ચાર-પાંચ – અલ્પેશ ‘પાગલ’
એકાદ-બે ડૂમા અને ડૂસકાં પડ્યાં છે ચાર-પાંચ,
તેં ના કહેલી વાતના પડઘા પડ્યા છે ચાર-પાંચ.
એ હસ્તરેખા જાણનારા ખાનગીમાં કહું તને,
ખિસ્સામાં મારા ભાગ્યના તારા પડ્યા છે ચાર-પાંચ.
એકાદ ભીની યાદ કૈં તડપાવવા ઓછી હતી,
પાછાં સ્મરણ વરસાદમાં ન્હાવા પડ્યાં છે ચાર-પાંચ.
તેં સાવ સાચું કહી દીધું કો’ની શરમ રાખી નહીં,
મારા ‘ઇગો’ પર જોઈ લે ગોબા પડ્યા છે ચાર-પાંચ.
હું ગ્યા જનમમાં એક પંખી હઈશ લાગે છે મને,
મારા ગળામાં આજ પણ ટહુકા પડ્યા છે ચાર-પાંચ.
મારી દલીલો તો બધી ખૂટી પડી, હારી ગયો,
ને એમની પાસે હજી મુદ્દા પડ્યા છે ચાર-પાંચ.
એક જ હતી બસ ભૂલ ને એક જ સજા એની હતી,
‘પાગલ’ જગતને કારણો ધરવાં પડ્યા છે ચાર-પાંચ.
– અલ્પેશ ‘પાગલ’