હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

સાંકળી-ગઝલ – પ્રતિમા પંડ્યા

મૌન સાથે ગોઠડી જો માંડીએ,
અર્થ શબ્દોના બધા સમજાય છે.

અર્થ શબ્દોના બધા સમજાય છે,
ભાર વાતોનો ઊતરતો જાય છે.

ભાર વાતોનો ઊતરતો જાય છે,
સ્મિત ચહેરે એટલે અંકાય છે.

સ્મિત ચહેરે એટલે અંકાય છે,
ફૂલમાં ખુશબૂ નવી વર્તાય છે.

ફૂલમાં ખુશબૂ નવી વર્તાય છે,
મૌન સાથે ગોઠડી મંડાય છે.

– પ્રતિમા પંડ્યા

કેટલી સરળ બાની પણ કેવી મજાની વાત ! મુંબઈના કવયિત્રી પ્રતિમા પંડ્યા એક સાંકળી-ગઝલ લઈને આવ્યા છે. દરેક શેરની બીજી પંક્તિ (સાની મિસરો) આગામી શેરની પ્રથમ પંક્તિ (ઉલા મિસરો) બની જાય છે અને આ પંક્તિઓના પુનરાવર્તનની સહુથી અગત્યની વાત એ છે કે કવયિત્રી દરેક શેરનું પોતીકું સૌંદર્ય જાળવી રાખીને આખી ગઝલને પણ સફળ બનાવી શક્યા છે…

Comments (9)

ક્યાં છે પેલું રૂપ ? – ચન્દ્રકાન્ત શેઠ

ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?
અહીં તો કેવળ લંબાયેલી અભાવની રણછાયા !

હાથ મહીંના સ્પર્શ હૂંફાળો,લોચન ખાલી માયા !
ક્યાં પંખીના કલરવ મીઠા ? ઊડવાં ક્યાં રઢિયાળાં ?
શૂન્ય આભની તળે જોઉં છું :
માંડ જાળવી રાખેલા કો
પારેવાનાં શ્વેતલ પિચ્છ વિખાયાં !
ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?

આંબે આંબે કાન માંડતો, એ ટૌકો નહિ પામું !
નજર ઠેરવું ત્યાં ત્યાં જાણે કશુંક બળતું સામું !
મારા ઘરની તરફ પડ્યા તે
કેમ કેમ એ નાજુક પગલાં
પાછાં વળે વીંધાયાં ?
ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?

અંદર ખાલી, બહાર ખાલી, તરસ ત્વચા પર તતડે ;
હસીખુશીની હવા અરે શી ગભરુ ગભરુ ફફડે !
ખરી ગયેલાં ફૂલો જોઉં છું
કેમ કેમ રે ભરી વસંતે
એનાં હાસ્ય વિલાયાં ?
ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?
અહીં તો કેવળ લંબાયેલી અભાવની રણછાયા !

– ચન્દ્રકાન્ત શેઠ

ઘણાં વખતે એકદમ classical ગીત વાંચવા મળ્યું…..નખશિખ રળીયામણું !!

Comments (4)

આજીવન ગતિ ! – યોસેફ મેકવાન [ અનુષ્ટુપ સોનેટ ]

વિશ્વ દીસે રૂપાળું પણ જિંદગી ભરખી રહ્યું,
પરમ્પરા ભૂલોની કૈં કોણ આ સરજી રહ્યું !

સ્વાર્થની જાળની ઝીણી જાળી અદૃશ્ય છે બધે
રચાતા સૂક્ષ્મ તંતુઓ કાળના હાસ્યથી વધે.

અજાણ્યા જીવને કેવી પીડે છે પીડ ભીતરે,
આંખથી સ્વપ્ન અર્થીઓ ટપક ટપકી નીસરે !

સમય તો ચાલ ચાલે છે વિચિત્ર, ચિત્તમાં બધે
સમજી ના શકે જાણી કોઈ એ ખેલ ક્યાંય તે.

હા,શતરંજના છીએ પ્યાદા અગમ્ય હાથમાં,
ઇચ્છાઓ ખેલવે જેમ ખેલીએ ચાલ સાથમાં .

હાર તો થૈ જતી જીત, ઉત્સાહે મન ત્યાં ધસે
દેખાતી જીત, હારો તો ચારેકોર હવા હસે !

ભવ્ય કૈં જિંદગીઓ તો અકલ્પ્ય અંતમાં ઢળે
સમય ચાલ ચલે એનું નામોનિશાન ના મળે !

– યોસેફ મેકવાન

હું છંદશાસ્ત્ર નથી જાણતો પણ આ કોઈક નવતર પ્રયોગ લાગે છે. સમયની-પ્રારબ્ધની વાત છે…અર્થ સરળ છે,પરંતુ કવિકર્મ કમાલનું છે !

Comments (2)

ગઝલ – રાકેશ હાંસલિયા

બુંદના ભારે નમે એવું બને,
પાંદડું હેલી ખમે એવું બને !

કોઈ એકાકી રમે આરંભમાં,
એ રમત દુનિયા રમે એવું બને.

ખીણની સાથે શિખર વાતો કરે,
પ્હાડ મનમાં સમસમે એવું બને.

મૌનમાં ડૂબી ગઈ હો વાત જે,
એના પડઘા ના શમે એવું બને.

સૂર્ય જેવો સૂર્ય પણ સંજોગવશ,
ભરબપોરે આથમે એવું બને.

કોઈ શેરી સાંજ લગ સૂમસામ હોય,
રાત આખે ધમધમે એવું બને !

– રાકેશ હાંસલિયા

આખી હેલીનું તોફાન બેબાકપણે સહન કરી લેનાર પાંદડું ક્યારેક બુંદ માત્રના ભારથી પણ નમી જઈ શકે છે…. કેવી મજાની વાત !

Comments (13)

ગઝલ – કિરીટ ગોસ્વામી

ભીતર પાક્કો પરવાનો છે,
તોય તને આ ડર શાનો છે ?

સાવ ભૂલી જા, કોરી વાતો,
રંગબિરંગી અરમાનો છે !

પળમાં દરિયો શાંત છે મનનો,
પળમાં પાછાં તોફાનો છે !

પાછીપાની છોડ, મુસાફર,
લાખ ભલેને વ્યવધાનો છે !

કોણ ‘કિરીટ’ અહીંનું રહેવાસી ?
અહિંયા તો સૌ મહેમાનો છે.

– કિરીટ ગોસ્વામી

અંદાજની મજા…

Comments (8)

બંદગી એણે કરી – મેઘબિંદુ

અંધકારે રોશની એણે કરી
રોશનીમાં દિલ્લગી એણે કરી

એક અફવાનો લઈને આશરો
ઝેર આખી જિંદગી એણે કરી

ફૂંકથી હું ના બુઝાયો એટલે
આસપાસે રોશની એણે કરી

કેમ એની વાતને માને ખુદા !
મોત માટે બંદગી એણે કરી

– મેઘબિંદુ

આપણી જિંદગીની વાસ્તવિક્તા રજૂ કરતા બીજા-ત્રીજા શેર ખૂબ ગમી ગયા. ફૂંકથી ન ઓલવાતા દીવાને ઝાંખો કરવા આજુબાજુ રોશની કરી ઝાંખો કરવાની વાત બીજાની લીટી નાની કરવાને બદલે આપણી લીટી લાંબી કરવી જોઈએવાળી વાતને સમાંતર જતી હોય એમ લાગે છે.

Comments (7)

ક્યાંસુધી લખવા ! – ડૉ. મહેશ રાવલ

સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા
અમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા !

બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

લખી’તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ
ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ
અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !

ન આપે સાથ જો સંજોગ તો, શું થઈશકે છેલ્લે ?
અને અમથાં ય, અંગતને જ ઘાતક ક્યાંસુધી લખવા !

જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ
છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

વરસતાં હોય છે વાદળ ગમે ત્યારે, ગમે ત્યાં જઈ
ન વરસે ક્યાંય, એવાં ડોળકારક ક્યાંસુધી લખવા !

– ડૉ. મહેશ રાવલ

 

શું મસ્ત ગઝલ છે !!! બધા જ શેર સશક્ત  !!

Comments (17)

અમને ગમે – ‘ગની’ દહીંવાળા

શ્વાસ થઇ આવો અને રહી જાય અંતરમાં તમે,
બારમાસીને હ્રદય-ક્યારીમાં રોપીશું અમે.

આંખથી વાસંતી એવાં વહાલ વેર્યાં વહાલમે,
જાણે ટહુકો જઈ વસ્યો હો આમ્રવનની સોડમે !

શબ્દ છું બારાખડીનો, હોઠ પર મેલો મને,
પ્રેમભાષામાં રણકતો રહીશ કોઈ પણ ક્રમે.

બાગમાં આ જીવતાં સ્મારક રચ્યાં છે માળીએ,
રાત-દી જેઓ પવન આરોગે ને ફોરમ વમે.

ત્યાં જઈ ખોડાશે આ મધ્યાહ્ન-માતેલાં ચરણ,
સૂર્ય ટાઢોબોળ થૈ જે જે ક્ષિતિજે જઈ નમે.

પ્રેમનો મારગ ! કે પગ થાકે, છતાં પ્રસ્થાન થાય,
કેડીની તો વાત શું ! પદચિહ્નમાં રસ્તા રમે.

આ સ્ફટિક સરખો છલોછલ નીરનો પ્યાલો, ‘ગની’,
રંગ એમાં કોઇપણ આવી પડે, અમને ગમે.

– ‘ગની’ દહીંવાળા

સામાન્ય રીતે ગઝલ દર્દનું ગીત હોય છે…..આ ગઝલ વાંચીને બાગબાગ થઇ જવાયું….

Comments (4)

છેટું એક જ વેત !! -નિનાદ અધ્યારુ

એને માટે એજ છે અક્ષર, એજ છે એની ગીતા,
કોરે-કોરી પાટી ઉપર શૈશવ પાડે લીટા !

ચાર પગે એ ચાલે તોયે અંતર કાપે લાખ,
ચાંદામામાને ઓળખતી એની દુધિયા આંખ !

બોખું-બોખું હસતો ચહેરો કરતું અઘરા યોગ,
ફળિયાના ક્યારાની માટી એના છપ્પન ભોગ !

ચોટી એવી વાળેલી કે જાણે કોઈ તાજ,
બાળારાજા રડી-રડીને કરતું ઘરમાં રાજ !

એનો કક્કો સમજે એવો ક્યાં કોઈ ભડવીર !
ઊકેલો તો લાગે જાણે અંધારામાં તીર !!

રંગબેરંગી રમક્ક્ડાઓ એની મોટી ફોજ,
ટોટીવાળી દૂધની બોટલ બે ટાણાની લોજ !

માના હાલરડાંથી ઝરતું હરિ સમું શું હેત !
ઈશ્વરના બે રૂપ મળે છે, છેટું એક જ વેત !!

-નિનાદ અધ્યારુ

બાળગીતાના સહજ અધ્યાય સમા દોહા લઈ આવતા આ કવિને કયા શબ્દોમાં વખાણવા ?

Comments (6)

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

દેખાય તું ન ક્યાંય, ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ, હું વૃંદગાન છું.

જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું, ને હું મારા સમાન છું.

ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખયાલ તું,
હું મારવામાં બદ્ધ, કોઈ બોલતાન છું.

તારો જ કૃષ્ણ રંગ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું’ય સહેજ ભીનેવાન છું.

તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ એ બે કણોની ‘સહજ’ દરમિયાન છું.

– વિવેક કાણે ‘સહજ’

વિવેક કાણેની ગઝલો એમની સંનિષ્ઠ ગઝલપ્રીતિની દ્યોતક છે… છંદ-વૈવિધ્ય, રદીફ, કાફિયા, શેર-બંધારણ અને શેરિયત પર એ જેટલું ઝીણું કાંતે છે એટલું ઝીણું કાંતનાર ઝૂઝ ગઝલકાર જ આજે મળશે.

ગુજરાતી ગઝલની દસ ટોચની ગઝલોમાં ગર્વભેર બેસી શકે એવી આ ગઝલના એક-એક શેર અદભુત થયા છે. તખલ્લુસનો કવિ જે રીતે મક્તામાં પ્રયોગ કરે છે એ પણ સર્વોત્કૃષ્ટ !

ઝુમરા અને મારવાવાળો શેર તો જરા જુઓ. કવિની સંગીતની ઝીણી સૂઝ કેવી ઊઘડી આવી છે ! ખયાલ શબ્દ ‘ખ્યાલ-વિચાર’ અને ‘ખયાલ ગાયકી’ એમ બંને અર્થ સાથે પ્રયોજાયો છે. એક તરફ પ્રિયાને વિલંબિત તાલ સાથે સરખાવી કવિ પોતાની ઉતાવળી જાતને મારવા રાગ કહીને juxtapose કરે છે ત્યારે શાસ્ત્રીય સંગીતની પરિભાષામાં નખશિખ શાસ્ત્રીય શેર નીપજે છે.

Comments (11)

અરીસો મઢેલ શયનખંડ… – રીના બદિયાણી માણેક

પલંગ પાસે
શોખથી મઢાવેલા
અરીસામાં
રોજ મધરાત પછી હું એને જોઉં છું –
કલાકો સુધી ફોન પર એની સાથે chat કરતા…
સાત સમંદર પારથી
પેલી મોકલાવે
એની selfie
અને
હસતાં હસતાં એ ચૂમી લે છે એને….

પછી એનો હાથ
મારી પીઠ પર
લીલું લીલું સરકે છે
ત્યારે હું કદાચ હું નથી એના માટે
કંપીને
એના પડછાયામાં ઓગળવાનું
મારી ચામડી કદાચ શીખી ગઈ છે.
હવે તો
એની તરફ ફરી
હું પણ જોઉં છું
ફક્ત
એક છત……અને એક પુરુષ

– રીના બદિયાણી માણેક

લગ્નેતર સંબંધની પરાકાષ્ઠાએ પતિ પ્રેયસીની સેલ્ફીની ઉત્તેજના પત્નીને ભોગવીને ઉતારે છે ત્યારે પત્નીના “શારીરિક” સમર્પણ માટે કવયિત્રી જે શબ્દો વાપરે છે એ સહજ અનુભૂતિને ઉચ્ચતર કાવ્યકક્ષાએ આણે છે. મધરાતના અંધારામાં પડછાયા હોતા નથી. પણ નાયિકાની ચામડી, નાયિકા નહીં, કંપીને પતિમાં નહીં પણ એના કાળા પડછાયામાં ઓગળતા શીખી ગઈ છે… ભગ્ન લગ્નજીવનની વરવી નગ્ન વાસ્તવિક્તા એક છત અને એક પુરુષની જરૂરિયાતમાં છતી થાય છે. એક છત અને એક પુરુષની વચ્ચેના ટપકાંઓની ‘સ્પેસ’ જો કે વધુ માર્મિક રીતે આપણી છાતીમાં ભોંકાય છે.

Comments (17)

ग़ज़ल – राजेश रेड्डी

यूँ देखिये तो आंधी में बस इक शजर गया                   [ शजर = वृक्ष ]
लेकिन न जाने कितने परिन्दों का घर गया

जैसे ग़लत पते पे चला आए कोई शख़्स
सुख ऐसे मेरे दर पे रुका और गुज़र गया

मैं ही सबब था अबके भी अपनी शिकस्त का
इल्ज़ाम अबकी बार भी क़िस्मत के सर गया

अर्से से दिल ने की नहीं सच बोलने की ज़िद
हैरान हूँ मैं कैसे ये बच्चा सुधर गया

उनसे सुहानी शाम का चर्चा न कीजिए
जिनके सरों पे धूप का मौसम ठहर गया

जीने की कोशिशों के नतीज़े में बारहा                        [ બારહા = વારંવાર ]
महसूस ये हुआ कि मैं कुछ और मर गया

– राजेश रेड्डी

હમણાં જ કવિના સ્વમુખે આ ગઝલ સાંભળવાનો લ્હાવો મળ્યો. એક એક શેર નાયબ મોતી છે !!

Comments (6)

પંખી ક્યાં ગાય છે? – રમેશ પારેખ

ના રે, ના! પંખી ક્યાં ગાય છે?
પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!

આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડ
આ બાજુ પંખીઓ બેસતા એ ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ

ના, રે! પરભાતિયું ક્યાં થાય છે?
આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છે

તાજપથી નાહેલું ઝાડવું હવામાં જેમ છૂટ્ટાં મૂકી દે છે પાન
એમ ચાલ, વેગળું મૂકી દઇએ આપણે ય મુઠ્ઠીમાં સાચવેલ ભાન

ના, રે ! ક્યાં મંદિર બંધાય છે?
અહીંયા તો કંઠ એવું કોડિયું કે કોઇ એમાં નવું ગીત પેટાવી જાય છે

– રમેશ પારેખ

Comments (11)

પ્રણયવિવાદ – વિલિયમ સ્ટ્રોડ (અનુ. વિવેક મનહર ટેલર)

મારી જાન અને હું ચુંબનો માટે રમતાં હતાં:
હોડ એ રાખશે- હું સંતુષ્ટ હતો;
પણ જ્યારે હું જીતું, મારે એને ચૂકવણી કરવાની;
આ વાતે મને પૂછવા પ્રેર્યો કે એનો મતલબ શો છે?
“ભલે, હું જોઈ શકું છું.” એણે કહ્યું, “તારી તકરારી મનોવૃત્તિ,
તારા ચુંબનો પરત લઈ લે, મને મારાં ફરી આપી દે.”

– વિલિયમ સ્ટ્રોડ (૧૬૦૨-૧૬૪૫)
(અનુ. વિવેક મનહર ટેલર)

*
કેવી મજાની ચુંબનોની રમત! રમતનું સ્વરૂપ ઇંગિત કરે છે કે પ્રેમ કેવો ગાઢ હશે ! શરૂઆતમાં તો પ્રેમી ઉદારતા બતાવે છે (સામાન્ય રીતે જોવા મળે એમ જ) પણ જેવી વાત પરિણામલક્ષી થઈ અને જીત્યા પછી મેળવવાના બદલે આપવા જેવી અવળી શરત પ્રેમિકા મૂકે છે (સામાન્ય રીતે સ્ત્રીઓ મૂકે એમ જ) કે તરત જ પુરુષ એનો સહજ રંગ બતાવે છે (સામાન્ય રીતે કરે એમ જ!)

પણ પ્રેમિકા જે જવાબ આપે છે એ આ સહજ રમતને કવિતાની કક્ષાએ લઈ જાય છે જેમાં એના પક્ષે ચુંબનોનો સરવાળો થવાના બદલે ગુણાકાર થઈ જાય છે.

આ કવિતાના એકાધિક સ્વરૂપ નેટ ઉપર જોવા મળે છે.

*
MY love and I for kisses played:
She would keep stakes—I was content;
But when I won, she would be paid;
This made me ask her what she meant.
“Pray since I see,” quoth she, “your wrangling vein, 5
Take your own kisses; give me mine again.”

– William Strode (1602–1645)

Comments (7)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ

ઓઢીને અંધાર ઊભો છું,
ઘેનમાં ચિક્કાર ઊભો છું!

દોડતા અઠવાડિયા વચ્ચે
હું બની રવિવાર ઊભો છું !

મારી અંદર ના પ્રવેશો, લ્યા
હું જ મારી બ્હાર ઊભો છું !

કેટલું મોડું કરીશ ઈશ્વર ?
ક્યારનો તૈયાર ઊભો છું

જે ગમે તે રૂપમાં ચાહો,
રૂપ લઈ દસ-બાર ઊભો છું

-મેહુલ પટેલ ‘ઈશ

મજાની ગઝલ… વચ્ચેના ત્રણ શેર ઉત્તમ…

Comments (10)

તે રમ્ય રાત્રે – સુન્દરમ્

(મિશ્ર ઉપજાતિ)

તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.’

હલી શક્યો કે ન ચાલી શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.

ક્યાં સ્પર્શવો ? ક્યાં ગ્રહવો ? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે –
.                        તે રમ્ય રાત્રે,
.                      રમણીય ગાત્રે !

-સુન્દરમ્

(રજ=જરાક; કામ્ય=ઈચ્છા કરવા યોગ્ય; હૈમ=હિમ સંબંધી; મનોજ=કામદેવ; સુતન્વી= સુંદર નાજુક શરીરવાળી; મૂક્તા= મૂંગાપણું; છિતાયલા= છીછરા પાણીમાં વહાણનું જમીન સાથે ચોંટવું)

પ્રણયનો અનુવાદ જે ઘડીએ શરીરની ભાષામાં પહેલવહેલો થાય તે ઘડીની વિમાસણ કવિએ એવી અદભુત રીતે આલેખી છે કે આ આપણી ભાષાનું શિરમોર પ્રણયકાવ્ય બની રહે છે.

તે રમ્ય રાત્રે પ્રેયસી બારણાની કમાનને સહેજ ટેકવીને ઊભી છે. શાશ્વત સૌંદર્યની દેવીને જોતાવેંત જ કાવ્યનાયક થીજી જાય છે. સ્પર્શ, ચુંબન અને આલિંગનની હિંમત નાયકના ગાત્રોમાં રહેતી નથી. પણ નાયિકા પ્રણયની આ પહેલવહેલી શારીરિક ક્ષણોમાં કોઈ મૂંઝવણ અનુભવતી નથી. આમેય સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે પારદર્શક સમજણ સાથે જ પડતી હોય છે. કમાન પર લતાની જેમ ટેકવાયેલી કાયામાંથી નાયિકાનો હાથ એ રીતે આગળ વધે છે જાણે કામદેવ ધનુષબાણ પર તીર ચડાવી શરસંધાન ન કરતા હોય. ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી પડી હતી તેવામાં છીછરા પાણીમાં વિમૂઢતાના ખડક પર ખોટકાઈ તૂટેલી નાવભાંગ્યા જણ જેવા નાયકને ઉગારવા આવતી હોડી સમી નાયિકા સામું સરી આવે છે, પ્રણયની સ્ફટિકસ્પષ્ટ સમજણ સાથે.

અદભુત ! અદભુત !! અદભુત !!!

Comments (5)

……હો – ‘ગની’ દહીંવાળા

ઋતુ હો કોઇ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો.

કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો.

સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો.

પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.

પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.

પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’ , એકાદ તો સંબંધની એવી સપાટી હો.

-‘ગની’ દહીંવાળા

ઉસ્તાદની કલમ પરખાઈ જ જાય……

Comments (3)

મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી – મુકેશ જોષી

ઘુંઘરૂના ઝણકારે વાત કરી નોખી,
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.

પાલવમાં ચીતરેલો મેવાડી મહેલ તોય
ગોકુળના વાયરાની આશ સદા રમતી,
ચાંદલો કરતાં હું દર્પણમાં જોઉં :
થાય મુજથી વધારે હું માધવને ગમતી.

રાતનું અજવાળું આવે બોલાવવાને મૂર્તિએ
આંખોથી આવ કહી પોંખી.
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.

તંબૂરો છેડે છે એના એ સૂર
હવે વાંસળીના સૂરોમાં લીન થઇ જાવું છે
દરિયો બનીને જો માધવ લહેરાય તો
ઝળહળતા શ્વાસ કાજ મીન થઈ જાવું છે,

જન્મે જન્મે હું એને જાણીને ભુલું ને
જન્મે જન્મે એણે તોય મને ગોખી.
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.

-મુકેશ જોષી

એક રમ્ય ગીત….

Comments (5)

(વૃક્ષ પવનને મળે એમ) – રમણીક સોમેશ્વર

વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં
કદી ઝૂલીએં, કદી પવન સંગાથે થોડું ઢળીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં

પવન વૃક્ષની ભીની ફોરમ સંગાથે લઈ ફરે
વૃક્ષ પવનને સંભારીને ડાળ ડાળ રણઝણે
રણઝણવું રણઝણવું રમતાં ખોવાઈએં ને જડીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં

વૃક્ષ ગોઠડી કરે અને ટહુકાની ભાષા બોલે
પવન વૃક્ષ પાસે અંતરનાં ઊંડાણોને ખોલે
ઝીણું જંતર વાગે એને સ્થિર બની સાંભળીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં

– રમણીક સોમેશ્વર

જેમ પવન વૃક્ષની ડાળ-ડાળ સોંસરવો નીકળી જાય અને વૃક્ષનું આખું અસ્તિત્વ ગીત-ગીત બની જાય એમ જ આપણી ભીતર ઊતરી જતું મજાનું ગીત…

Comments (3)

ગઝલ – મુકુલ ચોક્સી

હવે તો એ જ મને બાગથી બચાવી શકે,
જે સાવ સૂકી હથેળીમાં ફૂલ વાવી શકે.

આ ઠૂંઠું વૃક્ષ એ આશામાં દિન વિતાવી શકે
પરણવા જેવડી મોસમનું માંગુ આવી શકે

ને ચોમાસું તો હજી બેસવાનું બાકી છે
હજી યે બારીઓને રંગ તું કરાવી શકે

હા, એટલે જ તને વૃક્ષ રૂપે સ્થાપ્યો છે
કે જેથી પગ તું કદી પણ નહીં હલાવી શકે

ને હસવું આવે ત્યારે હળવો થઈ હસી જે શકે
એ આદમી આ નગરમાં કદી ન ફાવી શકે

જમાનો એનો છે ભૂતકાળને જે થૂંકી શકે
ને સઘળી યાદને ગુટખાની જેમ ચાવી શકે

જીવનની વ્યાખ્યાઓ કરવા દો એ જ લોકોને
જે જિન્દગાનીઓ ફૂટપાથ પર વિતાવી શકે

આ તારા શબ્દો બરફ છે એ ફ્રીજમાં શોભે
કોઈના ઘરમાં એ ચૂલોય નહીં જલાવી શકે

બની જા કોઈ પણ મોસમ તું એટલા માટે
ફરી ફરીને દરેક વર્ષે પાછી આવી શકે

– મુકુલ ચોક્સી

એક પછી એક શેર હાથમાં લેતાં જઈએ તેમ તેમ કવિની કલ્પનોની પસંદગી આપણને વધુને વધુ ચકિત કરતી રહે છે.

Comments (6)

જેનો જવાબ મળે એવી પ્રાર્થના – અના કામિએન્સ્કા (અનુ. સુરેશ દલાલ)

હે ઈશ્વર!
મને ખૂબ સહન કરવા દો
અને પછી મરવા દો.
મને મૌનને પંથે ચાલવા દો
અને પાછળ કશુંય ન મૂકી જાઉં – ભય પણ નહીં.
સૃષ્ટિને ચાલવા દો
અને સમુદ્રને રેતીને ચૂમવા દો – પહેલાંની જેમ જ.
ઘાસને એવું ને એવું લીલુંછમ રાખજો
જેથી દેડકાંઓ એમાં સંતાઈ શકે
જેથી કોઈ પોતાનો ચહેરો એમાં દાટી શકે
અને ડૂસકે ડૂસકે પ્રેમને વહી જવા દો.
ધવલ, ઉજજવલ દિવસને એવી રીતે ઊગવા દો
જાણ કે કયાંય કશી કોઈ વેદના નથી.
અને મારી કવિતા બારીની જેમ ચોખ્ખીચટ રહી શકે
કોઈ મોટો ભમરો એના ગુંજાર સાથે માથું પટકતો હોય તો પણ.

-અના કામિએન્સ્કા (પૉલિશ)
(અનુ. સુરેશ દલાલ)

*
નૂતન વર્ષ ૨૦૧૫ માટે લયસ્તરો તરફથી આપ સહુને હાર્દિક શુભકામનાઓ….
*

જ્યારે તમે તમારા પોતાના માટે વેદના અને તકલીફ સિવાય કશું ન માંગતા, માત્ર અન્યો માટે માંગો છો ત્યારે એ પ્રાર્થનાનો હંમેશા પ્રત્યુત્તર મળે જ છે. આપણે ન હોઈએ પછી પણ દુનિયા તો ચાલવાની જ છે, દરિયાનાં મોજાં કિનારા ભીંજવવાનાં જ છે, ઘાસ ઊગવાનું જ છે… કવયિત્રી ક્યાંય કોઈ વેદના ન હોય એવો પ્રકાશિત દિવસ બધા માટે માંગે છે જેથી એના પોતાના જીવનમાં ભલે માત્ર સહન કરી કરીને મરવાનું આવે, ભલે એ માત્ર મૌનના પંથે ચાલે, ભલે એની પાસે વિરાસતમાં મૂકી જવા માટે કશું ન બચે પણ એની કવિતા ચોખ્ખીચટ રહી શકે…

 

Comments (5)

કૂંજ પંખી – નલિન રાવળ

આકાશમાં ઊડી રહી છે
કૂંજ પંખીની હાર……

અધવચ પ્રવાસમાં સ્હેલવા
ઊતરે છે સરવરની પાળ,
સંધ્યાના આછા ઉજાસમાં
વૃક્ષોની ટોચ પર
વિરમી લગીર
ફરી
ઊડે છે ચાંદનીથી ઝૂમતા આકાશમાં .
હુંય મારા અંતરના આભમાં
નીરખું છું :
કિલકારે ઊડતી એ જાય…..
કૂંજ પંખીની હાર.

– નલિન રાવળ

જે. કૃષ્ણમૂર્તિ કહેતા – a bird never travels on exactly same path twice.

Comments (1)

સાધો – હરીશ મિનાશ્રુ

જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો
કબરની સાદગીથી ઘર હવે શણગારવું। સાધો

સમજ પડતી નથી તેથી બીડ્યા’તા હોઠ સમજીને
બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું, સાધો

તને મજરે મળી જશે રુદનની ક્ષણ બધી રોશન
ગણતરી રાખી શીદ એક્કેક આંસુ સારવું, સાધો

અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઇને
અમસ્તી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો

સિતમનો હક બને છે એમનો, શું થાય ? સ્નેહી છે
કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સાધો

સમય ને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત
બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો

– હરીશ મિનાશ્રુ

Comments (7)

સમુદ્ર – સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો,
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.

સાગરને તળિયેથી જયારે હું બહાર આવું,
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.

હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

સમુદ્રમંથનના રૂપકથી વાત કહી છે કવિએ….. મુખ્ય પંક્તિઓ પાંચમી અને છઠ્ઠી છે – ‘ આગ અને ભીનાશ…’. અદ્વૈતધ્વનિ….

આ દુર્બોધ કવિની કોઇપણ રચના લાગે તેટલી સરળ ન જ હોય !! આ કાવ્યમાં પણ બે-ત્રણ ગર્ભિત અર્થો છુપાયેલા છે….. દેવ-દાનવે સરળ કર્યો-અર્થાત હળાહળ વિષ જેના ગર્ભમાં હતું તેના જ ગર્ભમાં અમૃત હતું….આગ અને ભીનાશ….ભીંજાવું અને દાઝવું… જે એક લેવા જાય તેને આપોઆપ બીજું મળે જ મળે…..

Comments (3)

ગઝલ- નેહા પુરોહિત

parpota ni jaat

ટપકતાં ટપકતાં કરી જાય ખાલી,
શું અશ્રુ જ મારી છે જાહોજલાલી ?

વિરહની વ્યથા એ તો શણગાર મારો,
ન હાથોમાં મહેંદી, નયન માંહે લાલી.

પ્રતીક્ષાની સરહદ વળોટાય ક્યાંથી ?
મને મારાં પગલાં જ દે હાથતાલી.

આ મનનું તો એવું કે ભાગ્યા કરે પણ,
દિવસ રાત વાતો તો તારી જ ચાલી.

ન સમજાઈ માયા કદી ઈશ તારી,
ન આપ્યું ભરીને, ન રાખીયે ખાલી.

– નેહા પુરોહિત

ગુજરાતી કવયિત્રીવિશ્વમાં “પરપોટાની જાત” લઈને ભાવનગરથી નેહા દબદબાપૂર્વક અને પૂર્ણ અધિકારપૂર્વક પ્રવેશે છે. નેહાના ગીત-ગઝલ-અછાંદસમાંથી પસાર થતાં જ ઊડીને આંખે વળગે છે એની સ્ત્રીસહજ સુકોમળ સંવેદનની ઓરિજિનાલિટિ, લવચિક શબ્દ-વિન્યાસ અને નાવીન્યતાપૂર્ણ અભિવ્યક્તિ… લયસ્તરો તરફથી નેહાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હાર્દિક અભિનંદન…

Comments (15)

ગઝલ – કુલદીપ કારિયા

બે-ત્રણ કિરણ કરતાં વધુ ચોરી ન થઈ શકે
આખા સૂરજની કોઈથી કોપી ન થઈ શકે

આકાશમાંથી છીપમાં હર જન્મમાં પડે
એક ટીપુ કે જે કોઈ દી’ મોતી ન થઈ શકે

કપમાં ભરીને પીવું છું અફસોસ એ જ કે
તારા કડક સ્વભાવની કોફી ન થઈ શકે

શું એને ફેવિક્વિકથી ચોંટાડી દીધી છે?
કે ભૂખ પેટથી કદી નોખી ન થઈ શકે?

ટેટૂની જેમ જીભ પર ત્રોફાવશે બધા
સૌરાષ્ટ્ર જેવી ક્યાંય પણ બોલી ન થઈ શકે

– કુલદીપ કારિયા

ગુજરાતી ગઝલમાં અગાઉ જોવા ન મળ્યા હોય એવા કલ્પનોથી વધુ આસ્વાદ્ય બનતી ગઝલ… પાંચેય શેર સરસ… પણ કોફીવાળો શેર સૌથી ‘કડક’ ! સ્વાતિ નક્ષત્રની ગેરહાજરીમાં છીપમાં પડી પડીને મોતી બનવામાં વિફળ જતું ટીપું ફરી ફરીને બાષ્પીભૂત થતું રહે અને ફરી ફરીને ઘનીભૂત થઈ ટીપું બની વરસ્યા કરે એ શેર શરૂમાં મને જરાય સમજાયો નહોતો પણ સમજાયો ત્યારે અહો ! અહો ! વાહ, કવિ…

Comments (9)

ગઝલ – મુકુલ ચોક્સી

આવી ગયો છે કાળ આ નાટકના અંતનો
ઊભું છે વૃક્ષ કોટ ઉતારી વસંતનો

પૂરો ભલે ન થાય એ કોઈ જગા ઉપર
કિસ્સો શરૂ તો થાય છે ચોક્કસ અનંતનો

કોના તરફ વધારે વફાદાર છે નદી ?
આ પ્રશ્ન કાંઠાઓમાં ઊઠ્યો છે તુરન્તનો

– મુકુલ ચોક્સી

વૃદ્ધાવસ્થા અને સમીપ સરતા મૃત્યુ વિશે કેવો સચોટ શેર કવિ લઈ આવ્યા છે? કાળ શબ્દનું પ્રયોજન સમયની પછીતે છુપાયેલ મૃત્યુને પણ ઇંગિત કરે છે. વસંતનો કોટ ઉતારીને ઊભેલા વૃક્ષનું ચિત્ર ઠંડોગાર ડામ દેતું હોય એમ લાગે છે. અને “અનંતતા” વિશેનો આવો ક્રિએટિવ શેર અગાઉ ક્યાંય વાંચ્યો હોવાનુંય ધ્યાનમાં નથી…

Comments (6)

જેટલી – રઈશ મનીઆર

સોગાત દુઃખની હોય છે દરિયા જેટલી;
આ આંખની કૃતજ્ઞતા તો ટીપાં જેટલી.

એવું નથી કે ભીંસ નથી રોવા જેટલી,
શક્તિ હથેળીઓમાં નથી લો’વા જેટલી.

સૂરજની સાથે જંગમાં હાર્યો નથી કદી,
જીતું છું રોજ ભોમ હું પડછાયા જેટલી.

જોયા ન કર કે સામે સમંદર અગાધ છે,
મિરાત તારી હોવી ઘટે નૌકા જેટલી.

આંખો મીંચીને બેઠા છીએ,સ્વપ્નરત નથી,
જોઈ લીધી છે દુનિયા અમે જોવા જેટલી.

આ મુઠ્ઠીભર સમજ જે મળી, એટલી ખુશી… !
ગમગીની….ભોળપણ સર્યું તે ખોવા જેટલી.

દાદા વિચારે, ક્યાં છે ખૂણો ઘરમાં મારે કાજ?
પણ ભીંત પર બચી છે જગા ફોટા જેટલી.

મનમાં હજુ છે લાલસા હા, અશ્વમેઘની,
પગને મળે જ્યાં માંડ જગા પગલાં જેટલી.

– રઈશ મનીઆર

Comments (12)

मैं ख़याल हूँ – सलीम कौसर : बझम-ए-उर्दू

मैं ख़याल हूँ किसी और का मुझे सोचता कोई और है
सर-ए-आईना मेरा अक्स है पस-ए-आइना कोई और है

ખ્યાલ [વિચાર] હું કોઈકનો છું અને વિચારે મને બીજું જ કોઈ છે. આયનામાં દેખાય છે તે મારું પ્રતિબિંબ છે, આયનાની પાછળ કોઈ બીજું જ છે. [ વાચ્યાર્થ સરળ છે પણ થોડીવાર મમળાવતા ચમત્કૃતિ આંજી નાખે છે ! ]

मैं किसी के दस्त-ए-तलब में हूँ तो किसी के हर्फ़-ए-दुआ में हूँ
मैं नसीब हूँ किसी और का मुझे माँगता कोई और है

હું કોઈકના દુઆ માટે[ભિક્ષા માટે] ફેલાયેલા હાથમાં છું તો કોઈકની દુઆના શબ્દોમાં છું. હું કોઈ અન્યનું જ નસીબ છું અને મારી ખેવના કોઈ અન્ય જ કરે છે.

कभी लौट आयें तो न पूछना सिर्फ़ देखना बड़े ग़ौर से
जिन्हें रास्ते में ख़बर हुई कि ये रास्ता कोई और है

અત્યંત નાજુક વાત કહી છે – જયારે કોઈ ભૂલ્યો-ભટક્યો અધવચ્ચેથી પરત ફરે તો ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરજો પણ એને કશું પણ પૂછતાં નહીં. તેના ઘા પર મીઠું ન ભભરાવશો….કરુણાપૂર્વક વર્તજો અને શીખજો… કદી તમારી પણ એ હાલત હોઈ શકે…..એની body language બધું જ કહી દેશે તમને.

अजब ऐतबार ओ बे-ऐतबारी के दर्मियाँ है ज़िन्दगी
मैं क़रीब हूँ किसी और के मुझे जानता कोई और है

વિશ્વાસ અને અવિશ્વાસની વચ્ચેની અત્યંત પાતળી ભેદરેખા ઉપર ચાલે છે જિંદગી….હું કોઈકની અત્યંત નજીક છું અને મને સમજે કોઈ અન્ય છે.

वही मुन्सिफ़ों की रिवायतें वही फ़ैसलों की की इबारतें
मेरा जुर्म तो कोई और था पर मेरी सज़ा कोई और है

કાજીની એ જ પરંપરાગત વાતો અને એ જ ચુકાદાઓના કાળા અક્ષરો…. મારો ગુનો કોઈ અલગ જ હતો અને મારી સજા કૈંક નોખી જ છે !

तेरी रोशनी मेरे ख़द्दो-ख़ाल से मुख़्तलिफ़ तो नहीं मगर
तू क़रीब आ तुझे देख लूँ तू वही है या कोई और है

તારી રોશનીની કોઈ ના નહીં – પરંતુ અંતે તો એ પણ ચર્મદેહ જ છે કે જેવો મારો છે, છતાં…..જરા નજદીક આવ તને નિહાળું….તું એ જ છે કે કોઈ અન્ય છે ! [ વાસ્તવવાદી વાત છે ]

तुझे दुश्मनों की ख़बर न थी मुझे दोस्तों का पता नहीं
तेरी दास्ताँ कोई और थी मेरा वाक़याँ कोई और है

તને દુશ્મનોની કશી ખબર જ નહોતી અને મને દોસ્તો વિષે જાણ નહોતી. તારી કથા કૈક અલગ જ હતી અને મારો પ્રસંગ કૈક અલગ જ છે…..[ અહીં ખૂબીપૂર્વક ઈંગિત કરાયું છે કે તું તો હતી જ અજાતશત્રુ અને હું શત્રુઓને પિછાણી ન શક્યો. આપણા આ નિજી સ્વભાવોએ આપણી મંઝીલ કંડારી.

जो मेरी रियाज़त-ए-नीमशब को “सलीम” सुबह न मिल सकी
तो फिर इस के माने तो ये हुए के यहाँ ख़ुदा कोई और है

મારા મધ્યરાત્રિ સુધીના અથાક પરિશ્રમને જો પ્રભાતનું મ્હો જોવા ન મળે તો એનો અર્થ એ થાય કે અહી કોઈ અલગ જ ખુદાની ખુદાઈ ચાલે છે.

-सलीम कौसर

આ ગઝલ અનેક ગાયકોએ ગાઈ છે…..શ્રેષ્ઠ કૃતિ મહેંદી હસનસાહેબની છે જે તેઓએ માંડીને ગાઈ છે. પ્રમાણમાં સરળ લાગતી આ ગઝલ વારંવાર વાંચતા તેનું ખરું ઊંડાણ સમજાય છે…..

Comments (6)

જ્યારે બેઠી… – પ્રજ્ઞા વશી

હું તો જ્યારે જ્યારે બેઠી,
ઇચ્છાને ફૂલક્યારે બેઠી.

શું કહું ક્યાં ને ક્યારે બેઠી,
હું તો મારી વ્હારે બેઠી !

જોવા જેવી થૈ છે તો પણ –
ભીતરને અંગારે બેઠી.

પડછાયાને પ્રશ્ન કરીને,
ઉત્તરને વરતારે બેઠી.

આજ નથી જે મારું છોડી,
કાલ ઉપર સંથારે બેઠી.

– પ્રજ્ઞા વશી

નખશિખ નારીકલ્પનની ગઝલ…

સુરતના કવયિત્રી પ્રજ્ઞા વશીને એમના નવા ગઝલસંગ્રહ “નિસ્બત” માટે લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (7)

(સુંદર હતા) – લક્ષ્મી ડોબરિયા

શું કહું કે કેટલા સુંદર હતા !
સાવ સાચા હોઠ પર ઉત્તર હતા !

મેં અહમ્ હળવેકથી છોડ્યો અને,
થઈ ગયા આષાઢ જે ચૈતર હતા !

હાથ ના પકડે હકીકત તોય શું ?
સ્વપ્ન જન્મ્યાં ત્યારથી પગભર હતાં !

આજના સંદર્ભમાં તાજા છતાં,
દર્દના કારણ ઘણાં પડતર હતાં !

ના જવાયું સાવ નજદીક એમની,
એ ઉપર થોડા, ઘણાં અંદર હતા !

– લક્ષ્મી ડોબરિયા

સાદ્યંત સુંદર રચના…

Comments (16)

એ કોણ છે ? – હર્ષદ ચંદારાણા

કોઈ મારામાં નિરંતર ટળવળે, એ કોણ છે ?
કૈં વરસથી મુક્ત થવા ખળભળે, એ કોણ છે ?

આમ તો દેખાય જાણે મારું એ પ્રતિબિંબ છે,
રોકનારું બારણાની ભોગળે એ કોણ છે ?

ત્રાટક્યું છે ઘોર અંધારું પુરાણા ઘર ઉપર,
દીપ પ્રગટાવી સ્મરણના, ઝળહળે એ કોણ છે ?

સ્હેજ સળગી જોયું, પ્રગટ્યાં ગીત રોમરોમમાં,
હર સ્વરે જે મીણ માફક ઓગળે એ કોણ છે ?

ડૂબકી તો ખૂબ ઊંડે મારી આવ્યો, ત્યાં નથી;
આ સપાટી પર સરે ને સળવળે એ કોણ છે ?

આંખના પાષણ તોડી નીકળે ને ભીંજવે,
આ ઝરણ રૂપે સદાય ખળભળે એ કોણ છે ?

– હર્ષદ ચંદારાણા

Comments (5)

અંતિમ દલીલ છું ! – હરકિશન જોશી

તોડો તો એક ફૂલ છું, વાંચો તો વિલ છું
સંવેદનોના કેસની અંતિમ દલીલ છું !

સડકો જ મારી સોડનું અજવાળું લઈ ગઈ
રાખો બહાલ આંધળા ઘરની અપીલ છું !

પાંચેય તત્વ સાક્ષીઓ હોસ્ટાઈલ થઇ ગયા
કાયાની કોર્ટમાંનો પરાજિત વકીલ છું !

આપો ઉગાડી મારાં કપાયેલા જંગલો
અરજી લઇ ભટકતો આદિવાસી ભીલ છું !

સ્પર્શ્યા વિના રહી ન શકે કોઈ પણ કમળ
ભીંજાય જાય શબ્દ હું એવું સલીલ છું !

– હરકિશન જોશી

ગઝલ રોજબરોજની ભાષામાં લખાવી જોઈએ. જે બોલી બોલીએ એ બોલીમાં જ ગઝલ વણવી જોઇએ. એટલે આજે અંગ્રેજીના થોડા શબ્દો ગઝલમાં આવે તો સારું લાગે છે. અને એ શબ્દો અહીં તદ્દ્ન કુદરતી રીતે આવ્યા છે. પાંચે તત્વો ‘હોસ્ટાઈલ’ થઇ જવાની વાત બહુ ગમી ગઇ.

Comments (6)

હું, મને ઢંઢોળતો – વિષ્ણુ પટેલ

હું, મને ઢંઢોળતો
જિંદગીને ખોળતો

ખાલીપો ચાલ્યો જતો
સ્વપ્ન કૈં, ધમરોળતો!

આ પવન, આખ્ખી સફર
રેતમાં રગદોળતો

છે બધે અંધારપટ
હું દિવાલો ધોળતો!

રંગ ન, એક્કે બચ્યો
તોય પીંછી બોળતો!

ક્યારનો જોવા મથું
કો’ક અક્ષર કૉળતો

રે! કસુંબા તો ગયા!
હું ગઝલને ઘોળતો!

– વિષ્ણુ પટેલ

કવિતા સાંભળવાની અલગ જ માઝા છે. એ મઝા માણવા માટે આજે ‘કવિતા કાનથી વાંચવાનો’ પ્રયોગ કર્યો છે. આશા છે ‘વાંચકો’ને ગમશે.

ટૂંકી બહેરની ગઝલ મારી કમજોરી છે. ગઝલમાં પણ કમર જેટલી પાતળી એટલી વધારે સારી 🙂 મજાક જવા દો તો, ટૂંકી બહેરની ગઝલો ઓછી જ જોવા મળે છે. કારણ કે ઓછામાં ઘણું કહેવું એ વધારે અઘરું કામ છે. અહીં કવિએ બધા શે’રને બખૂબી કંડાર્યા છે. જુઓ – છે બધે અંધારપટ / હું દિવાલો ધોળતો! – ટચૂકડો પણ ધારદાર શે’ર. ને છેલ્લે, રે થી શરૂ કરીને કવિ કસુંબાને બદલે ગઝલ ઘોળવાની મઝાની વાત લઈ આવ્યા છે.

Comments (7)

શ્વાસ જેમ – હર્ષદેવ માધવ

આવી ન હોત સાંજ આ અહીંયા ઉદાસ જેમ,
મારું નીકળવું હોત – નહીં તો પ્રવાસ જેમ.

આખું શહેર ફૂલનો હિસ્સો બની ગયું,
જાણે પસાર કોઈ થયું છે સુવાસ જેમ.

રાખે છે ચાંપતી નજર એક્કેક શ્વાસ પર,
શેરીઓ નીકળી પડી ઊંડી તપાસ જેમ.

પાડી શકાય ચીસ ના, બોલું તો શબ્દ ક્યાં?
પહેરો ભરે છે બા’રથી લાગે જે શ્વાસ જેમ.

ના મૌન છે, કે દર્દ છે – થોડોક થાક છે,
અંદર ફસાયેલું અરે ! આ કોણ ફાંસ જેમ !

– હર્ષદેવ માધવ

પહેલી નજરે જ ગમી જાય એવી પણ બીજી નજરે પ્રેમમાં પાડી દે એવી મજાની રચના.

Comments (6)

बझम-ए-उर्दू : 10 : गुलों में रंग भरे – फ़ैज़ अहमद फ़ैज़

“લયસ્તરો”ની દસમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આજે આ દસમી અને આખરી ઉર્દૂ ગઝલ…

*

गुलों में रंग भरे, बाद-ए-नौबहार चले
चले भी आओ कि गुलशन का कारोबार चले

ફૂલોમાં રંગ આવે, નવી વસંતનો પવન પ્રસરે, ચાલ્યા પણ આવો કે આ બાગનો કારોબાર ચાલે..[જીવનના બાગમાં નવી વસંત તો તારા આગમનથી જ સંભવ છે]

क़फ़स उदास है यारो, सबा से कुछ तो कहो
कहीं तो बहर-ए-ख़ुदा आज ज़िक्र-ए-यार चले

દોસ્તો, કેદખાનું ઉદાસ છે, હવાને કંઈક તો કહો; ખુદાને ખાતર ક્યાંક તો આજે યારનો ઉલ્લેખ થાય… [કાયાના કેદખાનામાં શ્વાસનો પવન પણ જો પ્રિયતમાની વાત લઈને આવે તો ઉલ્લાસ થાય]

कभी तो सुब्ह तेरे कुंज-ए-लब से हो आग़ाज़
कभी तो शब सर-ए-काकुल से मुश्क-ए-बार चले

ક્યારેક તો સવારની શરૂઆત તારા હોઠના કુંજાથી થાય, ક્યારેક તો રાત વાંકડિયા ઝુલ્ફની ખુશબોથી તર થઈ રહે… [સંભોગશૃંગારરસથી ભર્યોભાદર્યો શેર]

बड़ा है दर्द का रिश्ता, ये दिल ग़रीब सही
तुम्हारे नाम पे आयेंगे ग़मगुसार चले

દર્દનો સંબંધ મોટો છે, ભલે આ દિલ ગરીબ કેમ ન હોય, તારા નામ પર દુઃખભંજકો આવી રહેશે… [જેમ અંધારું અલગ અલગ વસ્તુઓના અસ્તિત્વને ઓગાળીને એક કરી દે છે એમ જ દુઃખ-દર્દ માણસોને એકમેક સાથે જોડી દે છે.]

जो हम पे गुज़री सो गुज़री मगर शब-ए-हिज्राँ
हमारे अश्क तेरी आक़बत सँवार चले

હે વિરહ રાત્રિ ! અમારા પર જે વીત્યું એ વીત્યું પણ અમારા આંસુ તારું ભવિષ્ય સજાવી ગયા. [પ્રેમીની બરબાદી જ વિરહની રાત્રિનો સાચો શૃંગાર છે.]

हुज़ूर-ए-यार हुई दफ़्तर-ए-जुनूँ की तलब
गिरह में लेके गरेबाँ का तार तार चले

પ્રિયતમાની હાજરીમાં બેસુમાર ઝનૂનની તલપ થઈ પણ ખિસ્સામાં કોલરના તાર-તાર લઈને ચાલ્યા [પ્રિયજનની ઉપસ્થિતિમાં પ્રેમના ઉન્માદની ને પ્રેમીની પ્રતિષ્ઠા (કોલર) બિચારાની શી કિંમત?!]

मक़ाम ‘फैज़’ कोई राह में जचा ही नहीं
जो कू-ए-यार से निकले तो सू-ए-दार चले

રસ્તામાં બીજો કોઈ વિસામો પસંદ જ ન આવ્યો. જો યારની ગલીમાંથી નીકળ્યા તો સીધા ફાંસીના માંચડા પર ચાલ્યા [દિલરૂબાની ગલી છોડવાનો બીજો મતલબ શો? મૃત્યુ જ સ્તો.]

– फ़ैज़ अहमद फ़ैज़

Comments (7)

बझम-ए-उर्दू : 09 : आदमी आदमी से मिलता है – ज़िगर मुरादाबादी

आदमी आदमी से मिलता है
दिल मगर कम किसी से मिलता है
[સીધી ને સટાક વાત. આપણે એકમેકને મળીએ તો છીએ પણ શું સાચા અર્થમાં?]

भूल जाता हूँ मैं सितम उस के
वो कुछ इस सादगी से मिलता है
[ફરી એકવાર res ipsa loquitar (સ્વયંસ્પષ્ટ) શેર.]

आज क्या बात है के फूलों का
रंग तेरी हँसी से मिलता है
[સૌંદર્યશૃંગારની પરાકાષ્ઠા.]

सिलसिला फ़ित्ना-ए-क़यामत का
तेरी ख़ुश-क़ामती से मिलता है
કયામતની મુસીબતનો સિલસિલો તારી સુડોળ કાયાને જઈ મળે છે [તારા સુંદર શરીરની સુડોળતા પોતે જ કંઈ કયામતથી કમ છે?!]

मिल के भी जो कभी नहीं मिलता
टूट कर दिल उसी से मिलता है
મળીને પણ જે કદી મળતો નથી, આ દિલ તૂટીને પણ એને જ જઈ મળે છે. [જિગર મુરાદાબાદી સરળ શેરોની હરીફાઈ માંડી બેઠા છે કે શું? પ્રથમ દૃષ્ટિએ સરળ ભાસતા આવા શેરને सहल-ए-मुम्तना અર્થાત ‘આભાસી સરળતા’ કહે છે.]

कार-ओ-बार-ए-जहाँ सँवरते हैं
होश जब बेख़ुदी से मिलता है
દુનિયાનો કારોબાર વધુ સારી રીતે ચાલશે જો હોંશ બેહોશીમાં ભળી જશે. [દુનિયાની સહુથી મોટી સમસ્યા એ માનવીનું કહેવાતું ડહાપણ જ છે. “નશામાં હોય છે સુખ દુખ જીવનના એક કક્ષા પર, શરાબીને જ આવે છે મજા સૂવાની રસ્તા પર” (મરીઝ). ગાલિબ પણ યાદ આવે: अच्छा है दिल के पास रहे पास्बान-ए-अक़्ल, लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे।]

रुह को भी मज़ा मोहब्बत का,
दिल की हम-साएगी से मिलता है
આત્માને પણ મહોબ્બતની મજા પાડોશી દિલના કારણે જ આવે છે.[નિરંતર આરોહ-અવરોહવાળું દિલ પાસે છે એટલા માટે જ આપણને પ્રેમ કરવાની મજા આવે છે]

– जिगर मुरादाबादी

Comments (8)

बझम-ए-उर्दू : 08 : आग़ाज़ तो होता है अंजाम नहीं होता – मीना कुमारी

आग़ाज़ तो होता है अंजाम नहीं होता
जब मेरी कहानी में वो नाम नहीं होता

जब ज़ुल्फ़ की कालक में घुल जाए कोई राही
बदनाम सही लेकिन गुमनाम नहीं होता

हँस हँस के जवाँ दिल के हम क्यूँ न चुनें टुकड़े
हर शख़्स की क़िस्मत में इनआम नहीं होता

दिल तोड़ दिया उस ने ये कह के निगाहों से
पत्थर से जो टकराए वो जाम नहीं होता

दिन डूबे है या डूबी बारात लिए कश्ती
साहिल पे मगर कोई कोहराम नहीं होता

– मीना कुमारी

आग़ाज़ – શરૂઆત; अंजाम – અંત; कालक – ઘટા; कोहराम – કલ્પાંત

મીનાકુમારીનાં અવાજમાં એમની આ ગઝલ માણો:

૧૯૩૨માં જન્મેલા અભિનેત્રી મીનાકુમારી (જેમનું ખરું નામ મહજબી હતું)ના ચહેરાની ભીતર એક કવયિત્રીનો ચહેરો પણ હતો એ વાત બહુ ઓછા લોકો જાણતા હતા. પોતાની જાત નિચોવીને રંગમંચના રૂપેરી પડદાને સોનેરી બનાવનાર ‘ટ્રેજેડી ક્વીન’ મીનાકુમારીનું અંગત જીવન પણ એક ટ્રેજેડી જ હતું. એમનાં જ શબ્દોમાં કહીએ તો – “તુમ ક્યા કરોગે સુનકર મુજસે મેરી કહાની, બેલુત્ફ જિંદગી કે કિસ્સે હે ફિક્કે ફિક્કે.” ફિલ્મો માટે સર્વશ્રેઠ અભિનેત્રીના એવોર્ડ વારંવાર મેળવનાર મીનાકુમારીના હાસ્યને પિતા સહિત અનેકાનેક સ્વાર્થી પુરુષોના ચહેરાઓએ બાળપણથી જ છીનવી લીધેલું. નિર્દેશક કમલ અમરોહી સાથેના દસ વર્ષના નિષ્ફળ લગ્નજીવનની વેદના અને અન્ય અભિનેતા સાથેના સંબંધોની ચર્ચાના આઘાતને લીધે શરાબમાં ડૂબીને માત્ર ચાળીસ વર્ષની વયે શાશ્વત અતૃપ્ત પ્રેમની ઝંખના અને તરસને લઈને ૧૯૭૨માં મૃત્યુની ગોદમાં જતા રહ્યા.

તેઓ ‘નૂર’ નામે ઉર્દૂ-હિન્દી કવિતાઓ લખતા. મહજબીની કલમમાંથી અભિનેત્રી મીનાકુમારીના આંસુ ટપકતાં હતાં. એમણે પોતાની અંદર કવયિત્રી અને અભિનેત્રીનાં અસ્તિત્વની અભિન્નતા કાયમ જાળવી રાખેલ. એમની 250 અંગત કવિતાઓમાંથી થોડી નઝમો, ગઝલો અને શેરોને વણીને ફિલ્મ લેખક અને નિર્દેશક ગુલઝરે પ્રગટ કરેલો એમનો એકમાત્ર મરણોતર કાવ્યસંગ્રહ એટલે ‘મીનાકુમારીકી શાયરી’.  અહીં પ્રસ્તુત સીધી અને સરળ ગઝલને સમજાવવાની જરૂર જ ક્યાં છે! હા, આ ગઝલની જેમ જ એમની અન્ય ગઝલો પણ એમનાં હૃદયની વેદનાથી એવી ભરપૂર છે કે એ વેદનાને પ્રત્યેક વાચક-ભાવકનું હૃદય અચૂક અનુભવી શકે છે.

Comments (4)

बझम-ए-उर्दू : 07 : कू-ब-कू फैल गई बात शनासाई की – परवीन शाकिर

कू-ब-कू फैल गई बात शनासाई की
उस ने ख़ुशबू की तरह मेरी पज़ीराई की

कैसे कह दूँ कि मुझे छोड़ दिया है उस ने
बात तो सच है मगर बात है रुस्वाई की

वो कहीं भी गया लौटा तो मिरे पास आया
बस यही बात है अच्छी मिरे हरजाई की

उस ने जलती हुई पेशानी पे जब हाथ रखा
रूह तक आ गई तासीर मसीहाई की

तेरा पहलू तेरे दिल की तरह आबाद रहे
तुझ पे गुज़रे न क़यामत शब-ए-तन्हाई की

अब भी बरसात की रातों में बदन टूटता है
जाग उठती हैं अजब ख़्वाहिशें अंगड़ाई की

– परवीन शाकिर

(कू-ब-कू – ચોતરફ; शनासाई – ઓળખાણ, મુલાકાત; पज़ीराई – સ્વીકાર; रुस्वाई – બદનામી;शब-ए-तन्हाई – ઘોર એકલતા; पेशानी – કપાળ, the forehead, तासीर – અસર, ખાસિયત; मसीहाई – સંજીવની શક્તિ; पहलू = પડખું; शब-ए-तन्हाई = એકલતાની રાત)

Parveen Shakir’s recitation:

Raj Kumar Rizvi

MEHDI HASSAN

મુલાકાતથી શરૂ થઈને વિરહ તરફ લઈ જતી આ ગઝલ વાચકને પણ ઘોર એકલતાનો ‘સ્પર્શ’ કરાવી જાય છે. પ્રિયજનનું ફરીફરીને ફરી પોતાની પાસે જ આવવાનાં હરખનું ખોખલું આશ્વાસન.. તો પોતે ત્યજાવાનું દર્દ સહન કરીને પણ એ માટે પ્રિયજનને બદનામ ન કરવાની જીદ… પોતાને મળેલી ઘોર એકલતા એને ન મળે એવી પ્રાર્થના…. છતાં અધૂરી ઈચ્છાઓની અંગડાઈ. પરવિનની ઘણી વૈવિધ્ય અને વિશિષ્ટતાથી ભરપૂર ગઝલોમાંની એક ગઝલ.

પાકિસ્તાનની બહુ મોટા ગજાની કવયિત્રી એટલે પરવીન શાકીર (1952-1994). શબ્દથી અતિ મુલાયમ પણ મિજાજથી અતિ મજબૂત પરવીન શાકિરે માત્ર ૨૪ વરસની ઉંમરે ગઝલપ્રેમીઓને એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ખુશબૂ’ આપ્યો હતો. ત્યારબાદ ‘સદબર્ગ’, ‘ખુદ ગુલામી’, ‘માહ-એ-તમામ’ જેવા અન્ય સંગ્રહો પણ આપ્યા હતા. સર્જંનક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર શાકિર પોતાના રૂઢિચુસ્ત વાતાવરણથી સાવ અળગા અને ઘણા આગળ હતા. એમણે અંગ્રેજી સાથે એમ.એ., પીએચ.ડી. કર્યા બાદ નવ વર્ષ અધ્યાપન કરીને પછી કસ્ટમ વિભાગમાં જોડાયેલા. પરવિને ગઝલ-નઝમને અપનાવીને સ્ત્રી-સર્જક તરીકે પોતાના યુગનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પરવીન શાકીર પાકિસ્તાન સરકારનાં સિવિલ સર્વન્ટ હતાં, જેનું ઇસ્લામાબાદ જતાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે અસત્યના ફરિસ્તાઓએ પરવીનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. કદાચ એટલે જ એમણે એવું લખ્યું હશે કે ‘હું સત્ય બોલીશ છતાંય હું હારી જઈશ એ ખોટું બોલશે તો પણ અસત્યને લાજવાબ કરી દેશે.’

પરવીન કવિતા લખતી ન્હોતી, કવિતા જીવતી હતી. પરવીન એવી કેટલાક સ્ત્રીસર્જકોમાંની એક છે કે જેમણે શબ્દને સાધન બનાવીને પોતાના અસ્તિત્વનો અધિકાર માંગ્યો છે. લાગણી વ્યક્ત કરવી એ સ્ત્રી માત્ર માટે સહજ બાબત છે જે એમના સર્જનમાં પણ ખૂબ જ સ્વાભાવિકતાથી ભારોભાર રેલાય છે. આ લાગણી એટલે ફક્ત પ્રેમ કે પીડા નહીં, પરંતુ ક્રોધ, નિરાશા, વિરહ, વિદ્રોહ કે વિક્ષિપ્ત મનોદશા. સ્વાભાવિકપણે જ સ્ત્રીસંવેદના એ એમની કવિતાનું કેન્દ્રબિંદુ રહ્યું છે. આ કહેવાતી વિદ્રોહી કવયિત્રી ધર્મની સંકુચિત માન્યતામાંથી પોતાને અળગી રાખીને ગોપીભાવે લખે છે- “યે હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા, યું સતાને કી આદત તો મેરે ઘનશ્યામ કી થી.”

Comments (3)

बझम-ए-उर्दू : 06 : मिर्ज़ा ग़ालिब

सब कहाँ, कुछ लाल:ओ-गुल मे नुमायाँ हों गयीं
खाक में क्या सूरतें होंगी, कि पिन्हाँ हो गयीं।

માત્ર મુઠ્ઠીભર સુંદરતા પુષ્પો-ગુલાબના સ્વરૂપે માટીની બહાર ડોકિયું કરીને વસુંધરામાં સમાવિષ્ટ અદભૂત સુંદરતાની એક માત્ર આછેરી ઝાંખી આપે છે. આ ઝાંખી જ જો આટલી અદભૂત છે તો માટીમાં કેટકેટલી સુંદરતા ધરબાયેલી પડી હશે !!

याद थी, हम को भी, रंगारंग बज़्म-आराइयाँ,
लेकिन अब नक्शो-निगारे-ताके-निसियाँ हो गयीं।

કોઈ એ પણ સમય હતો કે જયારે અમને પણ રંગીન મેહફિલો અને સુંદરીઓના સહવાસની આદત હતી, પરંતુ હવે એ બધી શોભા કરોળિયાના જાળાનું સ્વરૂપ લઇ ચૂકી છે [ આ ભાવાર્થ છે,શબ્દાર્થ નથી]

थीं बनातुलनांश-ए-गरदूँ, दिन को परदे में निहाँ
शब को उनके जी में क्या, आयी , कि उरियाँ हों गयीं।

સાત સહેલીઓ [ સપ્તર્ષિ ] ની લુચ્ચાઈ તો જુઓ ! આખો દિવસ પરદા પાછળ છૂપી રહે છે અને રાત્રે નગ્ન થઈ જાય છે ! [ અહી ઈશારો જાહેરમાં-દિવસના અજવાળે- અલગ અને રાત્રિના અંધકારમાં અલગ જીવન જીવનાર વ્યક્તિઓ તરફ છે]

कैद मे याकूब ने ली, गो, न यूसुफ़ की खबर,
लेकिन आँखे रौजन-ए-दीवार-ए-ज़िन्दाँ हो गयीं।

યાકૂબ પોતાના પુત્ર યુસુફને એ રીતે ચાહતા જે રીતે દશરથ રામને. પુત્રવિરહમાં તેઓ અંધ થઇ ગયા હતા. આ સંદર્ભમાં આ શેર છે – અંતર અને દુર્બળતાવશ યાકૂબ પોતાના પ્રાણપ્યારા પુત્રને જોવા કેદ્ખાનાની કાળકોઠરી સુધી ન પહોચી શક્યા, પરંતુ રડતા રડતા અંધ બનેલા નેત્રો એ કાળકોઠરીના ઝરોખા બનીને અપ્રત્યક્ષરૂપે યુસુફને નિહાળતા રહ્યાં .

सब रक़ीबों से हों नाखुश, पर ज़नान-ए-मिस्र से,
है ज़ुलैख़ा खुश, कि मह्व-ए-माह-ए-कनआँ हो गयीं।

મિસ્રની એક વસાહતનું નામ તે કનઆ. ત્યાં યુસુફ રહેતો . તે એટલો સુંદર હતો કે સમગ્ર મિસ્રની યુવતીઓ એના પર મુગ્ધ હતી. મિસ્રની રાજકુમારી ઝુલેખા પણ ! આ સંદર્ભમાં ગાલિબ ફરમાવે છે – સામાન્ય રીતે સ્ત્રીઓ સોતનથી પરેશાન ,પરંતુ કનઆ ના ચંદ્ર [યુસુફ]ની ચકોરીઓથી ઝુલેખા જરાય નારાજ નથી,બલકે પ્રસન્ન છે. [ અહીં શુદ્ધ પ્રેમ અને શુદ્ધ સૌન્દર્યની અદભૂતતાની વાત કહેવાઈ છે ]

जू-ए-खूं आँखों से बहने दो, कि है शामे-फ़िराक,
मैं यह समज़ूंगा, कि शमएँ दो फ़रोज़ाँ हो गयीं।

વિયોગની સંધ્યા સુદ્ધાં એટલી કાળીડિબાંગ છે તો રાત કેવી હશે ! આથી આ આંખોમાંથી લોહીરૂપી કિરણોને વછૂટવા દો…..હું એમ સમજીશ કે બે મીણબત્તીઓ પ્રગટી ઉઠી છે….. [ શું અંદાઝે બયાં છે ! ]

इन परिजादों से लेंगे खुल्द में हम इन्तक़ाम,
कुदरत-ए-हक- से, यही हूरें अगर वाँ हों गयीं।

અહીં વક્રોક્તિ જુઓ – આ લોકની સુંદરીઓ જો પોતાના કર્મબળે સ્વર્ગની પરીઓ બની તો અમે ત્યાં-સ્વર્ગમાં- એ લોકો સાથે બધી કસર પૂરી કરીશું….ખૂબ બદલો લઈશું [ અમારું સ્વર્ગમાં જવું તો નક્કી જ છે…આ સાલ્લીઓ જે અમને અહીં ભાવ નથી આપતી તેઓની ત્યાં વાત છે !!!!! ]

नींद उसकी है, दिमाग उसका है, रातें उसकी है,
तेरी ज़ुल्फ़ें, जिसकी बाज़ू पर परीशाँ हो गयीं।

સૌન્દર્યરસ નો શેર છે આ…. परीशाँ = વિખેરાઈ જવી

मैं चमनमें क्या गया,गोया दबिस्ताँ खुल गया,
बुलबुलें सुनकर मेरे नाले, ग़ज़ल-ख्वाँ हो गयीं।

મેં બગીચામાં પગ શું મૂક્યો કે જાણે ત્યાં પાઠશાળા ખૂલી ગઈ !!! મારા આર્તનાદ સાંભળીને બધી બુલબુલો ગઝલગાયિકા બની ગઈ !!! [ અતિશયોક્તિ અલંકાર ]

वह निगाहें क्यों हुई जाती है,या रब ! दिल के पार,
जो मेरी कोताहि-ए-किस्मत से मिज़गाँ हो गयीं।

આ મારું દુર્ભાગ્ય છે કે સદભાગ્ય !! જે નજરો મારી સામે લજ્જાથી નીચી થઇ ગઈ છે એમ હું માનું છું તેનો પ્રભાવ પણ સ્નેહભર્યાં તારામૈત્રકથી લગીરે કમ નથી !!!

बस कि रोका मैंने और सीने में उभरी पै-ब-पै !
मेरी आहें बखिय:-ए-चाके-गरेबाँ हो गयीं।

મારાં આર્તનાદોને મેં જેટલા છાતીમાં ધરબી દેવાની કોશિશ કરી તેટલા જ તે છાતી ઉપર વારંવાર ઉભરી આવ્યા ! જાણે કે મારા વીંધાઈ વીંધીને ચાળણી થઇ ગયેલી છાતી માટે તે સિલાઈના ટાંકા સમાન બની ગઈ !!

वाँ गया भी मैं, तो उनकी गालियों का क्या जवाब,
याद थी जितनी दुआऐं, सर्फ़-ए-दरबाँ हो गयीं।

પ્રિયાને મળવા ગયો દિલમાં દુઆઓ લઈને . ત્યાં દરવાનને બક્ષીસમાં જ એ બધી દુઆ આપી દેવી પડી….પછી અંદર પ્રવેશ મળ્યો . અંદર મારી બધી જ દુઆઓ ખલાસ થઇ ગઈ હતી અને મને ત્યાં જે ગાળ ઉપર ગાળ પડી છે કે વાત ન પૂછો ! [ વ્યંગાત્મક શૈલીના આ શેરમાં એક જુદા જ ગાલિબ દ્રષ્ટિગોચર થાય છે.]

जाँ-फिज़ा है बाद:, जिसके हाथ में जाम आ गया,
सब लकीरें हाथ की, गोया रगे-जाँ हो गयीं।

શરાબ એટલી અદભૂત ચીજ છે કે શરાબનો પ્યાલો જે હાથમાં પકડવામાં આવે છે તે હાથની લોહીની નસો હૃદયની મુખ્ય ધમની સમાન થઇ જાય છે. [ અહીં પણ રૂપકની બુલંદી જુઓ ! ]

हम मुव्वहिद हैं, हमारा केश है, तर्क-ए-रसूम
मिल्लतें जब मिट गई, अजज़ा-ए-ईमाँ हों गयीं।

હું એકેશ્વરવાદી છું. મારો ધર્મ છે વિવિધ પંથો-સમ્પ્રદાયોને સમાપ્ત કરવા. જેવા તે સમાપ્ત થશે તેવા જ તે સૌ સાચા ધર્મના અંશ બની જશે. [ એક મત અનુસાર આ શેર આ ગઝલનો નથી. ]

रंज से ख़ूगर हुआ इन्साँ तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ी, इतनी कि आसाँ हों गयीं।

શિરમોર – અદભૂત- જબરદસ્ત શેર !!! આ વાત આપણે સૌએ અનુભવી જ હશે – વ્યક્તિ દુઃખોથી અભ્યસ્ત થઇ જાય એટલા દુઃખ જયારે એના પર પડે ત્યારે દુઃખ એની ચોટ-ધાર-અસરકારકતા ગુમાવી બેસે છે. મારા પર એટલી બધી વિપદાઓ પડી કે હવે એ સૌ આસન થઇ ગઈ છે.

આ એક Psychological fact છે. આ વાત અન્ય સંદર્ભોમાં પણ સાચી હોય છે. અમે જયારે MBBS માં હતા ત્યારે exam ના બે-ચાર દિ પહેલા અચૂક આ શેર યાદ કરતા !!!!

यों ही गर रोता रहा ‘ग़ालिब’, तो ऐ अह्ल-ए-जहाँ !
देखना इन बस्तियों को तुम, कि वीराँ हों गयीं।

જો ગાલિબ આ જ રીતે રડતો રહ્યો અને આંસુઓનો ધોધ વહાવતો રહ્યો તો જોતા રહેજો…..આ ઘોડાપૂર બધું જ વેરાન કરી દેશે…..

– मिर्ज़ा ग़ालिब

આ ગઝલનો પ્રત્યેક શેર મોટાભાગના ગુજરાતી વાચકોને clean bowled કરવા માટે પૂરતો છે ! આ ગઝલ પસંદ કરવાનું કારણ એ કે આમાં ગાલિબની સર્જકતાના અનેક પાસાઓ સુપેરે ઉજાગર થાય છે. સંપૂર્ણ ગાલિબની આછેરી ઝાંખી મળી રહે છે.

Comments (5)

बझम-ए-उर्दू : 05 : मिर्ज़ा ग़ालिब

मेहरबां होके बुला लो मुझे चाहो जिस वक़्त
मैं गया वक़्त नहीं हूँ के फिर आ भी न सकूँ।

મહેરબાન થઈને મને કોઇપણ વખતે બોલાવો…. હું કંઈ વીતી ગયેલો સમય નથી કે પાછો આવી ન શકું.

ज़ोफ़ में तान:-ए-अग़यार का शिकवा क्या है
बात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ ?

દારુણ દુર્દશામાં દુશ્મનના વ્યંગબાણોની શું ફરિયાદ કરવી !! હું કોઈક વાત ઉઠાવીશ અને દુશ્મનોના વ્યંગબાણોનો શિકાર બની જઈશ એ ડરે વાત જ ન ઉઠાવવી એ કેટલુંક યોગ્ય છે ? વાત એ કંઈ માથું તો નથી જ કે જે હું ઉઠાવી ન શકું !!

ज़हर मिलता ही नहीं मुझको सितमगर वर्न:
क्या क़सम है तेरे मिलने की कि खा भी न सकूँ।

ઝેર મળતું નથી મને ઓ નિર્દય ! …..નહિતર એ કઈ તારા મળવાના સોગંદ છે કે જે ખાઈ પણ ન શકું !!

– मिर्ज़ा ग़ालिब

મારે ભાવકોને બે ગાલિબનો પરિચય કરાવવો છે – ગાલિબ દુર્બોધ શાયર તરીકે પ્રખ્યાત છે…..ભાગ્યે જ એની કોઈ ગઝલ આખી સમજાય . ઉપરોક્ત ગઝલ પ્રમાણમાં ઘણી જ સરળ ગઝલ છે છતાં તેમાં રહેલી ચમત્કૃતિ – અંદાઝે બયાં ની બળકટતા જુઓ !! પહેલો શેર એ શેર છે જેણે મને ગાલિબના પ્રેમમાં પાડી દીધો હતો. ગાલિબની ખૂબી હતી તેની વક્રવાણી અને એક જ તીર થી અનેક નિશાન સાધવાની નિપુણતા. ગાલિબની કઠિનતાનું કારણ એ છે કે તેઓ ઘણીવાર સંસ્કૃત કરતાં પણ જડબાતોડ જોડણીઓ વાપરે છે અને તેઓના બયાનમાં અરબી અને ફારસીની પણ છાંટ હોય છે. તેઓ અરબી અને મુસ્લિમ દંતકથાઓમાંથી રૂપક વાપરે છે જેનાથી આપણે સ્વાભાવિક રીતે સાવ અનભિજ્ઞ જ હોઈએ. વળી તેમાં તેઓની પ્રખર બુદ્ધિપ્રતિભા ઉમેરાય ! દર્શનનું અગાધ ઊંડાણ ઉમેરાય ! મારા નમ્ર મતે ગાલિબનો IQ તમામ શાયરોમાં ઉચ્ચતમ હશે.

બીજી ગઝલ જે હું પ્રસ્તુત કરીશ તે તેઓના લાક્ષણિક અંદાઝની અત્યંત કઠિન ગઝલ હશે અને આપણે એની સુંદરતા અને ગહેરાઈ માણીશું.

Comments (3)

बझम-ए-उर्दू : 04 : अल्लामा इक़बाल

सख्तियाँ करता हूँ दिल पर, ग़ैर से ग़ाफ़िल हूँ मैं
हाए क्या अच्छी कही ज़ालिम हूँ मैं , जाहिल हूँ मैं

મારા હૃદય પર હું કડક અંકુશ રાખું છું, અન્યો પરત્વે ક્ષમાશીલ [ ग़ाफ़िल નો એક અર્થ ] છું,
વાહ ! શું વાત કરી તમે ! હું જાલિમ ! અરે હું તો નાદાન છું……

मैं अभी तक था कि तेरी जलवा पैराई न थी
जो नमूदे हक़ से मिट जाता है वो बातिल हूँ मैं

જ્યાં સુધી મમત્વ-અહં હતો ત્યાં સુધી તારા દર્શન માત્ર થી ભવપાર થઇ જવાની કોઈ શક્યતા જ ન હતી
સત્યના પ્રાકટ્ય સાથે જે નષ્ટ થાય છે તે મિથ્યા અહં છું હું…..

इल्म के दरिया से निकले ग़ोताज़न गौहर बदस्त
वाए महरूमी ! ख़ज़फ चैने लबे साहिल हूँ मैं

જ્ઞાનના સાગરમાંથી મરજીવા હાથમાં મોતી લઇ નીકળ્યા,
હાય દુર્ભાગ્ય ! હું તો કિનારે પડેલું એક ઠીકરું છું….

है मिरी ज़िल्लत ही कुछ मेरी शराफत की दलील
जिसकी ग़फ़लत को मुल्क रोते हैं वो ग़ाफ़िल हूँ मैं

મારી નામોશી એ જ મારી શરાફતની દલીલ છે
હું એ જ ગાફિલ છું જેની ગફલતને કારણે આખો મુલક રડે છે. [ ગાફિલ અને ગફલત શબ્દના એક થી વધુ અર્થ લઇ શકાય .]

बज़्मे हस्ती ! अपनी आराइश पे तू नाज़ाँ न हो
तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं

હે અસ્તિત્વની મહેફિલ ! તારી જાહોજલાલી ઉપર તું ગર્વિત ન થા
તું તો મહેફિલની તસ્વીર માત્ર છે – હું મહેફિલ સ્વયં છું.

ढूँढता फिरता हूँ ऐ इक़बाल अपने आप को
आप ही गोया मुसाफ़िर, आप ही मंज़िल हूँ मैं

ઇકબાલ પોતાની જાતને શોધતો ફર્યા કરે છે
હું પોતે જ જેમ કે મુસાફર અને હું પોતે જ મંઝીલ છું.

– अल्लामा इक़बाल

અલ્લામા ઇકબાલ કદાચ ભારતના સૌથી વધુ અવગણના પામેલા શાયર છે – થોડુક એમની કઠિનતાને લીધે અને થોડુક એમની પાકિસ્તાનના સર્જન માટેની તરફદારી ને લીધે . ઇકબાલનું નામ પણ લેવું એ આઝાદીની આસપાસના દાયકાઓમાં politically incorrect ગણાતું . ‘ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ના રચયિતાને ભારતે પ્રયત્નપૂર્વક ભૂલાવી દીધા છે, પરંતુ ‘વોહ શમા ક્યા બુઝે જિસે રોશન ખુદા કરે…….’

ઇકબાલ એ એક માત્ર શાયર છે કે જેઓ દર્શનની એ ઊંડાઈ ધરાવે છે કે જેથી તેઓ ગાલિબ સામે ટક્કર લઇ શકે. જીતે કોણ તે તો ભાવકો જ નક્કી કરી શકે, પરંતુ મુકાબલો જબરદસ્ત થાય.

ઉપરોક્ત ગઝલમાં અનુવાદ કરવાનો કોઈ જ પ્રયાસ નથી-માત્ર સરળ ગુજરાતી સમજૂતી છે. પ્રત્યેક શેરની ગહેરાઈ જુઓ ! સરળ વાચ્યાર્થ આપ્યા બાદ ખાસ કોઈ ટિપ્પણની જરૂર રહેતી નથી. બીજો, પાંચમો અને છઠ્ઠો શેર આ શાયરને અમર બનાવવા પૂરતા છે.

પાંચમાં શેર ને જરાક માણીએ – અહીં તત્વજ્ઞાનની એક થીઅરી બે જ લીટીમાં કહેવાઈ છે – વિશ્વનું હોવું એ મારા હોવાને secondary છે….. ગાલિબને યાદ કરો – ‘ ન હોતા મૈ તો ક્યાં હોતા ?’

Comments (4)

बझम-ए-उर्दू : 03 : न किसी की आँख का नूर हूँ – बहादुर शाह ज़फ़र

IMG_0055

न किसी की आँख का नूर हूँ न किसी के दिल का क़रार हूँ
जो किसी के काम न आ सके मैं वो एक मुश्‍त-ए-गुब़ार हूँ

न तो मैं किसी का हबीब हूँ न तो मैं किसी का रक़ीब हूँ
जो बिगड़ गया वो नसीब हूँ जो उजड़ गया वो दयार हूँ

मेरा रंग रूप बिगड़ गया मेरा यार मुझ से बिछड़ गया
जो चमन ख़िज़ाँ से उजड़ गया मैं उसी की फ़स्ल-ए-बहार हूँ

पए फ़ातिहा कोई आए क्यूँ कोई चार फूल चढ़ाए क्यूँ
कोई आ के शम्मा जलाए क्यूँ मैं वो बे-कसी का मज़ार हूँ

मैं नहीं हूँ नग़मा-ए-जाँ-फज़ा मुझे सुन के कोई करेगा क्या
मैं बड़े बिरोग की हूँ सदा मैं बड़े दुखी की पुकार हूँ

– बहादुर शाह ज़फ़र

આ ગઝલ એ હ્રદયમાંથી નીકળેલી તીણી ચીસ સમાન છે. છેલ્લા મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના ભાગે મુગલ સલ્તનતનો અસ્ત જોવાનું આવેલું. એની મનોસ્થિતિને ગઝલ બરાબર બંધ બેસે છે. જો કે આ ગઝલ મુજ્તર ખૈરાબાદીએ લખેલી હોવાનું પણ કહેવાય છે. હકીકત જે હોય તે, પણ આ ગઝલ ઉમદા કારીગરીનો નમૂનો છે એમા કોઇ બે મત નથી.

मुश्त-ए-ग़ुबार = મુઠ્ઠીભર ધૂળ, हबीब = સાથીદાર, दयार = બગીચો, फ़स्ल-ए-बहार = વસ્ંત ઋતુ, पए-फ़ातेहा = કબર પર મૃતકના આત્માની શાંતિ માટે કરાતી પ્રાર્થના, नग़मा-ए-जाँ-फज़ा = આનંદદાયક ગીત, बिरोग = વિયોગ, सदा = ચીસ.

આ ગઝલની કલીપ ‘લાલ કિલા’ ફિલ્મમાંથી. સ્વરઃ મોહમદ રફી.

Comments (8)

बझम-ए-उर्दू : 02: अब के हम बिछड़े तो – अहमद फ़राज़

IMG_9539

अब के हम बिछड़े तो शायद कभी ख़्वाबों में मिलें
जिस तरह सूखे हुए फूल किताबों में मिलें

ढूँढ उजड़े हुए लोगों में वफ़ा के मोती
ये ख़ज़ाने तुझे मुम्किन है ख़राबों में मिलें

तू ख़ुदा है न मेरा इश्क़ फ़रिश्तों जैसा
दोनों इंसाँ हैं तो क्यों इतने हिजाबों में मिलें

ग़म-ए-दुनिया भी ग़म-ए-यार में शामिल कर लो
नश्शा बढ़ता है शराबें जो शराबों में मिलें

आज हम दार पे खेंचे गये जिन बातों पर
क्या अजब कल वो ज़माने को निसाबों में मिलें

अब न वो मैं हूँ न तू है न वो माज़ी है “फ़राज़”
जैसे दो शख़्स तमन्ना के सराबों में मिलें

– अहमद फ़राज़

આજનો અવસર ખાસ છે તો આસ્વાદ પણ ખાસ રીતે. આજે વાંચવાને બદલે સાંભળો આસ્વાદ!

મેંહદી હસનના અવાજમાં ગઝલઃ

આ પણ એમનો જ અવાજ છે પણ આ છે ફિલ્મી વર્ઝનઃ

ख़राबों = શરાબખાનુ, हिजाबों = પડદાઓ, ग़म-ए-दुनिया = દુનિયાદારીનુ દુઃખ, ग़म-ए-यार = પ્રેમનું દુઃખ, दार = (ફાંસીએ ચડાવવાની) શૂળી, निसाबों = પાઠ્યક્રમ, સિલેબસ, माज़ी = ભૂતકાળ, सराबों = ઝાંઝવા.

Comments (9)

बझम-ए-उर्दू : 01: मीर तक़ी ‘मीर’

કવિમિત્રો અને વાચકમિત્રોના સ્નેહની આંગળી પકડીને “લયસ્તરો” હવે અગિયારમા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આજથી ફોર-એ-ચેઇન્જ ઉર્દૂ ગઝલોનો જાયકો માણીએ:

*


​(ગાયક: ફરીદા ખાનમ)

*

हस्ती अपनी हबाब की-सी है
ये नुमाइश सराब की-सी है

नाज़ुकी उस के लब की क्या कहिये
पंखड़ी इक गुलाब की-सी है

चश्म-ए-दिल खोल उस भी आलम पर
याँ की औक़ात ख़्वाब की-सी है

बार बार उस के दर पे जाता हूँ
हालत अब इज़्तिराब की-सी है

नुक़्ता-ए-ख़ाल से तिरा अबरू
बैत इक इंतिख़ाब की-सी है

मैं जो बोला कहा कि ये आवाज़
उसी ख़ाना-ख़राब की-सी है

आतिश-ए-ग़म में दिल भुना शायद
देर से बू कबाब की-सी है

देखिए अब्र की तरह अब के
मेरी चश्म-ए-पुर-आब की-सी है

‘मीर’ उन नीम-बाज़ आँखों में
सारी मस्ती शराब की सी है

– मीर तक़ी ‘मीर’
(1722-1810)

(हबाब = बुलबुला; नुमाइश = दिखावा; सराब = मरीचिका; लब = होंठ; चश्म = आँख, आलम = संसार; इज़्तिराब = बेचैनी; नुक़्ता-ए-ख़ाल = त्वचा उपर का चिह्न, सौंदर्यनिशानी; अबरू = भ्रमर, भवाँ; बैत = शेर, घर; इंतिख़ाब = पसंदगी; ख़ाना-ख़राब = बरबाद; आतिश = अग्नि; अब्र = बादल; चश्म-ए-पुर-आब = अश्रु-भीनी आँख; नीम-बाज़ = अधखुली)

અલગ અલગ શેરમાં કવિ જિંદગીના અલગ અલગ ફોટોગ્રાફ ખેંચી આપે છે. પરપોટા જેવી આપણી આ ક્ષણભંગુર હસ્તીનો દેખાડો મૃગજળથી વિશેષ શું છે? પ્રિયતમાના હોઠની નજાકતનો આ મેટાફર આજે તો ચવાઈ ગયેલો લાગે પણ ઉર્દૂ-રોમેન્ટિક યુગના પહેલા શાયર ગણાતા મીરનો આ શેર સૌંદર્યદર્શનનો સર્વકાલિન શ્રેષ્ઠ શેર ગણાય છે.
મીર કઈ કક્ષાના ગઝલકાર હતા એ તો બે મહાન ગઝલકારોએ આપેલી આ અંજલિ પરથી જ જાણી શકાશે:

रेख्ते के तुम ही उस्ताद नहीं हो ‘गालिब’,
कहते हैं अगले जमाने में कोई मीर भी था । (गालिब)

न हुआ पर न हुआ ‘मीर’ का अन्दाज़ नसीब,
‘ज़ौक़’ यारों ने बहुत ज़ोर ग़ज़ल में मारा । (ज़ौक़)

Comments (10)

‘લયસ્તરો’ : ૧૦મી વર્ષગાંઠ !

b97879

મારા માટે માનવું અઘરું છે કે લયસ્તરો આજે દસ વર્ષ પૂરા કરે છે. જે સફરમાં જ આનંદ હોય એમાં પછી પડાવનું મહત્વ ઓછું જ રહેતું હોય છે. પણ છતાંય… દસ વર્ષ ! બહુ લાંબો સમય છે દસ વર્ષ !

દસ વર્ષ પહેલા ઈન્ટરનેટ પર ગણી ગાંઠી ગુજરાતી વેબસાઈટ હતી. તો એમા કવિતાની વેબસઈટ તો ક્યાંથી હોય? બીજી વેબસાઇટ પર ગુજરાતી કવિતા ભાગ્યે જ વાંચવા મળે. ને વાંચવા મળે તો વતનથી દૂર આંખ ભરાઈ આવે અને મનઆનંદનો દરિયો થઈ જાય. આવા વખતે ‘લયસ્તરો’ની શરૂઆત કરેલી.

ધીરે ધીરે કરતા ‘લયસ્તરો’ એક વ્યસન થઇ ગયું. ચારે બાજુથી ગમતી કવિતાઓ શોધી શોધીને રજૂ કરવાનો નશો થતો ગયો. કવિતાનુ ઋણ ઓછુ કરવાનો આનાથી સારો કોઈ રસ્તો દેખાતો નહોતો. એટલે એ જ રસ્તે ચાલતો ગયો.

ને પછી તો ‘લયસ્તરો’ મહેફીલ થઇ ગઇ. દોસ્તો જોડાયા. વિવેક ‘લયસ્તરો’માં જોડાયો તે બહુ મોટું પગલું હતું. હું કવિતાનો માત્ર કાનસેન પણ વિવેક તો પોતે તાનસેન. એ પોતે કવિ. અને એનો લાભ ‘લયસ્તરો’ને અઢળક મળ્યો. પછી તો મોના જોડાઇ જે પણ પોતે કવિ. અને છેલ્લે તીર્થેશ પણ જોડાયો. ‘લયસ્તરો’ની ટીમ સધ્ધર થઈ ગઈ. કવિતા + દોસ્તો = અઢળક જલસો : આ સમીકરણ પર ‘લયસ્તરો’ તર થઇ ગયું.

ચાર વર્ષ પહેલા ઈન્ડિયાની ટ્રીપ પર વડોદરામાં એક બૂકસ્ટોરમાં હું ચોપડીઓ જોતો’તો. મારી પાછળ બે જણા વાત કરતા’તા. એક ભાઈને કોઇ કારણોસર અનિલ જોશીના શ્રેષ્ટ હોય એવા ચાર-પાંચ ગીતો જોઈતા હતા. એ માટે એ બીજા ભાઇને પૂછતો હતો. બીજા ભાઈએ એને જે જવાબ આપ્યો એ સાંભળીને મને આનંદ આનંદ થઈ ગયો બીજા ભાઇએ કહ્યું ‘લયસ્તરો.કોમ’ પર જાવ સારામાં સારા ગીતો તરત જ મળી જશે !

આજે ૩૨૦૦થી વધારે કવિતાઓ લયસ્તરોની મંજૂષામાં સચવાયેલી છે ને દુનિયાના ગમે તે ખૂણામાં હાથવગી છે. લોકો પ્રેમથી કવિતા માણે છે – મનભરીને માણે છે – કવિને દાદ આપે છે અને વતનથી દૂર પણ મા ગુર્જરીને સલામ કરી લે છે. એ બહુ મોટી વાત છે.

અત્યારે બધા કવિઓનો આભાર ન માનુ તો નગુણો જ ઠરું. શરૂઆતમાં લોકોએ ‘કોપીરાઇટ’ની વાત કરીને બહુ ડરાવેલો. વહેલા મોડા બધા કવિઓ આવીને તમારી ગરદન પકડશે એવું કહેતા. પણ કવિઓને સલામ કે દસ વર્ષમાં એક પણ કવિએ પોતાના રચના વહેંચવા માટે કદી ના નથી પાડી. કવિઓનું આ બહું મોટું ઋણ છે. આજે આ અવસરે બધાય ગુજરાતી કવિઓનો અમે ‘લયસ્તરો’ તરફથી અઢળક આભાર માનીએ છીએ.

દર વખતે ‘લયસ્તરો’ની વર્ષગાંઠ કંઇક નવું કરીને ઉજવીએ છે. આ વખતે પણ એવો જ વિચાર છે. આ વખતે એક અઠવાડિયું ઉર્દુ કવિતાનો આસ્વાદ કરીને ‘લયસ્તરો’ની વર્ષગાંઠ ઉજવવી છે. તો આવતી કાલથી શરૂ કરીશું એ સફર. ત્યાં સુધી અલવિદા !

Comments (30)

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ – સૌમ્ય જોશી

પઠન – સૌમ્ય જોશી

[audio:http://tahuko.org/gaagar/bhagvan_mahavir.mp3]

 

આ સ્યોરી કેવા આયો સું ન ઘાબાજરરિયું લાયો સું
હજુય દુઃખતું હોય તો લગાડ કોન પર ન વાત હોંભર મારી.
તીજા ધોરણમો તારો પાઠ આવ છ : ‘ ભગવોન મહાવીર’.
અવ ભા ના પાડતા’તા તોય સોડીન ભણાવા મેલી મોંડમોંડ.
તે ઈણે ઈસ્કૂલથી આઈને પથારી ફેવરી કાલ.
ડાયરેક્ટ ભાને જઈન કીધું
ક આપડા બાપ-દાદા રાક્ષસ તો મહાવીરના ભગવોનના કોનમાં ખીલા ઘોંચ્યા.
હવ ભાની પરશનાલિટી તન ખબર નૈ,
ઓંખ લાલ થાય એટલે શીધ્ધો ફેંશલો.
મને કે’ ઇસ્કૂલેથી ઉઠાડી મેલ સોડીન.
આ તારા પાઠે તો પથારી ફેરવી હાચ્ચન.
હવ પેલાએ ખીલા ઘોંચ્યા ઈ ખોટું કર્યું મુંય માનું સું.
પણ ઈન ઓછી ખબર હતી તું ભગવોન થવાનો
ને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો
ઈનું તો ડોબું ખોવાઈ જ્યું તો ગભરાઈ જ્યો બિચારો
બાપડાના ભા મારા ભા જેવા હશે
આ મારથી ચંદી ખોવાઈ જઈતી તો ભા એ ભીંત જોડે ભોંડું ભટકઈન બારી કરી આલી’તી ઘરમોં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારા લીધે
દિમાગ બરાબર તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા
વોંક ઈનો શી. હાડીહત્તર વાર ખરો
પણ થોડોક વોંક તારોય ખરોક નઈ ?
અવ બચારો ચ્યોંક જ્યો
તો બે મિનિટ આંશ્યું ફાડીન ઈનું ડોબું હાચવી લીધું હોત તો શું તું ભગવોન નો થાત ?
તારું તપ તૂટી જાત ?
અવ ઈનું ડોબુંય ઈનું તપ જ હતુન ભઈ ?
ચલો એય જવા દો
તપ પતાઈન મોટો મા’ત્મા થઈન બધાન અપદેસ આલ્વા મંડ્યો પસીય તન ઈમ થ્યું ક પેલાનું ડોબું પાસું
અલાઉં ?
તું ભગવોન , માર તન બઉ સવાલ નહીં પૂસવા
મુ ખાલી એટલું કઉસું ક વોંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીન પેલો પાઠ કઢાયન ચોપડીમથી
હખેથી ભણવા દેને મારી સોડીન
આ હજાર દેરાં શી તારાં આરસનાં તો એક પાઠ નઈ હોય તો કંઈ ખાટુંમોરું નઈ થાય.
તોય તન એવું હોય તો પાઠ ના કઢાઈસ બસ
ખાલી એક લીટી ઉમેરાય ઈમોં
ક પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ જ્યો સ,
ન ઘાબાજરિયું દઈ જ્યો સ.

– સૌમ્ય જોશી

કદાચ આમાં કાવ્ય ક્યાં છે એમ જરૂર કોઈ પૂછી શકે, પરંતુ જે છે તેની સુંદરતા તો જુઓ…….!

Comments (23)

બાપુ અને ઉદરશૂળ – રમેશ પારેખ

ફરાળ કર્યું બાપુએ જમી બપોરના ફાફડી
થયો સખત ગેસ ને ઉદરમાં પીડા ઊપડી
પીધી ચસચસાવી કૈં કેટલી બીડી સામટી
થયા અરધ રાતના ગજર ને પીડા ના ઘટી

‘તને, ગધની ફાફડી,ખૂટલ,ગોલકીની, ફટ ;
ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ ?
કર્યો અસલમાં દગો, કરજમાં ઉતાર્યો અને
ઉધાર દઈ, ફાફડી ય ફટકારી ખોરી મને’

મનોમન જ બાપુ આમ વદતા પડ્યા છે ભડ
ગ્રહી ઉદરને અહો, ઉભય હાથથી સજ્જડ
વદે : ‘ ભલભલા અમે દુશમનો દીધા ઝાટકે
અરે, સુભટ છું, નહીં ટકર ગેસડું લૈ શકે

કરું અબઘડી ખલાસ [ ઊંહ ] પેટની આંકડી ‘
ભરી તરત બાપુએ જલદ હીંગની ફાકડી

– રમેશ પારેખ

શબ્દોનું selection તો જુઓ !!!!!

Comments (4)

જરૂરી છે ? – કિરણસિંહ ચૌહાણ

નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે ?
તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે ?

મળ્યા, વાતો કરી થોડી, ગમ્યું બંનેનાં હૈયાંને,
હવે એના ઉપર ગઝલો લખી દેવી જરૂરી છે ?

અહીં પણ હાલ તારાથી અલગ ક્યાં છે ? છતાં ખુશ છું.
અહીં પણ છે વ્યથા તો બહુ… બધી સહેવી જરૂરી છે ?

નહીં તો જિંદગીની વારતા આગળ નહીં વધશે,
કરો હાજર, સમસ્યા જેવી હો એવી જરૂરી છે.

નહીં તો શુષ્કતા મળશે, તિરાડો વહોરવી પડશે,
ઉદાસી ભેજ થઈને આંખમાં રહેવી જરૂરી છે.

– કિરણસિંહ ચૌહાણ

વાત-ચીત ચાલતી હોય એ જ અંદાજમાં કવિ સહજતાપૂર્વક મજાની ગઝલ લઈ આવ્યા છે. કવિનો અંદાજ-એ-બયાઁ રોજમરોજની ગૂફ્તેગુને કવિતાની ઊંચાઈ પર લઈ જાય છે.

Comments (9)

ક્ષણો અનેરી – બિપિન મેશિયા

વનવગડાની ક્ષણો ઘણેરી મેં તો મનભર માણી.

ગઠરીમાં સચવાઈ થોડી મારગમાં વેરાઈ,
ઘૂળઢગે ઢબૂરાઈ થોડી ફૂલ બની ફોરાઈ,
યુગયુગથી તરભેટે ઊભી
શાલભંજિકા જોડે થોડી હજુ નથી કરમાણી.

ઊખળી કો ફેલાઈ જેવી સમેટવા સંકેલી,
વંટોળિયે પલાણી જાણે અજાકજા બ્હેકેલી !
ઇયળે આંકી ઓકળિયુંમાં
ડાહીડમરી શાણી થઈ કો ઠામૂકી શરમાણી !

લાગી કો અણજાણી પ્હેરી રાનેરી સન્નાટો ?
ઝરડઝાંખરે થોભી વા કો સાંભળવા સુસવાટો ?
ઝાંઝરના ઝંકારે હેંડી
આખો પલ્લો વીંઝી હેંડી અણુ-અણુ પરમાણી.
વનવગડાની ક્ષણો અનેરી મેં તો મનભર માણી.

– બિપિન મેશિયા

વનવગડામાં ગાળેલી ક્ષણોનો ખજાનો કવિ તળપદી ભાષામાં આપણી સામે ખોલે છે. કેટલીક ક્ષણો યાદદાસ્તમાં સચવાઈ રહી છે, કેટલીક નહીં. કેટલીક મઘમઘી રહી છે પણ કરમાઈ એકે નથી. જો કે અણુ-અણુને પ્રમાણે એવા વનવગડા અને એવા પ્રમાણનાર પણ હવે ક્યાં બચ્યા જ છે?

Comments (1)