અંતિમ યાત્રા – યિમિનેઝ (અનુ. સુરેશ દલાલ)
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
ને તોય હશે અહીં પંખી: રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો !
લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ : ઘંટનો હશે રણકતો નાદ :
નાદ એ નહીં જાય રે ઝાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
મને ચ્હાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
અને એકલો જાઉં : વટાવી ઘરના ઉંબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
– તોય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
– યિમિનેઝ
અનુ. સુરેશ દલાલ
સ્પૅનિશ કવિ યિમિનેઝની આ આખરી વિદાયનું ગીત મૃત્યુને હળવી હલકથી આલેખે છે. મૃત્યુ વિષયક કાવ્યમાં મૃત્યુનું મૃત્યુ થવાની સંભાવના સામાન્ય રીતે વધુ રહેલી હોય છે પણ કવિ એમાંથી બચી જઈને એક સુંદર સમતુલિત ભાવગીત આપે છે. આપણે હોઈએ છીએ ત્યારે આપણને સહુને સતત સૃષ્ટિની ધરી આપણે જ છીએ એવું જ ગુમાન રહેતું હોય છે, આપણા આવ્યા પહેલાં આ દુનિયા જેમ ચાલતી હતી, પછી પણ એમ જ ચાલવાની છે એ જાણતલ વાતથી જાણે બેખબર ન હોઈએ એમ !
આપણા ગયા પછી પણ પંખીઓ રહેશે, એમનાં મધુરતમ સૂરો અને આ મહાલયો. લીલાંછમ્મ વૃક્ષો, ભૂરું શાંત આકાશ, વાવ, સાંજનો સુહાગી ચાંલ્લા જેવો રાતો રંગ, ઘંટનો રણકાર- બધું જ યથાવત્ રહેવાનું છે. આપણા સગા પણ ક્યારેક તો મૃત્યુ પામશે જ અને નવા લોકો જનમતાં જ રહેશે… દર વરસે ગામ નવું બની જશે પણ મારા જીવનના બાગનો ખૂણો થોડો ગમગીન રહેશે, બસ ! અને એકલા જવાનું થશે ત્યારે કોઈ વાવ, લીલાં ઝાડ કે શાંત આકાશ સાથે હોવાના નથી. ઘરનો ઉંબરો પણ પઃઆડ જેવો ભાસશે પણ જવું તો પડશે અને આપણે જઈએ એનાથી કંઈ ફાગણ ફૂલવાફાલવાનું બંધ નહીં જ કરી દે… સૃષ્ટિનું ચક્ર એ જ લયમાં અવિરત ચાલતું રહેશે…
મૃત્યુની વાસ્તવિક્તાને યથાર્થ આલેખતું આ ગીત વારંવાર આસ્વાદવું ગમે એમ છે…
mrunalini said,
August 29, 2009 @ 2:52 AM
– તોય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
વાહ્
મૃત્યુ વિષય પર અસંખ્ય મક્તા લખાયા. પરંતુ મૃત્યુ જેવા શુષ્ક અને અશુભ વિષયને નવા વિચારો અને કલ્પનાઓ દ્વારા આસ્વાધ્ય અને વેધક બનાવી દેવાય છે
છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.
મરણ કહેવાય છે બેફામ એ વૈરાગ સાચો છે,
જગત સામે નથી જોતા જગત ત્યાગી જનારાઓ.
pragnaju said,
August 29, 2009 @ 3:00 AM
પોતનુ મ્રુત્યુ કેવી રીતે, કયાં અને કેવા સંજોગોમા થશે તેની ચિંતા કેટ્લાક્ને બિનસલામાતીની લાગણી આપે છે. આમાથી કેટ્લાકને પોતાના મ્રુત્યુ પછી પોતાની શી દશા થશે – માત્ર શરીરનીજ નહિ, પણ પોતાના આત્માની એની ચિંતા થાય છે.
સમરસેટ મોમ કહે છે કે, ‘માણસના ઘણા બધા ડર અને બિનસલામાતીની લાગણીઓની કલ્પના હુ કરી શકુ છુ, પણ મ્રુત્યુ પછીની ગતિની ચિંતા કરનારાઓના ડરની લાગણી હુ સમજી શકતો નથી. તમે જ્યારે નહી હો ત્યારે કઇજ નહિ હોય. મ્રુત્યુ પછીની આવી ચિંતાને વર્તમાન ડર રુપમા ચીતરવાનો શો અર્થ? ‘
ત્યારે યિમિનેઝ કહે છે
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
jeetuThaker said,
August 29, 2009 @ 4:07 AM
Congratulation to Bhagvati Bhai and Harish Minasru for awards.
વિહંગ વ્યાસ said,
August 29, 2009 @ 6:05 AM
વાહ ! સુરેશ દલાલના સુંદર અનુ-સર્જનનો એટલો જ સુંદર આસ્વાદ. રાવજી પટેલનું આભાસી મૃત્યુનું ગીત યાદ આવ્યું. આભાર, વિવેકભાઈ.
-વિહંગ
વિવેક said,
August 29, 2009 @ 6:15 AM
વિહંગભાઈ,
રાવજી પટેલનું ‘આભાસી મૃત્યુનું ગીત’ આવતીકાલે અહીં જરા અલગ રીતે પૉસ્ટ થવાનું જ છે… એની પૂર્વતૈયારીરૂપે વાતાવરણ બાંધવા માટે જ આજે આ કાવ્ય મૂક્યું છે…
mahesh dalal said,
August 29, 2009 @ 8:48 AM
હૈયુ હચ્મચિ ગયુ.. અનુવાદ ખુબ અસર્કારક્. .. કેટ્લુ વાસ્તવિક .. ..
ડો. ખુબ કહિ.. આભાર્.
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
August 29, 2009 @ 9:54 AM
કવિતાનો સુવર્ણયુગ શરુ થયો લાગે છે.
Kirtikant Purohit said,
August 29, 2009 @ 10:48 AM
આ રીતે વિશ્વકવિતાથી અવગત થવાય છે.કેટ્લું સરસ.
sapana said,
August 29, 2009 @ 11:42 AM
દિલ દુખી જાય એવું ગીત.મને રફીનુ ગીત યાદ આવ્યું.
યે જિંદગીકે મેલે દુનિયામે યુહી રહેગે,અફસોસ હમ ન હોંગે.
સપના
sudhir patel said,
August 29, 2009 @ 2:29 PM
અંતિમ યાત્રા – એક સુંદર અનુવાદ અને સરસ આસ્વાદ!
સુધીર પટેલ.
ધવલ said,
August 29, 2009 @ 9:40 PM
બહુ સરસ !
P Shah said,
August 30, 2009 @ 12:34 AM
nice one !
Pinki said,
August 30, 2009 @ 12:26 PM
અદ્.ભૂત અનુવાદ…. !!
સ્પૅનિશ કવિ યિમિનેઝ નોબૅલ પુરસ્કાર વિજેતા અને એમણે નોબૅલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો અનુવાદ સ્પેનિશમાં કરેલો.
can read more about him…. Juan Ramón ” Jiménez ” ( યિમિનેઝ )
http://en.wikipedia.org/wiki/Juan_Ram%C3%B3n_Jim%C3%A9nez
Rakesh Thakkar, Vapi said,
August 31, 2009 @ 12:28 AM
મૃત્યુ વખતે ખાલી હાથે જ જવાનું છે, બધું અહિં જ છોડી જવાનું છે, ત્યારે કવિએ શું સારું રાખવું જોઇએ તેની સરસ વાત કરી છે.
ને તોય હશે અહીં પંખી: રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો !
મરણના ઘણા શેર યાદ આવી જાય છે.
મૃત્યુની વાત તો પછીની છે,
આ જીવન જીવવું અખતરો છે. સુધીર પટેલ
રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર, ને મારી હાજરી ન્હોતી. ( બેફામ )
શક્ય છે, ઓછી પડે આ જિંદગી,
ત્યાં, મરણ ઈતિહાસ બદલાવી શકે ! –ડૉ. મહેશ રાવલ
જન્મ-મૃત્યુ છે મત્લાને મક્તો ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
શૂન્ય,મારી જીંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ આ ગુજરાતની. (શૂન્ય પાલનપુરી )
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસથી તો હજે કળ વળી નથી. ( જલન માતરી )
મૃત્યુની પણ હું કરી નાખું ગઝલ;
ક્ષણ સતત… કાગળ-કલમ તૈયાર છે. – ‘અગમ’ પાલનપુરી
મૃત્યુને ‘રાઝ’ અંત જીવનનો નહીં ગણું,
બદલે છે જીવ એ તો કલેવર નવા નવા.
– ‘રાઝ’ નવસારવી
એક સુભાષિત છે….
બચપણમાં માતાનું મૃત્યુ, યૌવન વેળા પતિ કે પત્નીનું મૃત્યુ, તથા વૃદ્ધાવસ્થા વખતે પુત્ર કે ધનદોલતની કાયમી વિદાય આટલી વસ્તુ પૂર્વજન્મમાં કરેલાં મહાપાપનું ફળ છે.
રાકેશ ઠક્કર, વાપી
manharmody ('મન' પાલનપુરી) said,
August 31, 2009 @ 1:36 PM
સ્પૅનિશ કવિ યિમિનેઝની ચોટદાર રચનાનો એટલો જ ચોટદાર અનુવાદ અને વળી સોને પર સુહાગા જેવું રસદર્શન . વાહ !
અમારા પાલનપુરના અમર શાયર સદગત શ્રી ઓજસ પાલનપુરી સાહેબનો એક ખૂબ જ જાણીતો શેર યાદ આવે છે.
મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાં થી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
Harshad Dave said,
October 5, 2009 @ 6:30 AM
એ જરા મલકાય એવી વાત કર, પ્રેમથી છલ્કાય એવી વાત કર,
આ નજર ઍકીટશૅ ઘેરી વળી, એ હવે પલકાય એવી વાત કર.
સાવ ઠાલાં સૌ પ્રભાવિત થાય છે, આંખ બે અંજાય એવી વાત કર.
અવનવા આકાર પથ્થરને મળે, આરઝૂ ટંકાય એવી વાત કર.
ક્યાં સુધી આનંદ ચર્ચાસ્પદ બને? વેદના અંકાય એવી વાત કર. હર્ષદ દવે.
રવીન્દ્રનાથ ટાગૉરની એક રચના યાદ આવી ગઈ… મરણ જે દિન દિનેર શેષે આસબે તૉમાર દુવારે, તુમિ કિ ધન દિબે ઊહારે?..બહુ જ સરસ રચના છે.
હર્ષદ દવે.