ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

એકબે – રમેશ પારેખ

અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે

ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’

પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એકબે

ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એકબે

‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી ને કલરવમાં પલળી ગયેલો રમેશ :’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું જોઉં (છબીમાં) હરણ એકબે

મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે

– રમેશ પારેખ

મત્લાના શેરની બીજી લીટી વાંચીને હું તો ધન્ય થઇ ગયો……વાત કડવી છે પણ સો ટકા સાચી છે…..

7 Comments »

  1. narendrasinh said,

    January 27, 2014 @ 3:04 AM

    અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
    હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે
    બહુ સુન્દર ગઝ્લ્

  2. vipul said,

    January 27, 2014 @ 7:08 AM

    એકદમ અસ્સલ રમેશ પારેખ …કોઈ વિકલ્પ નથી

  3. ધવલ said,

    January 27, 2014 @ 11:57 AM

    ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
    મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’

    મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
    મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે

    – વાહ !

  4. perpoto said,

    January 27, 2014 @ 10:24 PM

    ખેલો રાતનો
    મને સ્વપ્નો ગમે છે
    સાચો કે જુઠો

  5. વિવેક said,

    January 28, 2014 @ 12:12 AM

    આખી ગઝલ જ અદભુત…

  6. La' Kant said,

    February 15, 2014 @ 7:02 AM

    “હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે”
    એમાંથ્ઈ એક ‘હું’ ! ને બિજો “રમેશ”
    -લા’કાંત / ૧૫.૨.૧૪

  7. Vaishali Pawar said,

    March 14, 2014 @ 8:22 AM

    Very nice poem

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment