Comments (3)

(વસમી સાંજે) -પારુલ ખખ્ખર

પીડાઘરના તૂટ્યાં તાળાં વસમી સાંજે
ઊડયાં રે આંસુ પાંખાળાં વસમી સાંજે.

એક કિરણ આશાનું એણે ઠાર કર્યું ત્યાં,
મ્યાન થયાં જાતે અજવાળાં વસમી સાંજે.

કાગળમાં ફૂલો બીડયાં’તાં ઉગતા પહોરે,
પ્રત્યુત્તર આવ્યા કાંટાળા વસમી સાંજે.

હાથ કદી ના છૂટે એનો, નેમ હતી પણ
હાથ ન જોડાયા ભમરાળા વસમી સાંજે.

શું કહેવું એ શખ્સ વિશે જેણે ગણ્યા’તા,
બે ડૂસકાં વચ્ચેના ગાળા વસમી સાંજે.

-પારુલ ખખ્ખર

સાંજ… આથમતી સાંજ આમેય ઉદાસીના ઓળા લઈને અવતરતી હોય છે. સૂરજ ઢળવાની વેળાએ આકાશ ભલે મનોરમ્ય રંગોથી સાજ કેમ ન સજતું હોય, આપણા મનને એ કોક અકથ્ય ઉદાસીથી પણ ભરી દે છે. એક નશા પર બીજો નશો હોય એમ અહીં એકબાજુ તો સાંજ છે ને બીજી બાજુએ એ વળી વસમી છે… વસમી સાંજના એવા રંગો અહીં કવયિત્રી લઈને આવ્યા છે, જે ભાવકના દિલોદિમાગ પર ક્યાંય સુધી કબ્જો જમાવીને રાખશે…

Comments (3)

શ્વાસમાં – રમેશ પારેખ

આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં

પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં

તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે
માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં

એનું કારણ શું કે મન ઝંખે સતત વરસાદને
એનું કારણ શું કે મન છોલાય છે વરસાદમાં

મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી
હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં

ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં

– રમેશ પારેખ

Comments

ઝળહળ કરે – ધૂની માંડલિયા

આંસુ અવાજો ન કરે, ઘોંઘાટ કેવળ જળ કરે,
ઘર તો સદા ધ્યાનસ્થ છે, ઉત્પાત સૌ સાંકળ કરે.

વરસાદ ફૂલોને, સદા નવડાવતો આનંદથી,
શણગારવાનું કામ એને પ્રેમથી ઝાકળ કરે.

કેવા સિતમ યુગથી થયા ઈતિહાસમાં ક્યાં નોંધ છે?
ધૃતરાષ્ટ્ર જેવો છે સમય, ફરિયાદ કોને પળ કરે?

આકાશને જામીન પર છોડાવવાનું થાય તો,
જામીન અરજી પર સહી સૌ પ્રથમ વાદળ કરે.

છે આપણા તો હાથમાં કેવળ સળી ને સાળ આ,
કાપડ વણીને આપવાનું કામ તો શામળ કરે.

હર પાંખ પાસેથી મળે આકાશની સઘળી વિગત,
ક્યાં નરક છે? છે સ્વર્ગ ક્યાં? માનવ હજી અટકળ કરે.

થોથાં બધાં પધરાવ તું, આ શબ્દ તો અંધાર છે,
એવું અલૌકિક પામ ‘ધૂની’ જે તને ઝળહળ કરે.

– ધૂની માંડલિયા [ સૌજન્ય – ડો. નેહલ inmymindinmyheart.com ]

Comments (2)

મૃત મિચિકો – જેક ગિલ્બર્ટ (અનુ. વિવેક મનહર ટેલર)

એ સાચવી લે છે જેમ કોઈ ઊંચકે છે એક ખોખાને
જે વધુ પડતું ભારી હોય, પહેલાં એના હાથ
નીચે રાખીને. જ્યારે એમની તાકાત જવાબ દઈ દે છે,
એ હાથ આગળ તરફ લાવે છે, ખૂણાઓ પર
અંકોડા ભરાવીને, વજનને છાતીસરસું
ખેંચીને. એ એના અંગૂઠાઓને જરા હલાવે છે
જ્યારે આંગળીઓ થાકવા માંડે છે, જેથી કરીને
બીજા સ્નાયુઓ કામે લાગે. પછી,
એ એને ખભા પર ઊઠાવે છે, જ્યાં સુધી લોહી
ઊતરી ન જાય હાથમાંથી જે ઉપર ખેંચી તણાયેલો છે
ખોખાને સ્થિર રાખવા માટે અને હાથ જૂઠ્ઠો પડી જાય છે. પણ હવે
માણસ ફરીથી એને નીચેથી પકડી શકે છે, જેથી કરીને
એ આગળ વધી શકે ખોખાને કદીપણ નીચે મૂક્યા વિના.

– જેક ગિલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

‘દુનિયામાં સૌથી વધુ વજનદાર ચીજ કઈ?’ -મહાભારતમાં યક્ષે યુધિષ્ઠિરને આ પ્રશ્ન પૂછ્યો નહોતો એ અલગ વાત છે પણ જો પૂછ્યો હોત તો યુધિષ્ઠિરે એમ જ કહ્યું હોત કે અચાનક મરણ પામેલા સ્વજન-મિત્રના શોકનો બોજ. તમારા શ્વાસની ગતિ સાથે તાલમેલ મેળવીને, તમારા હાસ્ય-રુદન-ક્રોધ-નિરાશા એમ જીવનની તમામ પળો કોઈ તમારી સોબતમાં વિતાવતું હોય અને સામા પક્ષે તમે પણ જેના ખભે જિંદગી ટેકવીને બેસવા ટેવાઈ ગયા હો એવું કોઈ અચાનક અથવા ટૂંકી નોટિસ આપીને અધવચ્ચેથી હાથ અને સાથ છોડીને ચાલ્યું જાય ત્યારે જે કાળો શૂન્યાવકાશ છવાઈ જાય છે એનો બોજ વેંઢારવો સહલ નથી.

જાપાનીઝ પત્ની મિચિકોના મૃત્યુ બાદ શોકનો બોજ અનુભવતા પતિનું આ કાવ્ય છે. આ અનુભૂતિને ગિલ્બર્ટ ખૂબ જ વજનદાર ખોખા સાથે સરખાવે છે, એક એવું ખોખું જે માંડ-માંડ ઊપાડી શકાય, ફરજિયાત ઊપાડવું જ પડે અને અધવચ્ચે નીચે મૂકી દેવું પણ શક્ય નથી. આવા કોઈ અત્યંત ભારી ખોખાને આપણે કેવી રીતે ઊપાડતાં હોઈએ છીએ એ નજર સામે રાખીએ એટલી જ વાત આ કવિતા કરે છે. જે કવિતા ‘સાચવી લેવા’થી શરૂ થઈ હતી એ ‘કદીપણ નીચે મૂક્યા વિના’ પર જઈને પૂરી થાય છે એ સૂચક છે. મરનારને કદીપણ ન ભૂલવાની વાત આનાથી વધુ સરળ અને વધુ વેધક રીતે કહેવી કદાચ શક્ય નથી. જિંદગીના ખભા પર મરણના હોવાથી મોટો બીજો કોઈ બોજ જ નથી. ગેરહાજરીની હાજરી જ આપણને તોડી નાંખતી હોય છે અને તૂટવા છતાંય તૂટી ન શકવાની વિવશતા આપણી જિંદગીની સૌથી મોટી અગ્નિપરીક્ષા છે.

Michiko Dead

He manages like somebody carrying a box
that is too heavy, first with his arms
underneath. When their strength gives out,
he moves the hands forward, hooking them
on the corners, pulling the weight against
his chest. He moves his thumbs slightly
when the fingers begin to tire, and it makes
different muscles take over. Afterward,
he carries it on his shoulder, until the blood
drains out of the arm that is stretched up
to steady the box and the arm goes numb. But now
the man can hold underneath again, so that
he can go on without ever putting the box down.

– Jack Gilbert

Comments

શબ્દ – એલા વ્હીલર વિલ્કોક્સ (અનુ. વિવેક મનહર ટેલર)

ઓહ! શબ્દ તો હીરો છે, કે પથ્થર છે કે ગીત,
કે જ્વાળા, યા બેધારી તલવાર છે એ ખચીત;
ગુલાબ છે ખીલેલું, કે છે અત્તર મધુર-મદીલું,
અથવા તો આ શબ્દ છે બસ, પિત્તનું એક ટીપું.

ચયન ભલે ને કરો શબ્દનું મર્મજ્ઞની પેઠે,
ને છો ઘસી-ઘસીને ચમકાવો કળાથી એને,
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
એ શબ્દ તો એ જ છે જે દિલથી સીધો વહે છે.

ભલે મચી રહો તમે એના પર અઠવાડિયા હજારો
પણ શબ્દ તમારો નહીં પામે એ શબ્દ સમો ઝગારો
જે વણશોધ્યો, ઊછળી આવે છે શુભ્ર થઈ તાવીને,
ઊડી રહ્યા હો ફુવારા સૌ ઊર્મિના જે ઘડીએ.

ભલે વિચારોની એરણ પર હથોડી લઈને ટીપો,
અને શબ્દને ખૂબ કાળજી લઈ લઈને ચીપો,
પણ વલોવાયા ના હો જો છેક તળ લગ આપ,
તો શબ્દને છે ઠાલી હવામાં મરી જવાનો શાપ.

કારણ કે જે શબ્દ છે નકરી દિમાગની જ બનાવટ,
એ ખટખટાવી શકે છે માત્ર દિમાગના કમાડ જ;
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
ઓહ! એ જ શબ્દ છે જેની લોક પરવાહ કરે છે.

– એલા વ્હીલર વિલ્કોક્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

शब्द ब्रह्म् કહીને શબ્દાદ્વૈતવાદે શબ્દને નખશિખ પરિપૂર્ણ સર્જનહારની સમકક્ષ મૂકી દીધો. શબ્દ એ મનની પીંછી છે. મન જે કંઈ અનુભવે છે એને શબ્દ મૌખિક યા લેખિત સ્વરૂપે તાદૃશ કરવાની કોશિશ કરે છે. મનના ભાવોને શબ્દની પીંછી વ્યવહારના કાગળ પર નાનાવિધ આકારો અને અસીમિત રંગોમાં ઢાળે છે. શબ્દ બે મનુષ્યો વચ્ચે પ્રત્યાયનનું સૌથી વધુ શક્તિશાળી સાધન છે. શબ્દથી જ એક માનવ અભિવ્યક્ત થઈ શકે છે અને શબ્દથી જ બીજો માનવ એને સમજી શકે છે. ટૂંક્માં, શબ્દ મનુષ્યજાતિને એકમેક સાથે સાંકળી રાખતો એકમેવ સેતુ છે. શબ્દની શોધ ન થઈ હોત તો સભ્યતા અને સમાજની રચના જ શક્ય નહોતી.

વિચારોની એરણ પર સમયને હથોડી લઈ લઈને ટીપ્યા કરવાથી કે ખૂબ જ કાળજીપૂર્વક એને ચીપી ચીપીને ગોઠવવાથી કવિતા નહીં બને. જો કવિનો આત્મા ઠેઠ અંદર સુધી વલોવાયો નહીં હોય તો લાખ કોશિશ કરીને લખાયેલી કવિતા પણ માથે બાળમરણનો શાપ લખાવીને જ જન્મશે. જે શબ્દ દિલના ઊંડાણમાંથી નહીં પણ દિમાગની સપાટી પરથી જ જન્મ્યો છે એ શબ્દ વધુમાં વધુ ભાવકના દિમાગ સુધી જ જઈ શકશે, દિલને કદી સ્પર્શી નહીં શકે.

THE WORD

Oh, a word is a gem, or a stone, or a song,
Or a flame, or a two-edged sword;
Or a rose in bloom, or a sweet perfume,
Or a drop of gall, is a word.

You may choose your word like a connoisseur,
And polish it up with art,
But the word that sways, and stirs, and stays,
Is the word that comes from the heart.

You may work on your word a thousand weeks,
But it will not glow like one
That all unsought, leaps forth white hot,
When the fountains of feeling run.

You may hammer away on the anvil of thought,
And fashion your word with care,
But unless you are stirred to the depths, that word
Shall die on the empty air.

For the word that comes from the brain alone,
Alone to the brain will speed;
But the word that sways, and stirs, and stays,
Oh! that is the word men heed.

– Ella Wheeler Wilcox

Comments (1)