કોઈ વિરલ મિલનની મારી ઝંખના હતી,
શબ્દોની શોધખોળમાં વર્ષો વહી ગયાં.
કિશોર મોદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2009

નિદાન – ફિલિપ ક્લાર્ક

ગઇ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે
તપાસીને કહ્યું:
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.

– ફિલિપ ક્લાર્ક

લોકશાહીની ખરી તકલીફનું સચોટ નિદાન કરતી કવિતા.

Comments (18)

(કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

દર વખતે કવિતા સાથે અમે ટૂંકનોંધ આપીએ એના બદલે આ વખતે થોડો અલગ ચીલો ચાતરીએ. આ કવિતાનો આસ્વાદ આ વખતે દરેક વાચક મિત્ર પોતપોતાની રીતે કરાવે તો કેવું ?

કવિતામાં દૃશ્ય શબ્દ કરતાંય ક્યારેક અદૃશ્ય શબ્દનો મહિમા વધુ હોય છે અને એટલે જ એક જ કવિતા અલગ અલગ ભાવકને અલગ અલગ અનુભૂતિ કરાવી શકે કે એક જ ભાવકને અલગ અલગ સમયે પણ અલગ અલગ અનુભૂતિ કરાવી શકે એમ બને. અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલની આ કવિતા મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે…

તમે સહુ આ કવિતાને કેવી રીતે અનુભવો છે એ આજે તમારી જ કલમે સાંભળીએ…  પ્રતિભાવ આપવા તૈયાર છો ને?

Comments (39)

અંતિમ યાત્રા – યિમિનેઝ (અનુ. સુરેશ દલાલ)

લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
ને તોય હશે અહીં પંખી: રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો !

લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ : ઘંટનો હશે રણકતો નાદ :
નાદ એ નહીં જાય રે ઝાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

મને ચ્હાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

અને એકલો જાઉં : વટાવી ઘરના ઉંબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
– તોય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

– યિમિનેઝ
અનુ. સુરેશ દલાલ

સ્પૅનિશ કવિ યિમિનેઝની આ આખરી વિદાયનું ગીત મૃત્યુને હળવી હલકથી આલેખે છે. મૃત્યુ વિષયક કાવ્યમાં મૃત્યુનું મૃત્યુ થવાની સંભાવના સામાન્ય રીતે વધુ રહેલી હોય છે પણ કવિ એમાંથી બચી જઈને એક સુંદર સમતુલિત ભાવગીત આપે છે. આપણે હોઈએ છીએ ત્યારે આપણને સહુને સતત સૃષ્ટિની ધરી આપણે જ છીએ એવું જ ગુમાન રહેતું હોય છે, આપણા આવ્યા પહેલાં આ દુનિયા જેમ ચાલતી હતી, પછી પણ એમ જ ચાલવાની છે એ જાણતલ વાતથી જાણે બેખબર ન હોઈએ એમ !

આપણા ગયા પછી પણ પંખીઓ રહેશે, એમનાં મધુરતમ સૂરો અને આ મહાલયો. લીલાંછમ્મ વૃક્ષો, ભૂરું શાંત આકાશ, વાવ, સાંજનો સુહાગી ચાંલ્લા જેવો રાતો રંગ, ઘંટનો રણકાર- બધું જ યથાવત્ રહેવાનું છે. આપણા સગા પણ ક્યારેક તો મૃત્યુ પામશે જ અને નવા લોકો જનમતાં જ રહેશે… દર વરસે ગામ નવું બની જશે પણ મારા જીવનના બાગનો ખૂણો થોડો ગમગીન રહેશે, બસ ! અને એકલા જવાનું થશે ત્યારે કોઈ વાવ, લીલાં ઝાડ કે શાંત આકાશ સાથે હોવાના નથી. ઘરનો ઉંબરો પણ પઃઆડ જેવો ભાસશે પણ જવું તો પડશે અને આપણે જઈએ એનાથી કંઈ ફાગણ ફૂલવાફાલવાનું બંધ નહીં જ કરી દે… સૃષ્ટિનું ચક્ર એ જ લયમાં અવિરત ચાલતું રહેશે…

મૃત્યુની વાસ્તવિક્તાને યથાર્થ આલેખતું આ ગીત વારંવાર આસ્વાદવું ગમે એમ છે…

Comments (16)

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.

કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

બની શકે તો એ વસમા દહાડા પાછા દે,
ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ.

નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ,
નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ.

…કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સુખ વિશેની વાત હળવાશથી કરતી એક સંજીદા ગઝલ…

Comments (15)

અનુભવ થતો નથી – ભગવતીકુમાર શર્મા

Bhagvatikumar

(ભગવતીકુમાર શર્મા એમની એક લાક્ષણિક અદામાં..  …સુરત, ૨૦૦૬)

*

મોસમની આવ-જાનો અનુભવ થતો નથી;
ઉપવનમાં ભરવસંતેય કલરવ થતો નથી.

ક્ષણની ગતિવિધિઓમાં વિપ્લવ થતો નથી;
કેમે કરીને પૂરો હજી ભવ થતો નથી.

ભીતર તો ક્રૌંચવધ હવે હરપળ થતો રહે;
એકાદ શ્લોકનોયે કાં ઉદભવ થતો નથી ?

દુનિયા તો એની એ જ છે ઝળહળ ને ધૂમધામ;
જો તું નથી તો મનનો મહોત્સવ થતો નથી.

પ્યાલાઓ ગટગટાવું છું આકંઠ તે છતાં
ઓછો જરાયે યાદનો આસવ થતો નથી.

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માને થોડા દિવસ પહેલાં જ ‘આદિ કવિ નરસિંહ મહેતા પુરસ્કાર’ એનાયત કરાયાની જાહેરાત થઈ. સુરતમાંથી આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ જયંત પાઠક પછી બીજા કવિ છે. સાક્ષરને અભિનંદન આપવા માટે ‘લયસ્તરો’નો મંચ ઘણો વામણો છે પણ આ પ્રસંગે અમે હૃદયપૂર્વક અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ…  અને માણીએ એમની વધુ એક સાદ્યંત સુંદર ગઝલ…

Comments (14)

ચાલ, લઈ લઈએ થોડા અબોલા – તુષાર શુક્લ

ચાલ, લઈ લઈએ થોડા અબોલા
બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ
આપણને લાગવાના પોલા –

આપણને શબ્દોનો મહિમા સમજાય
એથી મૌનને જ બોલવા દઈએ
હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ
કહેવું હોય એ ય તે ન કહીએ
અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ
મોતી શા શબ્દો અમોલા –

બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –
તો બોલી બગાડવાનું શાને ?
મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું
દલડું સાંભળશે એક કાને 
ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં
જેવાં લપાઈ રહે હોલાં –

– તુષાર શુક્લ

સહજ જ ગમી જાય એવું મધુરું ગીત… જો કે આ ગીત માટે તો ઓછું જ બોલવું સારું !

Comments (19)

સમજાવવા દેતા નથી ! – કિરીટ પરમાર

લોકો તારો પ્રેમ મુજને પામવા દેતા નથી,
તારા કાગળ મારી પાસે રાખવા દેતા નથી !

ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,
જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી !

ચર્ચ, મંદિર, મસ્જિદોમાં જાય સહુ ખેંચી મને,
તુ ચરાચરમાં છે એવું માનવા દેતા નથી !

હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,
શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથી !

ખાત્રી છે કે થશે વટવૃક્ષ મોટું પ્રેમનું,
પણ, મને સહુ છોડ નાનો રોપવા દેતા નથી !

આ ગઝલ મારી છે એવું સહુ ઠસાવે છે મને,
પ્રેરણા તારી છે એ સમજાવવા દેતા નથી !

-કિરીટ પરમાર

કીરીટભાઈનો બ્લોગ છે ડાયરીના પાનેથી… જોકે આ બ્લૉગ શરૂ થયા પછી અપડેટ થયો નથી.. ગઝલનો ત્રીજો અને ચોથો શેર મને વિશેષ ગમી ગયા છે. ચોથા શેરમાં  હવા શબ્દને લઈને બે અલગ પાસા સરસ રીતે બતાવ્યા છે.

Comments (8)

કોઈ – રમણીક સોમેશ્વર

આંગણે ભીના ચરણ મૂકી ગયું
કોઈ ધબકારો અહીં ચૂકી ગયું
બારણાને પણ ફૂટી ગઈ કૂંપણો
કોઈ આવીને સહજ ઝૂકી ગયું

– રમણીક સોમેશ્વર

Comments (16)

ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો – રમેશ જાની

મારે ઘણીયે વાત કરવી’તી તમારી સાથ
પણ કૈં યે કહેવાઈ નહીં;
એકલો જ્યારે પડ્યો, તો જાત સ્હેવાઈ નહીં.
કેટલાયે રાહગીરોને મળી ભેટ્યો ભરીને બાથ
ને એમની સંગાથ હું ચાલ્યા કર્યો, બોલ્યા કર્યો…
પણ કથા કૈ કૈ કરી, ક્યારે કરી –
ખુદને જ સમજાઈ નહીં.
આંખનીયે કેવી આ લીલા કહો,
ચન્દ્ર, સૂરજ, તારકો જોયા કર્યા,
વૃક્ષ, વેલી, ફૂલડાં જોયા કર્યાં,
પણ મનભરી જોવું હતું જે, તે જ જોવાયું નહીં.
હૈયા તણી યે કેવી આ લીલા કહો,
કે મનભરી રોવું હતું જેની કને
રે ત્યાં જ રોવાયું નહીં,
જેહને કહેવું હતું તેને જ કહેવાયું નહીં,
જેની સદાયે પાસ રહેવું’તું – રહેવાયું નહીં.
ને બધાની સાથ હું ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો….
બોલ્યા કર્યો, બોલ્યા કર્યો…

– રમેશ જાની

જીવનમાં ઘણીવાર પ્રિયજન સાથેની મુલાકાતમાં આપણે એવો સંક્ષોભ અનુભવીએ છીએ કે જે કહેવાની લાખ ઇચ્છા હોય એ જ કહી ના શકીએ. મરીઝ જેવા એને ‘એ સહુથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હોય ને કંઈ યાદ ના આવે‘ કહીને પણ બહેલાવે. પણ જે વાત સમયસર કહેવાની ચૂકી જવાય એ જ પછી દિલને ડંખતી રહે છે. આવું થાય ત્યારે એકલતા અને એકાંત બને સહેવાતા નથી. જાત સાથે વાત કરવાની હિંમત થતી નથી. રસ્તામાં ઢગલાબંધ લોકો મળતા રહે છે, કોઈને આલિંગન તો કોઈ સાથે હસ્તધૂનન તો કોઈ સાથે ગામભરના ગપાટા મારીને આપણે કમળપત્ર પરના જળબિંદુની જેમ છૂટા પડીએ ત્યારે શું શું કથા કરી એ પણ યાદ રહેતું નથી. ચંદ્ર, સૂરજ, તારા, વૃક્ષ, વેલી, ફૂલ- બધું નજરે તો ચડતું રહે છે પણ જેના હોવાપણાંથી જ આ બધાની સભરતા હતી એના અભાવમાં આ બધું જ સૌંદર્ય એનો ખરો સંદર્ભ ગુમાવી બેઠું હોવાની પ્રતીતિ થાય છે.  જિંદગીની ખરી વિડંબણા જ આ છે કે જેની પાસે મનભરીને રોવું હોય, રહેવું હોય અને જેને બધું કહેવું હોય, એ થઈ શકતું નથી અને એ છતાંય જિંદગી છે…. જીવવું પડે છે !

પહેલી નજરે અછાંદસ ભાસતી આ રચના હકીકતે સાત માત્રા (ગાલગાગા અને ગાગાલગા)ના નિયમિત આવર્તન ધરાવતી છાંદસ કૃતિ છે, એને ઢાળબદ્ધરીતે ગાઈ પણ શકાશે. ઉર્દૂ-હિન્દીમાં આ પ્રકારના કાવ્યને આઝાદ નઝમ કહે છે. આપણે ‘મુક્ત પદ્ય’ કહીશું ?

Comments (9)

ગઝલ કહું છું – રાજેન્દ્ર શુક્લા

ગૂંથાઈ ગાણે ગઝલ કહું છું,
તરજ તરાણે ગઝલ કહું છું !

છલક છલાણે ગઝલ કહું છું,
ઝલક ઝલાણે ગઝલ કહું છું !

કદી છલોછલ છલી ઊઠું તો,
નદી નવાણે ગઝલ કહું છું !

ઘણી ય રાતો મૂંગો રહું છું,
કદીક વ્હાણે ગઝલ કહું છું !

બધું ય જાણી અને એ બેઠા,
હું તો અજાણે ગઝલ કહું છું !

ઉપર ઉપરથી ભલે ઉવેખે,
ભીતરથી માણે, ગઝલ કહું છું !

હું તો હું રહું છું, એ એનાં એ છે,
ભલે ને નાણે, ગઝલ કહું છું !

તમે કહ્યું કે કહો, તો કહું છું !
હું ક્યાં પરાણે ગઝલ કહું છું !

ગઝલ કહેવી નથી સરળ કૈં,
ચડી સરાણે ગઝલ કહું છું !

– રાજેન્દ્ર શુક્લા

આજ છંદ, આજ રદીફ અને આજ જમીનના કાફિયા ઉપર આજ કવિની એક ગઝલ પરમદિવસે આપણે માણી… આજે એજ ચારેય પાસાં સાથેની બીજી ગઝલ. કવિની આગવી શૈલીમાં બધા શેર અનાયાસ ઊઘડતા જાય છે…

Comments (9)

Page 1 of 4123...Last »