આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.
મનહરલાલ ચોક્સી

ચાલને ગોરી ! – અલ્પેશ કળસરિયા

ચાલને ગોરી ! ઊડને હવે, ઊડવા તને પાંખ ફૂટી છે ! આભને, ગોરી ! આંબને હવે, આંબવા તને પાંખ ફૂટી છે !
કોઈ કરે છે સાદ રે તને સ્થાનથી પરે, કાળથી પરે; કાળને, ગોરી ! વીંધને હવે, વીંધવા તને પાંખ ફૂટી છે !

આભની ભૂમિ આભમાં ઘૂમી આભમાં ઝૂમી આભને ચૂમી આભને, ગોરી ! એટલું કે’જે ચાંદ છું હું ને હું જ ચકોરી !
થાય ઝળાહળ આભનું આંચળ, આભનાં વાદળ એમ પળેપળ પછી આભને વીંધશે તારી વીજળી જેવી પાંખની દોરી;
આભના ઘોડા હણહણે છે, નામ તારું લઈ રણઝણે છે, આભને, ગોરી ! નાથને હવે, નાથવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…

કાળને માપી, કાળમાં વ્યાપી, કાળને કાપી, કાળમાં સ્થાપી; કાળને, ગોરી ! એટલું કે’જે હું જ રથ છું ને હું જ છું રથી !
કાળને ચહે, કાળમાં  રહે, કાળમાં વહે, કાળને ગહે; કાળને છતાં લાગતું કે તું કાળમાં છે પણ કાળમાં નથી !
જોબન તારું કાળને નાથે, કાળને તારી પાંખો સાથે બાંધને હવે, બાંધને, ગોરી ! બાંધવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…

– અલ્પેશ કળસરિયા

ગણગણ્યા વિના વાંચી ન શકાય અને ગણગણવા બેસો તો પ્રેમમાં પડી જવાય એવું લાંબીલચ્ચ બહેરનું મજાનું ગીત. આખા ગીતને કવિએ લયની દોરીથી એવી રીતે બાંધી દીધું છે કે વાંચતી વખતે સતત  ભીતર કોઈ તાર રણઝણતો હોવાની અનુભૂતિ થતી રહે છે. પહેલા અંતરામાં આભ અને બીજા અંતરામાં કાળ શબ્દના એકધારા લયાન્વિત પુનરોચ્ચારના કારણે ગીતમાં જાણે કે રેવાલ ચાલ સમી અકળ રવાની ભળે છે.

તાજી જ પાંખ ફૂટેલી ગોરીની વાત છે અને ઊડવાનું ખુલ્લું આહ્વાન છે. ગીતના મુખડામાં કવિ આભ અને કાળને વારાફરતી સાંકળી લઈને ઊડવાનો સંદર્ભ ખુલ્લો કરે છે. ઉડ્ડયન ક્યાં હોય ? ક્યાં તો આભમાં ક્યાં તો કાળમાં.. ખરું ને ? આજ બે સંદર્ભો – આભ અને કાળ- લઈને પછીના બે અંતરામાં કવિ ગીતનો ચૈતસિક વિસ્તાર સાધે છે અને આપણને આભને નાથી અસીમ અવકાશ સુધી અને કાળને નાથી કાલાતીત થવા સુધીની આહલાદક અનુભૂતિનો સંસ્પર્શ થાય છે…

16 Comments »

  1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    August 2, 2009 @ 5:40 AM

    વાંચીને વિચારતો થઈ ગયો છું કે આ તે કાવ્ય છે કે સુકાવ્ય છે?
    સોળ વરસની છોરી આભને કાળને આંબી જાય તો મહાકાવ્ય છે.

  2. mrunalini said,

    August 2, 2009 @ 6:26 AM

    સુંદર
    યાદ આપે

    હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું; હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..

    કેડે કંદોરો કોટમાં દોરો, તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારું મન મોહી ગયું. હે તને…..

    બેડલું માથે ને મહેંદી ભરી હાથે, તારી ગાગરની છલકાતી છાંટે, મારું મન મોહી ગયું. હે તને…..

    રાસે રમતી, આંખને ગમતી પૂનમની રઢિયાળી રાતે, મારું મન મોહી ગયું. હે તને…..

    હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું; હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..

  3. Kirtikant Purohit said,

    August 2, 2009 @ 7:06 AM

    લય અને શબ્દોને સરસ રમાડ્યા છે. રુમઝુમતું ગીત

  4. Pancham Shukla said,

    August 2, 2009 @ 8:48 AM

    લાંબી બહેરનો ઉછાળા ખતો લય શબ્દની ડમણીને દડબડાવતો દૂર દૂર તાણી જતો અનુભવાય છે. સરસ ગીત.

  5. Ritesh Mehta said,

    August 2, 2009 @ 9:02 AM

    વાહ, ….. “ચાલને ગોરી !”

  6. Chandresh Thakore said,

    August 2, 2009 @ 11:18 AM

    પહેલી પંક્તિના માંડ પાંચ-છ શબ્દો વાંચો અને તરબતોળ લયમય કરી દે એવું આ ગીત ખૂબ ગમ્યું. પાંખ માત્ર ઊડાવતી નથીઃ ઊડે, આંબે, વીંધે, નાથે, અને બાંધે — પાંખની એવી વિધવિધ તાકાતનો પરચો કવિએ બહુ આકસ્મિકતાથી કરાવ્યો છે. ખૂબ સરસ!

  7. Gaurav Pandya said,

    August 2, 2009 @ 3:16 PM

    Game of the words and words of the game…
    very touchy & toooooo good…

  8. pragnaju said,

    August 2, 2009 @ 6:57 PM

    લાંબી બહેરનુ લયબધ્ધ ગીત
    ગોરા રતૂમડા ગાલવાળી. હરણ જેવી ચંચલ ચંચલ આંખોવાળી, કાળા ભમ્મર વાળવાળી. તાજી જ બેઠેલી યુવાનીને કારણે ગાંડીતૂર ન’ીની જેમ ઉછાળા મારતી …
    યાદ આવી
    એકાદુ પંખી જો ડાળ ઉપર બેસે,
    તો થાય, મળ્યું આખું આકાશ
    એકાદું ગીત કોઈ મોસમનું ગાય
    તો ય રોમ રોમ ઊણી પલાશ
    એકાદી લહેરખી જ્યાં પવનની સ્પર્શે
    ત્યાં રણઝણતી ઝાલરી વાગી
    આપણે તો એટલામાં રાજી

  9. ઊર્મિ said,

    August 3, 2009 @ 12:55 AM

    અરે વાહ… ખૂબ જ મજાનું ગીત.. અને સાચ્ચે જ હોં, ગીત તો બિલકુલ વંચાયુ જ નઈં… બસ, ગણગણાઈ જ ગયું… ને ગણગણાયા જ કર્યું… એય એકદમ લયમાં.

    અલ્પેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન…આવું સુંદરતમ ગીત આપવા માટે.

  10. preetam lakhlani said,

    August 3, 2009 @ 9:52 AM

    નવી તાજગી,નુ મન ને તરબોળ કરી દે તેવુ લયથી ભર્ પુર વહેતા ઝરણા સમુ ગીત્……….

  11. डॉ. निशीथ ध्रुव said,

    August 3, 2009 @ 9:59 AM

    एक ज शब्द सूझे छे : अद्भुत. पठन करतां ज पुलकित थई जवाय – अने मनन करतां मुग्ध थई जवाय. कोई पण भारेखम शब्दो वापर्या वगर पण भारेखम अर्थ आपी दीधो छे. हुं ज चांद छुं अने हुं ज चकोरी – हुंज रथ छुं ने हुं ज रथी. अहीं अद्वैतनी ज वात छे. भक्त अने भगवाननुं एकीकरण करवानुं आह्वान छे जाणे. प्रेमलक्षणा भक्तिने मस्त रीते व्यक्त करी छे.
    जो प्रीत लगाना ना सीखा वह प्रीत निभाना क्या जाने?
    जो प्रेम-गली में आए नहीं वो पी का ठिकाना क्या जाने?
    गोरीने पांख फूटी छे, प्रेम-लक्षणा भक्तिनो प्रवास आदर्यो छे – स्थळ अने काळनी सीमाओने पेले पार अनन्तमां ए प्रवास खेडवानुं आह्वान छे – अने अन्तिम लक्ष्यनुं पण दर्शन छे. आभने कोण नाथी शके? अने काळने कोण बांधी शके? केवळ अने केवळ भक्त.
    ‘पुनरोच्चार’ ? पुनः + उच्चार = पुनर् + उच्चार = पुनरुच्चार

  12. preetam lakhlani said,

    August 3, 2009 @ 12:56 PM

    પ્રિય વિવેક ભાઈ,
    આ ગીત અને વિહ્ગ વ્યાસ ની ગઝલ અહી વેબ સાઈટ પર તમે પ્રગટ્ કરી તે બદલ તમારો આભાર, બાકી આજ કાલ બે ચાર સામયિકના સપાદકો જો તમે તેના ચમચા ન હોતો, તમે ગમે તેવી ઉત્તમ કવિતા મોકલો તો પણ પ્રગટ ન કરે, આજે બે સારા યુવાન કવીની કવિતા તમારી, sorry, આપણી વેબ સાઈટ પર વાંચી આંનદ થયો! આશા રાખુ છુ આવતી કાલે પણ આજની જેમ નવિ કલમ ની બીજી કવિતા પ્રગટ કરશો…

  13. MEET said,

    August 4, 2009 @ 1:05 AM

    મનગમતા વિષય પરની અદભુત રચના…!

  14. ધવલ said,

    August 4, 2009 @ 9:13 PM

    બહુ મઝાનું અને સાથે જ ઊંડું ગીત…

  15. kedar said,

    August 8, 2009 @ 12:09 PM

    વાહ…. ખૂબ મજાનુ ગીત… આ ગીત તો ગાતા ગાતા જ વંચાય….
    બહુ મજા આવી….

  16. ચંપક ઘાસકટા said,

    September 2, 2009 @ 5:46 AM

    વાહ ભાઇ શુ મસ્ત લખો છો……………………..મસ્ત્……………..
    ચાલને ગોરી ! ઊડને હવે, ઊડવા તને પાંખ ફૂટી છે ! આભને, ગોરી ! આંબને હવે, આંબવા તને પાંખ ફૂટી છે !
    કોઈ કરે છે સાદ રે તને સ્થાનથી પરે, કાળથી પરે; કાળને, ગોરી ! વીંધને હવે, વીંધવા તને પાંખ ફૂટી છે!
    …………………………………………….
    હિ….હા …હા……….વોવ્……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment