ગઝલ – અલ્પેશ પાગલ
આ જે બધું આગળ જતા દિવાનગી થઈ જાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
ને બોલકા એકાંતમાં પણ મન મૂકી ચર્ચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
આવે જો એ સામે તો એને ઓળખી પણ ના શકું હું, તે છતાં એ યાદ છે ને હુંય એને યાદ છું ,
એક ખાસ ચહેરામાં હજુ પણ આવીને અટવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
અહિંયા મહોબ્બત જેવું મારા દોસ્ત કૈ હોતું નથી, ને કોઈ પોતાની કોઈ ઇચ્છા વગર રોતું નથી,
બોલો જગત મધ્યે બજારોમાં બધું વેચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
અહીં તરજુમો પણ લાગણીનો હોય છે કેવો સરસ, જો એ સમજવું હોય તો ગઝલો વચાળે આવ મળ,
આ શાયરીમાં આવીને સાવ જ સહજ સચવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
સહેલી જ લાગે વાત એ પણ સાવ સહેલી તો નથી, એ શીખવે છે જાતને આ કમનસીબી આપણી,
‘પાગલ’ની અંદર કેટલા યુદ્ધો હજી ખેલાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
– અલ્પેશ ‘પાગલ’
(અલ્પેશ પી. પાઠક)
લાંબી રદીફની અને લાંબી બહેરની સરસ ગઝલ… દુઃખની નાડ સુધી પહોંચવાની કોશિશ. ભગવાન બુદ્ધે કહ્યું હતું કે અપેક્ષા એ દરેક દુઃખનું કારણ હોય છે. આ રદીફને ઊલટી વાંચીએ તો ? એક ‘હું’… હોવાપણું… હોવાનો અહમ્… ‘હું’ના હોવાપણાંના કારણે ઊપજતાં વળગણ… વળગણ પછી પલોટાય ઈચ્છામાં અને ઈચ્છા બને કારણ પીડાનું…
P Shah said,
June 4, 2009 @ 4:50 AM
ને બોલકા એકાંતમાં પણ મન મૂકી ચર્ચાય એ શું ?……
અલ્પેશભાઈની લાંબેી બહેરની ખૂબ જ સુંદર ગઝલ !
preetam lakhlani said,
June 4, 2009 @ 7:06 AM
પ્રિય વિવેક ભાઈ, ધણી વ્યકતિ લાંબી હોય પણ ઉચી ન હોય શકે, લાબી અને ઉચી મા આ ફરક છે. વાત અહિયા આ રાજકોટના કવિની ગઝલ વિશે આટલુ જ કહીશ કે આ મોટી બહેરની સરસ ગઝલ ફકત લાબી નથી પણ ઉચી છે…લાબી/ઉચી બહેરનો પ્રયોગ ગુજરાતી ગઝલમાં આ પહેલા જવાહ્ર્ર બશીએ કરેલ છે, ફના અને પાગલની ગઝલ આવકારને પાત્ર છે.
sunil shah said,
June 4, 2009 @ 10:02 AM
અલ્પેશભાઈએ લાગણીનો તરજુમો શબ્દથી સરસ રીતે કર્યો છે…અભિનંદન.
Dhaval said,
June 4, 2009 @ 3:40 PM
રદીફની પસંદગી પર આફરીન !
urvashi parekh said,
June 4, 2009 @ 4:50 PM
ભાવના અને લગણી ઓ, મુંઝવણ અને મન માં ચાલતી ગડમથલ ને સરસ શબ્દો માં મુકી શક્યા
છે.લાગણી નો તરજુમો ગઝલ માં સરસ રિતે મુકી શક્યા છે.હુ,અહમ્,
અપેક્ષા,ઇચ્છા અને વળગણ ને પણ સરસ રીતે વણી લિધા છે.
સરસ..
પંચમ શુક્લ said,
June 4, 2009 @ 5:38 PM
લાંબી રદીફની અને લાંબી બહેરની સરસ ગઝલ.
દરેક મિસરાનાં પહેલા અડધિયા જ ક્ર્મવાર વાંચો તોય મઝાની ગઝલ બને છે !!!
pradip sheth said,
June 5, 2009 @ 12:43 AM
અહીં. તરજુમો…લાગણીનો…સુંદર કલ્પન ….
Kirtikant Purohit said,
June 5, 2009 @ 6:57 AM
રાજકોટના આ કવિને તેના સંયુક્ત સંગ્રહનુ (જીગર જોશી સાથેના) મારે વિમોચન કરવાનુ આવ્યું ત્યારે મુલાકાત થઇ.અનેક શારિરીક વિડંબનાઓ સામે લડી ગઝલ આરાધતા આ કવિ પ્રત્યે નતમસ્તક થઇ જવાયું.
ખુદ્દાર વ્યક્તિત્વ અને સુંદર રચનાઓ દ્વારા અભિવ્યક્ત થતા આ યુવાનને અભિનંદન આપતાં આનંદ અનુભવું છું.
ભલભલાને દુસાધ્ય એવી લાંબી ગઝલને પણ એ સરસ આલેખી શકે છે તે આપણે ઉપર જોયું.આ કવિનું ભાવિ ઉજ્જવલ છે.સંવેદના અને શબ્દનું સુંદર સંયોજન.
sudhir patel said,
June 5, 2009 @ 7:28 PM
લાંબી બહરને સારી રીતે નિભાવતી ઉમદા ગઝલ!
સુધીર પટેલ.